Get The App

ભારતને ટક્કર આપવા ફ્રાન્સ લાવી રહ્યું છે : 'બેગેટ વેન' રોકેટ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ભારતને ટક્કર આપવા ફ્રાન્સ લાવી રહ્યું છે : 'બેગેટ વેન' રોકેટ 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ફ્રેન્ચ બ્રેડથી અંતરીક્ષ સુધીની સફર

જ્યારે આપણે રોકેટ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા દિમાગમાં ધાતુના મોટા ટાવર જેવું ઊંચું રોકેટનું ચિત્ર આવે છે. રોકેટના નામો વિશે વિચારીએ તો, આપણને પ્રાચીન દેવતાઓના નામ યાદ આવે છે. આવા  રોકેટો અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. જેમ કે એપોલો, એટલાસ, ફાલ્કન વગેરે! હવે તમે વિચારો કે જો કોઈ રોકેટનું નામ બેકરીમાં બનતી ફ્રેન્ચ બ્રેડના નામ 'બેગેટ' પરથી રાખવામાં આવે તો કેવું લાગે? આપણને સારું લાગે કે ખરાબ લાગે! ફ્રાન્સની અંતરીક્ષ સંસ્થાએ તેમના રોકેટનું નામ બેગેટ વન રાખ્યું છે. અહીં આપણે ''નામાયણ'' શરૂ કરવાની નથી. નામ વિશે વિવાદ શરૂ કરવાનો નથી. તમે પણ યાદ ન કરાવતા કે પ્રખ્યાત નાટયકાર શેક્સપીઅર કહી ગયા છે કે ''નામમાં શું રાખ્યું છે?''

એક તાજા સમાચાર પ્રમાણે, ફ્રાન્સ હવે વિશ્વને નાના સેટેલાઈટ લોન્ચ કરવા માટે સસ્તા ભાવે સેવા આપવાનું વિચારે છે. તાજેતરમાં જ વિશ્વના અંતરીક્ષબજારમાં ફ્રાન્સ ખાનગી કંપનીને પ્રોત્સાહન આપી રહ્યું છે. હાઇપરસ્પેસ નામની ખાનગી કંપની હવે ફ્રાન્સ માટે રોકેટ બનાવશે. ભારતની સફળતા જોઈને ફ્રાન્સને પણ પોતાની કમાણી વધારવામાં રસ જાગ્યો છે.

ફ્રાન્સની રોકેટ કથા

અંતરિક્ષના ઇતિહાસમાં ફ્રાન્સ એક અલગ ઊંચાઈ પર ઊભું છે. જોકે હવે સમગ્ર યુરોપ એક થઈને અંતરીક્ષ સંશોધન કરે છે. તેમ છતાં ફ્રાન્સ ખાનગી કંપની દ્વારા વિશ્વના બજારમાં પ્રવેશ કરે છે! આ જાણીને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. ફ્રાન્સના ભવિષ્યની ચર્ચા કરતા પહેલા, અંતરીક્ષ્ ાક્ષેત્રમાં ફ્રાન્સનો ભૂતકાળ અને વર્તમાન કેવો છે? તેના પર નજર નાખવી જરૂરી છે. ફ્રાન્સના રોકેટના ઇતિહાસની વાત કરીએ તો રોકેટને લગતા ફ્રાન્સના સાંસ્કૃતિક મૂળ સદીઓ જૂના છે. ૧૬૬૪માં ગોબેલિન્સની રચનાઓમાં અવકાશ રોકેટનું ચિત્રણ જોવા મળે છે. ૧૮૬૫માં પ્રકાશિત થયેલી ફ્રેન્ચ કાલ્પનિક કથા ''ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન'' અને ૧૯૦૨માં જ્યોર્જિસ મેલીસની વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મ ''અ ટ્રીપ ટુ ધ મૂન''એ ફ્રેન્ચ લેખકોની કલ્પના શક્તિ અને ટેકનોલોજી વિકસાવવાની મહત્વાકાંક્ષાઓ બતાવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ફ્રેન્ચ લોકોની ઈચ્છા પહેલેથી જ ચંદ્ર અને અન્ય ગ્રહ સુધી પહોંચવાની હતી. આનો વ્યવહારુ તબક્કો બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયો.

