- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- યોગી ષટ્ચક્રભેદન કરી બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્ત્રાર ચક્ર કે પદ્મમાંથી પ્રવાહિત અમૃતનું પાન કરે છે. આ કૈલાસ રૂપી સહસ્ત્રાર પદ્મ મુક્તિ પ્રદાન કરે છે
યો ગ એટલે જોડાણ. સંસ્કૃત ભાષાની યુજ્ (જોડવું કે જોડાવું) ધાતુ પરથી યોગ શબ્દની રચના થઈ છે. અનંત, અખંડ, અવ્યક્ત, પરમ જ્યોતિ સ્વરૂપ ચિન્મય પરમાત્માની સર્વવ્યાપકતાનો અનુભવ કે બોધ કરવો એ યોગ છે. આ યોગમાર્ગ પ્રકાશિકા ગીતા ભગવાન શ્રી ગણેશજીના વચનામૃતોનો સાગર છે.
શ્રી ગણેશ ગીતામાં શ્રી ગણેશજી રાજા વરેણ્યને કહે છે - 'સમ્યગ્વ્યવસિતા રાજન્ મતિસ્તેડનુગ્રહાન્મમ । શ્રૃણુ ગીતાં પ્રવક્ષ્યામિ યોગામૃતમયીં નૃપ ।। હે રાજન્, મારી કૃપાથી તમારી બુદ્ધિ યોગ્ય સ્થિતિમાં આવી ગયેલી છે. હું યોગામૃતમયી ગીતા વિશે કહું છું. 'આ શ્લોકના ભાષ્યમાં મહામતિ નીલકંઠ જણાવે છે - કીદૃશીં યોગામૃતમયીમ્ । બ્રહ્માત્મૈક્યપ્રતિપાદકં શાસ્ત્રં તત્પ્રધાનમ્ । યોગામૃતમયીનો આશય એ ગીતાથી છે જે બ્રહ્મ અને આત્માની એકતા-અભિન્નતાનું પ્રતિપાદન કરે છે.
શ્રી ગણેશ ગીતામાં ભગવાન શ્રી ગણેશ કહે છે. 'મનસા સકલં કર્મ ત્યક્ત્વા યોગી સુખં વસેત્ । યોગીએ મનથી બધા કર્મોનો ત્યાગ કરીને સુખથી રહેવું જોઈએ. નીલકંઠ આના ભાષ્યમાં લખે છે - યમનિયમાસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિરૂપૈરષ્ટ ભિરઙગૈર્યુક્તો યોગોડસ્યાસ્તીતિ યોગી । અત એવ મનસા સહ સકલં કર્માહં બ્રહ્મેતિવાક્યાર્થાનુસંધાનમપિ ત્યક્ત્વા નિર્બીજ સમાધિસ્થ: સમ્મુખમખણ્ડાનન્દમનુભવન્ વસેત્ । યમ, નિયમ, આસન, પ્રાણાયામ્, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ રૂપી અષ્ટાંગ યોગ સાધે તે યોગી. એટલે તેણે મન સાથે બધા કર્મોનો ત્યાગ કરી નિર્બીજ સમાધિમાં રહીને પોતાની સન્મુખ અખંડ આનંદનો અનુભવ કરતાં રહેવું જોઈએ.
