- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- એક હજાર વર્ષ સુધી તો રોમન પ્રજાએ પશ્ચિમના જગતમાં સૌથી મહિમાવાન પ્રજાનું ગૌરવ ધારણ કર્યું હતું. સલામતી, ગૌરવ અને સુવિધા એ રોમન પ્રજાના ઈતિહાસ સાથે વણાયેલાં હતાં
વિ શ્વભરમાં 'ઈટર્નલ સીટી' અર્થાત્ શાશ્વત શહેર રોમની મુલાકાતની રોમાંચક ક્ષણોની વાત કરી લઈએ. આ શહેર 'હોટલ ઓક્સફર્ડ'માં ઊતરતાંની સાથોસાથ સાવધાનીનો એક સૂર સાંભળવા મળ્યો. કોઈ પણ દેશના પ્રવાસે જાવ ત્યારે તમને એક ભયસૂચક 'સાયરન' તો સાંભળવા મળશે જ. કેનિયાનો પ્રવાસ કરો તો કોઈ કહેશે કે અહીં રાત્રે બહાર નીકળવામાં ભારે જોખમ છે. ઈગ્લેન્ડમાં જાવ તો સૂચના આપશે કે ગમે તે કરો, પરંતુ કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશો તો આવી બનશે. ભારતના પ્રવાસે આવનારાઓ તો વિદેશથી ભારતમાં પ્રચલિત એવા રોગચાળાથી દૂર રહેવાની સલાહનું ઘણું મોટું લગેજ લઈને ઊતરે છે. એમ આ શાશ્વત સિટીમાં આવનારને પહેલી સૂચના એ મળે છે કે પાકીટમારથી ચેતજો. કોઈ પર્સ આંચકી ન જાય તેની તકેદારી રાખજો.
રોમની 'હોટલ ઓક્સફર્ડ'ના માલિક લીઓ પાસકારાલો સાથે વાતો કરતાં એણે કહ્યું કે, 'એ વાત સાચી છે કે ઈટાલીમાં અને તેમાંય મહાનગર રોમમાં ટિકિટ, પાકીટ, પાસપોર્ટ કે બીજી કીમતી ચીજો લઈને લટાર લગાવવામાં જોખમ ખરું જ. એમાં પણ જો સ્ટાઈલથી હેન્ડબેગ આમતેમ ઘુમાવતા નીકળો તો પછી હેન્ડબેગ વિનાનો હાથ જ હલાવવાનો રહે ! આ પોકેટમાર ઘણી વાર તો મોટર-સાઈકલ કે સ્કૂટર પર આવે અને તમારા હાથમાંથી હેન્ડબેગ આંચકીને પળવારમાં અદ્રશ્ય થઈ જાય.'
હજી આ વાત ચાલતી હતી ત્યાં જ ક્લીવ રેડફર્ડ નામના એક અંગ્રેજ મુસાફરે પોતાની રામકહાણી શરૂ કરી. એમણે કહ્યું કે એક માણસ એમની પાસે ભીખ માગવા આવ્યો. ના પાડે તોય છોડે જ નહીં. પાછળ પાછળ ચાલે, લાંબો હાથ આગળ ઘરે, સતત કાલાવાલા કરે, રસ્તા વચ્ચે આવીને અટકાવે. આ દરમિયાન બીજા માણસે ક્લીવ રેડફર્ડનું ખિસ્સું કાપી લીધું !
ક્લીવ રેડફર્ડે આખી ય ઘટનાને હળવાશથી લેતાં કહ્યું કે 'ભિખારીનો મેળાપ મને ખુદને ભિખારી બનાવી ગયો.'
આને માટે ઈટાલીની પોલીસ ખાસ ઈમરજન્સી સેવા આપે છે અને તે એ કે ૧૧૨ નંબર ઘુમાવો એટલે તમારી સાથે અંગ્રેજીમાં સમજી શકે એવો પોલીસઅધિકારી તમારી ફરિયાદ નોંધશે અને આવી સેવા ચોવીસે કલાક ઉપલબ્ધ હોય છે.
