- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- અચેતન મનમાં રહેલા સંસ્કારોને સમજવાની દ્રષ્ટિ મળે છે. આથી મનુષ્ય આંતરિક રીતે પણ સ્વસ્થ બને છે. પોતાના મન ઉપર કાબૂ મળવાથી બહારની પરિસ્થિતિઓમાં પણ તે સ્વસ્થ રહી શકે છે...
આ જે દુનિયા આખી વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોડી રહી છે, ત્યારે વિકટ સવાલ એ જાગ્યો છે કે આમાં માનવી ક્યાં ? માનવીનાં પ્રશ્નોનો ઉકેલ ક્યાં ? એના મનની શાંતિ અને જીવનની પ્રસન્નતા ક્યાં ? આવે સમયે સહુ સંતનું સ્મરણ કરે છે. એવા એક સંત સ્વામી નિખિલેશ્વરાનંદજીએ 'આધુનિક માનવીને માટે ધ્યાનનું મહત્વ' વિશે થોડી વાત કરી છે. ટેકનોલોજીમાં અતિ ઉચ્ચ અભ્યાસ કરનાર સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી વિશ્વભરમાં સ્વામી વિવેકાનંદનો સંદેશ પ્રસરાવે છે અને જગતનાં માનવીઓ વધુને વધુ સ્વસ્થ જીવનશૈલી અને ધ્યાન તરફ ગતિ કરે તે માટે પ્રયાસ કરે છે. એટલે એમના અહીં આલેખાયેલા વિચારોમાં પ્રાચીન સાધનાપદ્ધતિ અને અર્વાચીન વિચારપ્રણાલી બંનેનો સુભગ સમન્વય આપણે જોઈ શકીએ છે.
એક પ્રખ્યાત અમેરિકન ડૉક્ટરે મનુષ્યના મનનો ઊંડો અભ્યાસ કરીને જણાવ્યું કે મન જ શરીરનો સર્જક છે. કોઈ પણ આકાર, રોગ કે દુર્વ્યસનની કલ્પના જ્યારે પ્રથમ મનમાં થાય ત્યારે તેનું માનસિક ચિત્ર ખડંર થાય છે અને એ ચિત્રની જ શરીર ઉપર અસર થવા લાગે છે. ક્રોધથી થૂંકમાં એટલો ફેર પડે છે કે થૂંક જ વિષરૂપ બની જાય છે. એકાએક થઈ આવતી પ્રબળ અસર એટલી બધી વધી જાય છે કે ઘણીવાર તેનાથી હૃદયને ભારે ધક્કો લાગે છે. કેટલીક વાર તો હૃદયનું ધબકવું પણ બંધ થઈ જાય છે અને મનુષ્ય મૃત્યુ પામે છે. લાગણીઓના સખત આવેગથી મનુષ્યો પાગલ થઈ જાય છે. એનાં પણ ઘણાં દ્રષ્ટાંતો જોવા મળે છે.
વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કરી સાબિત કર્યું કે સામાન્ય મનુષ્યના પરસેવામાં અને અપરાધ કરવાથી જેનું કાળજું ધડકી રહ્યું હોય એવા ગુનેગારોના પરસેવામાં બહુ જ ફેર હોય છે. વૈજ્ઞાનિકોએ અનેક વખત આ એક પ્રયોગ કર્યો છે કે કેટલાક મનુષ્યોને એક ગરમ ઓરડીમાં બેસાડયા. એમા ંકોઈ ક્રોધી, કોઈ કામી, કોઈ ઇર્ષાળુ વગેરે હતા. ગરમ ઓરડીના વાતાવરણને લઈને બધાંને ખૂબ પરસેવો થતો અને પરસેવાનાં ટીપાંઓને લઈને રાસાયણિક પ્રયોગ ઉપરથી તેનું પૃથક્કરણ કર્યું અને એ જ વખતે તેઓએ તારણ કાઢી આપ્યું કે કયા મનુષ્યોમાં કેવી રીતે લાગણીઓ પ્રબળ હતી. આ બધા પ્રયોગો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મનની શરીર પર સીધેસીધી અસર થાય છે.
રાલ્ફ વાલ્ડ્રો ટ્રાઈનને કોઈએ પૂછ્યું કે શું કેવળ આંતરિક શક્તિના પ્રયોગથી રોગમાંથી શરીરને સાજું કરી શકાય ? તેના ઉત્તરમાં તેમણે જણાયું કે 'જરૂર સારું કરી શકાય ! અને શરીરને નિરોગી સ્થિતિમાં લાવવાનો એ જ સ્વાભાવિક માર્ગ છે. જીવનશક્તિના સ્થૂળ માર્ગમાં જે કંઈ અડચણરૂપ હોય તેને દૂર કરવાનું જ કાર્ય દવાઓ કરે છે. બાકી શરીરના રોગો મટાડવાનું ખરું કામ તો આંતરશક્તિઓ જ કરે છે.'
