Get The App

હૃતિક રોશન: મોટા સ્ટારની મોટી વાતો .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
હૃતિક રોશન: મોટા સ્ટારની મોટી વાતો                            . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- અભિનયના મામલામાં હૃતિક એટલો સિન્સિયર છે કે 'વૉર' જેવી એક્શન-પેક્ડ ફિલ્મમાં કામ કરતી વખતે પણ અલાયદો એક્ટિંગ કોચ રાખે છે!

તો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન જીત્યું હતું કે હાર્યું હતું? આ મામલે પાકિસ્તાની પ્રચારતંત્રે આખી દુનિયાને કન્ફ્યુઝ કરવામાં કશું બાકી રાખ્યું નથી. તમે વિચારો કે જો અસલી યુદ્ધમાં જાણી જોઈને વિરોધાભાસી ચિત્રો ઊપસાવવાની કોશિશ થતી હોય, તો ફિલ્મી વોરમાં શું નહીં થતું હોય? હૃતિક રોશનની લેટેસ્ટ ફિલ્મ 'વોર-ટુ'ની જ વાત કરો. એક મીડિયા રિપોર્ટ કહે છે: 'પહેલા ચાર જ દિવસમાં 'વોર-ટુ' ભારતમાં ૧૭૪.૭૫ કરોડ રૂપિયા (અથવા વર્લ્ડવાઇડ ૨૫૦ કરોડ રૂપિયા)નું બોક્સ ઓફિસ કલેક્શન કરીને ૨૦૨૫ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-ફાઇવ ફિલ્મોમાંની એક બની ચૂકી છે... આ સિદ્ધિ સાથે અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે અજય દેવગણની 'રેડ-ટુ', આમિર ખાનની 'સિતારે ઝમીં પર', એનિમેટેડ ફિલ્મ 'મહાવતાર નરસિંહ'ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ રાખી દીધાં છે...'

આવું વાંચે એટલે હૃતિક રોશનના ચાહકો હરખપદૂડા થઈને નાચવા લાગે. ત્યાં બીજો ન્યુઝ રિપોર્ટ નજરે ચડે, જેમાં લખાયું હોય કે, 'રિલીઝના પાંચમા દિવસે એટલે કે સોમવારે જ 'વોર-ટુ' બોક્સ ઓફિસ પર લથડી પડી છે... ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં ૭૮ ટકાનો ઘટાડો નોંધાયો છે... જો ફિલ્મ પાછી નહીં ઊંચકાય તો નિર્માતાઓને ખોટ જશે અને ફિલ્મ ફ્લોપ સાબિત થશે તે પાક્કું છે.'

આવું વાંચે એટલે હૃતિકના પેલા હરખપદૂડા ચાહકોનું નૃત્ય બંધ થઈ જાય, અને તેઓ કન્ફ્યુઝ થઈને બેસી જાય. એમને થાય કે આ બેમાંથી કઈ વાત સાચી માનવી? 'વોર-ટુ' ચાલી કે ન ચાલી?

આ પ્રકારની ગૂંચવણ જાણી જોઈને ઊભી કરવામાં આવે છે. જેમ કે, પહેલાં ન્યુઝ રિપોર્ટમાં એક વિગત ગુપચાવી જવામાં આવી છે કે 'વોર-ટુ' ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ છે. પ્રિન્ટ અને પબ્લિસિટીનો ખર્ચ અલગ. ટિકિટોના વેચાણમાંથી થતી આવકમાં ઓટીટી (ડિજિટલ સ્ટ્રીમિંગ) રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને બ્રાન્ડ ટાઇ-અપ્સમાંથી થતી કમાણી ઉમેરો. જો આ તમામનો સરવાળો ૫૦૦ કરોડ રૂપિયા પણ થાય તો સમજોને કે ફિલ્મનો કુલ ખર્ચ (ઇન્વેસ્ટમેન્ટ વત્તા માર્કેટિંગ) માંડ માંડ કવર થયો ગણાય. જો કુલ આવકનો સરવાળો ૬૦૦ કરોડને સ્પર્શે તો જ 'વોર-ટુ' વ્યવસ્થિત રીતે હિટ થયેલી ગણાય. 

