Get The App

ગબ્બર : ભારતીય સિનેમાનો ઓરિજીનલ 'જોકર'!

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ગબ્બર : ભારતીય સિનેમાનો ઓરિજીનલ 'જોકર'! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- 'શોલે' ફિલ્મની વિરાસતમાં સૌથી મોટો ખજાનો છે - આપણે ત્યાં કાયમ માટે બદલાયેલા ખલનાયકનું ચરિત્રલેખન!

ગ બ્બરસિંહજી 'સાદું જીવન ઉચ્ચ વિચાર'ના ગાંધીજીને શરમાવે એવા અનુયાયી હતા ! જુઓ એકના એક જૂના કપડાં પહેરતા હતા. મેલા કે ફાટેલા હોય તો પણ એક જ પહેરવેશ. રંગોનો પણ શોખ નહિ. એક જ ઓલિવ ગ્રીન-ખાખી જેવો કલર, એ પણ શિસ્તબદ્ધ આર્મીનો. દાઢી-વાળ પણ સરખા રાખવાના નહિ, દાંત પણ કાળા પડેલા પણ લોકોને શું લાગશે એની ચિંતા નહિ ! સોનું ચરણોમાં પથરાતું હોય, રૂપિયાની રેલમછેલ થતી હોય પણ પોતાના મોજશોખમાં વાપરવાના નહિ. ભોગવિલાસમાં એમનું ચિત્ત ચોંટે નહિ. ધન કમાય રામગઢનું તો પણ પહાડોમાં ખાનાબદોશ જિંદગી જ જીવે. સારી મુલાયમ પથારી કે મોટું વેલ ફર્નિશ્ડ ઘર એવો કશો મોહ નહિ. પથ્થર પર જ સૂઈ જાય, ને બીહડના ઝાડીઝાંખરે મસ્તફકીર થઈને નિવાસ કરે એવા તેઓશ્રી અલગારી ઓલિયા હતા.

એમની તો હિંસા પણ કર્મપ્રધાન હતી. કરૂણાવાન એવા કે ઠાકુરનું ગળું કાપવાને બદલે માત્ર હાથ જ કાપ્યા ! કાલિયા ઈત્યાદિને સોંપેલું કર્મ ના કરવા બદલ સજા કરવાની આવે, તો પણ પોતાના ઉપર એનું બંધન લેવાને બદલે, એ મૃત્યુ નિયતિ પર સોંપીને રશિયન ફલેટ કહેવાતી રમત રમે રિવોલ્વરમાં ઓછી કારતૂસ નાખીને ફેરવીને ! મૂળ તો અનુશાસન એમને પ્રિય. એનો ભંગ થાય એ બિલકુલ ચલાવી ન લે. વચ્ચે વચ્ચે 'જો ડર ગયા, સમજો મર ગયા' જેવા સુવાક્યો જનહિતાર્થે બોલતા રહે બસ!

ભિક્ષુ જેવું જીવન જીવતા ગબ્બરસિંહજી સમાજસેવા માટે પચાસ પચાસ કોસ સુધી વગર હાલરડે નાના બાળકોને ઉંઘાડી દેવાના સત્કાર્યો પણ કરતા હતા, ને દવાઓનો ખર્ચ બચાવવાના બદલામાં કશું લેતા નહોતા. જોડે રહેલા સાથીઓને પણ પોતાની જેમ 'લેસ ઈઝ મોર' સમજી મિનિલિસ્ટ જીવનનો પાઠ અનુસરવા માટે આગ્રહ કરતા. સાંભા જેવા એમના પંથે ચાલનારા અંતેવાસી પણ નિર્લેપભાવે હોંકારો આપવા સિવાય અન્ય તૃષ્ણાનો ત્યાગ કરી ચૂકેલા. છતાં એમનામાં વિનોદવૃત્તિ હતી. વારંવાર સ્મિત ફરકાવતા અને કોઈને મારતા પહેલા પણ હસતા અને હસાવતા, જેથી દર્દ ઓછું થાય. એમની સંશોધનવૃત્તિ પણ વિજ્ઞાની જેવી હતી. તંદુરસ્ત તબિયત માટે ભારતમાં મહિલાઓ કુપોષણનો શિકાર બનીને અકાળે માંદી પડતી હોય, ત્યારે એ કઈ ચક્કીનો આટો ખાવાથી કેમિકલયુક્ત કોસ્મેટિક્સ વિના પણ સ્વસ્થસુંદર રહી શકાય એ જાણવાના જિજ્ઞાસુ રહેતા.

