Get The App

હિન્દી રાષ્ટ્રભાષા ગણાતી હોય તો તેનો ઉગ્ર વિરોધ શા માટે?

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
હિન્દી રાષ્ટ્રભાષા ગણાતી હોય તો તેનો ઉગ્ર વિરોધ શા માટે? 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- હિન્દીને આપણે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી છે પરંતુ ગુજરાત સહિતના રાજ્યોમાં હિન્દીનું પ્રચલન હોવા છતાં સરકારી હિન્દી ભાષા તો આપણાં માટે ય અઘરી અને અજાણી જ છે

મ હારાષ્ટ્રમાં રહેવું હશે તો મરાઠી બોલતા આવડવું જરૂરી છે અને દુકાનોનાં પાટિયાં મરાઠીમાં હોવા જોઈએ એવો હઠાગ્રહ વર્ષો જૂનો છે. તો, બીજી તરફ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં, ખાસ કરીને તામિલનાડુમાં કેન્દ્રની નવી શિક્ષણનીતિમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી રાખવાને લઈને રાજકીય વિવાદ ચગ્યો છે. 

તાજેતરના અઠવાડિયામાં મહારાષ્ટ્ર રાષ્ટ્રીય શિક્ષણનીતિ (એનઈપી) ૨૦૨૦ દ્વારા નિર્ધારિત ત્રણ ભાષાનાં સૂત્રની યુદ્ધભૂમિ બની રહ્યું છે. આ નીતિ અનુસાર શાળાઓએ ત્રણ ભાષાઓ શીખવવાની જરૂર છે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોય. 

એપ્રિલમાં તામિલનાડુ સરકારે કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ આ નીતિનો વિરોધ બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે તામિલનાડુના પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. પણ જૂનમાં અહીં વિરોધ વધ્યો, શાળાઓ ફરી ખૂલી ત્યારે તેને વેગ મળ્યો. રાજ્ય સરકારે પહેલાથી પાંચમા ધોરણ સુધીની બધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો ઠરાવ પસાર કર્યો. હિન્દી ભાષા ઠોકી બેસાડવાની ફરિયાદો વધુ મજબૂત બનતા ઉદ્ધવ અને રાજ ઠાકરે પણ અસંખ્ય સામાજિક અને રાજકીય સંગઠનો સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. એકંદરે આ વિરોધ મરાઠી ભાષા અને ઓળખના રક્ષણમાં પોતાને મજબૂત બનાવવાનો હતો. આ જ કારણ છે કે રાજ્ય સરકારને મૂળ આદેશ પાછા ખેંચવાની ફરજ પાડયા પછી પણ વિરોધ શાંત કે ઓછો થયો નથી. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ વિરોધનું નેતૃત્વ કર્યું છે, સમાન વિચારધારાઓના રાજકીય પક્ષોએ તેમને ટેકો આપ્યો છે. ઉપરાંત મરાઠી મીડિયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્નેએ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી લાદવાના વિચારને એકસરખી રીતે નકારી કાઢયો છે.

ભાષાના નામે વિરોધ - વિવાદ - વિખવાદ નવી વાત નથી, નવો છે તેમાં ભળતો રાજકીય રંગ, વિરોધનો આડો ફંટાતો ઢંગ અને આના કારણે સર્જાતી પરિસ્થિતિ. મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળાઓમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત બનાવવાના નિર્ણય સામે જબ્બર વિરોધ થયો. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ મુદ્દે એક મંચ પર આવતા મામલાએ રાજકીય રંગ પકડયો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવસીે વારંવાર એવી ખાતરી ઉચ્ચારી છે કે મરાઠી ભાષાનું સ્થાન-માન યથાવત્ રહેશે. કોઈ અન્યાય અથવા અવમૂલ્યનનો પ્રશ્ન જ નથી છતાં કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સખત વિરોધ કર્યો અને કેટલીક શાળાઓના પ્રિન્સિપાલોએ પણ આ નિર્ણય પાછો ખેંચી લેવાની વિનંતી રાજ્ય સરકારને કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો પછી આવી, દક્ષિણ ભારતમાં તો વર્ષોથી હિન્દી દ્વેષ જાણીતો છે.

