- આજકાલ-પ્રીતિ શાહ
- બીજા શું કરે છે તેનું કશું મહત્ત્વ નથી, પરંતુ તમે શું ઇચ્છો છો, તમારું સ્વપ્ન શું છે તે મહત્ત્વનું છે, કારણ કે એ તમારી ભીતરમાંથી આવે છે
દ રેક વ્યક્તિ પોતાની કારકિર્દી અંગે સતત વિચારતો હોય છે, કેટલાંય સ્વપ્નાંઓ સેવતો હોય છે, પરંતુ નાનપણમાં તો માતા-પિતાની ઇચ્છા મુજબ એ અભ્યાસ કરે છે અને ઘણીવાર પિતાના વ્યવસાયમાં જોડાય જાય છે. અંકિત સાહનીના જીવનમાં પણ એવું જ બન્યું. પરંતુ એક વાર આર્થિક સ્થિરતા મેળવ્યા પછી પોતાના સ્વપ્નને સાકાર કરવા પિતાના વ્યવસાયને તિલાંજલિ આપી. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના પલિયા ગામમાં અંકિતનો જન્મ થયો હતો. લખનઉથી ૧૩૦ કિમી. દૂર આવેલા પલિયામાં સંયુક્ત કુટુંબમાં રહેતા અંકિતે લખીમપુરની બિરલા વિદ્યામંદિરમાં આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહનામાં જી.ડી. ગોએન્કા વર્લ્ડ સ્કૂલમાં આગળનો અભ્યાસ કર્યો. ચંડીગઢમાં આવેલી પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી. તેના પિતા હરવિંદર કુમાર સાહનીને ચોખાની મિલ હતી, પરંતુ તે પછી તેઓ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા હતા.
અંકિત સ્નાતક થયા પછી રીયલ એસ્ટેટની ઇન્વેસ્ટર્સ ક્લિનિક નામની કન્સલ્ટન્સી ફર્મમાં ૨૦૧૧થી જોડાયો. એને મહિને પચીસ હજાર રૂપિયાનો પગાર મળતો હતો. છ મહિના પછી લખનઉમાં પિતા સાથે કામ કરવા લાગ્યો. અડતાળીસ એપાર્ટમેન્ટની યોજના મૂકી જેમાં સારી એવી સફળતા મળી અને એ પછી થોડા પ્રોજેક્ટ પણ કર્યા. કુટુંબમાં બધા અંકિતની સફળતાથી ખુશ હતા, પરંતુ અંકિતનું બાળપણનું સ્વપ્ન હતું કાફે ચલાવવાનું. એક દિવસ અંકિતે હિંમત કરીને તેના પિતાને જણાવ્યું કે તે રીયલ એસ્ટેટનો વ્યવસાય છોડીને પોતાનું કાફે બનાવવા ઇચ્છે છે. પિતાને પુત્રની આવી વાતથી આંચકો લાગ્યો. પરિવારમાં પણ સહુને લાગ્યું કે આવો કૌટુંબિક વ્યવસાય છોડીને શા માટે કાફે ચલાવવું જોઈએ ? પરંતુ રીયલ એસ્ટેટમાં ચાર વર્ષ કામ કર્યા બાદ ઇમ્પ્રેસારીઓ જેવી જાણીતી કાફેની ફ્રેન્ચાઇઝી લીધી.