ભગવાન શ્રી ગણેશને ષટ્ચક્ર સાધના યોગનો આધાર દર્શાવવામાં આવ્યા છે. તે મૂલાધાર ચક્રમાં રહેલા છે. આ મૂલાધાર ચક્રથી કુણ્ડલિનીને જગાડવાની સાધના શરૂ થાય છે. મૂલાધાર ચક્ર કરોડરજ્જુના આધાર પર ગુદા અને જનનાંગોની વચ્ચે પેરિનિયમમાં આવેલું છે. મૂલાધારથી નિમ્ન ભાગમાં ગોળાકાર વાયુ મંડળ છે. એમાં વાયુનું બીજ 'ય' કાર રહેલું છે. એ બીજથી વાયુ પ્રવાહિત થાય છે. એની ઉપર અગ્નિનું ત્રિકોણ મંડળ છે. એમાં અગ્નિના બીજ 'ર' કારથી અગ્નિ પ્રકટ થાય છે. વાયુ અને અગ્નિની સાથે મૂલાધારમાં રહેલી કુણ્ડલિની સુષુપ્ત સર્પિણીના આકાર જેવી છે. તે સ્વયંભૂ લિંગને સાડા ત્રણ આંટા મારીને સૂતી હોય છે એને જગાડીને બ્રહ્મરંઘ્રસહસ્ત્રાર ચક્રમાં લઈ જવામાં આવે છે ત્યાં તે સદાશિવ સાથે સંયુક્ત થઈ અમૃતમાં નિમગ્ન થાય છે.
નારદ પુરાણના પૂર્વ ભાગમાં ૬૫માં અધ્યાયના ૮૧ અને ૮૨મા શ્લોકમાં કહેવાયું છે - મૂલાધારે વાદિસાન્તબીજયુક્તે ચતુર્દલે । બન્ધૂકાભે સ્વશકત્યાં તુ સહિતાયાખુગાય ચ ।। પાશાંકુશ સુધા પાત્ર મોદકોલ્લાસપાણયે । મૂલાધાર ચક્રમાં ચાર દલનું કમળ છે જે બન્ધૂક પુષ્પ જેવું લાલ છે. એના એ ચારેય દલોમાં વ, શ, ષ, સ અક્ષર અંકિત છે. એમાં પોતાની શક્તિ સાથે મૂષકવાહન શ્રી ગણેશજી વિદ્યમાન છે. તે ચારેય હાથોમાં ક્રમશ: પાશ, અંકુશ, સુધાપાત્ર અને મોદક લઈને ઉલ્લાસિત છે. એનો સાર એ છે કે મૂલાધાર ચક્રમાં રહેલા ગણેશની સાધના શરૂ કરી યોગી ષટ્ચક્રોનું ભેદન કરી સહસ્ત્રાર-કૈલાસના શિવનો સાક્ષાત્કાર કરી આનંદ-અમૃતનો આસ્વાદ પ્રાપ્ત કરી પરમ પદમાં સ્થિત થઈ જાય છે. યોગ સાધનાનો આધાર મૂલાધારમાં રહેલા શ્રી ગણેશ છે.
મૂલાધાર ચક્રની સ્થિતિ અને તેમાં રહેલા ઇષ્ટદેવતા શ્રીગણેશનું વર્ણન પ્રસિદ્ધ અઘોરી સંત બાબા કીનારામે એમના ગ્રંથ પોથી વિવેકસારમાં કર્યું છે. 'મૂલચક્ર વશ ગૂદ મઝારા । ચારિ પત્ર જનુ અગિનિ અંગારા ।।
તાહિ કમલ મહઁ યોનિ તૃકોના । તા મહઁ પુરુષ બસૈ ગહિ મૌના ।।
રા અક્ષર જસ દીપક જોતિ । તેહિ મહઁ પુરુષ કાન્તિ ઉદ્યૌતી ।।
નામ ગણેશ અરુણ તનસોઈ । તાહિ લખત બડ પંડિત હોઈ ।।
માનસિક પૂજા તહવાઁ કી જૈ । લડુવા ધૂપ ગણેશહિ દીજૈ ।।
ગણપત્યથર્વશીર્ષોપનિષદ્ (૬)માં દર્શાવાયું છે - 'ત્વં યોગિનો ધ્યાર્યાન્ત નિત્યમ્ । તમે હમેશાં મૂલાધાર ચક્રમાં સ્થિત છો. તમે ઇચ્છા, જ્ઞાન, ક્રિયા ત્રણેય શક્તિઓમાં વ્યાપ્ત છો. યોગીપુરુષો હંમેશાં તમારું ધ્યાન કરે છે.'
