Get The App

અમિતાભ @ 83 : સ્વાસ્થ્ય અંગેના સોનેરી સૂચનો

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભ @ 83 :  સ્વાસ્થ્ય અંગેના સોનેરી સૂચનો 1 - image

- અમિતાભ બચ્ચન તો 83 વર્ષની વયે  શારીરિક પરવશતા અનુભવે છે પણ આપણે સભાન નહીં રહીએ તો એક બે દાયકા વહેલા આવી સ્થિતિ સર્જાઈ શકે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- 'ડોક્ટર કહે છે કે હવે પાયજામો બેસીને પહેરજો.. બાકી સમતુલા ગુમાવી પડી જશો. હવે ચાલતી વખતે કે ચઢતી વખતે સહાય લેવા ભીંત પર હેન્ડલ લગાવવા પડયા છે.'

૮૩ વર્ષની વયે પણ અમિતાભ બચ્ચનનો સ્ટાર પાવર અને આદર કેવો છે તેની પ્રતિતિ વધુ એક વખત તેણે તેના બ્લોગમાં તેની વધતી જતી વય અને તેના સ્વાસ્થ્ય પર  કેવી અસર  જોવા મળે છે તેનો નિખાલસ એકરાર કર્યો તેના પરથી થઈ.

અમિતાભ બચ્ચનના આ બ્લોગ પછી ૮૦ કરતા  વધુ વય ધરાવનારા જ નહીં પણ ૬૦ પ્લસ વય ધરાવનારા પણ તેમના સ્વાસ્થ્ય અને ફીટનેસ જાળવવા સાનમાં સમજી ગયા હશે. કેમ કે અમિતાભ બચ્ચન તો ૮૩ વર્ષની વયે 'કૌન બનેગા કરોડપતિ'ની ૧૭મી સીઝનમાં તાજગી અને સ્ફૂર્તિ તેમજ મગજની  તીવ્રતા સાથે હજુ કાર્યરત છે છતાં તેના શરીર અને અંગો હવે સાથ નથી દેતા તેવી અગમચેતી આપે છે.

અમિતાભ બચ્ચનના બ્લોગની ખરી મજા એ છે કે તે આપણને સલાહ આપતા હોય તેવી શૈલીમાં કંઇ નથી જણાવતા પણ તેમના હેલ્થના હાલાતથી આપણને વાકેફ કરે છે. શક્ય છે આપણે ૫૦ , ૬૦ કે ૭૦ વય જૂથમાં હોઈએ અને આપણને એમ લાગે કે 'અમને તો અત્યારથી જ  અમિતાભ બચ્ચન જેવા લક્ષણોની શરૂઆત થઈ છે કે તેની ઝલક દેખાવાની શરૂઆત થઈ છે.' અમિતાભે પોતે આ માટે શું કરે છે અને શું જરૂરી છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે.

કોઈપણ સેલિબ્રિટી કે જાહેર વ્યક્તિ તેના કથળેલા સ્વાસ્થ્ય અને પરવશતા અંગે કહેવાનું ટાળતો હોય છે કેમ કે તેના લીધે ચાહકોમાં તેની ઇમેજને ફટકો પડી શકે છે. તેની જોડે કોઈ પ્રોડયુસર કે ધંધાદારી સાહસી પ્રોજેક્ટમાં સામેલ થવાનું ટાળે છે. તેની જોબના પણ કાઉન્ટ ડાઉન હોય તેમ માલિક માને છે.પણ અમિતાભ બચ્ચન તો એ હદનો લાડલો છે કે તેના પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ વધુ જન્મે.

અમિતાભ બચ્ચન તેની વિવશતા બતાવતા સહેજ પણ ખચકાતા નથી અને લખે છે કે 'હવે બે પગની સમતુલા રહેતી નથી.ડોક્ટર પણ કહે છે કે પાયજામો ઊભા રહીને ન પહેરતા. પડી જશો. પાયજામો બેસીને પહેરજો.' અમિતાભ તે પછી ઉમેરે છે કે 'ઉંમર વધતા સમજાય છે કે ભૂતકાળમાં જે ક્રિયા કરતી વખતે તે કરીએ છીએ તેની ખબર જ નહોતી પડતી કે પછી તેની મહત્તા જ સમજાતી નહોતી તે વય વધતા એક ભગીરથ પડકાર બની જાય છે તેનો વિચાર સુધ્ધાં કર્યો હતો?'