આ ક્ષેત્રમાં સૌથી મોટો પ્રશ્ન માણસોનો હોય છે. તે ઉપરાંત શું બનાવવું છે, કેવું બનાવવું છે, બજારમાં કઈ વસ્તુની માગ છે, તે વિશે વિચારવાનું હતું. તે માટે ફૂડ ટેસ્ટીંગ કરવાને કારણે છ-સાત મહિનામાં જ અંકિતનું વીસ કીલો વજન વધી ગયું. તેણે ફેબ્રુઆરી, ૨૦૧૯માં લખનઉમાં ચાર હજાર સ્ક્વેર ફીટની જગ્યા ભાડેથી લીધી અને એને નામ આપ્યું ધ હેઝલનટ ફેક્ટરી. બે હજાર સ્ક્વેર ફૂટ જગ્યા પાછળ ઉત્પાદન બનાવવા માટે અને બાકીની આગળની બે હજાર સ્ક્વેર ફીટની જગ્યા કાફે માટે. મહિને ત્રણ લાખ ભાડું, પાંત્રીસ કર્મચારી અને અઢી કરોડના રોકાણ સાથે ધ હેઝલનટ ફેક્ટરી શરૂ થઈ. બકલાવાથી માંડીને બ્રેડ, કૂકીઝ, પેસ્ટ્રી, ચટપટા નમકીન અને સ્વીટ - આમ જુદાં જુદાં ઉત્પાદનો બજારમાં મૂક્યાં. તેમને ત્યાં સૌથી ઓછી કિંમત ત્રીસ રૂપિયાની મિલ્ક બ્રેડ મળે છે અને સૌથી મોંઘી સાત હજાર રૂપિયે કિલો પાન ઑફ નવાબ મીઠાઈ મળે છે. અંકિત કહે છે તેઓ મીઠાઈમાં માવો વાપરતા નથી, પરંતુ રોજેરોજ તાજી મીઠાઈ બનાવે છે. જો તે ન વેચાય તો અઢાર કલાક પછી ફેંકી દે છે. તેમના કૂકીઝ ત્રણ મહિના સુધી સારા રહે છે. ધ હેઝલનટ કાફેની કેટલીક મીઠાઈ તેમનો ટ્રેડમાર્ક ગણાય છે, જેમકે લેબોન. લેબોનમાં લાડુ અને બોન બોનનું મિશ્રણ હોય છે. તેઓ કેસ્યૂ, બ્લુબેરી, ક્રેનબેરી વગેરેમાંથી તિરામિસુ બનાવે છે. આંતરરાષ્ટ્રીય સ્વાદ અને દેખાવવાળી મીઠાઈ બનાવે છે.
તેમની આવી સારી ગુણવત્તા અને અનોખા સ્વાદને કારણે પ્રથમ વર્ષથી જ દરરોજ દોઢ લાખનું વેચાણ થતું હતું. ૨૦૧૯ના અંતમાં તો તેમણે લખનઉમાં અન્ય ચાર આઉટલેટ શરૂ કર્યા, ૨૦૨૩માં દિલ્હી અને કાનપુરમાં આઉટલેટ શરૂ કર્યા. સમગ્ર ભારતમાં સિત્તેરથી વધુ આઉટલેટ ચાલુ કરવાની ઇચ્છા ધરાવે છે. તેઓએ કંપની-ઑન કંપની-ઓપરેટેડ અંતર્ગત ક્વીક સર્વિસ રેસ્ટોરન્ટનું મૉડલ અપનાવ્યું છે.
દોઢસો પ્રકારનાં ઉત્પાદનોમાં સિત્તેર પ્રકારની મીઠાઈ અને બકલાવા બનાવે છે. તેમને ત્યાં આઠસો કર્મચારીઓ કામ કરે છે. જેમાં પાંચસો કર્મચારીઓ વેચાણ સંભાળે છે, અઢીસો કર્મચારીઓ ઉત્પાદનો પર ધ્યાન આપે છે અને પચાસ કર્મચારીઓની કોર્પોરેટ ટીમ છે. આ બધા કર્મચારીઓ આઉટલેટ, ફેક્ટરી યુનિટ, માર્કેટિંગ, એચ.આર. અને અન્ય મેનેજમેન્ટનું કામ કરે છે. અત્યારે ધ હેઝલનટ ફેક્ટરીના ૮૫ ટકા ગ્રાહકો છૂટક છે. જ્યારે કોર્પોરેટ ગ્રાહકો પંદર ટકા છે. અહીં એક જ જગ્યાએથી તમને કોફી, બેકરી આઇટમ, મીઠાઈ, નમકીન મળી રહે છે. તેઓ ગ્લુટન ફ્રી અને વિગન ઉત્પાદનો પણ રાખે છે. એક સમયે પિતાને નારાજ કરીને ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રે પ્રવેશ કર્યો, પરંતુ આજે તેના પિતાને તેનો નિર્ણય સાચો લાગે છે અને રોજના વેચાણના આંકડા ક્યારેક તેમને આશ્ચર્યમાં મૂકી દે છે. અંકિત માને છે કે બીજા શું કરે છે તેનું કશું મહત્ત્વ નથી, પરંતુ તમે શું ઇચ્છો છો, તમારું સ્વપ્ન શું છે તે મહત્ત્વનું છે, કારણ કે એ તમારી ભીતરમાંથી આવે છે.
