Get The App

સ્લીપ ડેપ્રિવેશન : દુનિયાભરમાં ફેલાયેલી સાઈલન્ટ મહામારી!

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સ્લીપ ડેપ્રિવેશન : દુનિયાભરમાં ફેલાયેલી સાઈલન્ટ મહામારી! 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- નવા સંશોધનમાં જણાયું કે આખી દુનિયામાં સરેરાશ ઊંઘ ઝડપભેર ઘટી ગઈ છે. તેનાથી લાઈફસ્ટાઈલ ડિસીસનું જોખમ અનેક ગણું વધી ગયું છે. નવા જમાનાની સૌથી મોટી સમસ્યા છે અપૂરતી ઊંઘ...

સુ ખ-સુવિધા સાથે બોલાતો શબ્દ છે, પરંતુ ખરી રીતે જોતાં સુખ અને સુવિધા બંને તદ્ન જુદી બાબત છે. ૨૧મી સદી સુવિધાની સદી છે. સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થયો તેનાથી માનવજીવન સરળ બન્યું છે. ક્વિકનો જમાનો છે. આંખના પલકારામાં બધું ન થાય તો માણસ અકળાઈ જાય છે. ઓનલાઈન થયેલો ઓર્ડર ૧૫ મિનિટમાં ન પહોંચે તો એ લેટ ગણાય છે. ઓનલાઈન બૂક કરેલી રાઈડ પહોંચવામાં પાંચ મિનિટથી વધારે સમય લે તો યુઝર્સ એની કમ્પ્લેઈન કરી દે છે. અપલોડ-ડાઉનલોડની ઝડપ ન હોય તો યુઝર્સ નેટવર્ક પ્રોવાઈડર કંપની ચેન્જ કરી નાખે છે - પછીય ઉકેલ ન આવે તો ડિવાઈસ બદલી નાખે છે.

એટલો દોડતો-ભાગતો જમાનો છે કે કોઈને વેઈટ કરવાનું પરવડે તેમ નથી. બધાને કોઈને કોઈથી આગળ નીકળી જવું છે. આગળ વધવું એ જાણે ૨૧મી સદીનો એકમાત્ર હેતુ બની ગયો છે. આવા ઝડપી સમયમાં ડગલે ને પગલે માણસનો સમય બચાવતી સુવિધા ઉમેરાતી રહે છે. બધું ઓટોમેશન મોડમાં આવી ગયું છે. ઓટો ક્લીનિંગ... ઓટો પ્રોસેસિંગ... ઓટો સ્ટોરેજ...

૨૧મી સદીના માનવીને એટલી સુવિધા મળે છે, જેટલી કદાચ ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાંના રાજા-મહારાજનેય મળતી ન હતી. બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો સૌથી પહેલી વાત સુવિધાની આવે છે, પણ સુવિધા આવી જવાથી સુખ આવી જશે એમ કહી શકાય નહીં. અને એટલે જ ૨૧મી સદીના માણસ પાસે સુવિધા તો અપાર છે, સુખના સરનામા ઓછા થતાં જાય છે. એવું જ ઓછું થયેલું સુખ એટલે નિરાંતની ઊંઘ.

***

૨૧મી સદી માનવજાત માટે અજંપો લઈને આવી છે. આપણે સુખના ભોગે સુવિધા મેળવી છે અને તેની આડઅસરો હવે દેખાવા માંડી છે. સુવિધા વધતા લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. બદલાતી આબોહવા, શહેરીકરણ, ઓદ્યૌગિકીકરણ, લાઈફસ્ટાઈલમાં આમૂલ પરિવર્તન વગેરેના કારણે ૨૦મી સદીના ઉતરાર્ધમાં જ માણસની સરેરાશ ઊંઘ ઘટી ગઈ હતી. હવે તો થોડાંક દશકાથી ગરમ હવા ફૂંકાય છે. છ-સાત દશકા પહેલાં હવા શીતળ હતી, ઊંઘને અનુરૂપ હતી. હવે હવામાં ગરમાવો ભળ્યો છે, એ ઊંઘને પ્રતિકૂળ બનાવે છે. વળી, મધરાતે પણ ચારેબાજુ ઝળહળાટ રહે છે. મેગા સિટીઝમાં રાત હવે રાત જેવી લાગતી નથી. રાતે એટલું અજવાળું હોય છે એ મોડી ઊંઘ પાછળ મહત્ત્વનું પરિબળ છે.

