- સરદાર @150-હસિત મહેતા
- વલ્લભભાઈના પાંચ ભાઈઓ અને એક બહેનના પરિવાર પૈકી સૌથી પહેલું મૃત્યુ આ નરસિંહભાઈનું થયું હતું, અને તે પણ કુદરતી નહીં પણ આકસ્મિક હતું. આકસ્મિક પણ અકસ્માતે નહીં, પણ ખૂન થયેલું, ઈ.સ.1929ના જૂન મહિનામાં...
- વલ્લભભાઈના ગુરુબંધુ નરસિંહભાઈ ઝવેરભાઈ પટેલ
વ લ્લભભાઈને વકીલાતના બોરસદ રોકાણનાં સમયગાળે ઈંગ્લેન્ડ જવા ધારેલી યોજના ઉપરાંત બીજા કારણો પણ મોટી કમાણી કરી લેવાની નેમમાં ઉમેરાયા હતા. તે એ કે બોરસદના વર્ષો દરમ્યાન ઈ.સ.૧૯૦૪માં મોટીપુત્રી મણીબેન અને ઈ.સ.૧૯૦૫માં પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો હતો. આ રીતે વલ્લભભાઈનું બોરસદજીવન વકીલાતમાં, લગ્નજીવનમાં અને છેવટે ઘરસંસારના રીતસરના આરંભમાં વ્યતિત થતું હતું.
છતાં આ સફળ વકીલ, બે સંતાનોના બાપ અને બોરસદમાં મોભાદાર વ્યક્તિ તરીકે નામાંકિત થયેલાં વલ્લભભાઈમાં અન્યાય સામે લડી લેવાની તોફાની અને ઉગ્ર પ્રકૃતિ સ્હેજે ય હળવી થઈ નહોતી. પોતાના શાળાજીવનમાં અનેક હડતાળો અને તોફાનો કરનાર વલ્લભભાઈએ મોટપણે પણ પોતાનો એ સ્વભાવ છોડયો નહોતો.
વિદ્યાર્થી વલ્લભભાઈએ હંમેશા શાળા અને શિક્ષક સામે કોઈને કોઈ અન્યાય માટે મોરચો માંડયો હતો. નડિયાદ શાળાની બે હડતાળો તો મોટા આંદોલન જેવી હતી. લાંબા દિવસો સુધી શાળામાં એકપણ વિદ્યાર્થી જાય નહીં તે માટે તેમણે નજીકની ધર્મશાળામાં છાંયે બેસવાની કે પાણી પીવાની સુવિધાઓ ઉભી કરી શાળાને દિવસો સુધી સુમસામ કરી હતી, તેથી હેડમાસ્તરે હડતાળ સામે ઝૂકવું પડયું હતું.
આ ચળવળીયા પ્રકૃતિ તો વલ્લભભાઈને વારસામાં મળી હતી. પિતાજી ઝવેરભાઈ ઘણાં મહિનાઓ સુધી કરમસસદથી ગાયબ રહીને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ તો કોંગ્રેસના એક જલદ આગેવાન હતા. તેમના બીજા મોટાભાઈ નરસિંહભાઈ પણ એવા જ, અન્યાય સામે માથુ ઊંચકીને જીવના બલિદાન સુધી સમાજ માટે લડનારા હતા.