ઈગ્લેન્ડ અને અમેરિકામાં અંગ્રેજી નહીં જાણનારાને જેટલી મુશ્કેલી પડે છે, એટલી જ મુશ્કેલી અન્ય યુરોપીય દેશોમાં અંગ્રેજી જાણનારને પડે છે. રોમમાં તો કદાચ એક-બે વ્યક્તિ અંગ્રેજી જાણનાર મળી જાય કે કોઈ રડયોખડયો બે ભાષા જાણનારો પ્રવાસી મળી જાય, પણ ઈટાલીનાં અન્ય શહેરોમાં તો પારાવાર મુશ્કેલી પડે. એક તો આ યુરોપીય દેશોમાં ફ્રેંચ, ઈટાલિયન કે જર્મનભાષી વ્યક્તિ પોતે થોડું અંગ્રેજી જાણતા હોય તોપણ એમની સ્વભાષામાં જ વાત કરે. ઘણીવાર તો ચેષ્ટાથી કે અંગ્રેજી બોલીને સામી વ્યક્તિને સમજાવવા પ્રયાસ કરીએ, ત્યારે એ વ્યક્તિ એની સ્વભાષામાં જ જવાબ આપતી હોય. પંદર-વીસ મિનિટ વાત કર્યા પછી જ એ રહસ્યસ્ફોટ કરે છે કે એ અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકે તેમ છે. આ પ્રજાને એવું પણ અનુભવતી જોઈ હતી કે એ અંગ્રેજીમાં વાત કરવામાં એને પોતાને કશીક ગ્લાનિ કે માનહાનિ થતી હોય.
ધીરે ધીરે ઈટાલીના પ્રજાજીવનમાં એકરૂપ થતાં આ પ્રાચીન સંસ્કૃતિની એક વિલક્ષણ ભાવનાની ઓળખ મળી. ઈટાલિયન પ્રજાની એક અનોખી વિશેષતા એ એનું કૌટુંબિક જીવન લાગ્યું. જાણે ભારતમાં સંયુક્ત કુટુંબપ્રથાનું પ્રતિબિંબ ન હોય ! પરિણામે રસ્તા પર તમને વયોવૃદ્ધ માતાને ખભે હાથ રાખીને લાગણીભેર ઘૂમતો પુત્ર જોવા મળે. દીકરીની સાથે વાતોમાં મશગૂલ એવી માતા જોવા મળે. કોટ, પેન્ટ અને હેટ પહેરીને પૌત્રી સાથે ઘૂમતા દાદા જોવા મળે. આનું કારણ એ છે કે અહીં કુટુંબમાં સંતાનોને વહાલથી ઉછેરવામાં આવે છે અને સ્ત્રીને પ્રેરણામૂર્તિ તરીકે સંસ્કાર અપાય છે. છોકરી પત્ની અને સમય જતાં માતા બને અને એનાં સંતાનો દ્વારા કુટુંબની આબરૂ અને વારસો ઉજાળે એવી ભાવના સેવવામાં આવે છે. કંઈક અંશે ભારતીય પરિવાર-ભાવનાઓનું પ્રતિબિંબ જોઈ શકાય. ઉચ્ચ નૈતિક મૂલ્યોનો કુટુંબજીવનમાં આગ્રહ રખાય છે અને એને કારણ જ લીઓ પાસકારાલો તો માને છે કે આને કારણે જ ઈટાલિયન સમાજ ભાવના, મૂલ્યો અને માનવતાના એકસૂત્રે બંધાઈ રહ્યો છે.
બાળકો તરફની અપાર ચાહનાનાં દ્રશ્યો ઈટાલીમાં ઠેર ઠેર જોવા મળ્યાં. ઉદ્યાનમાં ખેલતાં બાળકો હોય કે પછી નિશાળે જતાં બાળકો હોય, પણ એમને ઈટાલિયનો 'દેવના દીધેલાં' માને છે. જાહેર સ્થળોએ બાળકોને લાડ લડાવતાં માતા-પિતાનાં દ્રશ્યો જોવા મળે. આના પરિણામે તો દુનિયાભરમાં ઈટાલિયન કુટુંબ જેટલાં રમકડાં અને ડોલ પાછળ ખર્ચ કરનારા તમને નહીં મળે. દરેક બાળકની પાસે પોતાની ટ્રાઈસિકલ તો હોય જ અને તે પણ ખૂબ મોંઘી કિંમતની. આજે અમેરિકા કે બ્રિટનમાં બાળકો વહાલ માટે તરફડતાં હોય છે. ઈટાલીમાં માતા-પિતા બાળકોને વહાલ કરવા માટે તડપતાં હોય છે.
રોમના બોનકોમ્પાઝની નામના વિસ્તારમાં આવેલા ઓરનેલા રોસાના કુટુંબમાં જોવા મળ્યું કે પોતાનાં સંતાનો પ્રત્યે માતા અગાધ પ્રેમ ધરાવતી હોય છે. મધ્યમવર્ગના કુટુંબની આવક ઘણી મર્યાદિત હતી, છતાં પોતાનાં સંતાનો માટે ખર્ચ કરવામાં તેઓ પાછું વાળીને જોતા ન હતા. પશ્ચિમના દેશોમાં ભાગ્યે જ જોવા મળતી કુટુંબભાવના ઈટાલીમાં સર્વત્ર જોવા મળી, અને એમાંય મહાનગર રોમ કરતાં એનાં ગામડાંઓનાં જનજીવનમાં વિશેષ જોવા મળી. ઓરનેલા રોસાએ એમને એનાં સંતાનોની વહાલભેર ઓળખ કરાવી એટલું જ નહીં, પણ પોતાની કૌટુંબિક ખાનદાનીની વાતો કરી. આ કુટુંબનું સમાજ સાથે ગાઢ જોડાણ છે અને તેથી સમાજમાં આગવી પ્રતિષ્ઠા હાંસલ કરવી અને તેને જાળવવી એ મહત્ત્વની બાબત ગણાય છે. ઓરનેલા રેસાની વાતમાં વારંવાર 'બેલા ફિંગરા' નામનો શબ્દ આવતો હતો, એનો અર્થ થાય છે - 'ખાનદાની ઈજ્જત.'