આમ પણ એમનામાં નારી સન્માનની ભાવના હતી. બસંતીના અપહરણ પછી પણ કેવળ નૃત્ય જોવાની જ કામના એમણે કરેલી. બીજી કોઈ હરકત નહિ. ડાકુઓના જીવનમાં પણ કળા પ્રત્યે સમર્પિત રહીને મહેબૂબા ઓ મહેબૂબા જેવા નૃત્યો જોવા જઈ ચડતા. પુરું શિક્ષણ ના મળ્યું હોવા છતાં પણ જે પકડાય એને સવાલો પૂછ્યા કરતા અને એમની કસોટી લેતા. એમનો આત્મા એક શિસ્તપ્રિય શિક્ષકનો હતો, એટલે જ કાનૂનના ન્યાયમાં સુધાર માટે અવિચળ રહેતા !

ઓકે સોરી, બટ હીહીહી. આ જાણીતા જોકનું જરા વધારેલું સંસ્કરણ છે. તર્કથી કેવું કેવું સિદ્ધ કરી શકાય એના ઉદાહરણમાં કામ લાગે એમ છે, વોટસેપ યુનિ.ના ફેંકોબાજીવાળા પોલિટિકલ પપેટ બનતા પોપટોને ! પણ મુદ્દો એ છે કે આખી જનરેશન બે વાર ફરી ગઈ હોવા છતાં ગબ્બરસિંહ પોપ્યુલર કલ્ચરનો એવો હિસ્સો છે કે અમૂલની જાહેરાતોમાં એનું કેરિકેચર આવે, એના ફિલ્મમાં ના દેખાતા બાપ હરિસિંહનું પણ નામ કવીઝના રસિયાઓને યાદ રહી જાય, એના નામના આવા નવતર જોક બન્યા કરે! ગબ્બર ઈઝ બેક જેવી ફિલ્મો પણ બને!

ગબ્બરે કાયમ માટે વિલનની વ્યાખ્યા ફેરવી નાખી ! સાયકો વિલન ભારતની ફિલ્મો જ નહિ, સમાજમાં પણ સાવ નવો હતો, નોખો હતો!

***

''એક આર્મી ઓફિસરના પરિવારની એણે સજા કરાવેલ ઝનૂની ક્રૂર ભૂતપૂર્વ સૈનિક હત્યા કરે છે. સિદ્ધાંતનિષ્ઠ આર્મી ઓફિસર કોર્ટ માર્શલ થયેલા બે આવારા બેફિકરા ગણાતા બે જુનિયર ઓફિસરને રિટાયર્ડ થઈને વેરના મિશનમાં સાથે જોડે છે !''

'શોલે' ફિલ્મ બની એ પહેલા આ ચાર લીટીનો સ્ટોરી આઇડિયા સલીમ-જાવેદ પાસે હતો. (જેને સુભાષ ધાઈએ કર્મા માટે ડેવલપ કર્યો ને એ પણ બ્લોકબસ્ટર રહી !) મૂળે જીતેન્દ્ર-મુમતાઝને લઈને 'રૂપ તેરા મસ્તાના' ફિલ્મ બનાવનાર પ્રોડયુસર બલદેવ પુષ્કર્ણાને મનમોહન દેસાઈને ડાયરેક્ટર તરીકે લઈ એક ફિલ્મ બનાવવી હતી, ને આ સ્ટોરી આઈડિયા વીસ હજાર રૂપિયામાં સલીમ જાવેદ વેચવા તૈયાર હતા. પછી સ્ક્રીનપ્લે ડાયલોગ બીજાઓ ભલે લખે. પણ મનમોહન દેસાઈને આમાં એન્ટરટેઈનમેન્ટ ના લાગ્યું. પ્રકાશ મહેરાએ આ વાર્તાને 'ગામડાની' કહીને જવા દીધી. અંતે 'અંદાઝ' અને 'સીતા ઔર ગીતા' (જેમાં ક્રેડિટ ઈસ્યૂ થયેલા)વાળા રમેશ સિપ્પી પાસે ફરી સલીમ જાવેદ ગયા, ત્યારે એમને એ સમયે હોલીવૂડમાં ધૂમ મચાવતી 'વેસ્ટર્ન કાઉબોય' ટાઇપ ફિલ્મ બનાવવી હતી. પપ્પા જી.પી. સિપ્પી પ્રોડયુસર હતા અને જવાન રમેશ સિપ્પીને હિન્દી ફિલ્મોના જૂના ટ્રેન્ડને ખતમ કરે એવી નવીન ડાકુવાળી ફિલ્મ બનાવવી હતી. ઘોડા ને પાઘડીવાળા મોટી મૂછોવાળા ડાકુથી અલાયદી ! દોઢ લાખમાં એમણે વાર્તા ખરીદી ને ડેવલપ કરવા બેઉ લેખકોને એમની નાની ઓફિસમાં પંદર દિવસ બેસાડયા!

