Get The App

અસ્ત્રીનો અવતાર .

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
અસ્ત્રીનો અવતાર                                           . 1 - image

- રેખાબા સરવૈયા

- સ્ત્રીની આત્માની તરસ! અખબારમાં હાઈલાઈટ થયેલા વિવાનના ભાષણનાં વિધાનો જાણે કે વિશ્વાને લાકડીની જેમ સબોડી રહ્યા હતા - સટા...ક...

કૂ કરની વ્હીસલ વાગી અને એ વિચારભંગ થઈ, સહેજ ચમકી જઇને એણે ગૅસનો નોબ ઑફ કર્યો. ગરમ-ગરમ વરાળ એના ચહેરા પર ધસી આવી અને ન ઇચ્છવા છતાંય કૂકરમાંની વસ્તુ દાઝી જવાની વાસ નાક વાટે મગજમાં ઘૂસી ગઈ.

એના કપાળ પરની રેખાઓ તંગ બની. ખરેખર જ કંઇક દાઝ્યું હતું... પણ કૂકરમાં નહીં; ભીતરમાં.

'મેમસા'બ, કંઇક બળ્યું લાગે'સ... લે, તમે તો અહીં જ ઊભા સો, મે'કુ ગૅસ માથે કંઇક બળ્યાની વાસ આવી તીમાં ઉતાવળી આ કોર આવી,

- ઘરમાં કામ કરતી બાઈ ઝડપથી કિચનમાં દોડી આવી; વિશ્વા તરત એને કંઇ કહી ન શકી કેમ કે એ પોતાના વિચારોનાં વિશ્વમાં ગુમ હતી ને...! સવારે એ જાગી એમ કહેવું જ વધુ પડતું ગણાય... હકીકતમાં તો એ આખી રાત સૂતી જ નહોતી.

એટલે જ તો સવારે રૂટિન એલાર્મ જેવી જવાબદારીઓએ સમય થતાં જ વિશ્વાને પથારી છોડવા મજબૂર કરી દીધી. યંત્રવત્ જ ઘરનાં રોજનાં કામોને એ આટોપતી ગઈ.

વિવાન વિશે ન વિચારવાનું નક્કી કર્યા પછી ય મન ક્યાં માન્યું હતું ? ન ઇચ્છવા છતાંય વિશ્વા વિવાનની દિનચર્યા પણ નોંધી રહી હતી. એમ માનોને કે લગભગ કોઈ ફેરફાર વિનાની બલકે એમ કહો કે... બાથરૂમમાં શાવર લેતાં-લેતાં ઘોઘરા સ્વરે કંઇક ગીત પણ ગણગમતો 

હતો એ...!

બેડરૂમમાં કુલ વૉલ મિરરમાં જોતાં જોતાં ડી-ઓડરંટ સ્પ્રે કરીને, ઑફિસ વેર ચેન્જ કરતાં સુધીમાં એણે એકેય વાર વિશ્વા સામે જોયું પણ નહોતું. શરીરે વીંટેલો ટુવાલ રોજની જેમ પલંગ પર ફંગોળી, વાળમાં દાંતિયો ફેરવતી વખતે પણ એ ધારત તો, મેચિંગ હાથરૂમાલ અને મોજાં લઇને પોતાની પાછળ જ ઊભેલી વિશ્વા સાથે કંઇક બોલી શક્યો હોત... પણ પૂર્ણકદના અરીસામાં એ તો આત્મમુગ્ધ, પોતાને જ નીરખતો હતો... એમાંથી સમય મળે તો, અને તો જ, એ જ અરીસામાં ઉપરના ભાગે દેખાતો વિશ્વાનો ચહેરો જોઈ શકે ને ! એવી એને ટેવ પણ નહોતી.

વિશ્વાના ચહેરાની ઉદાસી થોડી વધુ ઘટ્ટ રંગ પકડતી હતી કે શું ?

વિવાન માટે ટિફિન ભરવાનું હતું. બાઈને કામ સમજાવવાનું હતું પણ એને ગળામાં કશુંક અટવાઈ ગયું હોય એમ સજ્જડ ભીડેલા દ્વાર જડબા જેવા એકેય અક્ષર બોલવા માટે ન જ ઊઘડયા.

એ હજી તો કિચનમાં જ જડ થઇને ક્યાંય લગી ઊભી રહેત. પણ બાઈએ આવીને એને ઢંઢોળી...