આપણી આસપાસ વધેલો ઘોંઘાટ ગાઢ ઊંઘને ખલેલ પહોંચાડે છે. વાહનોનો ઘોંઘાટ મોડી રાત સુધી શહેરોને શાંતિ લેવા દેતો નથી. એસી-પંખા જેવા ડિવાઈસ અને શહેરોમાં મધરાત સુધી ચાલતા ક્લીનિંગ મશીનોનો કર્કશ અવાજ ઘોંઘાટમાં સતત વધારો કરે છે. તેની સીધી અસર ઊંઘ પર પડે છે. પરિણામે ઊંઘના કલાકો ઝડપભેર ઘટી ગયા છે.

૧૯૪૦માં માનવજાતની સરેરાશ ઊંઘ આઠ કલાક હતી. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં ઝડપભેર પરિવર્તન આવ્યું. સિનેમા, ટેલિવિઝન જેવા મનોરંજનના માધ્યમો વિકસ્યા. લોકોની એક્ટિવિટી વધી. કમાવાની હોડ વધી. અવનવી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી, જેણે જીવનશૈલીમાં મોટું પરિવર્તન લાવ્યું. ખાણી-પીણીમાં અપાર વૈવિધ્ય આવ્યું. વર્કિંગ કલ્ચર બદલાયું એટલે ય દિનચર્ચા બદલાઈ ગઈ. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર મેટ વૉકરે ઊંઘની બદલાયેલી પેટર્ન પર ઊંડું સંશોધન કર્યું. તેમણે તારણો આપ્યા એ પ્રમાણે પહેલાં મોટાભાગના કામ માત્ર દિવસે જ થતાં. મશીનો રાતે ચાલતા નહીં. પ્લાન્ટ્સ મોસ્ટલી એક જ શિફ્ટમાં ચાલતા. ઓફિસ કલ્ચર પણ એ મુજબનું હતું. આજે મલ્ટિનેશનલ કંપનીઓના ઓપરેશન્સ દુનિયાભરમાં ચાલતા હોય છે અને એમાં જે તે દેશના સમય પ્રમાણે નહીં, પરંતુ કંપનીની જરૂરિયાત પ્રમાણે શિફ્ટ સેટ કરવામાં આવે છે. ભારત જેવા દેશોમાં લાખો કર્મચારીઓ અમેરિકા-યુરોપના ટાઈમઝોન પ્રમાણે આખી રાત કે મધરાત સુધી કામ કરે છે. બે-પાંચ વર્ષ આ રીતે કામ કર્યા પછી તેમની ઊંઘની સાઈકલ સદંતર બદલાઈ જાય છે.

પ્રોફેસર મેટ કહે છે કે અગાઉ રાત્રે સૈનિકોને પહેરો ભરવા સિવાયના કોઈ કાર્યો થતા ન હતાં, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી શિફ્ટ પ્રમાણે કામ થવા લાગ્યું. ઉદ્યોગોનો વિકાસ વધ્યો એટલે આવક વધી, આવક વધી એટલે મનોરંજનના માધ્યમો વિકસ્યા, હરવા-ફરવામાં સમય વધુ જવા લાગ્યો. ઊંઘનું સ્થાન પહેલાં મોકળાશે લીધું અને હવે એ સ્થાન લીધું છે માનસિક તાણે!

