- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- 2007માં જાપાનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપથી એક સાથે કારકિર્દીનો પ્રારંભ કરનારી શેલી અને લીજીયેઓએ કારકિર્દીનું પૂર્ણવિરામ પણ 2025માં જાપાન ખાતેની જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જ મૂક્યું
ઘ ણી વખત એક જ સમયગાળા દરમિયાન એકથી વધુ પ્રતિભા તેમની આગવી ચમક થકી વૈશ્વિક સ્તરે નવા કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે સાથે ઈતિહાસમાં અમીટ છાપ છોડી જતી હોય છે. પોતપોતાના ક્ષેત્રમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરવાની સાથે સાથે આ પ્રતિભાઓ પોતાની આગવી ઓળખ ઉભી કરે છે, જે ચિરકાળ સુધી સીમાચિહ્નરુપ સ્થાન મેળવીને તેમના પુરોગામીઓને તેમની ક્ષમતા અને પ્રતિભાની કસોટી કરવા માટે પડકાર ફેંકતી રહે છે. વિક્રમોની વણઝાર સર્જીને જ્યારે આ પ્રતિભાઓ અસ્તાચળેે પહોંચે છે, ત્યારે જ તેમની સમાંતર સિદ્ધિઓની તુલના તરફ દુનિયાનું ધ્યાન ખેંચાતું હોય છે.
ટ્રેેક એન્ડ ફિલ્ડ તરીકે ઓળખાતા એથ્લેટિક્સમાં હાલમાં યુગના પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા લગભગ બે દાયકાથી દુનિયાભરના એથ્લેટિક્સ ટ્રેક અને ફિલ્ડમાં પોતપોતાની પ્રતિભાનો ચમકારો દેખાડી રહેલી બે લેજન્ડ મહિલા ખેલાડીઓ - જમૈકાની શેલી-એન ફ્રેસર-પ્રેસી અને ચીનની ગોંગ લિજિયેઓ - એ તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને તેની સાથે તેમની સિદ્ધિઓ અને ઝળહળતી યાદગાર સફર પણ હવે ઈતિહાસ બની ગઈ છે. તેની સાથે સાથે યુવા ખેેલાડીઓની સામે તેમનું સ્થાન લેવાનો પડકાર સર્જાયો છે.
જમૈકન એથ્લીટ શેલી-એન ફ્રેસર-પ્રેસી એથ્લેટિક્સની પ્રીમિયર ઈવેન્ટ તરીકે ઓળખાતી ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડની નિર્વિવાદ ક્વિન તરીકેની ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૦૭માં જાપાનના ઓસાકામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી જમૈકાની યુવા એથ્લીટ્ શેલીએ રિલે ઈવેન્ટમાં રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. ત્યારથી શરુ થયેલી તેની આંતરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓનો સિલસિલો છેક ૨૦૨૫ સુધી આગળ વધતો રહ્યો હતો. વિશ્વની એલિટ એથ્લીટ્સની હરોળમાં સ્થાન જાળવી રાખવાની સાથે શેલીએ ૨૦૨૫માં જાપાનના ટોકિયો શહેરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટરની દોડની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. યોગાનુંયોગ શેલીની વર્લ્ડ ચેમ્પિયનશિપની કારકિર્દીનું સમાપન પણ રિલેના રજત ચંદ્રકથી થઈ હતી.