નવી શિક્ષણ નીતિ 'એનઈપી' અને ત્રિભાષી ફૉર્મ્યુલાને લઈ તામિલનાડુમાં પણ ફરીથી વિવાદ વણસી રહ્યો છે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને નાયબ મુખ્ય પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન પછી અભિનેતા કમલ હાસને આક્ષેપ કર્યો છે કે તામિલનાડુ પર 'હિન્દી' લાદવાના પ્રયાસ થઈ રહ્યા છે. બહુભાષી હોવાના પક્ષધર હોવા છતાં રાજ્યમાં હિન્દી ભાષાને અનિવાર્ય કરવી સ્વીકાર્ય નથી.

રાજ્યની કસ્તૂરીરંગન કમિટી અગાઉ ભલામણ કરી ચૂકી છે કે તામિલનાડુ સહિત બધાં બિનહિન્દી ભાષી રાજ્યોની સેકેન્ડરી સ્કૂલોમાં એક પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ઉપરાંત હિન્દી પણ ભણાવવી જોઈએ.

હિન્દી ભાષા વિરોધી રાજ્યના નેતાઓ આ મુદ્દા પર રાજકીય વિરોધ કરવા લાગ્યા છે. તામિલનાડુમાં હિન્દી વિરોધનો લાંબો ઇતિહાસ છે. સ્વતંત્રતા આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીએ દક્ષિણ ભારતમાં ૧૯૧૮માં દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કરી હતી. તેઓ હિન્દી ભાષા ભારતીયોની એકતા માટે જરૂરી માનતા હતા. ત્યારે પણ તામિલનાડુમાં વિરોધ શરૂ થઈ ગયો હતો.

બ્રિટિશ સામ્રાજ્યના કાળમાં તામિલનાડુને મદ્રાસ પ્રેસિડેન્સી કહેવામાં આવતી હતી ત્યારે ૧૯૩૭માં સી. રાજગોપાલાચારીની સરકારે સ્કૂલોમાં હિન્દી ભાષા અનિવાર્ય કરી ત્યારે તામિલનાડુમાં ત્રણ વર્ષ સુધી વિરોધ આંદોલન ચાલ્યું હતું. નિર્ણય પાછો ખેંચાયા પછી આંદોલન તો ખતમ થઈ ગયું પણ આ આંદોલને રાજ્યમાં હિન્દીવિરોધનાં જે બીજ વાવ્યાં હતાં, તે અવારનવાર રાજકારણમાં ઉશ્કેરણી ફેલાવી રહ્યા છે. પ્રાદેશિક પક્ષો રાજકીય ફાયદા માટે આ મુદ્દાનો ઉપયોગ કરતા હોય છે. તામિલનાડુની સ્કૂલોમાં ૧૯૬૭થી બે ભાષા ફૉર્મ્યુલા, તમિલ અને અંગ્રેજી છે. ત્રિભાષા ફૉર્મ્યુલા અંતર્ગત હિન્દી ત્યાંના પ્રાદેશિક પક્ષોને આંખમાં કણાની માફક ખૂંચી રહી છે. શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવાની આ નીતિનો મકસદ હોવા છતાં પક્ષો જૂનો રાગ છોડવા તૈયાર નથી.

મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. બહારના લોકો અમારા રાજ્યમાં આવી કમાય છે, જીવે છે, પણ અમારી ભાષાને માન આપતાં નથી, એમ કહી મનસેએ વિરોધનો વાવટો લહેરાવ્યો છે. મનસે હોય કે શિવસેના પરપ્રાંતીયોનો મુદ્દો હંમેશાં તેમના એજન્ડા પર રહ્યો છે. હવે, તેમાં હિન્દી વિરોધ ભળ્યો છે.

મુંબઈ સુધરાઈની ચૂંટણી વખતે આ વિવાદ શા માટે? એવો પ્રશ્ન પૂછી ભાજપના કેટલાક નેતાઓ શિવસેના અને મનસેના ઉધામાને ચૂંટણી લક્ષી ગણાવે છે. તેઓ એટલે સુધી કહે છે કે ઇલેક્શન પૂરું થયા પછી આ હિન્દી વિરોધી વંટોળ એકદમ શમી જશે. 