શિવ સંહિતા (૫/૯૬)માં કહેવાયું છે - મૂલપદ્મં યદા ધ્યાયેદ્ યોગી સ્વયંભૂલિંગકમ્ । તદા તત્ક્ષણમાત્રેણ પાપૌદ્યં નાશયેદ્ ધુ્રવમ્ ।। જ્યારે યોગી મૂલાધાર ચક્ર, આધાર પદ્મનું અને તેમાં રહેલા સ્વયંભૂલિંગનું ધ્યાન કરે છે ત્યારે ક્ષણ માત્રામાં તેના પાપસમૂહોનો નાશ થઈ જાય છે. બીજું ચક્ર સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાન પદ્મના ધ્યાનથી યોગી દિવ્ય સૌંદર્યથી સંપન્ન થઈ જાય છે. ત્રીજા મણિપુર ચક્ર કે કમળના ધ્યાનથી યોગીની બધી ઇચ્છાઓ પૂરી થઈ જાય છે. તે શોકરહિત બની જાય છે. અને તેનું શરીર રોગરહિત થઈ જાય છે. ચોથા અનાહત ચક્ર કે કમળના ધ્યાનથી યોગી ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતો થઈ જાય છે. પાંચમા વિશુદ્ધિ ચક્રના ધ્યાનથી યોગી વેદોના રહસ્યોને જાણી લે છે. છઠ્ઠા આજ્ઞા ચક્રના ધ્યાનથી યોગી દૂરદર્શન કરી શકે છે. તેનું તૃતીય નેત્ર ખોલી કોઈના તરફ ક્રોધયુક્ત દૃષ્ટિ કરે તો તેને પ્રકંપિત કરી શકે છે. યોગિરાજ ભગવાન શિવજીએ આ રીતે આજ્ઞા ચક્ર પર અવસ્થિત ત્રીજું નેત્ર ખોલીને તેનાથી ઉત્પન્ન થયેલા પ્રચંડ અગ્નિથી કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. આ ચક્રના ધ્યાનથી વિશ્વનાથ મહેશ્વરના દર્શન પણ થાય છે. તે દુ:ખ અને શોકથી રહિત થઈ જાય છે. શિવ સંહિતા (૫/૧૩૦) કહે છે - પુમાન્ પરમહંસોડયં યજજ્ઞાત્વા નાવસીદતિ । આ યોગી પરમહંસ દશાને પ્રાપ્ત કરી શોક-દુ:ખથી પર થઈ જાય છે.
યોગી ષટ્ચક્રભેદન કરી બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્ત્રાર ચક્ર કે પદ્મમાંથી પ્રવાહિત અમૃતનું પાન કરે છે. આ કૈલાસ રૂપી સહસ્ત્રાર પદ્મ મુક્તિ પ્રદાન કરે છે. કુંડલિની રૂપી જીવનશક્તિ (પ્રાણી ઊર્જાને જાગૃત કરીને આત્મા-ચૈતન્ય જીવ આ કૈલાસમાં શિવનો સાક્ષાત્કાર કરી અમર પદમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. ગણેશ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે - પૂર્ણાનંદ: પરાનંદ: પુરાણ પુરુષોત્તમ: (૨/૧૫/૧૦૩) શ્રી ગણેશ પૂર્ણાનંદ, પરાનંદ પુરાણ પુરુષોત્તમ સાક્ષાત્ પર બ્રહ્મ પરમાત્મા છે. યોગ પ્રતિપાદ્ય પરમ તત્ત્વ, યોગવિદ્યાના પરમ તત્ત્વજ્ઞા ભગવાન શ્રી ગણેશ તમામ યોગસિદ્ધિઓ અને મુક્તિ પ્રદાન કરનારા છે. મૂલાધારમાં રહેલા ભગવાન શ્રી ગણેશની સાધના સર્વાર્થસિદ્ધિ પ્રદાયિની બને છે.