અમિતાભની વાત સાવ સાચી છે. વય વધતા અને જો આપણી ફીટનેસ પ્રત્યે સભાનતા હોય તો અમિતાભ કરતા ઘણી ઓછી વયે પણ આપણને પેન્ટ  પહેરતા કે હાથ ઊંચા કરીને બે બાંયમાં નાંખતા ફાંફા પડી જઈ શકે છે.

અમિતાભ બચ્ચન તો વર્ષોથી ઘેર જિમ ટ્રેનર કે ફિઝિયો સાથે રહીને વયને અનુરૂપ  કસરત કરે છે પણ આપણામાંના ઘણા દર નવા વર્ષે હળવી કસરત કે રોજ સવારે  ચાલવા જવાનો સંકલ્પ કરીને બે ચાર દિવસમાં જ સંકલ્પનું બાળ મરણ લાવી દે છે.

હવે અમિતાભનો બ્લોગ વાંચીને મારા સહિત ઘણા વાચક મિત્રોને પાનો ચઢયો હશે કે આપણે આજથી જ સ્વાસ્થ્ય અંગે સભાન રહીએ બાકી અમિતાભ જેવી લાચારી ખૂબ જ વહેલા આવી શકે છે કેમ કે આપણામાંના મોટાભાગનાએ કસરત કે ચાલવા જવાનો દિનચર્યામાં સમાવેશ જ નથી કર્યો.

અમિતાભ બચ્ચન બ્લોગમાં એમ પણ લખે છે કે 'હવે બે હાથ ખુલ્લા રાખીને ચાલવું કે ચઢવું અઘરું બની ગયું હોઈ ઘરની અને દાદરની દીવાલ પર હાથથી પકડી શકાય તેવા હેન્ડલ ફીટ કરાવાયા છે. ઊભા થતી વખતે પણ આવા હેન્ડલ નજીક જ બેસવાનું જેથી સરળ પડે'

 અત્યારે આપણે ઊભા થતી વખતે કે ચઢતી વખતે  ક્યારેય એવી કલ્પના પણ નથી કરતા કે આવી સહજ ક્રિયા માટે સહારો જોઈશે.

અમિતાભ લખે છે કે  'વહેલી સવારથી હવે પ્રાણાયમ, કસરત અને સ્નાયુ ઢીલા પડયા હોય તેને થોડા ચુસ્ત બનાવવા ડમ્બેલ ઊંચકવા જેવો નિત્ય ક્રમ બની ગયો છે.જાણે સવારના કરેલી આવી કસરતો, આસનો જ  આખો દિવસ સ્ફૂર્તિ અને સમતુલા સાથે ટકાવી રાખે છે. જો એક દિવસ પણ પડે તો તરત જ શરીર પર અસર થતી જણાય છે અને સ્વાસ્થ્ય જાણે રાતોરાત કથળી ગયું હોય તેમ લાગે છે.'

અમિતાભ આ રીતે રોજ ત્રીસ મિનિટથી કલાક પોતાની શારીરિક અને માનસિક ફીટનેસ માટે સમય ફાળવવો જોઈએ તેમ પણ આડકતરો નિર્દેશ કરે છે.

અમિતાભે જીવનનો મોટાભાગનો હિસ્સો મોડી રાત્રી સુધી કાર્ય, શૂટિંગ માટે પ્રવાસ અને રાત્રી શિફ્ટમાં વીતાવ્યો છે. પણ છેલ્લા વર્ષોથી તે મોડી સાંજ પછી કોઈ પડકારજનક કાર્ય કે તનાવ થાય તેવું હાથમાં નથી લેતા.

તેઓ લખે છે કે  early to sleep and early to rise make us healthy,wealthy and wise) (એ માત્ર વડીલોએ આપેલ)સહેલાઈથી બોલી જવા માટેની કહેવત માત્ર નથી. આ રૂપક કે કહેવતમાં સ્વાસ્થ્ય સાથે આયુષ્ય પ્રાપ્ત કરવાની જડીબુટ્ટી સમાયેલી છે.હું પોતે તેને કારણે જીવન દ્રષ્ટિ, ઉર્જા અને સ્વાસ્થ્યમાં કઈ હદે ચમત્કારિક પરિણામ જોઈ શકાય છે તે અનુભવી શક્યો છું.'