સલીમ-જાવેદ લેખક તરીકે આજે પણ કોઈ એમની નજીક નથી આવી શક્યું એવી સકસેસફુલ બ્રાન્ડ બન્યા, એનું એક કારણ એ કે ત્યારે બધા ઉર્દુ ને હિન્દી એવું સ્થાનિક સાહિત્ય જ વાંચતા એમાં બેઉનું અંગ્રેજી વાચન બહોળું. ગ્લોબલ પલ્પ ફિકશનનો શોખ એમની દોસ્તીમાં પણ કોમન ફેક્ટર હતો. આપણા સાહિત્યના ખલનાયકો પણ પ્રાચીન મૂલ્યોથી પ્રેરિત એવા રહેતા. કુટિલ ખરા પણ બાજીઓ બિછાવે, લુચ્ચાઈથી દગો કરે, કોઈ અન્યાય થયો હોય એને લીધે માનસિકતા બદલાય, મિલકત કે પ્રસિદ્ધિની ભૂખ હોય, કોઈ સૌંદર્યને ભોગવવાની વાસના હોય એવા ચરિત્રો. લાલા, જમીનદાર જેવા કે ફોરેન જઈને 'બગડી' ગયેલા પાર્ટીપ્રેમીઓ કે પછી જેમ્સ બોન્ડ મૂવીટાઇપ 'અડ્ડા' બનાવી દુનિયા મુઠ્ઠીમાં કરવા માંગતા એજેન્ડાખોર મહત્વાકાંક્ષીઓ કે પરિવારમાં ફૂટ પડાવતા ભાઈઓ... પ્રાણથી પ્રેમ ચોપરા આવા પાત્રો ભજવતા.

સલીમ-જાવેદ ઈન્ટરનેશનલ સિનેમા સમજતા, ખૂબ નવું વાંચતા એટલે પશ્ચિમમાં કોમિક્સથી પણ કેવો બદલાવ વિલનના કેરકેટરમાં આવ્યો છે, એની એમને ખબર હતી. એટલે જ કદાચ એમનો ગબ્બર 'વેસ્ટર્ન' ફિલ્મ જેવી શોલેનો નોટ સો ટિપિકલ ઈન્ડિયન એવો ડાકુ હતો. શોલે ટાઇપ રિવેન્જ ડ્રામાની કહાનીમાં સૌથી અગત્યનો ભાગ છે વિલન. રેમી મલિક જેવા અદાકારને બોન્ડ ફિલ્મનો વિલન બતાવવામાં આખી ફ્રેન્ચાઇઝી ડૂબી જાય, અને થેનોસ જેવા એકે હજારા વિલનના જોરે એવેન્જર્સ જગતની સૌથી મોટી કમાણી કરતી ફિલ્મ બની જાય ! રામની મહાનતા નીચે ઘાટી લીટી કરવા માટે રાવણ પણ વિરાટ અને ભયંકર ચીતરવો પડે. સર્જક માટેના શાસ્ત્રનો આ અફર સિદ્ધાંત છે. મૂઢમતિઓ ગ્લોરિફિકેશન ઓફ વિલનની કાખલીઓ કૂટયા કરે, પણ હકીકત એ છે કે કોઈ પણ યાદગાર નવલકથા કે ફિલ્મ (એકશન, રિવેન્જ ડ્રામા જોનરની)માં નાયક મજબૂત હોય એનાથી કૃતિ ચાલે નહિ, ખલનાયક પણ સ્ટ્રોંગ ને પ્રભાવી છાપ છોડતો ઘડવો પડે! જાતે જ યાદી મનોમન બનાવી લો.

