ચંચલ, શીતલ, કોમલ.... ભારતીય ભામિનીની મધુર મોહિની!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- અચાનક માત્ર સિમ્પલ લૂકમાં ઈન્ટરવ્યૂની ક્લિપ્સથી ગિરીજા ઓક ગોડબોલે કેવી રીતે નેશનલ ક્રશ બની ગઈ એની પાછળ છુપાયેલા કારણતારણ અને ભારતની ભાભી ફેન્ટેસી.
योगियों के योग फल,पल में हुए विफल, रति रंभा मेनका सी बात है बदन में।
कोर,कोर हैं कटार छोर छोर धार दार, सदियों पुरानी बरसात हैं नयन में।
तेरे रूप की अनूप छांव के विपिन मध्य,लट घुंघराली काली रात हैं गगन में।
बोलने का ढंग अंग,अंग में भरे उमंग,मुखड़ा सजीला ज्यों प्रभात हैं चमन में।।
પ્ર વીણ પાંડેયની આ બેનમૂન કવિતા યાદ આવી જાય, એવી ઘટના બની. બધા પોલિટિક્સ, ડિઝાસ્ટર, વોર, કરપ્શન વચ્ચે એક ચહેરો છવાઈ ગયો રાતોરાત સ્વદેશે ઇન્સ્ટાગ્રામે... ઓજસ્વી અભિનેત્રી અને મારકણી મરાઠણ એવી ગિરીજા ઓક ગોડબોલેનો! મૂળ તો લલ્લનટોપમાં ઈન્ટરવ્યુઝથી સુખ્યાત સૌરભ દ્વિવેદીએ એક સિરીઝ શરુ કરી યૂટયૂબ પર : ઘર જૈસી બાતેં. એમાં એની જૂની ફ્રેન્ડ એવી એક્ટ્રેસ ગિરીજાને બોલાવીને બેઉ અલક મલકની વાતો કરે છે. ચિટચેટ ટાઈપ.
મજા પડે એવી એ વાતો તરફ ધ્યાન જ ગયું ત્યારે કે જ્યારે એમાં ગિરીજાએ એના એક પ્રોફેસરનો ઉલ્લેખ કર્યો જે ક્લાસમાં વેવ્ઝને બદલે દેશી ઉચ્ચારો કરતા બેબ્ઝ બોલતા ! (બોલી આખો અલગ રસપ્રદ વિષય છે. આખા જગતમાં ડંકો વગાડે એવો દાર્શનિક અભ્યાસ કરનાર મહાવિદ્વાન ઓશો સ્ત્રીને 'ઈસ્ત્રી' જ બોલતા !) એ જોવાયો ત્યાં બીજી ક્લિપ વાવાઝોડાની જેમ વાઈરલ થઇ. ગિરીજા જોડે હમણાં એક વેબ સિરીઝમાં કામ કરતા ઉમદા અભિનેતા ગુલશન દેવૈયાના અદ્ભુત સ્ત્રીદાક્ષિણ્ય બાબતે. જેમાં એક ઇન્ટીમેટ સીનમાં એ કેવી રીતે અજુગતો સ્પર્શ ના થાય એ માટે ઓશિકા લઈને આવે છે અને વારંવાર સમા કો એકટરના કમ્ફર્ટની કેર કરે છે. બસ, પછી તો ક્લિપ્સનો રીતસર રાફડો ફાટયો ને જોતજોતામાં ઉત્સાહી નેટીઝનોએ ગિરીજા ઓક ગોડબોલેને નેશનલ ક્રશ જાહેર કરી દીધી જેમ એનિમલ ફિલ્મ બાદ તૃપ્તિ ડિમરી રાષ્ટ્રીય ભાભી ઘોષિત થયેલી એમ.