ેએક પ્રખ્યાત સર્જને આ વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું હતું, 'શરીરને પોષણ આપનારું ખરું તત્વ જે જીવનશક્તિ છે, તેનો ઘણા સમયથી વૈદકશાસ્ત્રમાં બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. બધાં ડૉક્ટરોનું ધ્યાન મન પર જડ પદાર્થથી શી અસર થાય છે, એના ઉપર જ કેન્દ્રિત થયેલું છે અને તેને લગતા જ ઉપાયો આપવામાં આવેલા છે. આનું પરિણામ એ આવ્યું કે ડૉક્ટરો સમયની સાથે પ્રગતિ કરી શકતા નથી અને તેથી શરીરના રોગો દૂર કરવામાં મન કેટલો અગત્યનો ભાગ ભજવે છે, તેનો અભ્યાસ ઊંડાણપૂર્વક થયો નથી. ક્યાંક ક્યાંક માત્ર બીજરૂપે એ વિચાર જોવામાં આવે છે, પરંતુ હવે ડૉક્ટરો પણ શરીર ઉપર થતી મનની અસરો વિશે જાગૃત થયા છે અને આધુનિક યુગમાં ડૉક્ટરો એના પ્રયોગો કરવા લાગ્યા છે.'
આપણા સાધુ-મહાત્માઓ અને યોગીઓ ધ્યાન દ્વારા પોતાના મન ઉપર નિયંત્રણ કરી પોતાના શરીરનું આરોગ્ય જાળવી રાખતા હતા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ પોતાના 'ધ્યાન, ધર્મ અને સાધના' પુસ્તકમાં કહે છે, 'ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે, એવું નથી. તેનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે.' આમ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન કરવું જરૂરી છે.
આપણે સહુ સંસારના કામકાજમાં એટલા બધા ડૂબેલા છીએ કે આપણને એટલું વિચારવાની પણ ફુરસદ મળતી નથી કે આપણા જીવનનો ઉદ્દેશ શો છે, આપણા જીવનની મોટરને આપણે પૂરઝડપે હંકારીએ છીએ પણ આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં એનો ખ્યાલ રાખતા નથી. આપણા રોજિંદા જીવનમાં થોડીક ક્ષણો પણ જો આપણે ધ્યાનમાં ગાળીએ તો આપણે જીવનની સાચી દિશા સમજી શકીએ છીએ અને સાચી દિશા મળતાં એ પ્રમાણે જીવનને પણ ગોઠવી શકીએ છીએ. જેઓ જીવનમાં કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા ઇચ્છે છે અથવા જીવનને નિરર્થક વેડફી દેવા માગતા નથી, તેઓ માટે પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા છે અને આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે તો ધ્યાન અનિવાર્ય બની રહે છે.
શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ સ્વામી વિરેશ્વરાનંદજી મહારાજ એક જાપાની છોકરા વિશેની સુંદર વાતો કહેતા, 'એક ગામડામાં આ છોકરો કોઈને ત્યાં નોકર હતો. એક દિવસ તેના માલિકે તેને નજીકના શહેરમાં જઈને ચીજવસ્તુઓ ખરીદી લાવવા કહ્યું. એ ચીજવસ્તુઓની યાદી અને તે માટેના પૈસા પણ તેને આપ્યા. છોકરો શહેરમાં તો આવ્યો, પણ તે અગાઉ કોઈ વાર શહેરમાં ગયો ન હતો, એટલે શહેરમાં દાખલ થતાં તે ત્યાંના ભભકાથી, ત્યાંની આકર્ષક દુકાનોથી અંજાઈ ગયો અને તે એક દુકાનેથી બીજી દુકાને જોતાં જોતાં ફરતો રહ્યો. આમ ને આમ તે પોતે શહેરમાં શા માટે આવ્યો છે, તે જ ભુલાઈ ગયું. સાજે છેલ્લી બસ ગામડે જવાની હતી ત્યારે તેને ભાન આવ્યું કે તેને તો ગામડે પાછું જવું પડશે એટલે તે તુરત જ બસમાં ચડી ગયો. ઘેર પહોંચ્યો ત્યારે માલિકે પૂછ્યું, 'બધી વસ્તુઓ ક્યાં ?'
'અરે, એ બધું લેવાનું તો હું ભૂલી જ ગયો !'
આપણી સ્થિતિ પણ આવી જ છે. આપણે આ પૃથ્વી ઉપર આવીને સાંસારિક કાર્યોમાં અને ભૌતિક આકર્ષણોમાં એટલા ડૂબી જઈએ છીએ કે મનુષ્યરૂપે જન્મ લેવાનો, આ જીવન ધારણ કરવાનો મૂળ ઉદ્દેશ જ ભૂલી જઈએ છીએ. દરરોજ થોડો સમય ધ્યાન કરવાથી, આપણા મનનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવાથી આપણે આપણા કાર્યના હેતુ પ્રત્યે, આપણા જીવનના હેતુ પ્રત્યે સચેતન થઈ શકીએ છીએ. આ સંદર્ભમાં શ્રીમા શારદાદેવી કહે છે, 'તમારી ફરજ બજાવવા ઉપરાત જાપ, ધ્યાન અને પ્રાર્થના કરવાની પણ ખૂબ જરૂર છે. ઓછામાં ઓછું સવારે ને સાંજે તો એ બધું કરવું જ જોઈએ.'