'મેમસાબ, સા'બ ટિફિનની ના કહીને જ યુનિવર્સિટી નીકળી ગયા છે. કે'તા'તા કે એમનું ખાવાનું બહાર છે આજે.'

વિશ્વાના જવાબની રાહ જોયા વગર જ એ વળતી ક્ષણે પોતાના કામે વળગી.

કંઇ કરવાનું ન સૂઝતાં વિશ્વા માટલામાંથી એક ગ્લાસ પાણી પીને બહાર આવી લિવિંગરૂમ સાથે જોડાયેલી અર્ધગોળાકાર બાલ્કનીમાં જઇને એમ જ ઊભી રહી. કોર્નિસમાં ઉગાડેલાં ટચૂકડાં મજાનાં- રંગબેરંગી ફૂલો પર એણે એમ જ પોતાની આંગળીઓ પસવારી. રસ્તા ઉપર ઉગાડેલા ગુલમહોરની કેસરી પત્તીઓવાળી ડાળીઓ હાથ હલાવીને વિશ્વાનું અભિવાદન કરી રહી હતી. વિશ્વાની નજર અસીમ આકાસમાં સ્થિર થઇ. દૂર ક્ષિતિજની કોર ઉપર કો'અજાણ્યું પંખી ઊડતું હતું - એકાકી. ન જાણે કેમ એને પેલી ગ્રીક કવિતા યાદ આવી.

મીણની પાંખો સાથે ઇકારસ ઊડયો !

પણ બહુ ઉંચાઈ પર તપેલા સૂર્યથી

એની પાંખો પીગળી ગઈ.

એ સમુદ્રમાં ખાબક્યો...

ને એ મૃત્યુ પામ્યો...

બધા ભૂલી જાય છે કે ભલે મોતને ભેટયો

પણ એ ઊડયો જરૂર.

કૉલેજકાળની એક ડીબેટમાં વિશ્વા વિવાન દ્વારા રજૂ થયેલા આવા જ કોઈ પ્રભાવિક વિચારોથી જીતી લેવાણી હતી. એક નિ:શ્વાસ છોડતાં વિશ્વાએ વિચાર્યું... પ્રેમ અને લગ્નનુંય શું આવું જ નથી ?

મેમસા'બ, નોરતા આવીયા સ, મારે માતાના મઢ લગી હાલીને જાવાની માનતા સે, આઠ-નવ દિની રઝાઉ ઝોવે સે.' - બાઈએ બાલ્કનીમાં આવીને દબાતા સ્વરે પોતાની વાત રજૂ કરી ત્યાં જ પડેલી નેતરની મોટી ખુરશીમાં નિરાંતે બેસતાં વિશ્વાએ બાઈને પણ હાથ અને આંખથી બેસવાનો ઇશારો કર્યો...

રજાની વાત સાંભળીને મેમસા'બ ઊંચા સ્વરે કંઇક સંભળાવશે એવી ધારણાને ખોટી પડી રહેલી જોઇને બાઈ પોતાનો સાડલો સંકોરીને બાલ્કનીમાં મેમસાબ સામે બેસી ગઈ.

થોડી ક્ષણો મૌનમાં વહી ગઈ.

બાઈના અચંબા વચ્ચે મેમસા'બે મો ખોલ્યું :

'બાઈ, તુલસીનાં પત્તાં નાખીને આપણાં બેય માટે સરસ ચા બનાવીને લઇ આવ જા... આપણે પછી વાત કરીએ.'

બાઈએ હુક્મનું અક્ષરશ: 

પાલન કર્યું.

એ ટ્રેમાં બે ચા લઇને આવી ત્યારે વિશ્વા અખબારોની હેડલાઈન્સ જોઈ રહી હતી. શહેરના અગત્યના સમાચારની એક અલગથી પૂર્તિ આવતી હતી દરરોજ. આજે ધારણા મુજબ જ સ્થાનિક સમાચારમાં વિવાન જ છવાયેલો હતો.

શહેરમાં આયોજિત 'વિમેન્સ એમ્પાવરમેન્ટ'ના નૅશનલ લેવલના સેમિનારમાં પોતાનાં સંશોધનપત્રને રજૂ કરનારા વિદ્વાન પ્રોફેસર અને સમાજશાસ્ત્રી ડૉ. વિવાનના શોધપત્રમાં રજૂ થયેલા વિચારો એને પ્રખર સ્ત્રી-હિમાયતી તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ વિવાનની પ્રતિષ્ઠામાં એક ઓર યશકલગી લાગી ગઇ હતી.