આ ખાનદાની ઈજ્જત એટલે કોઈ ઘમંડ નહીં, પણ સામી વ્યક્તિ પ્રત્યે વિનય. ઈટાલિયન ગૃહજીવનમાં વિનય વારસામાં મળે છે. માતા-પિતા તરફનો વિનય તો આદરનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય, બલ્કે સમાજજીવનમાં પણ આ વિનયનું સતત પ્રાગટય થતું રહે છે, યુનિવર્સિટી ઓફ રોમ માત્ર એક જ ડિગ્રી આપે છે અને તે ડોક્ટરેટની. આવો ડૉક્ટરેટ થયેલો કામયાબ યુવાન ઊંચા દરજ્જાની નોકરી ધરાવતો હોય તોપણ રસ્તા પર ઝાડુ વાળનાર વડીલને જુએ તો તરત જ એમનું 'કાપો' (મુરબ્બી) કહીને અભિવાદન કરે છે. રોમન સંસ્કૃતિને વિલીન થઈ ગયાને સૈકાઓ વીતી ગયા, પરંતુ માન અને મહોબ્બતના એના સંસ્કારો ઈટાલીનાં દૂર દૂરનાં ગામડાંઓમાં એટલા જ જીવંત છે.
એક હજાર વર્ષ સુધી તો રોમન પ્રજાએ પશ્ચિમના જગતમાં સૌથી મહિમાવાન પ્રજાનું ગૌરવ ધારણ કર્યું હતું. સલામતી, ગૌરવ અને સુવિધા એ રોમન પ્રજાના ઈતિહાસ સાથે વણાયેલાં હતાં. આ પ્રજા આજે પણ એનું પુરાતન ગૌરવ ભૂલી નથી. ઈટાલીના રોમમાં નગરજનોમાં હજી રોમનત્વ વસેલું છે. અને એથી જ એની વાતચીતમાં વારંવાર 'રોમાનો ડી રોમા' એટલે કે 'રોમન એટલે રોમન' એવું મહિમાગાન સંભળાયા કરે.
કુટુંબભાવનાના એવા મજાના સ્નેહતંતુ વણાયા હોય કે જ્યાં કોઈ પણ સ્વજન આવે એટલે ઈટાલિયનની આંખમાં આનંદ છલકાય. ઈટાલીમાં જેમ બહુમાળી ફ્લેટો ન મળે એ રીતે વિશાળ બંગલાઓ પણ બહુ ઓછા જોવા મળે. આવે સમયે ઘેર આવેલા કુટુંબીજનનું સ્વાગત કઈ રીતે કરવું ? ઘરમાં સંકડાશ હોય છતાં સૂવાની વ્યવસ્થા થઈ જાય. ભોજનની વ્યવસ્થા રેસ્ટોરન્ટમાં થાય. એક વિશાળ ટેબલની આસપાસ કાકા, ભાઈ, ભત્રીજા, ભત્રીજી ઘેરી વળીને બેઠા હોય તેવું દ્રશ્ય ઠેર ઠેર જોવા મળે. હોટલનું ટેબલ એ જાણે કુટુંબ ઉજાણી-સ્થળ ! આવી ફેમિલી પાર્ટીમાં જવું એ આનંદનો વિષય ગણાય, પરસ્પર વાતચીતમાં પણ કેટલા કુટુંબીજનોની ફેમિલી પાર્ટી હતી તેના આધારે પોતાનો રુઆબ બતાવતા હોય છે. પિઝા કે સ્પગેટીથી ઈટાલી આખી દુનિયામાં જાણીતું છે. રોમમાં ઠેર ઠેર તમને 'પિઝેરિયો' જોવા મળે. આ પિઝેરિયોનો ભારતના પિઝાથી સ્વાદ સાવ જુદો લાગે. એવું તો અમદાવાદના ઢોસા ને ચેન્નાઈમાં ઢોસા ખાઈએ ત્યારે પણ લાગે છે ને !