તો શોલે રિલીઝ થઈ એ પહેલા એ જ સેવન સમુરાઈ, હાઉ ધ વેસ્ટ વોઝ વોન પર ત્રણ ફિલ્મો આવી ગઈ હતી. જેમાં અમજદખાનના પિતા જયંત શોલેના ઠાકુરવાળા રોલમાં હતા એ 'મેરા ગાંવ મેરા દેશ'થી સ્ટ્રોંગ વિલન ડાકુ જબ્બરસિંહ રૂપે હેન્ડસમ વિનોદખન્નાની નોંધ લેવાઈ. ખોટે સિક્કેમાં વિલન અજીત હતો અને પ્રોડયુસર જોગીન્દર (જેણે સિપ્પી ફિલ્મી પર આઇડિયા ચોરીનો કેસ કરેલો, પણ એનો આઇડિયા જ ચોરેલો હોઈ ટક્યો નહિ !)ની કિરણકુમારવાળી 'બિંદિયા ઔર બંદૂક' જેમાં નાલાયક ડાકુ 'રંગા ખુશ' બોલતો એ ભૂમિકા 'માસ્ટર ઓફ હેમ સીન્સ' જોગીન્દરે ભજવેલી !

જગજાહેર વાત છે કે શોલેમાં ગબ્બરનું પાત્ર એવું જડબેસલાક લખાયેલું કે તાજેતાજો સ્ટાર બનેલો અમિતાભ પણ હીરોની ઇમેજ છોડી એ ભજવવા માંગતો હતો. આપણા ગુજરાતી સંજીવકુમારે પણ એ પાત્ર માંગેલું. અમિતાભે તો રામગોપાલ વર્મા કી આગમાં એ ભજવ્યું પણ ખરું. પણ એના દોસ્ત રહેલા અમજદ સામે એ ફિક્કું લાગ્યું (અમજદને મરતા પહેલા અમિતાભ સાથે લંબાઈ- ચૌડાઈ નામની કોમેડી સસ્પેન્સ ફિલ્મ લોરલ હાર્ડીની તર્જ પર બનાવવી હતી!) મૂળ તો ડેની ભજવવાનો હતો એ, પણ 'ધર્માત્મા' માટે ફિરોઝ ખાન સાથે અફઘાનિસ્તાન જવા માટે એ રોલ એણે છોડયો !

જાવેદને પોતાને જેના સીન લખવામાં વધુ મજા આવેલી એ ગબ્બરનું કાસ્ટિંગ સલીમે કરાવ્યું. દિલ્હીમાં 'એ મેરે વતન કે લોગો' નાટક યૂથ ફેસ્ટિવલમાં અમજદખાને ભજવેલું એ જાવેદ અખ્તરે જોયેલું અને એ ભલામણ પર બાન્દ્રા મળી ગયેલા અમજદખાનને સલીમ ખાને ગબ્બર માટે સિપ્પી ફિલ્મ્સની ઓફિસે જવા જણાવેલુ. અમજદખાનનો અવાજ એમને ગબ્બર પાત્ર કરતા અલગ 

(ને ઓછો ઘેરો) લાગેલો. પણ આજે એ અવાજ જ આગવી પહેચાન બની ગયો!

અને જે ફિલ્મની રિલિઝ બાદ 'ટ્રેડ ગાઇડ' (તરુણ આદર્શ જાણીતા થયા પછીથી એ મેગેઝિન)ના સૂચન મુજબ અમિતાભ મરતો હોય એ એન્ડ બદલાવતું રિશૂટ કરવા રમેશ સિપ્પી રેડી થયા, કારણ કે ત્યારે કરોડોના ખર્ચે સૌથી મોંઘી બનેલી ફિલ્મ બેસી જાય, એવું લાગેલું પણ સલીમ-જાવેદે કોન્ફિડન્સથી એમને રોક્યા હતા, એ શોલેની જાહેરાત મુજબ 'ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ' જેવી બની રહી ને ફુગાવાના આંકડા એડજસ્ત કરો તો પુષ્પા કરતા વધુ કમાણી ગણાય આજે પણ, એનાં મોગેમ્બોથી ડો. ડેંગ અને મહારાનીથી જગીરા બધાના સોર્સ ફાઇલ જેવા ગ્રેટેસ્ટ વિલનનો પડદા પર જન્મ થયો : ગબ્બર !