જો કે, એમાં તો એનું કેરેક્ટર જ ભાભી ટુ તરીકે ફિલ્મમાં ઓળખાય છે. જે વળી સિડકટ્રેસ છે. સ્વદેશી પોર્ન કેરેક્ટરને પણ સવિતાભાભી નામ આપનાર આ દેશમાં એના શેરના ભાવ ઉંચકાવાના કારણો સમજાય એમ હતા, અહીં ઘણી વખત મેલ સેક્સ્યુઅલ ફેન્ટેસીમાં પરદેશી એમઆઈએલએફ શબ્દના પર્યાયની જેમ પરણેલી કે જરા પાકટ સ્ત્રીને ભાભી કહેવાય છે લાડમાં નહિ, પણ લસ્ટમાં. અલબત્ત, કલ્ચરલી, દેવર ભાભીનો સંબંધ થોડી કાળજી ને ઝાઝી મજાકો વાળો પરંપરાગત રીતે ભારતમાં ગણાય છે. એમાં આકર્ષણ કરતા મસ્તીનો એંગલ છે. અને ભાભીએ ઘરસંસારના મોભી બનીને બધો બોજ ઊંચકી નૈયા પાર કરાવી હોય એવી વાસ્તવિક કહાનીઓ પણ છે.
પણ ગિરીજાભાભીનું અચાનક વિસ્ફોટક રીતે વધી ગયેલું ચૂંબક જેવું સોશ્યલ એટ્રેકશન નોટિસ થવાની બાબત સિવાય તૃપ્તિ જોડે સામ્ય ધરાવતું નથી. જેમ સાઈડ રોલની તૃપ્તિનો એવો ક્રેઝ ફાટી નીકળ્યો કે એ મેઈન લીડની હીરોઈન થઇ ગઈ અને એની જૂની ફિલ્મોનું ઉત્ખનન એવું થયું કે રિલીઝ વખતે ફ્લોપ રહેલી લૈલા મજનૂ થિયેટર રનમાં ફરી હિટ થઇ ગઈ ! એમ અચાનક બધાને રિઅલાઈઝ થયું કે ગિરીજાભાભી તો જવાન ફિલ્મમાં પણ શાહરૂખ સાથે હતા કે આમીર સાથે તારે ઝમીન પરમાં પણ દેખાયેલા ! લેડીઝ સ્પેશ્યલ નામની સિરીઝમાં અમને તો પહેલેથી જ ગમેલી એવો દાવો કરનાર સ્ટોક ઇન્વેસ્ટર્સ પણ ફૂટી નીકળ્યા !
લેકિન એ જાદૂ હૈ ક્યા ?
ઔર ક્યૂં ?
***
એક સમયે આપણી આસપાસ કોઈ કન્યા યુવાવયે ચુસ્ત વસ્ત્રોના વળાંકોમાં તંદુરસ્ત તન બતાવતી નીકળે તો ગામ આંખો ફાડીને જોઈ રહેતું ! અરે લાયબ્રેરી કે કેશકર્તનની દુકાને રખાતા મેગેઝીન્સમાં માનુંનીઓના માદક ફોટા કાપીને લોકો લઇ જતા ને હોસ્ટેલના કબાટો પર એવા પોસ્ટર લગાવતા. હવે એ આખો ચાર્મ જ મોટા શહેરોમાં તો ઓસરી રહ્યો છે, કારણ કે જેને ફેશનની ફટાકડી કહેવાય એવી બાળાઓ ઉઘાડેછોગ બિન્દાસ વિહરે છે. એવા ઇલાકામાં રહેતા ના હો તો પણ ખિસ્સાવગા મોબાઈલમાં મફત એવા સોશ્યલ નેટવર્ક પર છલક છલક થાય છે. એક જુઓ તો એલ્ગોરિધમનો જીન ઓળખતા ના હો એવી હજાર હાજર કરે છે. પરદેશમાં તો ઓલમોસ્ટ રાજ કપૂરના ધોધ નીચેની સફેદ સાડી જેવા સી થ્રૂ ડ્રેસનો ક્રેઝ છે. મોટી મોટી ધરખમ હીરોઈનો પહેરે છે. પ્રીમિયર કે ફેશન શો તો ઠીક, સુપરહોટ સિડની સ્વિનીએ વરાયટીના એવોર્ડ ફંક્શનમાં પોણોપારદર્શક ગાઉન પહેરેલો ને નીચે કશું નહોતું પહેરેલું! બરાબર છે, બુદ્ધિ હોય તો એ દુનિયાને બતાવે બધા એમ દેહ હોય તો એ પણ બતાવે એ ખુદની ચોઈસ છે. એનો કોઈ વાંધો વિરોધ નથી.