શેલીની જેમ ચીનની ગોળા ફેંકની મહિલા ખેલાડી ગોંગ લિજિયેઓની વર્લ્ડ ચેમ્પિયનશિપની કારકિર્દીનો પ્રારંભ પણ ૨૦૦૭ની ઓસાકા વર્લ્ડ ચેેમ્પિયનશિપથી જ થયો હતો. એક જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી બે યુવા એથ્લીટ્સને ત્યારે ખબર નહતી કે, તેમની કારકિર્દી સમાંતર જ આગળ વધવાની છે. શેલીની જેમ લિજિયેઓએ પણ વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે ઓલિમ્પિકમાં પણ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરવાનું ગૌરવ તેની કારકિર્દીમાં હાંસલ કર્યું હતુ. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તો ચંદ્રક જીતવાનો સિલસિલો તો જારી જ રાખ્યો હતો. વળી અનોખો સંયોગ એ પણ છે કે, શેલીની જેમ લિજિયેઓ પણ કારકિર્દીની આખરી વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્ષ ૨૦૨૫માં જાપાનના ટોકિયો ખાતે જ રમી હતી અને ત્યાર બાદ હવે તેણે ગોળા ફેંકને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
શેલી અને લિજિયેઓએ એથ્લેટિક્સ જગતમાં પોતપોતાની ઈવેન્ટ્સમાં આગવી ઓળખ ઉભી કરવાની સાથે સાથે ક્યાંય અટકી ન રહેવાના નિર્ણયને વળગી રહીને આગવો ઈતિહાસ રચી દીધો છે. એથ્લેટિક્સની રમતમાં નવા લોહીનું મહત્વ વિશેષ હોય છે અને તેમાં વધતી ઉંમરની સાથે સ્પર્ધામાં ટકી રહેવું એ કોઈ પણ એથ્લીટ માટે પડકારજનક હોય છે. આમ છતાં શેલી અને લિજિયેઓએ તેમની સખત મહેનત અને દ્રઢ ઈચ્છા શક્તિની મદદથી વધતી ઉંમરની સાથેે સાથે સ્પર્ધામાં ઉતરી રહેલી નવયુવાન હરિફોને પણ હંફાવવામાં સફળતા મેળવી છે, જે બાબત જ તેમને ટોચના એથ્લીટ્સની યાદીમાં પણ મુઠી ઊચેરું સ્થાન અપાવે છે.
જમૈકાના કિંગ્સ્ટનમાં જન્મેલી શેલી-એન ફ્રેસર-પ્રેસી ભારે ગરીબીમાં ઉછરી હતી. બાળપણમાં તેે નાની-મોટી ચીજ-વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતી. બાળપણથી જ દોડવામાં વિશેષ રસ ધરાવવતી શેલીને શાળાજીવન દરમિયાન જ એથ્લેટિક્સમાં આગળ વધવાની પ્રેરણા મળી અને ત્યાંથી જ તેણે જિંદગીને એથ્લેટિક્સ ટ્રેકમાં જ વિતાવવાનો નિર્ણય લીધો. સ્થાનિક સ્તરથી શરુ કરીને માત્ર દોડવાની કુશળતાને સહારે શેલીએ છેક ઓલિમ્પિક સુધીની સફર ખેડી. ઓલિમ્પિકમાં તેના નામે ત્રણ સુવર્ણની સાથે કુલ મળીને આઠ ચંદ્રક અંકિત છે. આ ઉપરાંત; વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેણે ૧૦ સુવર્ણની સાથે છ રજત અને એક કાંસ્ય એમ કુલ ૧૭ ચંદ્રકો હાંસલ કર્યા છેે.
આ ઉપરાંત વર્લ્ડ ઈન્ડોર્સ ચેમ્પિયનશિપ, ફાઈનલ્સ, સહિતની કેટલીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શેલીના ચંદ્રકો તેની કટિબદ્ધતા અને સતત શિખર પર રહેવાના જઝ્બાને દર્શાવતા રહ્યા છે. શેલીની જેમ જ ગોંગ લિજિયેઓએ પણ ગોળા ફેંકની દુનિયામાં પ્રભાવશાળી દેેખાવ કરતાં મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. ચીનના હુબેઈ પ્રોવિન્સમાં જન્મેલી લિજિયેઓનો બાંધો મજબૂત હતો અને ચીનમાં બાળકોને વિવિધ રમતોમાં તૈયાર કરવામાં આવતા હોય છે. લિજિયેઓએ શરુઆતમાં ફિટનેસ પર ધ્યાન આપ્યું પણ ધીરે ધીરે તેેના મજબુત બાંધાને કારણે તેને ગોળા ફેંકમાં હાથ અજમાવવાની સલાહ આપવામાં આવી.
