Get The App

પ્રતીતિ: એક અનન્ય પ્રેમ આરાધિકા .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
પ્રતીતિ: એક અનન્ય પ્રેમ આરાધિકા                                   . 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'નિયમ, તારી જૂની ટેવ મુજબ તું સંયમના રૂમમાં દોડી જાય છે, પણ સંયમ તો નામશેષ બની ગયો છે તે તું ભૂલી ગયો ?...

નિ યમ સ્કૂટર ઊભું રાખી એક સૂના લાગતા બંગલા તરફ નજર કરે છે, ત્યાં એકાએક એના કાને અવાજ અથડાય છે: ''આવ બેટા, નિયમ.''

અને નિયમ બોલી ઊઠે છે : ''ઔર સીતામા, તમે ? મેં તો માન્યું હતું કે સીતામા તો ક્યાંરનાય પરલોક પહોંચી ગયાં હશે.''

''બેટા, ઘણા દીવા, તેલ વગેરેય જલતા હોય છે, બળેલી વાટના મોગરામાંથી પરાણે તેલ ચૂસીને.'' સીતામાએ કહ્યું.

અને નિયમ તેની આદત મુજબ દોડી જાય છે, સંયમના ખંડ તરફ સીતામા કશું જ બોલતાં નથી, એટલે નિયમ હંમેશની જેમ માની લે છે કે સંયમ પોતાની પસંદગીના કરૂણ ગીત સાંભળતો ચૂપચાપ આંખોને ભીંજવતો હશે.

અને નિયમની દ્રષ્ટિ સમક્ષ ભૂતકાળનાં દ્રશ્યો ખડાં થવા માંડયાં. ત્યારે સંયમ અને નિયમ કોલેજમાં ભણતા હતાં. કોલેજના એક પ્રોફેસર તો સંયમ વિષે કહેતા : 'નિયમ, આ સંયમ ધરતી પર ભૂલો પડેલો કોઈ વિરહ વ્યથિત આત્મા છે. અલૌકિક ભૂમિનો કોઈ અજનબી મુસાફર. જ્યારે જોઈએ ત્યારે સંયમ કશાક ખોવાયેલા અક્ષરોને ઉકેલતો હોય તેમ લાગે, શાંત છતાં, વ્યાકુળ. સ્વસ્થ છતાં અંદરથી ક્ષુબ્ધ.'

પ્રોફેસરની વાતમાં નિયમને પણ સચ્ચાઈ લાગતી. કોલેજથી નીકળે તો સંયમને ઘરે જવાની કોઈ ઉતાવળ નહીં, ઘેર હોય તો એને કોલેજ જવાનું કોઈ આકર્ષણ નહીં. ચોતરફ શોરબકોરભર્યો માનવ-સાગર ઘૂઘવતો હોય, પણ સંયમ તો એકલો જ હોય.

મિત્રવર્તુળમાં સંયમને બાંધી રાખવાનું માત્ર એક જ કારણ હતું. એના સુરીલા કંઠેથી સરતું દર્દભર્યું ગીત, ઘૂંટાઈ-ઘૂંટાઈને ગળામાંથી વહેતો વ્યથાનો પારાવાર. સંયમના જીવનમાં એવી કોઈ ઘટના ઘટિત થઈ નહોતી, જેના કારણે એની વાણીમાં વેદનાનો સાગર ઘૂઘવે ! એટલે બધાંને એના ધીર, ગંભીર વર્તન વિષે બહુ આશ્ચર્ય થતું હતું.

અને તેથી જ તેમની મિત્રમંડળીની વાચાળ સભ્ય પ્રતીતિએ સંયમને હસતો-બોલતો કરી દેવાનું બીડું ઝડપ્યું હતું. નિયમે હસતાં-હસતાં પ્રતીતિને કહ્યું હતું : સંયમને બોલતો કરવામાં ક્યાંક તારી બોલતી બંધ ન થઈ જાય, પ્રતીતિ સાચવજે. સંયમ તો સદીઓ પુરાણો હિમગિરિ છે. એના અંત:કરણમાં જામેલી વ્યથાનાં શીત પડળ તું પિગળાવી નહીં શકે. આ પડકાર ઝીલવામાં હાર સિવાય તારા હાથમાં કશું જ નહીં આવે !

પ્રતીતિ દૂર વડની શીતળ છાયામાં બેઠેલા મિત્રોની ધીંગમસ્તીથી સાવ અલિપ્ત, એવા સંયમના ગંભીર ચહેરો તરફ તાકી રહી. અને કહેવા લાગી : ''નિયમ, કેટલાક પરાજય વિજય કરતાં પણ શાનદાર હોય છે. સંયમને આપણી જેમ હસતો-કૂદતો કરી શકીશ, એ મારો વિજય હશે. પણ એના મિતભાષીપણાના રંગે હું રંગાઈ જઈશ, તો એ મારો ગૌરવભર્યો પુનર્જન્મ હશે. વિમલ અને સરળ હૃદયના માણસના હાથે હારી જવામાં મને નાનમ નથી લાગતી.'' અને પ્રતીતિનાં આવાં બધાં આદર્શ વાક્યોને કોઈએ ગંભીરતાપૂર્વક ગણકાર્યાં નહોતાં.