પણ મુદ્દો છે અતિરેક. ભારતમાં પણ સોશ્યલ નેટવર્ક પર નવી નવી ફ્રીડમ સદીઓ બાદ ફરી મળી (પહેલા તો હતી જ, એટલે સંસ્કૃતિના ધોકા પછાડનાર સંસ્કૃત ના વાંચતા અભણ જાણજો !) એમાં ઘોડાપૂર આવ્યું. સાડી પણ પાલવનું દોરડું થાય એમ ને લો કટ બ્લાઉઝ કે બેકલેસ ચોલી સાથે આવી. બીજી બાજુ જીમ, ડાયેટ ને ફિટનેસ ક્રેઝના ફેઝમાં યુવા નારીશરીર પણ પાતળાં થતા ગયા સાવ અનન્યા પાંડે જેવા. ના હોય એ સર્જરી કરીને બતાવવા લાગ્યા. કલાસિકલ ઇન્ડિયન લૂક વર્ષો પહેલા વિદ્યા બાલન પર લેખ લખેલો એમાં લખેલું એમ સુપુષ્ટ છે. કુપોષિત નહિ. હરીભરી માંસલ અને સહેજ ભરાવદાર કાયા જ શિલ્પો કે સાહિત્યમાં છે. સાયન્સનું પણ એને જ ઈવોલ્યુશનરી સમર્થન છે. વળાંકોનું કુદરતી આકર્ષણ જ એટલે છે કે દર મહીને લોહી ગુમાવતી અને ગર્ભમાં શિશુને પાળતી સ્ત્રી પાસે મજબૂત સ્નાયુઓ અને પૂરતા પોષણથી ઘાટીલી કાયા જોઈએ, તો એની તબિયત સારી રહે. ચરબીથી લથપથ હોવાની વાત નથી. પણ સાવ હાડકાના માળા જેમને જોવા ગમતા હોય એમણે તો માળા જ ફેરવવા બેસી જવું જોઈએ!
તો, કાં દૂબળા દેહ ને કાં આડેધડ અંગપ્રદર્શનનો ફુગાવો ફાટી નીકળ્યો છે. એમાં રશ્મિકા મંદાના કે કલ્યાણી પ્રિયદર્શન પણ એટલે તો ગમી જાય છે કે એ ભારતીય સ્ત્રી જેવા દેખાય છે. બસ, ગિરીજા એ જ ફ્રેમમાં ફિટ છે, એટલે હિટ છે. અચાનક જ દેશે એવી એક યુવતી જોઈ જે સાવ સાદી સાડી, આપણા ઘરમાં આપણી સ્વજન સ્ત્રીઓ મા, બહેન, પત્ની, પાડોશણ પહેરે એવી પહેરીને બેસે છે. અલબત્ત કોટન સાડી એણે સાવ જુનવાણી રીતે પહેરી છે એવું પણ નથી. એનો એક અલગ ઠસ્સો છે, પોતીકો આત્મવિશ્વાસ છલકે છે એમાં. એ સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડી પહેરે છે. એને જીસ્મની નુમાઈશ નથી કરવી, પણ પોતાના નેચરલ ફેમિનાઈન કર્વ્ઝની શરમ પણ નથી અનુભવવી દુનિયાથી દબાઈને. એટલે અર્ધપારદર્શક પાલવ સહજ સરકતો રહે ઉભાર લેતી ચોળી પર એ કોઈ ઉન્નત શિખરે સરકતા સંધ્યાના સૂર્યકિરણો જેવું દ્રશ્ય સુંદર લાગે છે, વલ્ગર જરાય નહિ.