સાથી હાથ બઢાના
અનેક ઍવૉર્ડ મેળવનાર કલ્પના શંકરને વિશેષ આનંદ મહિલા હેલ્પ ગ્રૂપના સંતાનો ડૉક્ટર, એન્જિનીયર બને છે કે આર્મીમાં જોડાય છે ત્યારે થાય છે
ચે ન્નાઈમાં રહેતાં કલ્પના શંકરને લગ્નનું નિમંત્રણ મળે છે અને એમની આંખમાં હર્ષાશ્રુ આવે છે. જેના લગ્ન છે એની માતા શીલાએ એકલા હાથે બે સંતાનો ઉછેરવાના હતા, તેવા સમયે કલ્પના શંકરે તેના પ્રથમ ક્રિસ્પ બેકરી યુનિટના લીડર તરીકેની જવાબદારી સોંપી હતી તો બીજી બાજુ આનંદ એ વાતનો હતો કે મીરા સૌંદરરાજનનો પરિવાર તિરુવલ્લુવર જિલ્લામાં અત્યંત મુશ્કેલીમાં રહેતો હતો, મીરાએ અભ્યાસ છોડી દીધો હતો. તેને ફરી અભ્યાસ કરાવ્યો અને દસમા ધોરણમાં પ્રતિભા ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો. આવી અનેક કથાઓ ડૉ. કલ્પના શંકર પાસે છે. એમાંય આશ્ચર્યની વાત એ છે કે તેમણે અર્થશાસ્ત્ર કે વિકાસના ક્ષેત્રમાં સંશોધન નથી કર્યું, પરંતુ ન્યૂક્લિયર ફિઝિક્સમાં પીએચ.ડી. કર્યું છે. તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાયું. તેમણે વિમેન્સ સ્ટડી અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ વિશે પીએચ.ડી. કર્યું. તેમણે ટ્રાયમ સ્કોલરશીપ મેળવીને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી એમ.બી.એ. કર્યું છે.
કાંચીપુરમ સિલ્કની સાડીઓ માટે જાણીતું છે. પરંતુ તેની પાછળની કડવી વાસ્તવિકતા એ છે કે આ ઉદ્યોગમાં કેટલાય બાળકો જોડાયેલાં છે. જે કુટુંબોની સ્થિર આવક નથી હોતી તેમનાં બાળકો આ વણાટ ઉદ્યોગમાં જાય છે. માતા-પિતાને તેનાથી આવક થાય છે તો સામા પક્ષે આ ઉદ્યોગને બાળમજૂરી સસ્તી પડે છે. બાળકોની આવી પરિસ્થિતિ જોઈને તેમણે તેમનું ભવિષ્ય સુધરે તે માટે કામ શરૂ કર્યું. એમાં એમને સાથ મળ્યો સ્વીડીશ બિઝનેસમેન ડૉ. પર્સી બાર્નેવિકનો. લંડન સ્થિત 'હેન્ડ ઈન હેન્ડ' સંગઠન ચલાવતા પર્સી બાર્નેવિક અને કલ્પના શંકરે ૨૦૦૩માં ભારતમાં હેન્ડ ઈન હેન્ડ એન.જી.ઓ.ની સ્થાપના કરી. તેમણે કાંચીપુરમમાં બાળમજૂરી બંધ થાય તેના પ્રયત્નો શરૂ કર્યા.
તેમણે વિચાર્યું કે બાળકોને મજૂરીમાંથી મુક્ત કરીને શિક્ષણ અપાવવું હોય તો તેનો એકમાત્ર ઉકેલ રેસિડેન્સિયલ સ્કૂલનો છે. તેથી તેમણે તમિલનાડુ રાજ્યમાં આઠ આવાસીય સ્કૂલ શરૂ કરી. તેમના અભ્યાસક્રમમાં તમિળ તથા અંગ્રેજી ભાષા, ગણિત, શારીરિક શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જેવા વિષયોને સામેલ કર્યા. એ ઉપરાંત બાળકોનું કાઉન્સેલિંગ અને તેમની પ્રગતિનો રેકોર્ડ રાખ્યો જે સમયાંતરે ચકાસવામાં આવે છે. આ સ્કૂલો દ્વારા આશરે ચાળીસ હજાર બાળકોએ શિક્ષણ મેળવ્યું. ધીમે ધીમે બાળમજૂરીની સમસ્યા પ્રત્યે સામાજિક સંવેદના પણ જોવા મળી. પરિવારજનોને પણ બાળકના શિક્ષણનું મહત્ત્વ સમજાયું. તેમણે કોમ્યુનિટી હેલ્થ, સ્કીલ ડેવલપમેન્ટ અને નોકરી ઊભી કરવા પર કામ કરવાનું શરૂ કર્યું.