અક્ષય કુમાર તો સાંજે ૬.૩૦ પછી કોઈ ભોજન કે પીણા લેતો નથી. રાત્રે ૯.૩૦ વાગ્યે સુઈ જાય છે અને સવારે પાંચ સુધીમાં ઊઠી જાય છે અને જીમ ટ્રેનરે સૂચવેલ નિત્યક્રમ પ્રમાણે કસરત કરે છે. અક્ષય કુમાર તો ફિલ્મ સ્ટાર છે અને આપણી નજર સામે જ દેહ સૌવ સાથે ફીટ છે તેથી તેનું ઉદાહરણ અપાય છે પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન આપનારાની દિન ચર્યા જોઈશું તો વહેલા ઊંઘી જઈને વહેલા ઊઠવાનું, કસરત, ચાલવાનું કે યોગ કરવાનું સહજ સમાવિષ્ટ હશે. આ બધા જ લોકો દિવસ દરમ્યાન ખૂબ ખૂબ વ્યસ્ત અને તનાવ ઝીલતા લક્ષ્યાંકો પાર પાડતા હોય છે. ભાંગી પડાય તેવી સ્થિતિનો પણ તેઓએ સામનો કર્યો  છે. છતાં તેઓ  શારીરિક અને માનસિક ફીટનેસ માટે જે કલાક જેટલો સમય ફાળવે છે અને આહાર વિહારમાં સંયમ સાથે નિયમિતતા જાળવે છે તેના લીધે દેહમાં એવા રસાયણો અને હોર્મોન્સ બહાર લાવે છે કે કોઈ જડીબુટ્ટી પ્રાપ્ત કરી હોય તેવું લાગે છે. આવો નિત્ય ક્રમ જાળવનાર કહે છે કે કોઈ અખૂટ, દિવ્ય અને સદા તાજગી આપતી તેમજ હકારાત્મક દ્રષ્ટિ બક્ષતી ઊર્જા પ્રાપ્ત થતી હોય તેવું અનુભવાય છે.

જો કે શારીરિક અને માનસિક ફીટનેસ, તાજગી માટેનું સૌથી મોટું ઉદાહરણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી શકાય.એક જુદા લેવલના 'ઓરા' જ અનુભવી શકાય. તેઓ પણ આહાર વિહાર, નિયમિત ઊંઘ, સવારના તેમના બંગલામાં ચાલવું, યોગ કરવાનું શેડયુઅલ ધરાવે છે. કોઈપણ હેન્ડલના ટેકા વગર ઝડપથી દાદરો ચઢ ઉતર કરી શકે છે. આજકાલ કરતા તેમની વય પણ ૭૫ની થઈ. તેઓ કઈ હદે તનાવ અને નકારાત્મક અભિપ્રાયો ઝીલીને સ્વસ્થ રહે છે તે ઉદાહરણીય છે. વિધાર્થીઓ યુવા જગત, ટેકનોક્રેટ,કૃષિ જગત,ઉદ્યોગપતિઓ , ખેલાડીઓ અને જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો જોડે તેઓ આ બધા વચ્ચે નવી દ્રષ્ટિ અને પ્રેરણા આપતો સંવાદ પણ સાધતા રહે છે.

આયુષ્ય નિશ્ચિત છે તેમાં ના નહીં. આવી બધી સારી આદતો, નિયમિત કસરત અને વહેલા ઊંઘી વહેલા ઉઠી જનારા પણ યુવા કે પ્રમાણમાં ઓછી વયે કેન્સર જેવી બીમારી કે હૃદય રોગ, બ્રેઇન સ્ટ્રોક જેવા કારણોસર  અચાનક નિધન પામે જ છે પણ આપણે આવા જૂજ અપવાદોને નજરમાં રાખીને નકારાત્મક વલણ જારી રાખવા કરતા બહુમતી એવા નાગરિકો જોવા જોઈએ જેઓએ સારી અને નિયમિત આદતો થકી આપણી નજર સામે જ સારું એવું આયુષ્ય ભોગવ્યું છે. તેઓ છેક સુધી પ્રવૃત્તિમય રહ્યા હોય કે સમાજમાં કંઈક પ્રદાન કરવાની પ્રેરણા નિવૃત્તિ પછીના બીજા ૨૦ -  ૩૦ વર્ષ સુધી મેળવતા હોય.