એ ઉપરાંત ગિરીજાના ચહેરા પર સ્વસ્થતા જોવા મળે, દરેક વાતચીતમાં. અને આંખોમાં એક સમયને પી લીધાની, જિંદગીને ક્લોઝ અપમા નિહાળી લેવાની ગહેરાઈ. પણ એને લીધે કોઈ ઉદાસી નથી. ઉલટું એ શાર્પનેસ સાથે એક અલ્લડ રમતિયાળપણું છે, જેની પૂર્તિ એના સ્મિતમાં પણ થાય છે. એનું સ્માઈલ એકદમ નિર્દોષ છે, સ્વાભાવિક છે અને ડાયરેક્ટ દિલ સે લાગે. કોઈ ભાર નહિ દંભી ગાંભીર્યનો. વહેતું ખિલખિલ ઝરણું જાણે. અને વાતો સાંભળો તો ખ્યાલ આવે કે આ કોઈ અભણ અભિનેત્રી નથી જે નવરાશમાં માત્ર રીલ્સ સ્ક્રોલ કર્યા કરે બેસીને. એનું વાચન છે. અભ્યાસ છે ચીજોનો. રેર ગણાય કલાકારો માટે એમ વિજ્ઞાન પણ ભણી જ નહિ, વેવ્ઝ્ના જવાબની જેમ સરખું સમજી છે. એની ઘરેલું વાતો પણ ઉડાઉ નથી. પાક્કી સાચી જાણકારી આપે એવી છે.
એથી આગળ એની ભાષા. કેટલા લોકો આપણી આસપાસ આટલું શુદ્ધ બોલે છે ? શુદ્ધ એટલે કોઈ ચિંતકચિંતામણિ અધ્યાપક જેવું ચાંપલું નહિ. એમાં સહજ અંગ્રેજી કે ઉર્દૂ શબ્દો પણ ભળી જાય એવું. પણ ઉચ્ચાર એકદમ સરસ. અમિતાભ બચ્ચનની યાદ અપાવે એવું અંગ્રેજી ને હિન્દી પરનું સરખું પ્રભુત્વ. વળી માતૃભાષા મરાઠી પણ આવડે છે, અને વજાઈના મોનોલોગ્સ નાટકના ગુજરાતી વર્ઝનમાં ગરવી ગુજરાતણ આરજે દેવકી સાથે અભિનય કરે છે એટલે ગુજરાતી પણ આવડે છે ! વધુ ભાષાના શબ્દો ખબર હોય ત્યાં બ્રેઈન આપોઆપ વધુ વિકસીત થાય એ પુરવાર થયેલું વિજ્ઞાન છે. એટલે ઓજસ્વી લાગતી ગિરીજા તેજસ્વી પણ છે દિમાગથી.
આ કોમ્બિનેશન ક્લાસિક છે. આજે મોટા ભાગના વયસ્ક પુરુષો અને એમની જેમ જ વિચારતી ઘણી (બધી નહિ !) પ્રૌઢ સ્ત્રીઓને ગૃહિણી મોડમાં ફિટ થાય એવી સ્ત્રી જોઈએ છે. એમાં એમને કૈંક એવું હશે કે એવી સ્ત્રી મર્યાદામાં કહ્યાગરી રહે ને સામે ના થાય. ટૂંકા કપડાં બીજી પહેરે એને ધ્યાનથી જોઇને પછી વિરોધ કરનારા તો ડરપોક હોય છે. એમને લાગે છે કે આવી સ્ત્રી એમનાથી કંટ્રોલ નહિ થાય, એટલે સંસ્કારની શિખામણો ત્યાં જ આપવા જાય છે કોઈ સડકના ખાડા કે ભચડતા ગુટકા એમને અશ્લીલ લાગતા નથી. પણ યુવકોને એમ ઘર સંભાળી લે એવી સ્ત્રી સાથે પાછી બહારની દુનિયા સાથે પનારો એકલે હાથે પાડી લે એવી ટુ ઇન વન નારી ગમતી હોય છે. જે ઘરમાં સિમ્પલ પણ હોય ને બહાર સ્માર્ટ પણ હોય. સાડી પહેરી પ્રસંગમાં આવે તો ફરતી વખતે સ્કર્ટ પણ પહેરે. જેને બચ્ચાઓના હોમવર્કમાં કે મેડિકલની નસગ કેરમાં પણ સમજ પડે એવી હોશિયાર હોય ને વળી કલાપ્રેમી રસિકતા પણ એનામાં હોય. દેખાવે મોહક અને પ્રભાવશાળી લાગે ને આંતરિક રીતે શક્તિશાળી પણ હોય. સ્માર્ટ મોડર્ન બ્યુટી, બટ વિથ ટ્રેડીશનલ વેલ્યુઝ. પરંપરા અને પરિવર્તનનો સંગમ, સૌંદર્ય અને સમજણનું સંતુલન. સ્માર્ટ એન્ડ સ્ટાઇલિશ હોવા સાથે જ પ્રેમાળ પત્ની ને મમતાળુ માતા પણ હોય.