હિન્દી વિરોધ કરનારાઓએ એક વાત સમજવી પડશે કે હિન્દીનો  પ્રચાર પ્રસાર કરતી હિન્દી  ફિલ્મોનું પિયર બોલીવૂડ મુંબઈમાં જ છે દેશના કરોડો લોકો જે હિન્દી ટી.વી. સિરિયલો જુએ છે તેનું નિર્માણ પણ મુંબઈમાં જ થાય છે. 

 મહારાષ્ટ્રના નેતાઓ જેમ પોતાની સગવડ અને સ્વાર્થ ખાતર મરાઠી ભાષાનો મુદ્દો ઉછાળ્યા કરે છે એમ તામિલનાડુના મરહૂમ પુથુવેલ કરુણાનિધી અને હવે  તેમનો  દીકરો સ્ટેલિન જેવા લીડરો દાયકાઓથી હિન્દીના વિરોધને હવા આપતા આવ્યા છે. હજુ હમણાં સુધી તમિળભાષી લોકો હિન્દી આવડતું હોવા છતાં હિન્દી બોલવાનું ટાળતા. હિન્દી બોલવામાં તેઓ એક પ્રકારની ગુનાહિત લાગણી અનુભવતા. એક જમાનામાં મદ્રાસ (હવે ચેન્નઈ) ફરવા જનારાઓને સ્થાનિક રિક્ષાવાળાઓ સાથે કઈ ભાષામાં વાત કરવી એ જ મોટો પ્રશ્ન થઈ પડતો. રિક્ષાવાળો તમિળ સિવાય બીજી કોઈ ભારતીય ભાષામાં બોલવા તૈયાર નહોય અને બહારની વ્યક્તિને તમિળ આવડતું ન હોય. આર્ય અને દ્રવિડ સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ હિન્દી વિરુદ્ધ તમિળના સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. કામધંધા માટે બીજા રાજ્યોમાં જતા તમિળોનું હિન્દી એક ઉપહાસનો વિષય બની ગયું હતું. એને પરિણામે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું ભાવનાત્મક અંતર આઝાદીબાદ ઘટવાને બદલે વધતુ જતું હતું. સદનસીબે, આજે સિનારિયો બદલાઈ રહ્યો છે. અભિનેતા કમલ હાસન 'દસાવતારમ'નામની એક ફિલ્મમાં ૧૦જુદી જુદી ભૂમિકાઓ કરી હતી. જેમાંથી એક રોલ અવતાર સિંહ નામના ભાંગડા કરતા શીખનો છે. 'અભિયુનનાનુમદ(અભિ અને હું) નામની એક બીજી તમિળ ફિલ્મમાં એકટર પ્રકાશરાજનું પાત્ર પોતાની પત્નીને 'રાજમ્મા કોટુ દાદ (મને રાજમા પીરસ) એમ બોલતુ બતાવાયુ છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ એક એવી તમિળ વ્યક્તિનું પાત્ર ભજવે છે જેની પુત્રી એક શીખ મુરતિયાને ઘરે લઈ આવતા ઘરનું આખુ વાતાવરણબદલાઈ જાય છે. હિન્દી પરિવારની મુખ્ય ભાષા બની જાયછે અને એની પત્ની પણ હિન્દી બોલતી થઈ જાય છે. એટલું જ નહિ પણ ડાઇનિંગ ટેબલ પર સંભાર અને રસમનું સ્થાન દાલ મખની અને રાજમા લઈ લે છે. ડેડી પ્રકાશ રાજ આ બધુ જોઈને મનમાં બળ્યા કરે છે.

ઉક્ત બે પ્રસંગ તામિલનાડુના આમ આદમી અને રાજકીય પક્ષોના હિન્દી ભાષા પ્રત્યેના અભિગમમાં વધતા જતાં અંતરની સાક્ષી પૂરે છે. સામાન્ય તમિળ માનવી જ્યારે પોતાની બોલચાલમાં હિન્દી અને બીજી ભાષાઓના શબ્દો અપનાવતો થયો છે ત્યારે દ્રમુક જેવા પક્ષોના ચૂંટણી ઢંઢેરા હિન્દી 'લાદવાના'પ્રયત્નોનો વિરોધ કરી તમિળને નવી ઊંચાઈ પર લઈ જવાનું વચન આપે છે.