***

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન યુનિવર્સિટીના સ્લીપ સાયન્સ સેન્ટરે ૨૧મી સદીમાં બદલાયેલી સ્લીપિંગ પેટર્ન અને તેની શારીરિક-માનસિક અસર અંગે વિગતવાર સંશોધનો કર્યા પછી જે તારણો આપ્યા એ આંખ ઉઘાડનારા છે. ડો. પીટર ઈસ્ટવૂડના કહેવા પ્રમાણે માનવજાતની સરેરાશ ઊંઘ જે છેક ૨૦મી સદીના અંત સુધી સાત કલાક કે એનાથી વધુ હતી એ ઘટીને સાડા છ કલાક થઈ ગઈ છે. દુનિયાના ૬૨ ટકા લોકો કે જેની વય ૧૮ કે એનાથી વધુ છે તેની સરેરાશ ઊંઘ છ કલાક આઠ મિનિટ છે. સતત ઊંઘ ઓછી લેવાના કારણે જગતના ૩૯ ટકા લોકો પર લાઈફસ્ટાઈલ ડિસીસનો ખતરો વધ્યો છે. ઊંઘ સાથે માનસિક-શારીરિક હેલ્થને સીધો સંબંધ છે. અપૂરતી ઊંઘની આ સ્થિતિ યથાવત્ રહેશે તો ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાશે.

અમેરિકન સ્લીપ સાયન્ટિસ્ટ એડમ બેન્જાફીલ્ડે પણ સરેરાશ ઊંઘ, તેની શારીરિક-માનસિક અસરો પર સંશોધન કર્યું છે. તેમના સંશોધનમાં પણ આ જ વાત જરા જુદી રીતે કહે છે - ૨૧મી સદીમાં ઊંઘ ઓછી થવા પાછળ સૌથી મોટું પરિબળ ગેજેટ્સ છે એ હકીકત તો છે જ. આપણી આસપાસ રોશની વધી છે, જે ઊંઘ માટે ખતરનાક છે. સ્માર્ટફોન, લેપટોપ, ટેલિવિઝન વગેરેનો પ્રકાશ આંખમાં ઊંઘને દૂર હડસેલે છે! સાત-આઠ દશકા પહેલાં ઊંઘવાનો સમયગાળો મોડામાં મોડો રાત્રે ૧૦થી ૧૧ વાગ્યાનો હતો એટલે ઊંઘવાનો સમયગાળો લંબાતો હતો. હવે મહાનગરોની લાઈફસ્ટાઈલમાં એ સમય ડીનરનો થઈ ગયો છે. ઊંઘવાનો સમય ૧૨થી ૧ બની ગયો છે. જે સમયગાળો ડીપ સ્લીપનો હતો એ સમય ઊંઘની શરૂઆતનો બની ગયો છે. હજુ તો ગાઢ નિંદ્રા આવે એ પહેલાં સવાર થવા લાગે છે, પરિણામે સવાર ઝડપથી પડી જાય છે. રાતનું તાપમાન નેચરલી જ ઊંઘને અનુરૂપ છે. દિવસનું તાપમાન આપણાં શરીરને જાણ પણ ન થાય એ રીતે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

સ્વિટઝર્લેન્ડના સંશોધક રફાએલ હેઈન્ઝર તો એનાથી ય વધુ ચોંકાવનારું તારણ આપે છે કે અત્યારે ઊંઘના કલાકો ઘટીને છ થયા છે એ તો ખરું, પરંતુ ચિંતાજનક બાબત તો એ છે કે આગામી ત્રણ દશકામાં સરેરાશ ઊંઘ માત્ર પાંચ કલાક થઈ જશે અને ઘણાં ખરા રોગની જડ ઓછી ઊંઘ હશે.