'મેમસાબ' - બાઈને હવે વિશ્વાનું મૌન અકળાવી રહ્યું હતું. અખબાર આડેથી બાઈ તરફ એક નજર નાખી વિશ્વા અખબારની ઘડી કરીને, ટેબલ પર બેપરવાહીથી છૂટો ઘા કર્યો. બાઈ એને શાંતિથી જોઈ રહી. વિશ્વાના ગૌરવર્ણ ચહેરા પરના પાતળા-નમણા નાકનાં નાસપુટો ફૂલી રહ્યાં હતાં. એના દાંત ભીડાઈ જવાથી જડબાં તંગ બની ગયાં. આંખોમાં લાલ-લાલ ટશરો ફૂટી નીકળી અને ન ચાહવા છતાંય ખારું ધુમ્મસ...

બાઈને થોડીક વાર થઇ સમજવામાં...

પણ મેમસાબ દ્વારા ફેંકાયેલા અખબારનાં પાના ઉપર ગર્વિષ્ઠ ચહેરે લોકોનું અભિવાદન ઝીલી રહેલા વિવાનની તસવીર જોઇને એણે કંઇક અનુમાન તો લગાવ્યું જ.

ચુપચાપ કિચનમાંથી પાણીનો પ્યાલો ભરી લાવી અને એણે વિશ્વાના મોં સામે ધર્યો. મહાપ્રયત્ને આંસુઓને આંખોની અંદર ઊંડે ધકેલી દઇને વિશ્વાએ બે ઘૂંટડા પાણી ગળે ઉતાર્યું. વળતી ક્ષણે સ્વસ્થ થયાના પ્રયાસરૂપે નાક છૂંકોરી, ગળું ખંખારીને એણે આંખો પટપટાવીને પૂછ્યું.

'વેલ, બાઈ ! તને આ હાલીને માતાને મઢ દર્શને જવાની ચાનક કેમ ચડી વારું... કહીશ મને...'

બાઈએ તાગ્યું કે મેમસા'બ વાતને આડેપાટે લઇ જાય છે પણ હવે પોતે જવાબ આપીને એ જ વાતને સીધે પાટે ચડાવીને જ રહેશે.

'મેમસા'બ, તમારી ઘોડે ભણેલી નથી કે સોપડીયું વાંસી હકુ; પણ આ જીવતરની નિહાઇરમાં એટલું હમજી કે હું મેનતથી મન દઉં તો માણહને વાંસી હકુ...વિશ્વાની આંખો ચમકી. એને ખરેખર જ બાઈની વાતમાં રસ પડયો. આજ લગી તો એણે બાઈને બસ બાઈ ગણી હતી. પણ આજે મનના કો'ક ખૂણેથી એમ થયું કે -

'મોમસા'બ, આપણે તો અસ્ત્રીનો અવતાર ! માતાજીની માનતા મારી દીકરી અને એના ઓંધાન હાટે રાખીસ મેં. તમી તો બધું કેમનું જાણો - બસ, એટલું જાણતા કે હું નાની ઉંમરે વિધવા થઈ. પેટે પાટા બાંધીને મારા પેટના જણ્યાવને મોટા કર્યા. રૂપિયા પૈસાની જરૂર પડે તંથે તમ જેવા ઉદાર માણહની મેર રઇ મારી માથે... પણ આજ મને કે'વા દયો મારા બાપ ! મને તો પનર વરહની પૈણાવી દીધી'તી બાપે હારાની જ હવની આસા હોય. બાપે તો ખાતા-પીતા કટમમાં મને વરાવી પણ ફૂટેલાં કરમ મારાં ! બાપનું વચારેલું ન્યાં હું કામ આવે...?