કોઈ વિશિષ્ટ વરદાન લાગે છે ને મહાદેવ પાસે માંગવા જેવું ? બસ, ગિરીજામાં એ બધું દેખાય છે એટલે આ લોકપ્રિયતા છે ! એ એના માતાપિતાની લવ સ્ટોરીની વાત કરે છે કે એ વખતે કોમન બાથરૂમમાં ભાવિ સસરાને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા પિતા કેવી રીતે પાઈપમાં ચિઠ્ઠી છુપાવતા એની મા માટે ને પોતે એ લોકેશન જોવા ગઈ ને પોતાની ગુજરાતી મિત્રને ત્યાં કોફી પીવા જાય ને ત્યાં ન્હાઈ પણ લે એવી યારીદોસ્તી હોય એની પણ વાત કરે છે. આ બધું આપણી આસપાસનું જગત લાગે છે. વળી એમાં ક્યાંય લિમિટ ક્રોસ કરવાની આઝાદી નથી, પણ એનો વિરોધ જરાય નથી. ફેમિનિઝમના નામે આવેલી શુષ્કતા ને ઉપદેશોનો કંટાળો વચ્ચે લાવ્યા વિના એ આધુનિકતાની, પ્રેમ અને સ્વતંત્ર નિર્ણયની વાત કરે છે. પોતાની વાત માટે એને પરમિશન લેવી પડે એવી નથી. આજની ી છે. ૩૭ વર્ષે મેચ્યોર એન્ડ કોન્ફિડન્ટ. અને ખરા અર્થમાં મોડર્ન. રસોઈ કે સાડી પોતાની ચોઈસથી કરી શકે ને બાળકને જમાડવા માટે કલાક પણ ફાળવી શકે એમાં આધુનિકતા એની ઓઝપાઈ ના જાય એવી.
એક્ચ્યુઅલી, આ કોન્ફિડન્સ ને આ માર્દવ. આ કોમળતા, આ ઋજુતા એ બાબત છે જે એક પુરુષ પણ મનોમન ઝંખતો હોય છે. જેમ સ્ત્રી એક પ્રભાવી રક્ષક યાને પ્રોટેકકટર જેવો, વાતેવાતે લાચાર ના બને ને જાતે ખુદને સંભાળી લે જે પોતાના કામ પણ કરી લે એવો મનથી મજબૂત મેચ્યોર્ડ પુરુષ ઝંખે છે, એમ આવી ગિરીજા જેવી સ્ત્રી ઘરમાં કે આસપાસ હોય તો પુરુષ પણ પોતાની જાતને સિક્યોર્ડ મહેસૂસ કરે છે. કારણ કે એની બ્યુટી કાચીકુંવારી કન્યાની નથી. એક પ્રગલ્લ્ભ નારીની છે. ઠાવકી છતાં ચંચળ, હસમુખી. કોન્ફિડન્સથી સભર પણ વલ્નરેબલ. અને ઓવરઓલ વાળની લટમાંથી, કંઠની ખનકમાંથી પણ છલકાતો ગ્રેસ. એક ડિગ્નીફાઈડ, સેલ્ફ મેઈડ, ફેમિલી લવિંગ કરિઅર વુમન કેવી હોય એ સાક્ષાત એનામાં છે, જેનો તો દુકાળ છે ! ગિરીજા એટલે ગરિમાનો હાલતો ચાલતો પર્યાય છે.