યશરાજ બેનરે આખું સ્પાય યુનિવર્સ ઊભું કર્યું છે. આ યુનિવર્સમાં અત્યાર સુધીમાં કુલ છ ફિલ્મો આવી - 'એક થા ટાઇગર', 'ટાઇગર ઝિંદા હૈ', 'ટાઇગર-થ્રી', 'પઠાણ', 'વોર' અને 'વોર-ટુ'. આ છએ છમાં 'વોર-ટુ' સૌથી વધારે બજેટ ધરાવતી સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. 'વોર-ટુ' આવી મોંઘીદાટ ફિલ્મ કેવી રીતે બની ગઈ? જાણભેદુ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, એકલા જુનિયર એનટીઆરની ફી જ ૭૦ કરોડ રૂપિયા છે. હૃતિક રોશનને ૫૦ કરોડ આપવામાં આવ્યા છે. વત્તા, જો ફિલ્મ નફો કરે તો એમાંય એનો હિસ્સો છે. હિરોઈન કિઆરા અડવાણીને ૧૫ કરોડ, અનિલ કપૂરને ૧૦ કરોડ અને ડિરેક્ટર અયાન મુખર્જી ૩૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આમ, ૧૭૫ કરોડ રૂપિયા તો ફક્ત સ્ટાર્સ અને ડિરેક્ટરની ફીમાં ખર્ચાઈ ગયા. બાકી રહ્યા ૨૨૫ કરોડ. ફિલ્મમાં જુદી જુદી છ એક્શન સિકવન્સ ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં સારું એવું નાણું ખર્ચવામાં આવ્યું છે.

હવે આ આંકડાબાજી જરા બાજુમાં રાખીએ. અણિયાળા ન્યુઝ એ છે કે ફિલ્મ નથી આમ દર્શકોને ખાસ પસંદ પડી કે નથી ચાંપલા ફિલ્મ રિવ્યુઅર્સને ગમી. મિશ્ર પ્રતિસાદ અને નબળા પ્રતિસાદની વચ્ચે ફિલ્મ ઘુમરાયા કરે છે. એક્શન સિક્વન્સ સરસ, પ્રોડક્શન ડિઝાઇન સરસ, સ્ટાર્સ રૂડારૂપાળા, પણ સ્ટોરીમાં જેવી હોવી જોઈએ એવી જમાવટ નથી. કોઈ પણ ફિલ્મ સ્ટોરી અને સ્ક્રીનપ્લેના પાયા પર ઊભી હોય છે. જો પાયો કાચો રહી ગયો હોય તો ઉપર ગમે તેટલી શોભા થઈ હોય તોય નકામું. આ ફિલ્મનાં ગીતો ખાસ ઉપડયાં નથી કે નથી કોઈ ડાન્સ સ્ટેપ વિશેષ પોપ્યુલર બન્યું.

બાકી હૃતિક રોશનનું પર્ફોર્મન્સ એની બધી ફિલ્મોની માફક 'વોર-ટુ'માં પણ મજાનું છે. હૃતિકની આગલી બે ફિલ્મોમાંથી 'વિક્રમ-વેધા' (૨૦૨૨)ને નિષ્ફળતા મળી હતી, જ્યારે 'ફાઇટર' (૨૦૨૪) ન હિટ - ન ફ્લોપ, પણ અબાઉ એવરેજ પૂરવાર થઈ હતી. એનાથીય પાછળ જઈએ તો, 'વોર' પાર્ટ-વન અને 'સુપર થર્ટી' (બન્ને ૨૦૧૯) હિટ અને 'કાબિલ' (૨૦૧૭) એવરેજ રહી હતી.

***

'કાબિલ'ના મેકિંગ વખતે હૃતિકે એક એવો પ્રયોગ કર્યો હતો, જેવો અગાઉ કદાચ કોઈ ભારતીય એક્ટરે કર્યો નહોતો. એ હતો, એક્ટિંગ કોચ હાયર કરવાનો અખતરો. એક્ટિંગ કોચે શું કરવાનું હોય? આનો જવાબ હૃતિકના શબ્દોમાં જ સાંભળવા જેવો છે. એક ઇન્ટરવ્યુમાં એણે કહેલું, 'મેં 'કાબિલ'નું શૂટિંગ શરૂ કર્યું તે અરસાની આ વાત છે. મને એક વાત સમજાઈ ગઈ હતી કે મારી પાસે એક્સપ્રેશન્સનો, રિએક્શન્સનો એક 'થેલો' છે અને જ્યારે ડિરેક્ટર 'એક્શન' બોલે છે ત્યારે હું તે થેલામાંથી બંધબેસતી એક્સપ્રેશન બહાર કાઢીને કેમેરા સામે ધરી દઉં છું. આ બધી 'સ્ટોક એક્સપ્રેશન્સ' હોય છે. મને ખબર હોય કે કૅમેરા સામે કેવી ચેષ્ટા કરવાથી સ્ક્રીન પર કેવું દેખાશે. એટલે જ્યારે પણ હું એક્ટર તરીકે શ્યોર ન હોઉં ત્યારે ફટાક કરતો પેલો થેલો ખોલું અને તેમાંથી જે-તે એક્સપ્રેશન બહાર કાઢીને શોટ આપી દઉં. 'કાબિલ' વખતે મેં વિચાર્યું કે ના, મારે આ સ્ટૉક એક્સપ્રેશન્સ તો નથી જ વાપરવી. આથી મેં એક એક્ટિંગ કૉચની સર્વિસ લેવાનું નક્કી કર્યું. એનું નામ વિનોદ છે. મેં એને કહ્યું કે જુઓ, તમે મારી અત્યાર સુધીની મારી બધી ફિલ્મો ધ્યાનથી જોઈ જાઓ અને 'કાબિલ'ના સેટ પર સતત મારી સાથે રહો. તમારે એ જોવાનું છે કે હું કૅમેરા સામે ક્યાંક મારા એ જ જૂના ને જાણીતા હાવભાવ તો નથી કરતોને? જેવું તમને લાગે કે મેં કોઈ સ્ટૉક એક્સપ્રેશનનો ઉપયોગ કર્યો છે તો તરત મને અટકાવી દેવો.'