આ પ્રકારનો અભ્યાસ એ હોડીના સુકાન જેવો છે. સાંજે પ્રાર્થનામાં બેસતી વખતે પોતે આખા દિવસમાં સારા કે નરસાં કેવાં કાર્યો કર્યાં છે, તેનો વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ. જો તમે કામકાજની સાથે સાથે ધ્યાન કરો નહીં તો પછી તમે શુભ કરી રહ્યા છો કે અશુભ એની ખબર કેમ પડે ?' આમ, ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું આંતર-નિરીક્ષણ કરી શકે છે. પોતાનું વિશ્લેષણ કરી પોતાના આંતરિક દોષોને દૂર કરી શકે છે અને પોતાના જીવનને નિરર્થક ભટકતું અટકાવીને સાચા ધ્યાનની દિશામાં ગતિમાન કરી શકે છે, એટલું જ નહીં પણ એ ગતિને વેગ પણ આપી શકે છે.
વેદકાલીન ઋષિમુનિઓએ સ્વસ્થ અને નિરોગી સો વર્ષનું આયુષ્ય મનુષ્ય ભોગવી શકે છે, એ પ્રતિપાદિત કરી આપ્યું છે. તેઓ પોતે પણ એવું નિરોગી જીવન જીવતા હતા, કેમકે તેમનું જીવન પ્રકૃતિની સાથે સંકળાયેલું હતું અને તેઓ દરરોજ પ્રાત:કાળે નિયમિત ધ્યાન દ્વારા પોતાના ચેતાતંત્ર ઉપર કાબૂ રાખી શકતા હતા. તેના પરિણામે તેઓ દીર્ઘાયુષી હતા. ધ્યાન દ્વારા મનુષ્યને લંબાવી શકાય છે, એ અંગે હવે વૈજ્ઞાનિકો પણ સંશોધન કરી રહ્યા છે. કેવી રીતે આયુષ્ય લંબાવી શકાય તેની વૈજ્ઞાનિક સમજ પણ તેઓ આપે છે.
મૃત્યુ એ દરેક જીવ માટેની એક એવા પ્રકારની સમતુલ સ્થિતિ છે કે જ્યારે એન્ટ્રોપી વધુમાં વધુ હોય છે. થર્મોડાઈનેમિક્સના બીજા નિયમ પ્રમાણે કોઈ પણ અરૂપાંતરિક તંત્રમાં એન્ટ્રોપી ત્યાં સુધી વહેતી રહે છે, જ્યાં સુધી એ તંત્ર સમતુલન સ્થિતિ પર પહોંચી ન જાય. એન્ટ્રોપી કોઈ પણ તંત્રમાં અવ્યવસ્થાનું પ્રમાણ દર્શાવે છે. જો આપણે એન્ટ્રોપીની વધતી ગતિને ધીમી કરી શકીએ, તો સમતુલન સ્થિતિ પાછળ ધકેલી શકીએ. તેવી જ રીતે આપણા જીવનમાં વધતા જતા તણાવોને જો ઓછા કરી શકીએ તો આપણા જીવનની સમતુલન સ્થિતિ એટલે કે મૃત્યુને પાછળ ધકેલી શકીએ, ધ્યાન માનસિક તણાવોને ઓછા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને મૃત્યુને પાછળ ધકેલે છે.
આમ, ધ્યાન દ્વારા મનુષ્ય પોતાના આયુષ્યને લંબાવી શકે છે. વળી રોગો ઉપર કાબૂ મેળવવાથી, શરીરનું સ્વાસ્થ્ય સારું રહેવાથી પણ મૃત્યુ પાછળ હટે છે. એટલું જ નહીં પણ ધ્યાન મનના ઊંડામાં ઊંડા પ્રદેશોમાં લઈ જાય છે. એના પરિણામે અચેતન મનમાં રહેલા સંસ્કારોને સમજવાની દ્રષ્ટિ મળે છે. આથી મનુષ્ય આંતરિક રીતે પણ સ્વસ્થ બને છે. પોતાના મન ઉપર કાબૂ મળવાથી બહારની પરિસ્થિતિઓમાં પણ તે સ્વસ્થ રહી શકે છે. આ રીતે ધ્યાન મનને સુસ્થિર બનાવે છે. તેને પરિણામે પણ મનુષ્ય નિરામય આયુષ્ય ભોગવી શકે છે.
આમ ધ્યાન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિઓનો વિકાસ, આંતરિક શક્તિઓની જાગૃતિ, દૈનિક જીવનમાં સ્વસ્થતા, સમતા, સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થાય છે.