દુનિયા જોવાના તો મન અભરખાય નઇ, ને ઇમ પાસી જાજુ ભેળુ કરવાની ધખનાય નઇ પણ ધણીના લખ્ખણ ઢાંઇકા નોર્યા... બતરી ભાતના અપલખણ ઝળકાઈવા એણ્યે ! જુગાર- દારૂમાં વાટ લાગી ગઈ મારા સંસારની ! ધીરે ધીરે હંધુય વેંસતો ગ્યો મારો વાલીડો ! મજાયું કરવા હારૂ થઇને હવા-હુરીયા બસ્સાવની લાઈન લગાડી દીધી તમ જુઓ તો એક પસી એક ઇમ સ-સ સોકરીયું જૈણી બુન ! ઉપરથી અધૂરું હોય ઇમ કો'કને કો'ક માંદગીમાં બસ્સા મરી જાય. હું પાસી હતી ન્યાને ન્યા... પંડયના જૈણા વયા જાય ઇનું દુ:ખ ભૂલીને, ઇને દીકરો દેવા હાટં ગડદા-પાટા ખાતા ખાતા વરી પાસા ઓધાન રાખું. કંઇકની બાધા-આખડિયું કરી તંયે હાતમી હુવાવડમાં સોકરો ભાઈળો...'બાઈ જાણે એ ભૂતકાળને ફરીથી જીવતી હોય એમ બોલી રહી હતી. વિશ્વા એકધ્યાને સાંભળતી હતી. બસ, બુન ! ઇ એક જ દિ...ઇ...દિ ને તેદિ'ની ઘડી...મોડિયો ઉતાર્યો ન્યાંથી લઇન આજ લગીમાં ઇ એક જ દિ' એવો ઊગ્યો'તો મારી જિંદગીમાં કે જેમાં મારા ધણીએ મને બથમાં લઇને બચીયુંથી નવરાવી દીધી હોય...'

બાઈની આંખમાં શરમની રતાશ ફૂટી હતી આ બોલતાં. 'બસ, પસી તો કોઇ દિ, સુખ ભેળુ નથ થ્યુ મુને...! કુદરતનું કરવું તે આઠમે દિ'સોકરો ભઠ્ઠીતપ તાવમાં પાસો થ્યો અને આ મુવો હાવ ફ્રેટ, નફ્ફટ થઇ હાલ્યો... રોજેરોજ પીવાનું...ને ગાળાગાળ કરીને ગડદા-પાટુ કરીને મારું શરીર સુંથવાનું...!'

વિશ્વાનાં સાથળનાં રૃંવાડાં ઊભાં થઇ ગયાં.

'મેમસા'બ, આ તો મારા શરીરને હરરોજ સુંથે, મને ઓકારી આવી જાય ન્યા લગી પિટીયો હમચી ખુંદે ! ઇમાં આ એક સેલી બસી ગઈ ઈ દીકરી પેટમાં હતી. તંય ખબર પડી. પેટમાં પંડયની દીકરી સે એવી ખબર્ય પડયા પસીય એનો ચામડા ચૂંથવાનો ચહરકો જરીકેય ઘઈટો નંઈ... પોહ-પોહ આંહુડાં હાઈલા જાય પણ રોયો... પૂરું કર્યા વન્યાનો હેઠો જ ન ઊતરે. દી'આખો ઓઈડીમાં ઘોર્યા કરે. સાંજ પડે ને કોથરીયું પીવે. રાતે હમચી ખુંદે... બસ... એક દિ'ઈમાને ઇમા જ ઢળી પઈડો ઘરમાંથી ઠામડા અને માથેથી ઓઢણા વેસીનેય પીવા જોતુ'તું... એક દિ' ફાટી પઈડો... ઠામુકો...મારી મા આશાપુરાયે હામુ જોયુ. ઇની માનતા માની'તી બેન સુટી થઇ ઇ નરકમાંથી. આપણને વળી શીના અધિકાર ? આવડી આ એક સોડીને મોટી કરી... મારું મન જાણે સ. ઇનેય મનમેળ થ્યો ત્યાં પૈણાવી... ઓણ સાલ હંધુય હારૂ હતું ન્યાં કરમ ફુઇટાસોડીના... કડિયાકામમાં ઊંચી ઇમારતેથી પગ લપસતા જમઈ પઈડો ને મરી ગ્યો... સોડીને હું મારી કને લાઇવી... હમણાંની પેટમાં દુખાવાની ફરિયાદ કરતી'તી, દવાખાનાનારિપોર્ટ કરાઇવા... ગાંઠને બદલે સોડીને તો ઇના ચડતા જાય છે. હંધાયે બઉ હમજાવી બચ્ચુ પડાવી નાખવા હારૂ. પણ ન માની. હવે બચ્ચાના જનમ થવાના મારગમાં ગાંઈઠ થઈ સે... મારી તો મતિ બે'ર મારી ગઈ કે હવે હું કરવું ? મરી માને હંભારી મા હવે તો તું જ પાર ઉતાર' 'બાઈ મૂંગી થઈ ગઈ. એનો ચહેરો ભાવહીન.