૧૯૪૬માં ફ્રાન્સના અંતરિક્ષ કાર્યક્રમની સંસ્થાકીય શરૂઆત થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી વર્નોનમાં 'લેબોરેટોર ડી રિસર્ચ બેલિસ્ટિક એટ એરોડાયનામિક'ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો હેતુ આગામી પેઢીના રોકેટ્સનો વિકાસ કરવાનો હતો. ફ્રાન્સને અંતરીક્ષ યુગમાં પ્રથમ મોટી સફળતા ૨૨ મે, ૧૯૫૨ના દિવસે મળી હતી. તેણે સહારા રણમાંથી વેરોનિક એન૧ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ૧૯૬૧માં રાષ્ટ્રપતિ ચાર્લ્સ  ડી ગોલે  'સેન્ટર નેશનલ દ એટયૂડ્સ સ્પેશીયલ' એટલે કે સીએનઈએસની સ્થાપના કરી હતી. જે સોવિયેત અંતરીક્ષ કાર્યક્રમ અને નાસા પછી, વિશ્વની ત્રીજી સૌથી જૂની અંતરીક્ષ એજન્સી છે.જેના કારણે ફ્રાન્સના અલગ અલગ સંશોધનો અને પ્રયત્નો એક એકીકૃત રાષ્ટ્રીય કાર્યક્રમમાં બદલાઈ ગયા હતાં. આ સંસ્થાકીય માળખું આજે પણ ફ્રેન્ચ અવકાશ નીતિની મૂળ આધાર છે, અને યુરોપમાં સૌથી મોટું અવકાશ બજેટ (૨.૩૩ બિલિયન) ધરાવે છે. ઉપરાંત વારસાગત એરિયન કાર્યક્રમ દ્વારા ૮૦૦થી વધુ સેટેલાઇટ લોન્ચ કરનાર રાષ્ટ્ર બન્યું છે. 

સ્ટાર વોર્સથી પ્રેરિત ફ્રેન્ચ રોકેટ

કુશળ ભઠ્ઠીયારો એટલે કે બેકરની પરંપરાનો આદર કરીને પોતાની બેકરીમાં નવી તકનીકોનો વિકાસ અને પ્રયોગ કરે છે. તેવી જ રીતે નવી સ્થાપાયેલી ખાનગી કંપની નાના સેટેલાઇટ લોન્ચ કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી રહી છે. તેમનું આગામી રોકેટ ફ્રાન્સની આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિરાસતને જોડીને આગળ વધશે. જેનો શ્રેય ફ્રાન્સની નવી સ્ટાર્ટઅપ કંપની હાઇપ્રસ્પેસને જાય છે.  ૨૦૧૯માં ફ્રાન્સના બોર્ડોક્સમાં હાઇપ્રસ્પેસ કંપનીની સ્થાપના થઈ હતી. બેગેટ-વન રોકેટ કાર્યક્રમ ફ્રાન્સના માઇક્રો-લોન્ચર સ્પેસ માર્કેટમાં શરૂ થયેલ પ્રથમ સ્વતંત્ર પ્રાઇવેટ પ્રોજેક્ટ છે. આ અભિયાનમાં બે મુખ્ય પ્રકારના રોકેટ તૈયાર કરવામાં આવશે. જેમાં સબ ઓર્બિટલ બેગેટ વન ડેમોન્સ્ટ્રેટર અને રોકેટ ઓર્બિટલ બેગેટ વન એટલે કે ઓબી-૧ માઇક્રો-લોન્ચરનો સમાવેશ થાય છે. બંને રોકેટ હાઇબ્રિડ પ્રોપલ્શન ટેકનોલોજી પર આધારિત છે. આ રોકેટની સૌથી મોટી ખાસિયત તેની હાઇબ્રિડ પ્રોપલ્શન સિસ્ટમ છે. જે પરંપરાગત રોકેટ એન્જિન ડિઝાઇનથી નોંધપાત્ર રીતે અલગ છે. હાઇબ્રિડ પ્રોપલ્શન સિસ્ટમ, પ્રવાહી અને ઘન બળતણ બંનેને જોડે છે. ઘન બળતણનો ઘટક રિસાઇકલ્ડ પોલિઇથિલિન સામાન્ય પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે છે. જે પર્યાવરણીય અસરને ઘટાડે છે. 