પણ એ કોઈ સિરિયસ શિક્ષિકા નથી. એવું જાણવા મળ્યું કે એણે ઘણો સંઘર્ષ કર્યો છે. સ્નેહાળ જીવનસાથી સુહદ ગોડબોલેની લાંબી માંદગીમાં પણ અડીખમ ઉભી છે. વાઈરલ થયા બાદ વિડીયો બનાવ્યો એમાં પણ આભાર અને આનંદ વ્યક્ત કરીને બહુ ખૂબસુરતીથી એણે વાત કરી કે મારી ગંદી ઈમેજીઝ તમારી વિકૃતિ ખાતર એઆઇમાં બનાવો છો એ તો નકલી છે જ. પણ મારા બાર વર્ષના દીકરાના ચિત્ત પર શું અસર થાય છે એ સમજવાનો વિવેક આવા (ગોબરાગંધારા) લોકોમાં નથી. અને એમાંથી આવતીકાલની પેઢી ને મોબાઈલ બાબતે એક મુદ્દો પણ મૂકી દીધો ! એને વાત કરતા આવડે છે. સરળ પણ સ્પષ્ટ. એ ક્લીયર છે, કન્ફ્યુઝ્ડ નથી.
પણ રમુજી છે. હસતા ય આવડે છે. હસાવતા આવડે છે. એની પાસે એટલા અનુભવો ને સતેજ સ્મૃતિ છે કે એની વાતોમાં રસ પડે. કારણ કે જીવને બારીકીથી જુએ છે. પણ બોરિંગ નથી. કલાકાર છે, રસિકતા પણ જાણે છે. દુનિયા જીતી શકે એવી લાગે સ્ટ્રાંેગ કારણ કે કાળની થપાટો ખાઈને ઘડાઈ છે એવું દેખાઈ આવે. પણ હારી નથી ગઈ, મુકાબલો કર્યો છે. અને એવું યુદ્ધ જે લડયા કરે કાયમ એને જ કુદરત કે ઈશ્વર જે કહો તે આમ ચાન્સ આપે છે છવાઈ જવાનો. અને આ મહિલા મેચ્યોર્ડ લાગે છે પ્યુબર્ટીના હોર્મોનના ઉછાળા લેતા હોય એવી પાર્ટીઘેલી નહિ. એની મરાઠી માધુરીમય સુંદરતા પાક્કા ઘાટ ઘડાઈને આવેલી છે.
આ કેસ સ્ટડી છે. ભારતમાં આધુનિક નારીના અસલી સ્વરૂપની વ્યાખ્યા આપતો અને સ્ત્રીઓને એની ઓળખની દિશા બતાવતો. મોર પાવર ટુ સચ વિમેન. જે આપણી આસપાસ પણ હશે ને છે જ. એ વાઈરલ ના થાય તો કંઈ નહિ, મોબાઈલ બાજુએ મુકીને એની કદર તો શીખીએ !
ફાસ્ટ ફોરવર્ડ
'કંઠ કપોત, સૂર કોકિલા, મનસચિત્ર મરાલ;
ખંજન જૈસી ચપલતા, સો ખાગ કહીએ ચાર.'
લોકસાહિત્યના દૂહાનો ભાવાર્થ : ગળું કબૂતરના જેવું ઘાટિલું, સ્વર કોયલના જેવો મનહર, બુદ્ધિ હંસના જેવી નીરક્ષીરને જુદાં પાડે એવી વિચક્ષણ, આંખોનો તરવરાટ ખંજન પક્ષીની પાંખોને શરમાવે એવો...આ ચાર પંખીઓનું મિલન એ કામિનીના મુખમાં છે !