પછી તો પ્રતીતિએ સંયમના હૃદય પરિવર્તનને એકમાત્ર ધુ્રવલવ્ય બનાવી દીધું હતું. સંયમને પ્રભાવિત કરવા પ્રતીતિએ પોતાનું ચાંચલ્ય, તોફાન, મસ્તી અને ટીંખળ બધાંનો પરિત્યાગ કરી દીધો હતો.

નાનાં-મોટાં બહાના કાઢી પ્રતીતિ સંયમના ઘરે જતી, એની પાસે કલાકો સુધી બેસી રહેતી. સંયમના ટેબલ પર એ ચા-કોફી, બ્રેકફાસ્ટ મૂકી દેતી. સંયમને ગમતાં ફૂલો એ ફૂલદાનીમાં સજાવીને રાઇટિંગ કોર્નરમાં ગોઠવી દેતી પણ સંયમના મુખેથી આખા દિવસમાં માત્ર બે જ શબ્દ સરતા : 'પ્રતીતિ આવ, પ્રતીતિ આવજે.'

પ્રતીતિના આગમનથી સંયમના દાદીમા સીતામા ખૂબ ખુશ થઈ જતાં હતાં. એમને આશા હતી કે પ્રતીતિ સંયમના જીવનમાં એક નવી આશાનું કિરણ ફેલાવશે. નિયમ પણ ઘણીવાર પ્રતીતિ સાથે સંયમના ઘરે આવતો હતો. પણ સંયમનું ઠંડુ વલણ જોઈને એ પ્રતીતિને કહેતો હતો : 'પ્રતીતિ, તું હારી જવાની છે. સંયમને તું નોર્મલ નહીં કરી શકે. તારી મહેનત એળે જવાની છે. આ નિર્લેપ, નિસ્પૃહી, નિસંગ...સંયમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા જણાતી નથી.'

ક્યારેક તો પ્રતીતિને પણ લાગતું હતું કે 'સંયમને નોર્મલ બનાવવાનું કાર્ય બહુ અઘરું કદાચ મારાથી પૂરું નહીં થાય. હું નાહકનો સમય શા માટે બગાડું સંયમ માટે ?' પણ તે જ ક્ષણે તેને યાદ આવતી સંયમના દાદીમા સીતામાની અશ્રુ નિતરતી બે આંખો. સીતામાને આશા હતી કે પ્રતીતિ સંયમના જીવનમાં જરૂર આનંદની બહાર લાવશે. તેઓ પ્રતીતિને પાસે બેસાડીને કહેતાં કે : ''બેટા, પ્રતીતિ સંયમને હોંશમાં લાવવાની દવા નિર્મળ પ્રેમ છે. સંયમની ખંડિત પ્રતિમાને સજાવીને એમાં પ્રાણ પૂરવાની તારામાં તાકાત છે. બેટા પ્લીઝ, આટલું મારું કામ નહીં કરે ? મને વચન આપ કે સંયમના જીવનને આમ અંધકારમાં અટવાઈને ઓલવાઈ જવા તું નહીં દે. બેટા, તને શ્રમ પડશે પણ તારી ધીરજ તો ખૂટી તો નહીં જાય ને ?'' અને સીતામાને પ્રતીતિએ સંયમના જીવનને મહેકતું કરવાનું વચન આપ્યું હતું, ત્યારે પ્રતીતિના નિર્ણયના લીધે સંયમના આખા ઘરમાં પ્રસન્નતાની એક લહેર ફેલાઈ ગઈ હતી.

રાબેતા મુજબ પ્રતીતિ રોજ આવતી અને સંયમની આજુબાજુ રહીને એની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી એને ગમતાં ફૂલોથી એનો રૂમ સજાવતી એને ગમતાં ગીતોની ટેપ વગાડતી....સંયમને પણ આ બધું ગમતું હોય તેવું તેના વર્તન પરથી લાગતું હતું. પ્રતીતિ આવે ત્યારે, ભલે સંયમ ''પ્રતીતિ, આવ.'' એટલું જ બોલતો પણ પ્રતીતિના આવવાની જાણે કે એ રાહ જોતો હોય તેવું તેના મોંના હાવભાવ પરથી લાગતું હતું.

અને એક દિવસ પ્રતીતિ તાવના ભયાનક આક્રમણમાં સપડાઈ. સાત દિવસ થઈ ગયા છતાં તેનો તાવ ઊતરતો નહોતો. પ્રતીતિની આંખમાં એક જ પ્રતીક્ષા હતી, સંયમના આગમનની. પ્રતીતિએ નોકરને મોકલીને પોતાની માંદગીના સમાચાર પણ સંયમને મોકલ્યા હતા. પણ સંયમે વળતો કશો જ જવાબ નહોતો મોકલ્યો.