***

ગબ્બરનો પોતાનો એક ટેરર હતો, ને હોરર ફિલ્મ જેમ એ એક નાઇટમેર હતો. વર્ષો બાદ જેક નિકોલ્સન અને હીથ લેંજરે બેટમેનના બે વર્ઝનમાં જોકર જીવતો પડદા પર કર્યો એ પહેલા ૫૦ વર્ષ અગાઉ ૧૯૭૫માં ગબ્બરસિંહ શોલેમાં આવેલો. ક્રિસ્ટોફર નોલાનનો 'જોકર' હોલીવૂડમાં આવેલા તમામ વિલનમાં સર્વકાલીન શ્રેષ્ઠ ગણાય છે. જોકર ભજવનાર હીથ લેંજર અને ગબ્બર ભજવનાર અમજદખાન બેઉ આ દુનિયામાં નથી. પણ બેઉ પાત્રો વચ્ચે સૌથી મોટું સામ્ય એ છે કે બેઉ અનપ્રેડિક્ટેબલ હતા !

જી હા,સાઇકિક ટાઇપના માણસો તો ઘરના મેમ્બર હોય તો પણ લોકો એમની જોડે વાત કરવામાં ડરે. એમનું ક્યારે છટકે એનો ભરોસો નહિ. ગુસ્સો ગમે ત્યારે આવે ને પછી કંટ્રોલ ન થાય તો શું ભાંગફોડ કરે કે બ્રેક વગર બોલે એનું ઠેકાણું નહિ. હવે હિંસાના હથિયારો ને તકો કોઈ મિત્ર કે પરિવાર વગરના (અર્થાત્ જેના પર કોઈનું દબાણ પ્રેમવશ ન ચાલે એવા નિરંકુશ, વિધાઉટ કંટ્રોલ) માણસ પાસે હોય તો એ કેવો ડેન્જરસ લાગે ? ગબ્બર ને જોકર બેઉ એવા ટોળી જમાવી ફરતા તદ્દન એકલા સાયકો વિલન છે. જે ફક્ત હિંસક ને ક્રૂર નથી, પણ તોફાની છે. એજન્ટ ઓફ કેઓસ ટાઇપ. જેમના ચહેરા પર કુટિલ અને કાતિલ સ્મિત રમતું હોય અને જે હસતા હસતા રમત રમતમાં ક્યારે કોને મારી નાખે એ કહેવાય નહિ એવા. જેમનામાં કોઈ દયામાયાનો ભાવ નથી. બાળકો, સ્ત્રીઓ, નિર્દોષો કોઈ પણ હોય, હાથ પરના મંકોડાની જેમ એ કોઈ પણને ગમે ત્યારે મારે એવા સેડિસ્ટ છે. સેડિસ્ટ યાને પરપીડક.

 બીજાને તકલીફ દેવામાં વિકૃત પિશાચી આનંદ અનુભવતા. ઇન્ટરનેટિયા ટ્રોલિયાટપોરી જેવા મેન્ટલ કેસ.

મોનસ્ટર ગબ્બરનો લૂક પણ એ જમાના માટે સાવ અલગ હતો. ચહેરા પર જ જખ્મો દેખાય, જે એના આત્મા પર પડયા હોય એવું લાગે વાળ જેવા લઘરવઘર જ એના વિચારો લાગે. ખુલ્લા બટનમાંથી દેખાતી છાતી પરના માદળિયાની કોઈ આમન્યા એનામાં લાગે નહિ, ઉલટું એને લીધે એ અપરાજીત, ઇન્વિન્સિલબલ લાગે. ડસ્ટી રસ્ટિક આઉટફિટ્સ ધૂળિયા કપડાં ને ગરમીનો પસીનો એની ટફનેસની ગવાહી આપી ખૌફમાં વધારો કરે. એમાં ઉમેરાય દાઢી અને ઉંઘરેટી લાગે એવી આંખો સાથે તમાકુ ખાઈને કાળા પડી ગયેલા દાંત !

આ લૂક જ બિહામણો હતો કોઈ રામસેના હોરર માસ્ક વિના પણ. જનોઈની જેમ કારતૂસનો લટકતો હારડો ને પિસ્તોલ એ ગમે તે પળે જીવ લઈ લે, એની ચેતવણી સમાન હતા. ડર્ટી લૂક થોડોક ગૂરિલા લીડર ચે ગુએરા (આર્જેન્ટીના) જેવો લાગે !