વર્લ્ડ બઁકના હેવાલ પ્રમાણે ગામડાંઓમાં રહેતા એંશી ટકા લોકોને કોઈ સરકારી સંસ્થા કે બઁકમાંથી લોન મળતી નથી. તેથી હેન્ડ ઈન હેન્ડ સંસ્થા અને બેલસ્ટાર માઇક્રોફાયનાન્સ દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રૂપના સભ્યોને અથવા બઁકની મદદ દ્વારા વ્યવસાય કરવા માટે લોન આપવાની શરૂઆત કરી. રોજગારી વધતા તેઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના લોન ભરપાઈ કરી શકશે તેવી તેમને ખાતરી હતી. હેન્ડ ઈન હેન્ડ ઇન્ડિયાની ભાગીદારી સાથે તેમણે કેટલીક એકેડેમિક ઇન્સ્ટિટયૂટ, બઁક અને માઇક્રોફાયનાન્સ ઇન્સ્ટિટયૂટ દ્વારા સ્ત્રીઓને ગ્રેજ્યુએટેડ આંત્રપ્રેન્યોર્સ પ્રોગ્રામ હેઠળ વ્યવસાય માટે પ્રોત્સાહન આપ્યું. આ સામાજિક આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામે મૂડીની અને બઁક ક્રેડિટની સગવડ પૂરી પાડી અને તેના દ્વારા સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા અને લૈંગિક સમાનતાની કેડી કંડારી. બે દાયકાથી કલ્પના શંકર ગ્રામ્ય સ્તરે કામ કરી રહ્યા છે. તેમણે પશુઓ માટે વીમો તેમજ સેલ્ફ હેલ્પ ગ્રૂપના સભ્યો માટે આરોગ્યના વીમાની યોજના પણ શરૂ કરી છે. વીસ વર્ષમાં સાડત્રીસ હજાર કરોડની લોન ભરપાઈ થઈ ચૂકી છે.
બેલસ્ટાર માઈક્રોફાયનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને હેન્ડ ઈન હેન્ડ ઇન્ડિયાના મેનેજિંગ ટ્રસ્ટી કલ્પના શંકર આજે ભારતના અઢાર રાજ્યો અને ભારત સિવાય પાંચ દેશોમાં કામ કરી રહ્યા છે. પાંચ લાખથી વધારે સેલ્ફ હેલ્પ ગ્રૂપ અને પચાસ લાખથી વધારે કુટુંબ બેકરી, ગારમેન્ટ, નાના સ્ટોર, ફૂડ બિઝનેસ, મોબાઈલ રીપેરીંગની દુકાન, સિલાઈકામની દુકાન જેવા વ્યવસાયો ચલાવે છે તથા સવા લાખથી વધુ માઈક્રો એન્ટરપ્રાઇઝ ચાલે છે. ભારતના જુદા જુદા આઠ રાજ્યોમાં એક કરોડથી વધુ લોકો લાભાન્વિત થયા છે. આજે હેન્ડ ઈન હેન્ડ ભારત, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, કમ્બોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાં પણ કામ કરે છે. વિલેજ અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બિહાર, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુના પાંચસો ગામોમાં આત્મનિર્ભરતાને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યા છે. તેઓ ત્રીસ હજાર ખેડૂતો સાથે અને પચાસ ગારમેન્ટ કંપની સાથે કામ કરે છે. આઈ.આઈ.ટી. અને અન્ય બિઝનેસ સ્કૂલ સાથે મળીને ડિજિટલ ટ્રેનિંગ, સ્કીલ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ શીખવે છે. અનેક ઍવૉર્ડ મેળવનાર કલ્પના શંકરને વિશેષ આનંદ મહિલા હેલ્પ ગ્રૂપના સંતાનો ડૉક્ટર, એન્જિનીયર બને છે કે આર્મીમાં જોડાય છે ત્યારે થાય છે.