પહેલા માત્ર ભાગ્યરાજની ફિલ્મમાં ઉત્તર ભારતીય પાત્રો આવતા અને એ પણ જ્વલ્લે જ. આજે સ્ક્રીપ્ટની માગ હોય ત્યારે લેખકો-દિગ્દર્શકો પાત્રોના મોઢે હિન્દીસંવાદો બોલાવવામાં જરાય સંકોચ નથી કરતા દા. ત. 'વારાનામઆપીરામ' નામની તમિળ ફિલ્મનો નાયક આર્મીમાં  મેજર છે. આ મેજર એક સીનમાં ડોનના અડ્ડાપરથી અપહૃત બાળકને છોડાવવા જાય છે ત્યારે ડોન એને પૂછે છે, 'તૂ પુલિસ હૈ?  જવાબમાં મેજર કહે છે, 'હાં, મૈં પુલિસ હું. ઔર એક મિનિટ મેં પુલીસવાલે સરાઉન્ડ કરેંગે.' ફિલ્મના દિગ્દર્શક ગૌતમ વાસુદેવ મેનનહિન્દી સંવાદોના ઉપયોગને વાજબી ઠેરવતા કહે છે, 'હીરો દિલ્હીમાં હતો અને હિન્દી બોલાય એવી સ્ક્રીપ્ટની માગ હતી. એટલે મેં ઝાઝુ વિચાર્યા વિના હિન્દી ડાયલોગ્સ મૂકી દીધા. કળાવિવેચક અને લેખક સદાનંદ મેનન એક જુદો જ મુદ્દો રજૂ કરતા કહે છે કે તમિળ ફિલ્મો હવે સમગ્ર ભારતના દર્શકો માટે બનાવાય છે. એટલે તમિળ ફિલ્મોમાં હિન્દીની છાંટ હોવી અનિવાર્ય છે. આમ પણ હિન્દીમાં ડબ કરી હોય તેવી તમિળ, તેલુગુ અને મલયાલી ફિલ્મો કોરોના કાળથી લોકોમાં ખૂબ પોપ્યુલર થઇ છે.

થોડા વર્ષ પૂર્વે  તામિલનાડુ વિધાનસભાની  ચૂંટણીમાં  દ્રમુકના એક ઉમેદવારે પોતાના મતવિસ્તારના  ૨૦,૦૦૦  હિન્દીભાષી  મતદારોને રીઝવવા  હિન્દીમાં  પોતાના ચોપાનિયા છાપ્યા હતા. કમનસીબે  હરીફ પક્ષ અન્ના દ્રમુકે  આ પગલાનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરતા  ઉમેદવારે  ઉતાવળે ચોપાનિયા  પાછા ખેંચી લીધા હતા.   આ પ્રકારના બનાવો  એક હકીકત પૂરવાર કરે છે કે તામિલનાડુ રાજકારણીઓ માટે હિન્દી વિરોધ એક એવું હાથવગું  હથિયાર છે જેનો પોતાની અનુકૂળતાએ ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાઓ સદાય એવું કહેતા આવ્યા છે કે હિન્દીનો વિકાસ તબક્કાવાર એક સમાન રાષ્ટ્રભાષા તરીકે થવો જોઇએ. સાથોસાથ હિન્દી ભાષા સ્વાર્થી હેતુસર લાદવામાં આવે છે તેવા  તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે .સ્ટાલીનના  આક્ષેપને પણ સંઘે નકાર્યો છે.

ખરી રીતે તો ભારતમાં તમામ ભાષા રાષ્ટ્રીય ભાષા  છે. કોઇ પ્રાદેશિક ભાષા નથી. હકીકત તો એ છે કે તામિલનાડુનાં લાખો નાગરિકો હિન્દી ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કરી રહ્યા છે. જે લોકો  પોતાના સ્વાર્થ માટે હિન્દીનો વિરોધ કરી રહ્યા છે તેઓ વિશે જરાય ચિંતા કરવાની જરૂર નથી.