***

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં અપૂરતી ઊંઘને લગતાં સંશોધનો એટલા વધ્યા છે કે એ પછી સંશોધકોએ સ્લીપ ડેપ્રિવેશન નામનો શબ્દ કોઈન કરીને તેને સાઈલન્ટ મહામારી ગણાવી છે. એક્સપર્ટ્સ એક સૂરમાં કહે છે : અપૂરતી ઊંઘ એ ખતરનાક મહામારી છે. જો લાઈફસ્ટાઈલમાં પરિવર્તન નહીં આવે તો સ્લીપ ડેપ્રિવેશનની મહામારી ઘાતક પરિણામ લાવશે. આ સાઈલન્ટ મહામારી માનવજાતને શારીરિક અને માનસિક રીતે ખોખલી કરી નાખશે.

વેલ, સુવિધાની સાથે સુખાકારી પણ એટલી જ જરૂરી છે. આપણાં માટે ઉપલબ્ધ સુવિધાનો લાભ લેવા માટેય શારીરિક-માનસિક ફિટનેસ મહત્ત્વની છે. એક્સપર્ટ્સ ચેતવણી આપતા કહે છે - 'સાઈલન્ટ મહામારી વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં સાવધાન થઈ જાઓ!' 

ભારતના શહેરીજનોની ઊંઘ ગ્લોબલ એવરેજથી પણ ઓછી

અમેરિકન કંપની જેબોને ભારતના શહેરીજનોનો ઊંઘનો અભ્યાસ કર્યો હતો. એમાં ચોંકાવનારું તારણ આપ્યું હતું કે તેમની સરેરાશ ઊંઘ માંડ છ કલાક છે. એનો અર્થ એ કે ભારતના શહેરોના લોકો વૈશ્વિક સરેરાશ ઊંઘ છ કલાક આઠ મિનિટથી પણ ઓછી ઊંઘ કરે છે. નવી દિલ્હી, કોલકાત્તા, બેંગાલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ જેવા શહેરોમાં થયેલા અભ્યાસમાં જણાયું હતું કે આ શહેરોના લોકોનો ઊંઘવાનો સમય સરેરાશ સમય રાત્રે ૧૧.૫૩થી લઈને ૧૨.૨૧ હતો અને ઉઠવાનો સમય ૬.૪૦થી લઈને ૭.૦૯ હતો. આ શહેરોના લોકોને સરેરાશ માંડ છ કલાક ઊંઘ કરવાનો સમય મળે છે. ભારતના મધ્યમવર્ગમાં અપૂરતી ઊંઘનો પ્રશ્ન દિવસે દિવસે વકરતો જાય છે.

અનિદ્રા અને ગ્લોબલ વોર્મિંગને સીધો સંબંધ

કોપનહેગન યુનિવર્સિટીના સંશોધકોએ થોડા સમય પહેલાં તારણ આપ્યું હતું કે ગરમી વધી હોવાથી માણસની સરેરાશ વાર્ષિક ઊંઘ ૪૪ કલાક ઘટી ગઈ છે. સ્લીપ ટ્રેકિંગ ડિવાઈસના ડેટાનો અભ્યાસ કરીને સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે માણસની ઊંઘમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એમાં ગ્લોબલ વોર્મિંગની હિસ્સેદારી ૪૪ કલાકની છે. માણસ એમ માનતો હોય કે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર તેના ઘરમાં થવાની નથી તો એ હવે ભૂલ ગણાશે. ગ્લોબલ વોર્મિંગની અસર બેડરૂમ સુધી પહોંચી ગઈ છે. રાતનું સરેરાશ તાપમાન ગત સદીની તુલનાએ એક ડિગ્રી વધારે રહે છે એટલે ઠંડક ઘટી છે. વધેલી ગરમી ઊંઘમાં અવરોધ બને છે. સંશોધકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આગામી એક-બે દશકામાં ઊંઘની વાર્ષિક સરેરાશ હજુય ઘટશે. એટલે કે વર્ષે ૪૪ કલાક ઊંઘ ઓછી થાય છે તેના બદલે ૫૦ કલાક ઊંઘ ઘટી જશે.