એક જ મહિનો ચાલવું, કસરત કરવી, તરવું, પ્રકૃતિના ખોળે રહેવાથી તબીબી રિપોર્ટમાં ફર્ક જોઈ શકાય છે. આ આપણે પણ અનુભવ્યું છે પણ ખબર નહીં કેમ કોઈને કોઈ બહાના આપીને આપણે આવી આદત નિત્ય ક્રમમાં સામેલ નથી કરતા હોતા.

એક વખત આવા જ એક સ્વાસ્થ્ય વિષયક લેખમાં જાણ્યું હતું કે મોટાભાગના દર્દીઓ કે જેઓને હૃદય રોગનો હુમલો આવી ચૂક્યો છે, સ્ટેન્ટ મુકાવ્યા છે કે પછી કિડની, ફેફસાં કે કેન્સર જેવી બીમારી છે તેઓ ભારે અફસોસ સાથે એવું માને છે કે હવે શું, કસરત અને પુન: સ્વાસ્થ્ય મેળવવામાં મોડા પડયા અથવા તો તેઓ પ્રેરિત નથી થતા. પણ તેમના તબીબોની સલાહ લઈને  તેઓ જે પ્રમાણે કસરત તેમજ આહાર વિહારની સૂચના આપે તેને જરાપણ નિરુત્સાહ થયા સિવાય અનુસરવાથી આત્મ બળ તો વધે જ છે પણ ચમત્કારિક રોગ પ્રતિકારક શક્તિ બહાર આવે છે.

શક્ય છે તેમણે બ્લોગમાં લખ્યું છે તેમ સેટ પર કોઈનો હાથ પકડીને ખુરશી પર બેસતા હશે. યાદ રહે તમે મેક અપ કરો,પાતળા ન દેખાવ કે કરચલીઓ નજરે ન ચઢે તેથી એક કરતા વધુ કપડાં શરીર પર પહેરો, ગળા ફરતે સ્કાર્ફ પહેરો કે વીગથી સજ્જ હો પણ અંતે એક્ટિંગ કે 'કૌન બનેગા કરોડપતિ' જેવી શ્રેણીમાં અદ્ભુત જીવંતતા અને બોડી લેન્ગવેજ સાથે પ્રશ્નો પૂછવા, સંવાદ સાધવો, રમૂજ કરવી અને તેના કરતા વિશેષ સ્ક્રીન પ્રેઝન્સ વર્ષો જૂની ઇમેજ અને આદરને ટકાવી રાખવી તે માટે દેહ કે મેક અપ નહીં હકારાત્મક અભિગમ અને ભરપૂર ઉર્જા સાથેનો આત્મા જોઈએ. ચાલો અમિતાભ બચ્ચન જેવો હોંસલો પ્રાપ્ત થાય તેમ જીવવાનો પ્રયત્ન કરીએ. તેમના બ્લોગને ખાસ્સી દાદ મળી છે.

જ્ઞાન પોસ્ટ

અમિતાભ બચ્ચનને એક અંગત ઈન્ટરવ્યૂમાં સવાલમાં પૂછેલો કે 'તમે સેટ પર ઘણી વખત તાવ કે ભારે અશક્તિ સાથે જાવ છો તો પણ આ હદે ગજબનું પરફોર્મન્સ કઈ રીતે કરી શકો છો?' અમિતાભ બચ્ચને ઉત્તર આપ્યો કે 'હા, વાત સાચી છે પણ મને સખ્ત તાવ અને નબળાઈ હોય તો પણ ખબર નહીં કેમ  કેમેરા મેન 'કેમેરા રેડી ફોર એક્શન'ની બૂમ પાડે તે સાથે જ એક ચમત્કારિક ઉર્જાનું મોજું  દેહમાં ફરી વળે છે. જે શોટ ઓકે થાય ત્યાં સુધી જળવાઈ રહે છે. તે પછી શરીર ફરી શોટ પહેલા હતું તેવું કમજોરીથી ઘેરાઈ ગયેલું થઈ જાય છે.'