લિજિયેઓ શરુઆતમાં તો અન્ય રમતોમાં પણ ભાગ લેતી, જેના કારણે તેને ફિટનેસ જળવાઈ રહે. જોકે ધીરે ધીરે તેણે ગોળાફેંકની પદ્ધતિસરની તાલીમ લેવાનું શરુ કર્યું. સ્થાનિક સ્તરની સફળતા બાદ તેણે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ચમકારો દેખાડવા માંડયો. આખરે તેની પસંદગી ૨૦૦૭માં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ચીનની ટીમમાં કરવામાં આવી હતી. જ્યાં તેને છેક નવમો ક્રમ મળ્યો હતો. અલબત્ત, ધીમી શરુઆત બાદ અનુભવના કારણે તેનું ઘડતર થયું.
ચીનની જ ભૂતપૂર્વ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા લી મેઈસુએ તેને વધુ તાલીમ આપવાનું નક્કી કર્યું. લી મેઈસુ ૧૯૮૮ના સેઉલ ઓલિમ્પિકમાં ચીનને કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો અને ત્યાર બાદ તેણે યુવા ખેલાડીઓને તૈયાર કરવા તરફ ધ્યાન આપવાનું શરુ કર્યું હતુ. લિજિયેઓને તેનો સીધો જ ફાયદો મળ્યો અને કોચની મહેનતનો રંગ આખરે ૨૦૦૮માં બેઈજિંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં જોવા મળ્યો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે જ લિજિયેઓએ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે તેના કોચની સિદ્ધિની બરોબરી કરી લીધી.
ઓલિમ્પિકમાં જ્યારે ખેલાડીઓ ભાગ લેવા માત્રને સિદ્ધિ માનતા હોય છે, ત્યારે ઓલિમ્પિકનો ચંદ્રક ભલભલા ખેલાડીઓની એકાગ્રતાને ભંગ કરી નાંખે છે અને ત્યાર બાદ તેમનામાં સફળતા માટે સંઘર્ષ કરવાનું ઝનૂન જ જતું રહે છે અને ત્યાર બાદ તેમની સિદ્ધિ મર્યાદિત રહી જાય છે. જોકે લિજિયેઓ માટે ઓલિમ્પિકનો કાંસ્ય એક સફળતાના સિલસિલાની શરુઆત સમાન હતી અને ત્યાર બાદ તેણે તેની મહેનત અને અનુભવને કામે લગાડયા અને આગળ વધવાનું નક્કી કર્યું.
લિજિયેઓએ ઓલિમ્પિક ચંદ્રક જીત્યા બાદ ૨૦૦૯માં પહેેલો વર્લ્ડ ચેમ્પિયનશિપનો ચંદ્રક જીત્યો હતો અને ત્યાર બાદ સાત વખત તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચંદ્રક વિજેતા બની ચૂકી છે, જેમાં બે સુવર્ણ ચંદ્રકોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન જ તેેણે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીત્યો. જોકે ૨૦૧૬ની નિષ્ફળતા બાદ તેેેણે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં સ્વર્ણિમ સફળતા મેળવી બતાવી હતી.
શેલી એનની જેમ લિજિયેઓની પણ કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા એ ૨૦૨૫ની વર્લ્ડ ચેમ્પિયનશિપ બની રહી હતી. જે યોગાનુંયોગ જાપાનમાં જ યોજાઈ હતી. આ સાથે તેની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયું હતુ.
આંતરરાષ્ટ્રીય ફલક પર એક સાથે કારકિર્દી શરુ કરનારી શેલી અને લિજિયેઓની કારકિર્દીનો અંત પણ એક જ વર્ષે થોડા અંતરાલ બાદ આવ્યો છે. હવે એથ્લેટિક્સ જગતને આવી જ મહાન એથ્લીટ્સની નવી શરુઆતનો ઈંતજાર છે.