આપણને જાણીને નવાઈ લાગશે કે વલ્લભભાઈના પાંચ ભાઈઓ અને એક બહેનના પરિવાર પૈકી સૌથી પહેલું મૃત્યુ આ નરસિંહભાઈનું થયું હતું, અને તે પણ કુદરતી નહીં પણ આકસ્મિક હતું. આકસ્મિક પણ અકસ્માતે નહીં, પણ ખૂન થયેલું, ઈ.સ.૧૯૨૯ના જૂન મહિનામાં. એ ઝઘડો કરમસદ સ્ટેશન અને ગામ વચ્ચે રસ્તો કરવાની તકરારનો હતો. નરસિંહભાઈએ ગામના ભલા માટે સ્ટેશનથી ગામ સુધી જે રસ્તો કઢાવ્યો, તે ખૂનીઓને પસંદ નહોતો. તેમાં ઉભો થયેલો ઝઘડો એટલો લાંબો ચાલ્યો કે છેવટે નરસિંહભાઈનો ભોગ લેવાયો. વધારે નવાઈની વાત તો એ છે કે જ્યારે નરસિંહભાઈનું ખૂન થયું ત્યારે વલ્લભભાઈ સફળ વકીલ અને મોટા દેશનેતા બની ચૂક્યાં હતા. છતાં નરસિંહભાઈનું કરમસદમાં જ ખૂન થયું અને ખૂનીઓ કોર્ટમાંથી નિર્દોષ છૂટયાં હતા. આ વાતે વલ્લભભાઈ બોલ્યાં હતાં કે 'જાહેર જીવનને કારણે કરમસદ જોડે સંપર્ક રાખી શક્યો નહીં.... જાહેરજીવનમાં ના હોત તો કરમસદ જઈને આ દુ:ખદ પ્રસંગ નિવારી શક્યો હોત.... નરસિંહભાઈ અંગ્રેજી ભણ્યાં નહીં, ગામ છોડીને નીકળ્યાં નહીં, તેથી તેમને ખ્યાતિ મળી નથી. પણ નરસિંહભાઈ બુદ્ધિ અને સામાન્ય સમજમાં મને અને વિઠ્ઠલભાઈને પણ પાછળ રાખી દે તેવા હતા.' (સરદારશ્રીના પત્રો : સંપા.: જી. એમ. નાંદુરકર) આવા પરિવારના વારસામાંથી વલ્લભભાઈનું અડગ અને ઉગ્ર વ્યક્તિત્વ બંધાયું હતું, પછી એ કોઈ અન્યાય સામે ઝૂકે?
બોરસદમાં પણ તેમણે એક સામુદાયિક લડતની આગેવાની લેવી પડી હતી. વાત એમ બનેલી કે ૧૯૦૮ની સાલમાં બોરસદ કોર્ટમાં સબજજ જેવા એક મુનસફે અચાનક કોર્ટ રૂમમાં પ્રવેશવાના બે દરવાજા પૈકીનો એક દરવાજો કાયમને માટે બંધ કરાવી દીધો. આથી વકીલોને ખાસ્સુ ગોળ ચક્કર લગાવીને અદાલતમાં જવું પડતું. આમ કરવાને કોઈ કારણ નહોતું. આ તો ત્યાંની દીવાની (સિવિલ) કોર્ટ હતી. ફોજદારી વકીલાત કરતાં વલ્લભભાઈને દીવાની અદાલતમાં આવવાનું બનતું પણ નહીં, આમ છતાં વલ્લભભાઈએ પેલા મુનસફના મુર્ખામીભર્યા પગલાંથી રોષે ભરાયેલ વકીલમંડળની આગેવાની લીધી, અને એ મુનસફની કોર્ટનો બહિષ્કાર કરાવ્યો. કોઈપણ કોરટમાં વાદી અને પ્રતિવાદી તરફેના બંને વકીલો હોય તો કેસ ચાલે ને? વલ્લભભાઈએ બંને તરફના વકીલોને સતત ગેરહાજર રહેવા સમજાવી લીધાં. પરિણામે એકપણ વકીલ મુનસફની કોર્ટમાં જાય જ નહીં. દિવસો સુધી એ કોર્ટખંડ સુમસામ રહ્યો. આ બહિષ્કાર શરૂ થયો કે તુરત જ મુનસફે સમાધાન કરવાની તત્પરતા બતાવી. એ ઢીલો પડયો, સમાધાન કરવા સહુને વિનવવા લાગ્યો. અંતે એવુ ગોઠવાયું કે બધા વકીલોને તેણે ચા-પાણી માટે આમંત્ર્યા, એમાં વલ્લભભાઈ ગયા અને કોર્ટનું બંધ કરેલું બારણું ફરીથી ખુલ્લું કરાવ્યું. એ પછી જ મુનસફની કોર્ટનો બહિષ્કર પડતો મુકાયો.
આ હતા વલ્લભભાઈ. સામુદાયિક ચળવળ માટે શાળાજીવનની જેમ વ્યવસાયજીવને પણ આક્રમક અદામાં સક્રીય, સફળ અને અન્યાયને ઝુકાવનાર.