વિશ્વાને યાદ આવ્યું, બાઈએદીકરીની સારવાર માટે એડવાન્સ પગાર માગ્યો હતો. બાળક માટે પોતાની પ્રબળ ઇચ્છા છતાંય વિવાન પાસે એ લાચાર હતી... એ હિસાબે પણ એને બાઈ પ્રત્યે હમદર્દી કંઈક વધી ગઈ. કંઈક બોલવું જોઈએ એમ લાગતાં વિશ્વા બોલી : 'બાઈ, તું મુંઝાઈશ નહીં હજીવધારે રૂપિયા જોઈએ તો કેજે પણ તારી દીકરી... અધવચ્ચે જ બાઈ બોલી પડે : 'મેમસા'બ, આશાપુરાને એક વાર તો ઇમ કે'વાઈ ગ્યુ સે તારી માનતા મેં પૂરી નથી ઇનો બદલો તું મારાથી કે મા...' મારી દીકરી પાંહેથી ના લઈશ. ધણી ઉપર નહીં પણ તારી ઉપર તો અમારો અધિકાર હોય તો બેયને હેમખેમ રાખીશ તો માથે સગડી મેલીને આવીશ તારી પાંહે...

વિશ્વા સ્તબ્ધ... અને ખિન્ન !

'હવે ઇનો પસ્તાવો થઇર્યો સ... એટલે હાલીને જાવું સે... આમ તો ઇ માતાજી પણ અસ્ત્રીનો જ અવતાર... હંધુય જાણે.... પેટે બલતાં બોલાઈ જાય પણ ઇમ કંઈ મોં ફેરવી લેવાય સે ? ક્યો જોઈ ? ચામડા ચૂંથનાર હારૂ મોત માગતી ને એક દિ'આશા પૂરી થઈ પણ હવે પંડયના જૈણા હારૂ તો અંગારા લઈને જાવું સે... ટપટપ આંસુ ખેરવતી બાઈ જમીન પર હાથ અડાડીને માતાજીને પગે લાગવા મંડી.

વિશ્વાની આંખો સામે ગઈ રાતનું દ્રશ્ય જાણે કે અટ્ટહાસ્ય કરતું ઊભું હતું. કૉલેજકાળથી એકમેકને પસંદ કરતાં વિશ્વા અને વિવાન લગ્નગ્રંથિથી જોડાયાં ત્યારે દરેક જણે મેડ ફોર ઇચ અધર' કહીને અભિનંદન આપેલા. પ્રો. ડૉ. વિવાન સ્ત્રીદાક્ષિણ્યના પ્રખર હિમાયતી - સમાજશાસ્ત્રી. બહુ જ કુનેહથી વિશ્વાને બહારની પ્રવૃત્તિઓમાંથી ગૃહસ્થાભિમુખ કરી દીધી હતી.

ગઈકાલે 'વિમેન્સ એમ્પાવરમેન્ટ'ના સેમિનારનું સેલિબ્રેશન કરવાના મૂડમાં વિવાન એ પણ ભૂલી ગયો હતો કે... વિશ્વાને મેન્સીસ પિરિયડ્ઝ આવેલા છે અને આ દિવસોમાં એને ઘણી ઘણી તકલીફો રહેતી... એ જ દિવસે બપોરે ભાભીએ ફોન પર, મમ્મીને બ્રેસ્ટ કેન્સરનાં ડાયગ્નોસીસ થયાના ખબર પણ આપ્યા હતા. આ બધી વાત કરીને વિશ્વા ઇચ્છતી હતી કે એ વિવાનની પૌરુષીય આગોશમાં લપાઇને આશ્વસ્ત થઈને બધું ભૂલી જાય.

એના બદલે...

પતિના બરછટ શરીર હેઠળ વિશ્વાની કેટકેટલી કોમળતા કચડાતી રહી... રાતભર..

વિજયી કેફમાં મગ્ન વિવાનના ચરમસીમા સુધી પહોંચતા સુધીમાં તો વિશ્વા ચૂર-ચૂર થઈ ગઈ શરીરથી અને ભીતરથી...