રોકેટની નવી હાઇબ્રિડ એન્જિન ડિઝાઇનથી ટર્બોપંપની જરૂરિયાત દૂર થાય છે. ટર્બોપંપ ઉચ્ચ દબાણવાળા પ્રવાહીને એન્જિનના કમ્બશન ચેમ્બરમાં ધકેલવા માટે વાપરવામાં આવે છે. જે અન્ય રોકેટમાં જોવા મળતું સૌથી જટિલ અને મોંઘું ઉપકરણ છે. હાઇપ્રસ્પેસ દ્વારા પ્રાયોગિક ધોરણે વાપરવામાં આવનાર રોકેટની ઊંચાઈ ૭ મીટર એટલે કે બે માળના મકાન જેટલી છે. ત્યાર પછી વ્યાપારી હેતુ માટે ઓર્બિટલ બેગેટ વન એટલે કે ઓબી-૧ રોકેટ વિકસાવવામાં આવશે. ઓબી-૧ નામ પણ સ્ટાર વોર્સના ઓબી-વાન કેનોબી પાત્રનો રમૂજભર્યો સંદર્ભ છે. જે દર્શાવે છે કે કંપની, સાંસ્કૃતિક સુલભતા અને ટેકનોલોજીના આવિષ્કાર વચ્ચે કેવી રીતે સંતુલન બનાવી શકે છે!  જે સ્પેસએક્સના ફાલ્કન ૯ જેવું આધુનિક લોન્ચર જેવું છે. જે ૨૦૦ થી ૨૫૦ કિલોગ્રામ પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવશે.

એસ્ટેરિક્સનો ઉદય

ફ્રાન્સના પ્રાયોગિક  સફળ અંતરીક્ષ કાર્યક્રમની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં થઈ હતી. ૨૬ નવેમ્બર, ૧૯૬૫ના દિવસે અલ્જેરિયન રણમાંથી ફ્રેન્ચ ડાયમન્ટ રોકેટની મદદથી એસ્ટેરિક્સ નામનો ઉપગ્રહ અંતરિક્ષમાં મૂકવામાં આવ્યો. આ સિદ્ધિએ ફ્રાન્સને સ્વતંત્ર રીતે ઉપગ્રહની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર ત્રીજું રાષ્ટ્ર બનાવ્યું. આ પહેલાં આવી વિશિષ્ટ સિદ્ધિ ફક્ત સોવિયેત યુનિયન અને અમેરિકા ધરાવતું હતું. ૧૯૬૪માં ફ્રાન્સએ સૌથી વ્યૂહરચનાત્મક નિર્ણય લીધો. તેણે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાના દરિયાકાંઠે આવેલ શહેર કુરૂને પોતાની મુખ્ય રોકેટ લોન્ચ સાઇટ તરીકે પસંદ કર્યું. આ સ્થાન પસંદ કરવાનું ખાસ કારણ એ હતું કે કુરૂ વિષુવવૃત્તથી ૫.૩ ડિગ્રી અંતરે આવેલું છે. તેથી વિષુવવૃત્ત પર મળતો પૃથ્વીના પરિભ્રમણનો વધારાનો ૪૬૦ મીટર પ્રતિ સેકન્ડનો વેગ રોકેટને વધારાનો વેગ આપતો હતો. ઉપરાંત રોકેટના બળતણની જરૂરિયાતમાં ઘટાડો કરતો હતો.  

બોર્ડોક્સની કાર્યશાળાઓમાં હાઇપ્રસ્પેસ નામની ખાનગી કંપની ફ્રાન્સ માટે  કામ કરી રહી છે. આ કંપની બેગેટ વન રોકેટ બનાવી રહી છે. જેણે પરંપરાગત અવકાશ પ્રોજેક્ટોથી સંપૂર્ણ અલગ નામકરણનો રસ્તો અપનાવ્યો છે. તેણે પોતાના રોકેટ માટે ફ્રેન્ચ બ્રેડનું નામ બેગેટ પસંદ કર્યું છે. ફ્રેન્ચ ભાષામાં ''બેગેટ'' એ પરંપરાગત ફ્રેન્ચ બ્રેડનો પ્રકાર છે. લાંબી, પાતળી અને બહારથી કડક અને અંદરથી નરમ. આ બ્રેડ ફ્રેન્ચ દૈનિક જીવનનો અહમ ભાગ છે અને ફ્રાન્સની સાંસ્કૃતિક ઓળખનો પ્રતીક છે. જેમ દરેક ફ્રેન્ચ પરિવાર દરરોજ તાજી બેગેટ ખરીદે છે, તેમ આ નામ સૂચવે છે કે તેમની અવકાશ ટેકનોલોજી પણ રોજિંદા જીવનનો ભાગ બની શકે છે. આનું નામ વિજ્ઞાન કાલ્પનિક કથાના પાત્ર પરથી રાખવામાં આવ્યું નથી.  આ પહેલાં ફ્રાન્સ અલ્જેરિયા અને પછી ફ્રેન્ચ ગુયાનાથી રોકેટ લોન્ચ કરતું હતું. પરંતુ રોકેટનું કદ અને ખર્ચ ઘટાડીને ફ્રાન્સ હવે પોતાના દેશમાંથી જ રોકેટ લોન્ચ કરશે. રોકેટ લોન્ચિંગ માટે ફ્રાન્સમાં અલગ સ્થળની પસંદગી કરવામાં આવશે. ૨૨ મે ૨૦૦૭ના દિવસે ''યુરોપિયન સ્પેસ પોલિસી'' પર યુરોપના દેશોએ સહી કરી હતી. હવે ઈએસએ અને વ્યક્તિગત યુરોપિયન યુનિયન સભ્ય દેશોની સાથે મળીને કાર્ય કરે છે.