પ્રતીતિના તાવે ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું. ઘણી દવાઓ કરવા છતાં પ્રતીતિનો તાવ કાબૂમાં આવતો નહોતો. ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે પ્રતીતિને હોસ્પિટલમાં દાખલ પણ કરી દેવામાં આવી હતી. નિયમ સંયમને તેડવા માટે એને બંગલે ગયો હતો. સૌને શ્રદ્ધા હતી કે સંયમના આવવાથી પ્રતીતિને થોડી રાહત થશે, કારણ કે એની જીભે સંયમ સિવાય અન્ય કોઈનું નામ નહોતું.

નિયમે સંયમને બંગલે ગયો..સંયમના રૂમનું બારણું ખુલ્લું હતું. એક હૃદયસ્પર્શી પ્રાર્થનાના આર્તનાદભર્યા શબ્દો ટેપ પરથી વહી રહ્યા હતા...અને આંખો બંધ કરીને સંયમ પોઢેલો જણાતો હતો. એના હાથમાં કાગળ અને પેન હતાં.

સંયમની શાંતિ ભંગ કરવાનું યોગ્ય નહીં લાગતાં નિયમ થોડીવાર મૌન બેસી રહ્યો. એમ પંદરેક મિનિટ વીતી ગઈ, પણ સંયમ લેશમાત્ર હાલ્યો-ચાલ્યો નહીં. નિયમે સંયમના નામની ઘણી બૂમો પાડી પણ એણે કશું જ ન સંભાળવાની જાણે કે પ્રતિજ્ઞા લીધી હતી. નિયમે સંયમના હાથમાંનો કાગળ ખેંચી લીધો. સંયમે સુંદર અક્ષરે લખ્યું હતું : 'હે પરમ પિતા, મેં મન, વચન અને કર્મથી કશું જ પાપ કર્યા સિવાય તારી વરતીને અનાસક્ત ભાવે માણી હોય અને મારા હૃદયને નિર્મળ રાખ્યું હોય, તો મારી વિનંતી સાંભળી પ્રતીતિને બચાવી લેજે. જેને જીવવાની હોંશ છે, એનું જીવન છીનવી લેવા કરતા મારા જેવા જલવાની કામના વગરના દીવાને બુઝાવવાનું વધુ યોગ્ય રહેશે.'

અને નિયમથી ચીસ પડાઈ ગઈ. સીતામા દોડતાં આવી ગયાં...નિયમે ડોક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે સંયમને તપાસીને કહ્યું : ''સંયમનું હૃદય કુદરતી રીતે જ બંધ પડી ગયું હતું. આવા આઘાતજનક સમાચાર પ્રતીતિને કાને નહીં પહોંચાડવાનો નિયમે નિશ્ચય કર્યો. એટલામાં હોસ્પિટલમાંથી પ્રતીતિએ મોકલેલો સંદેશો લઈને એક નોકર આવી પહોંચ્યો. પ્રતીતિએ કહેવડાવ્યું હતું કે 'સંયમને કહેજો કે તાત્કાલિક ન અવાય તો તે ચિંતા ન કરે. ડૉક્ટરે કહ્યું છે, કે હવે હું ભયમુક્ત છું.'

અને સીતામાં તથા નિયમ ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા.

પ્રતીતિ સાજી થઈ ત્યારથી સીતામા સાથે રહે છે. એ વાતને પાંચ વર્ષ વીતી ગયાં. નિયમને વિદેશ જવાનું થયું હતું એટલે તે સીતામાના સંપર્કમાં ન રહી શક્યો...

એટલામાં પ્રતીતિએ પાછળથી બૂમ પાડી નિયમને વિચારતંદ્રામાં જગાડયો અને કહ્યું, 'નિયમ, તારી જૂની ટેવ મુજબ તું સંયમના રૂમમાં દોડી જાય છે, પણ સંયમ તો નામશેષ બની ગયો છે તે તું ભૂલી ગયો ?... પણ તરત સીતામા બોલી ઊઠયાં. બેટા, સંયમ ભલે નામશેષ બની ગયો પણ શેષ રહી ગઈ છે... પ્રતીતિની આરાધના !'

પ્રેમ એક પૂજા છે. શ્રદ્ધા તેની આરતી અને જલતી દીવેટ તેની પાવનતા.

સંયમે ડાયરીના પ્રથમ પૃષ્ઠ પર સ્વર્ણિમ અક્ષરે લખ્યું હતું :

''કોઈ કટારી કર ગ્રહે

કોઈ મરે વિષ ખાય,

પ્રીતિ ઐસી કીજિયે

કિ હાય કરે જીવ જાય !''

Tags :