'કાળજી લેવી એ સ્ત્રીનો સ્વભાવ છે.

સમાધાન અને સમર્પણ એના લોહીમાં છે.

સતત સંઘર્ષ એની પ્રકૃતિ છે.

સલામતી એની મૂળભૂત જરૂરિયાત...

તો પછી પ્રેમ શું છે ?

સ્ત્રીની આત્માની તરસ ! અખબારમાં હાઈલાઈટ થયેલા વિવાનના ભાષણનાં વિધાનો જાણે કે વિશ્વાને લાકડીની જેમ સબોડી રહ્યા હતા - સટા...ક.

લગ્ન પછીના પ્રથમ જન્મદિવસ ઉપર વિવાને વિશ્વાની જીદ સામે નમતું જોખીને એનું પોતાનું બેંક એકાઉન્ટ અલગ કરાવ્યું હતું. તોવળી પ્રથમ લગ્નતિથિ ઉપર વિવાને વિશ્વાના નામે એક ખેતીની જમીન ખરીદી હતી. એના ૭/૧૨ ની અંદર પોતાનું નામ જોઈને એ ખૂબ ખુશ થયેલી વિશ્વાને ફીલ થતું હતું કે એ ખરેખર જ એક સ્વતંત્ર અને આઝાદ સ્ત્રી છે. પણ શું એ હકીકત હતી કે એનો વહેમ ? ગઈ રાતે જાણે કે ભરમનો પડદો ચિરાયો હોય એમ વાસ્તવિકતા નગ્ન થઈ ગઈ હતી.

આટલી સુશિક્ષિત, વિચારશીલ, આર્થિક રૂપથી સ્વતંત્ર હોવા છતાંય પોતાના શરીર ઉપર એનો જરાકેય અધિકાર નહોતો જ. આ વાતનો સ્વીકાર કરતાં એને પીડા થઈ રહી હતી.

થાક અને ખિન્નતાથી ચૂર શરીર અને મન સાથે એ જ્યારે સવારે ઊઠી ત્યારે -

આ સામે બેઠેલી બાઈની વાત પૂરી થઈ હતી. એ જવા માટે ઊભી થતાં થતાં બોલતી ગઈ.

'મેમસા'બ, વધુ તો કંઈનો ખબર્ય પડે પણ ધણીનું કોઈ નંઈ. સુવારથ વન્યા ભલો થાય ઇ માણહના પેટનો ભાયડો નંઈ, આપણે ગમે ઇમ કરી તોય અસ્ત્રીનો અવતાર.... પાણીમાં ધોકા પસાડવા સિવાય હું કરી લ્યો તમે...' બબડતી-બબડતી માથેનું ઓઢણું સરખું કરતી'કને એ ચાલી ગઈ.

અન્યમનસ્કભાવે ખુરશીમાં બેઠે-બેઠે એણે પોતાની ડાયરી હાથમાં લઈને એનાં પાનાં ફેરવવા માંડયાં. ઉચ્ચતમ કક્ષાની કવિતાઓ મરોડદાર અક્ષરોમાં લખવાનો એનો શોખ હતો. એક પાન પાસે એની નજર અટકી...

'એક પંખીને કંઈક કહેવું હતું-

માનવીની પાસે આવતાં ખમચાતું હતું.

ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,

આગળ પાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ ઓથાર નીચે

કંઈક બબડી નાંખ્યું એણે, સરતી સરિતાએ સાંભળી લીધું.

'હું એને પહોંચાડી દઈશ, રસ્તે મળી જશે કદાચને !' ગબડતી,

મેદાનોમાં રસળતી, લોથપોથ સમંદરમાં ઠબુરાઈ ગઈ,બુદબુદરવે...

કંઈક કહેવા કરતી : 'કંઈકનહીં, દુનિયાના ચોગમ કિનાર પર

પહોંચાડીશ.'- કહેતો'ક સમુદ્ર ઊપડયો.

દિનરાત-અનવરત ખડકો પર મસ્તક અફાળતાં સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.

એક પંખીને કંઈક કહેવું હતું.'

ડાયરીની સાથોસાથ વિશ્વાએ આંખો પણ બંધ કરી દીધી અંધકારથી છલકાતી ક્ષિતિજ પર એક નાનકડું પંખી હજુય ઊડતું હતું.