ઈટાલિયન પ્રજાને જેટલી સુઘડ પહેરવેશની ચિંતા એટલી જ ચીવટ ભોજનની. કુટુંબની આવકનો ઘણો મોટો હિસ્સો પાર્ટી અને ફેશનેબલ વસ્ત્રોમાં જ ખર્ચાઈ જાય. બીજા કોઈ પણ ઔદ્યોગિક દેશ કરતાં આ દેશ એની આવકનો ઘણો મોટો ભાગ ભોજન પાછળ ખર્ચે છે. આથી જ શાકભાજી લેતી વખતે ઈટાલિયન સ્ત્રી આંખો મીંચીને ખરીદી કરવાને બદલે એ કેટલું તાજું અને સારું છે એની પૂરી ચકાસણી કરે છે.
પ્રાચીન ભારતમાં ભોજનનો જેવો મહિમા હતો, એવો જ અર્વાચીન ઈટાલીમાં જોવા મળે ! ભોજન એ જીવનનું એક મહાકાર્ય. આડેધડ જેમતેમ થોડી મિનિટોમાં ભોજન કરાય નહીં.
ઈટાલિયન ભોજન માટે એ ટેબલ પર બેસે એટલે ઓછામાં ઓછો એક કલાક ગણી લેવાનો. ભોજનની સાથે કૌટુંબિક વાતો ચાલે. વાનગીઓ આવતી જાય. ગૃહિણીની પ્રશંસા થતી જાય અને ભોજનસમારંભ ચાલતો રહે. એમાંય ઈટાલીના દક્ષિણ ભાગમાં આવેલાં શહેરોની તો તાસીર જુદી. સૌરાષ્ટ્રના ભાવનગરની યાદ આપે તેવી. ઈટાલીનાં આ શહેરોમાં સવારે દુકાન ખૂલે. પછી બપોરે ભોજનના લાંબા વિરામ માટે દુકાનદાર દુકાન બંધ કરીને ઘેર આવે. કલાક દોઢકલાક ભોજનમાં જાય અને પછી થોડો આરામ કરે. આથી ઈટાલીમાં ઘણાં શહેરોમાં બપોરે બજાર બંધ હોય છે. આવો છે આ પ્રજાનો મધ્યાહ્ન ભોજનસમારંભનો મહિમા. આવા એક ભોજન-સમારંભમાં જવાનું બન્યું ને કુટુંબના સભ્યોના પરિચય ગામગપાટાં સાથે પૂરા બે કલાક એ ભોજન સમારંભ ચાલ્યો !
ક્ષણનો સાક્ષાત્કાર
આજના માનવીને ઝડપી ગતિનું પાગલપન વળગી ગયું છે. એ દોડયે જ જાય છે. એના પગમાં ઝડપી ગતિ છે, તો એનાથી કેટલીયે ગણી ઝડપી ગતિ એના મનમાં છે. જીવનની ઉદ્યમાતભરી દોડમાંથી વિસામો ખાવાનો એને સમય નથી. અરે ! આવા વિસામા વિશે વિચારવાની ય એને ફુરસદ નથી.
જીવનમાં સતત અને ત્વરિત એટલા બધા વિચાર કરે છે કે વિચારની પરિપક્વતા વિશે ચિંતન કરવાની મોકળાશ એની પાસે હોતી નથી. વળી ઝડપી ગતિએ સર્જેલા ઉતાવળા અને ધાંધલિયા સ્વભાવને કારણે એ કશું હળવાશથી લઈ શકતો નથી અને આ આંધળી દોડ એવી છે કે આખી દુનિયા વિશે વિચારતી એ વ્યક્તિને ખુદના જીવન વિશે વિચારવાનો અવકાશ નથી. આથી બન્યું શું ? અતિ તીવ્ર ગતિએ એના જીવનમાંથી મોેકળાશ, હળવાશ કે અવકાશને વિદાય આપી છે. એના શબ્દકોશમાં 'નિરાંત' શબ્દ ક્યાંય જડતો નથી.
વળી એ સર્વસામાન્ય નિયમ છે કે ગતિની તીવ્રતા વધે, તેમ દ્રષ્ટિની ક્ષમતા ઘટે. તમે નિરાંતે લટાર મારતા હો તો આસપાસની વનરાજીનો આનંદ લઈ શકો છો, પણ તમે અત્યંત ઝડપથી ચાલતા હો તો તમને એ અલપઝલપ દેખાશે અને જો તમે દોડતા હો તો આસપાસની લીલીછમ વનરાજીનો અહેસાસ થશે નહીં. માત્ર ગતિ કે ઝડપ પર ધ્યાન કેન્દ્રિત કરનાર એનાં વિચારોની મૌલિકતા ગુમાવે છે અને પરિણામે એવું બને છે કે આવો ભીતરથી ભગ્નાવશેષ થઈ ગયેલો માનવી પોતાના અંતરની ગરીબાઈને ભૂલવા માટે બહારના વિશ્વમાં વધુ જોરથી આંધળી દોડ લગાવે છે.


