Get The App

ક્રીં, હ્રીં, હ્લીં, ક્લીં : તંત્રશાસ્ત્રમાં દેવીપ્રણવ અને દેવતાપ્રણવ!

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ક્રીં, હ્રીં, હ્લીં, ક્લીં : તંત્રશાસ્ત્રમાં દેવીપ્રણવ અને દેવતાપ્રણવ! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- મા કાલીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છુક સાધકે લાગલગાટ બાર વર્ષો સુધી 'ક્લીં' બીજમંત્રની સાધના કરવાની રહે છે

મો ટાભાગનાં વૈદિક મંત્રોની શરૂઆત પ્રણવબીજ 'ઓમ' સાથે થાય છે. સવિતુર્ ગાયત્રી મંત્ર (ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્), શિવ પંચાક્ષરી મંત્ર (ઓમ નમ: શિવાય), વિષ્ણુ દ્વાદશાક્ષરી મંત્ર (ઓમ નમો ભગવતે વાસુદેવાય), સૂર્ય પંચાક્ષરી મંત્ર (ઓમ સૂર્યાય નમ:) અને ગણપતિ નામમંત્ર (ઓમ મન્મહાગણાધિપતયે નમ:) સહિત અનેકાનેક વૈદિક મંત્રોઓમકારથી યુક્ત છે. સામે પક્ષે, આ જ સ્વરૂપોનાં તાંત્રિક મંત્રોમાં કેટલીક વખતઓમકારનું ક્યાંય ઉચ્ચારણ થતું નથી. ઉદાહરણ તરીકે, દુર્ગા નવાર્ણ મંત્ર (ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે), તાંત્રિક ગણપતિ મંત્ર (વક્રતુંડાય હું), કાતક સૂર્ય મંત્ર (હ્રંીં અશ્વતેજસ્ય અધોવાણી સ્વાહા), હનુમાન મંત્ર (હં હનુમતે નમ:), રામ તાંત્રિક મંત્ર (હું જાનકીવલ્લભાય સ્વાહા), કૃષ્ણ તાંત્રિક મંત્ર (ક્લીં કૃષ્ણાય નમ:) વગેરે. હા, એવું સંભવ છે કે ઘણી વખત સાધકને મંત્ર થકી મળનારા દોષનું નિવારણ કરવા માટે સ્વગુરુ દ્વારા સાધકને તાંત્રિક મંત્રની શરૂઆતમાં પ્રણવબીજ (ઓમ)નું ઉચ્ચારણ કરવાનો આદેશ પ્રાપ્ત થાય. જેમકે, દુર્ગા નવાર્ણ મંત્રમાં ઘણાં સાધકો મંત્રની શરૂઆતમાંઓમકારનું ઉચ્ચારણ કરે છે; પરંતુ એ સિવાય તાંત્રિક મંત્રોમાં પ્રણવબીજ મોટાભાગે અન્ય બીજમંત્રો જ હોય છે.

દસ મહાવિદ્યા (મા કાલી, તારા, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાત્મિકા)નાં તાંત્રિક મંત્રોમાં પ્રણવબીજ જુદા જુદા જોવા મળે છે. જેમકે, 'ક્રીં' બીજમંત્રને વાસ્તવમાં દેવીપ્રણવની સંજ્ઞા આપવામાં આવી છે. ઉપર જણાવ્યા મુજબ, 'ઓમકાર' દેવતાપ્રણવ છે, એવી રીતે દરેક તાંત્રિક મહાવિદ્યાઓનાં પ્રણવબીજ વિભિન્ન જોવા મળે છે. મા કાલીનાં કિસ્સામાં 'ક્રીં' અને 'ક્લીં' બંને તેના પ્રણવ છે અર્થાત્ દેવીપ્રણવ છે. ઘણાં મંત્રોમાં 'ક્રીં' બીજમંત્ર થકી દેવી મા કાલીનું આહ્વાન કરવામાં આવે છે, જેમકે 'ક્રીં કાલિકાયૈ નમ:'! તો અન્ય કિસ્સાઓમાં 'ક્લીં' બીજમંત્ર થકી મા કાલીની તાંત્રિક સાધના સંપન્ન કરવામાં આવે છે.