 અવકાશી બજારની રોમાંચક રેસ

 ૧૯૭૫માં યુરોપના દેશોએ એકઠા મળીને અંતરીક્ષ સંશોધન કરવા માટે 'યુરોપિયન સ્પેસ એજન્સી' એટલે કે ઈએસએની સ્થાપના કરી હતી. આનું હેડક્વાર્ટર પેરિસમાં આવેલું છે. આ સંસ્થા ૨૩ સભ્ય દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેનું ૨૦૨૫નું વાર્ષિક બજેટ ૭.૭ બિલિયન છે. અહીં લગભગ ૨૬૦૦ જેટલા લોકો કામ કરે છે. શરૂઆતના દિવસોમાં ફ્રેન્ચ અંતરીક્ષ યાત્રીઓને ફ્રાન્સની અંતરીક્ષ સંસ્થા તાલીમ આપતી હતી. હવે ૨૦૦૧થી યુરોપના અંતરીક્ષ યાત્રીઓને 'યુરોપિયન સ્પેસ એજન્સી' તાલીમ આપે છે. 

ઈએસએ એક સાથે અનેક અંતરીક્ષ કાર્યક્રમો ચલાવે છે. ફ્રાંસ સરકારે પહેલેથી ખાનગી કંપનીના સ્ટાર્ટઅપને ૩૫ મિલિયન આપ્યા છે. જો આ સ્ટાર્ટઅપ દ્વારા પ્રારંભિક લોન્ચ સફળ થાય તો, ફ્રાન્સ કંપનીને વધુ ૪૦૦ મિલિયન આપશે. આ ઉપરાંત ફ્રાન્સનું સંરક્ષણ મંત્રાલય દક્ષિણ પશ્ચિમ ફ્રાંસ અને પ્રોવેન્સમાં આવેલા લશ્કરી મથકો ખાનગી કંપનીના રોકેટ પરીક્ષણ માટે આપી રહ્યું છે. હાલમાં યુરોપ અને અમેરિકામાં માઇક્રો-લોન્ચર પર એક કિલોગ્રામ કાર્ગો મોકલવાનો ખર્ચ $40,000 થી $50,000  જેટલો થાય છે. હાઇપ્રસ્પેસનું લક્ષ્ય રોકેટ લોન્ચિંગમાં પ્રતિ કિલોગ્રામ ૨૦,૦૦૦ ભાવ રાખવાનો છે. જે વિશ્વના મોટાભાગના સ્પર્ધકોની કિંમતના લગભગ અડધા ભાગ જેટલું છે. 

નોવાસ્પેસ કન્સલ્ટન્સી આગાહી કરે છે કે આવતા ભવિષ્યમાં સમગ્ર વિશ્વ દ્વારા ૨૦૩૨ સુધીમાં ૨૬,૦૦૦થી વધુ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. હાઇપ્રસ્પેસ તેના ઓબી-૧ રોકેટ માઇક્રોલોન્ચર સાથે આ બજારનો મોટો હિસ્સો મેળવવા માગે છે. ઓબી-૧ રોકેટને તેઓ સેટેલાઇટ ''ટેક્સી'' તરીકે વર્ણવે છે. ફ્રાંસને ખબર છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત તેનું સૌથી મોટું સ્પર્ધક છે. હવે ચીન પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અંતરીક્ષ ક્ષેત્રમાં કામ કરતા દરેક દેશને બીજા દેશની થાળીમાં રહેલ લાડુ મોટો દેખાઈ રહ્યો છે. જ્યારે સ્પેસએક્સનું વર્ચસ્વ ચાલુ છે અને રોકેટ લોન્ચિંગના માર્કેટમાં યુરોપ પાછળ ચાલી રહ્યું છે, ત્યારે ફ્રાન્સ આશા રાખે છે કે તેનો આ બ્રેડ પરથી પ્રેરિત માઇક્રો લોન્ચર કાર્યક્રમ તેના માટે વૈશ્વિક પરિસ્થિતિને બદલી શકે.