આપણે માટે ખુશીની વાત એ છે કે યુનો જેવી વૈશ્વિક સંસ્થાએ પણ હિન્દીને મહત્ત્વ આપ્યું છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્થિત પરમેનન્ટ મિશન ઓફ ઈન્ડિયા થોડા મહિના પૂર્વે ''બહુભાષાવાદ અને વિદેશમાં હિન્દીને ઉત્તેજન'' ના કેન્દ્રીય વિચાર સાથે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી. હિન્દીને વધુ લોકપ્રિય ભાષા બનાવવા માટે કેટલીક પહેલ થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એને અપાયેલ માન્યતા એને વૈશ્વિક ભાષા બનાવશે.

આઝાદી વખતે બંધારણના ઘડવૈયાઓની એવી ધારણા હતી કે આગામી પંદર વર્ષમાં સરકારી પ્રયાસોથી સમગ્ર દેશમાં વહીવટની એક ભાષા લાગુ કરી શકાશે અને એ ભાષા હિન્દી જ હશે. 

પરંતુ એ વખતે મૂકાયેલી ૧૫ વર્ષની મુદત પૂર્ણ થયા પછી પણ હિન્દી અંગે એકમતી ન થઈ શકી એટલે બીજા પાંચ વર્ષની મુદત પડી અને એવી કુલ ત્રણ મુદત પડી ત્યાં સાઠના દાયકાના ઉત્તરાર્ધમાં દક્ષિણના રાજ્યોમાં હિન્દી વિરોધી આંદોલનો જોરમાં આવ્યા, જેને લીધે એવું રાજકારણ ખેલાયું કે હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો ફક્ત કહેવા પૂરતો જ રહી ગયો અને દરેક પ્રાંતોને પોતપોતાની અનુકૂળતા મુજબ (બંધારણના અનુચ્છેદ ૭માં સમાવિષ્ટ પૈકી) ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી. 

વાસ્તવિકતા એ છે કે, સરકારી ભાષા એ નર્યો ભ્રમ છે. ભાષાના સંવર્ધન અને વિકાસ માટે ભાષાને સરકારી પીઠબળ મળે તો જ શક્ય બને તે પણ સદંતર ગેરમાન્યતા છે. મુઘલ શાસન વખતે ફારસી રાજભાષા હતી અને 'હાથ કંગન કો આરસી ક્યા, પઢે લીખે કો ફારસી ક્યા' જેવી કહેવતો ય અસ્તિત્વમાં આવી હતી. એ વખતે સરકારી નોકરી મેળવવા માટે સમાજનો બૌધ્ધિક વર્ગ ફારસી શીખવાનું વલણ ધરાવતો હતો. એ સિવાય સમાજના છેવટના વર્ગ સુધી કદી પણ ફારસી પહોંચી શકી નહિ. અરે, મુસ્લિમ સમાજ પણ ફારસીની સરખામણીએ હિન્દી મિશ્રિત ઉર્દુ વધારે પસંદ કરતો થયો હતો. આ જ સ્થિતિ હિન્દી માટે છે. હિન્દીને આપણે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી છે પરંતુ ગુજરાત સહિતના રાજ્યોમાં હિન્દીનું પ્રચલન હોવા છતાં સરકારી હિન્દી ભાષા તો આપણાં માટે ય અઘરી અને અજાણી જ છે.  

મુંબઈ એ હિન્દી ફિલ્મોનું કેન્દ્ર છે અને તેમ છતાં મહારાષ્ટ્રમાં પણ હિન્દીની હાલત આપણાં ગુજરાત જેવી જ છે. ગુજરાત, મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં હિન્દી એટલે સિનેમા અને સિનેમા એટલે હિન્દી એવું સમીકરણ અને એવી સમજણ પ્રવર્તીત છે. પરિણામે બંને રાજ્યોમાં અનુક્રમે ગુજરાતી અને મરાઠી પછી હિન્દી કરતાં અંગ્રેજીનું ચલણ વધારે અથવા તો હિન્દી જેટલું જ છે. એ દર્શાવે છે કે માત્ર રાજભાષા કે રાષ્ટ્રભાષા બની રહેવાથી હિન્દી સર્વસ્વીકૃત બની શકવાની નથી.