વિનોદે એક્ઝેક્ટલી એવું જ કર્યું. 'કાબિલ'ના ડિરેક્ટર સંજય ગુપ્તાએ કોઈ શોટ ઓકે કરી દીધો હોય તો પણ વિનોદ હૃતિકને બાજુમાં લઈ જઈને કહેશે, ભાઈ, આ શોટમાં તેં કશું નવું કર્યું નથી, તેં એ જ તારા ને જાણીતા હાવભાવ કર્યા છે. જા, જઈને નવેસરથી શોટ આપ. આથી હૃતિક ડાહ્યોડમરો થઈને ડિરેક્ટરને વધારે એક ટેક લેવાની વિનંતી કરે ને નવા હાવભાવ સાથે ફરીથી શોટ આપે!  

હૃતિક ઉમેરે છે, 'અભિનય કરવો એ એક 'લોનલી પ્રોસેસ' છે. તમે એક્ટિંગ કરતા હો છો ત્યારે તમારા દિમાગમાં સાવ એકલા હો છો. સેટ પર કોઈ સતત મારી એક્ટિંગ પ્રોસેસમાં સાથે હોય એવું કેમ ન બને? જેની સાથે હું સતત ડિસ્કસ કરી શકું એવું કોઈ મારી આસપાસ કેમ ન હોય? એક્ટિંગ કોચ હાયર કરવાનું કારણ આ જ હતું.'

એક્ટિંગ કોચનો સંગાથ 'કાબિલ' પછી પણ ટકી રહ્યો. ઇવન 'વોર' પાર્ટ-વનમાં પણ હૃતિકે એક્ટિંગ કોચની મદદ લીધી હતી. એ કહે છે, ''વોર'નું શૂટિંગ શરૂ થયું એના બે દિવસ પહેલાં હું અને મારો એક્ટિંગ કોચ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે બેઠા હતા. મારા કબીરનું આખું પાત્ર અમે ત્રણેયે સાથે મળીને ઊભું કર્યું છે. કબીરનું પાત્ર ગ્રે શેડ્ઝ ધરાવે છે, એટલે અમે આ પ્રકારનાં બીજાં ક્યાં ક્યાં કિરદારોનો રેફરન્સ લઈ શકાય તેમ છે તેના વિશે ચર્ચા કરી હતી. કબીરને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમે હોલિવુડની ક્લાસિક ફિલ્મ 'ટેક્સી ડ્રાઇવર'માં થયેલા રોબર્ટ દ નીરોના પાત્રાલેખનમાંથી શું અપનાવી શકાય તેમ છે તે અંગે પણ વિચાર્યું હતું.'

એક્ટિંગ કોચને આ રીતે ફિલ્મમેકિંગની પ્રક્રિયામાં સામેલ કરવો તે આમ જોવા જાઓ તો કોઈ પણ ડિરેક્ટરને ન ગમે એવી વાત છે. ડિરેક્ટર કહી શકે કે ભાઈ હૃતિક, હું છુંને તને ગાઇડ કરવા માટે! તારે વધારાના એક્ટિંગ કોચ રાખવાની શી જરૂર છે? તું મારું સાંભળીશ કે તારા કોચનું? પણ હૃતિક રહ્યો સુપરસ્ટાર, એટલે એને ના પણ કેમ પડાય! ખેર, 'વોર-ટુ' જેવી એક્શન-પેક્ડ સિક્વલ માટે પણ હૃતિકે એક્ટિંગ કોચની મદદ લેવી પડી હતી કે નહીં તે જાણવા મળ્યું નથી!

શો-સ્ટોપર

'જો 'વોર-ટુ'માં હૃતિક અને એનટીઆર જુનિયર વચ્ચે ભારત-પાકિસ્તાન કે એવા કોઈ મુદ્દાને બદલે કિઆરા અડવાણી કોને મળશે તે મામલે યુદ્ધ થવાનું હશે તો આ ફિલ્મ સુપરહિટ થશે!'

('વોર-ટુ' ફિલ્મનું ટીઝર લોન્ચ થયા પછી ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કરેલી વિવાદાસ્પદ કમેન્ટ)