પણ દિમાગ જેનો લૂક જેલર અસરાનીને આપેલો એવા હિટલરનું લાગે ! ગમે ત્યારે ગમે તે મનમર્જીયા મુજબ કરી નાખે તેવો. એની ખડક પરના જૂતાના અવાજવાળી એન્ટ્રીથી એ ધ્યાન ખેંચી લેતો હતો. એમાં ય જેની મ્યુઝિક કરતા ડાયલોગની કેસેટ્સ અને રેકોર્ડસ વધુ વેચાઈ હતી, એ શોલેમાં સલીમ જાવેદે એને ટૂંકા સંવાદો વચ્ચે 'હવે શું થશે ?'ની ગભરામણ ઉભી કરતી ખામોશી આપેલી. એટલે એ બીજી કોઈ લાંબી લવારી ક્રોધમાં કરવાને બદલે તબકડામાં તવેથો હલતો હોય એવા અવાજે ભાર દઈને પૂછે ફક્ત 'કિતને આદમી થે ?' ને સાથીઓ જમ ભાળ્યો હોય એમ થથરી જાય !

ફિલ્મ વિવેચક રાજા સેને નોંધેલું એમ ગબ્બર (અને જોકર પણ) વધુ ખતરનાક એટલે લાગે છે કે ધે કેન પ્લે વિથ ધેર ફૂડ. શોલેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરતા વધુ બેકગ્રાઉન્ડ સાઉન્ડ છે. ગબ્બરનો કોતરોમાં પડઘાતો અવાજ હાડ થીજાવી દે ને એની આળસુ લેઝીક્રેઝી સ્ટાઇલ પણ વધુ થ્રેટ હતી કે વાયોલન્સ એના માટે એજન્ડા નહિ, પણ એક રમકડા જેવી ઘટના હતી. હી વોઝ પ્લેઇંગ વિથ ઇટ. એના નખ ઘસતો હોય ને માંસ શેકતો હોય એવા અન્કન્વેન્શલ સીન્સ વચ્ચે એ હસે ત્યારે બીક લાગતી કારણ કે એ બીજાને પરેશાન કરવામાં મજા અનુભવતો હતો ! ગબ્બરની કોઈ બેકસ્ટોરી નથી એ પોતાના શેતાન હોવા બાબતે કોઈ કારણ, ખુલાસા, જસ્ટીફીકેશન આપતો નથી એને કોઈની તાળીઓ કે એપ્રુવલ નથી જોઈતી. ને એને નફરત કોણ કરશે એની પણ ચિંતા નથી ! બસ, એને પોતાના પશુ જેવા ઇન્સ્ટિંક્ટ મુજબ થતા તમાશામાં રસ છે, બધું જ ખેદાનમેદાન કરવામાં પોતે ખતમ થાય એની એને પરવા નથી, કોઈ ત્રાસવાદીની જેમ ! કદાચ સાયલન્સ પછી વાયોલન્સ ક્યારે આવશે એ લેખકોને પણ ખબર ન હોય એમ આ પાત્ર રચાયું અને એવી જ રીતે ભજવાયું !

ગબ્બર પછી હિન્દી ફિલ્મોના વિલનોનું 'કેરેક્ટર' જ ફરી ગયું. અમરીશ પુરીથી અનુપમ ખેર, ડેનીથી અજીત, ગુલશન ગ્રોવરથી શક્તિ કપૂર, સદાશિવ અમરાપુરકરથી પ્રશાંત નારાયણ... કંઈક એક્ટરોને મોકો મળ્યો. શૂલના સયાજી શિંદેથી લઈને અક્સના મનોજ બાજપેયી જેવા કંઈક ગબ્બરના પિંડમાંથી ઘડાયેલા ખલનાયકો આવ્યા.

આજે તો પહેલા જેવા હીરોઝ નથી રહ્યા, તો વિલન પણ ક્યાં છે !

ફાસ્ટ ફોરવર્ડ

'શોલે' એટલે આટલી મોટી હિટ થયેલી કે એમાં જયા બચ્ચનને મૌન રાખવામાં આવી હતી ! (ફન ફોરવર્ડિયું)