શ્રીવિદ્યાનાં સિદ્ધોપાસક અને જેમણે દસેય મહાવિદ્યાની સાધના થકી એમનો સાક્ષાત્કાર કર્યો છે, એવા સંત શ્રી ઓમ સ્વામીએ એક વખત એમના પ્રવચનમાં કાલી માનાં બીજમંત્ર વડે કઈ રીતે બાર વર્ષનું મહાપુરુશ્ચરણ સંપન્ન કરી શકાય એની વિધિ જણાવી હતી. જેનો સારાંશ એ છે કે મા કાલીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છુક સાધકે લાગલગાટ બાર વર્ષો સુધી 'ક્લીં' બીજમંત્રની સાધના કરવાની રહે છે. સ્મશાનની ચિતા પરથી લઈને રાખવામાં આવેલી ભસ્મ થકી દરરોજ સાધકે કપાળ પર તિલક કર્યા બાદ મા કાલીનાં દેવીપ્રણવ અર્થાત્ માત્ર 'ક્લીં' મંત્રનું અમુક સંખ્યામાં ઉચ્ચારણ કરવાનું રહે છે. બાર વર્ષ સુધી સતત આ અનુષ્ઠાન કરવાથી ક્લીં બીજમંત્રનું મહાપુરુશ્ચરણ સંપન્ન કરી શકાય છે અને મા કાલીનાં અપાર આશીર્વાદ પ્રાપ્ત કરવા સંભવ છે. હૃદયમાં ભક્તિ હોય અને જો સાધકે પોતાના વિકારો અને નકારાત્મક વૃત્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હોય, તો મા કાલીનો સ્વપ્નમાં અથવા સદેહે સાક્ષાત્કાર પણ સંભવ છે!

દેવીપ્રણવમાં 'હ્રીં'નો પણ સમાવેશ થાય છે. મા લલિતા મહાત્રિપુરસુંદરીની સાધના દરમિયાન 'હ્રીં' બીજમંત્રનો પ્રયોગ અચૂકપણે મંત્રોચ્ચારણ દરમિયાન થાય છે. શ્રીવિદ્યા સાધનાનું એક અભિન્ન અંગ 'હ્રીં' બીજમંત્ર છે. માત્ર એટલું જ નહીં, દેવી માનાં પંચદશી (પંદર અક્ષરનાં) મંત્રમાં પણ કુલ ત્રણ વખત 'હ્રીં' બીજમંત્રનો પ્રયોગ થાય છે. એમા મા ભુવનેશ્વરી, મા કમલાત્મિકા અને મા લક્ષ્મીનો બીજમંત્ર પણ 'હ્રંીં' જ છે, જેને માયાબીજ તરીકે ઓળખવામાં આવે છે.

એવી જ રીતે, મા બગલામુખીનો બીજમંત્ર 'હ્લીં' છે, જેમાં અડધો 'હ' અક્ષર, આખો 'લ' અક્ષર અને 'ઈ'ની માત્રાનો પ્રયોગ થાય છે. મા તારાનો બીજમંત્ર 'સ્ત્રીં' છે, જેને વધૂબીજ તરીકે ઓળખવામાં આવે છે. ષિ વશિષ્ઠ દ્વારા મા તારાનાં મૂળ મંત્ર (ઓમ હ્રીં ત્રીં હું ફટ્)ને શાપિત કરવામાં આવ્યો, એ પહેલાં મા તારાનો મૂળ બીજમંત્ર 'ત્રીં' હતો; પરંતુ શાપોદ્ધાર બાદ એમાં અડધો 'સ' અક્ષર ઉમેરાયો અને બાદમાં મા તારાનો બીજમંત્ર બની ગયો, 'સ્ત્રીં'! છતાં આજની તારીખે ગુરુનાં આદેશ થકી ઘણી વખત 'ત્રીં' બીજમંત્રનું ઉચ્ચારણ પણ માન્ય ગણવામાં આવે છે અને એના થકી પણ મંત્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકવી સંભવ છે.