- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દવાઓની અસર ન થવાથી દુનિયામાં વર્ષે 12 થી 13 લાખ લોકો મૃત્યુ પામે છે. જગતમાં 35 લાખ લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામે છે એમાંય એએમઆર વિલનની ભૂમિકામાં હોય છે
મે દાની પ્રદેશમાં દાયકાઓ સુધી રહેતા લોકોને પહાડી જીવન હાડમારી ભર્યું લાગે છે. પહાડોમાં જીવન ગાળનારા લોકો દરિયાકાંઠે રહેતાં લોકોને જુએ તો તેમને આશ્વર્ય થાય છે. ભારતીય ઉપખંડ જેવા ગરમ પ્રદેશના લોકોથી યુરોપની ઠંડી સહન થતી નથી. યુરોપમાં આયખું કાઢી નાખનારાને ભારતનો શિયાળો આકરો લાગે છે. એક માહોલમાં રહેવા ટેવાયેલા લોકોને એનાથી તદ્ન ભિન્ન વાતાવરણ મળે તો સેટ થવાનું કપરું છે. ફ્રીડમમાં રહેનારાને અચાનક ચાર દીવાલમાં બંધ રહેવા જેવી પરિસ્થિતિમાં સેટ થવાનું હોય તો અશક્ય લાગે. જીવનભર સંયુક્ત કુટુંબમાં રહેનારી વ્યક્તિને માથે એકલવાયું જીવન આવી પડે તો વસમું લાગે.
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી મુંબઈ-બેંગ્લુરુ જેવા મોટા શહેરોમાં રહેવા જતાં લોકોમાંથી ઘણાને પાણી ફાવતું નથી, તો ઘણાને માહોલ અનુકૂળ આવતો નથી. ઈનફેક્ટ, અમદાવાદ-સુરતમાં પણ નાના શહેર કે ગામડાંમાંથી આવતા અનેક લોકોને પાણી અનુકૂળ આવતું નથી. ઘણાં પેરેન્ટ્સ તો આખી જિંદગી નિરવ શાંતિમાં ગામ કે ખેતરે રહ્યા હોય, પણ પછી અમદાવાદ જેવા શહેરમાં સેટ થયેલાં દીકરા-દીકરી સાથે રહેવાનું થાય તો તેમને શહેરના ઘોંઘાટથી રાતે ઊંઘ નથી આવતી.
ને તે છતાં સેંકડો લોકો એક દેશમાંથી બીજા દેશમાં કાયમી વસવાટ કરીને એડજસ્ટ થઈ જાય છે. એક ઘરમાંથી બીજા ઘરમાં, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક માહોલમાંથી બીજા માહોલમાં હજારો-લાખો લોકો પ્રયાસો કરીને અનુકૂલન સાધી લે છે. હા, એમાં સમય ચોક્કસ લાગે છે, પણ ધીમે ધીમે વિષમ પરિસ્થિતિમાં ટકી જવાની ફાવટ આવી જાય છે. માણસ સહિત બધા જ સજીવોમાં કુદરતે એ આંતરિક શક્તિ આપી છે. અને એવી જ શક્તિ કુદરતે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, પેરાસાઈટને પણ આપી છે. કુદરતના એ જ મિકેનિઝમના કારણે આટ-આટલી દવાઓ છતાં દુનિયા રોગમુક્ત થઈ નથી, ક્યારેય થવાની નથી.
***
પેનિસિલિનની શોધ એ મોડર્ન માનવ ઈતિહાસની સૌથી મહત્ત્વની ખોજ એટલે ગણાય છે કે તેનાથી એન્ટીબાયોટિક્સની ક્રાંતિ થઈ. બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં એન્ટીબાયોટિક્સ બેહદ અસરકારક નીવડી. ૧૯૨૮માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી પછીથી લાખો-કરોડો લોકોના બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી જીવ બચાવી શકાયા. એન્ટીબાયોટિક્સની શોધના બે દશકા પછી એન્ટીફંગસ દવાઓ શોધાઈ.
એન્ટીબાયોટિક્સની શોધની એક સદી પહેલાં પેઈનકિલર શોધાઈ ચૂકી હતી એટલે દર્દમાં રાહત મેળવવાનું સરળ બન્યું હતું. એ પહેલાં સદીઓથી શારીરિક દર્દ ઓછું કરવા માટે દરેક માનવ સભ્યતા પાસે પોત-પોતાના ઘરેલું કહેવાય એવા ઉપાયો હતો. એમાં ક્રાંતિ ૧૯મી સદીની શરૂઆતમાં આવી, જ્યારે મોર્ફિનના ઉપયોગથી પેઈનકિલરની શોધ થઈ.
ભારત-ચીન-ગ્રીક-રોમની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને બાજુમાં રાખીએ તો જેણે દુનિયા સર કરી છે એ મોડર્ન મેડિસિનનો ઈતિહાસ ૨૦૦ વર્ષ જૂનો છે. ૧૮૦૪માં શોધાયેલી પ્રથમ પેઈનકિલરથી લઈને આધુનિક વેક્સિન સુધી મોડર્ન મેડિસિને ક્રાંતિ કરી છે. મોડર્ન મેડિસિનથી ઉપચાર ઝડપી બન્યો. અસરકારકતા વધી. પરિણામ પણ સચોટ મળવા લાગ્યું. પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં ખૂબ ધીરજની જરૂર પડતી હતી. તેના બદલે છેલ્લાં ૭૦-૮૦ વર્ષમાં મોડર્ન મેડિસિન અને ઉપચાર પદ્ધતિ કરોડો લોકો માટે વરદાન સાબિત થઈ છે. સેંકડો લોકોને મોડર્ન મેડિસિનના કારણે નવજીવન મળ્યું છે. પરંતુ મેડિસિનની આ ક્રાંતિની જ્વાળા નીચે સર્જાયેલા અંધકારનો લાભ લઈને એક નવી કટોકટીએ જન્મ લીધો. એનું નામ છે - એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ.
***
બદલાતી પરિસ્થિતિ સામે અનુકૂલન સાધવાનો જે ગુણ કુદરતે સજીવ સૃષ્ટિમાં મૂક્યો છે, એ જ ગુણ કુદરતે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, પેરાસાઈટમાં પણ મૂક્યો છે. જે મેડિસિન અગાઉની જનરેશનના બેક્ટેરિયા-વાયરસ સામે ધારી અસર કરતી હતી એ જ મેડિસિન તે પછીના બેક્ટેરિયા-વાયરસ સામે બેઅસર થવા માંડે છે. કારણ કે મેડિસિનની તીવ્રતા ખમીને નેક્સ્ટ જનરેશનના બેક્ટેરિયા-વાયરસ મજબૂત થઈ જાય છે અને સાધારણ ડોઝ સામે ટકી જાય છે.
૨૦૦ વર્ષમાં મોડર્ન મેડિસિન લઈને અનેક રોગોને હંફાવનારી માનવજાતની કેટલીય જનરેશન આવી એમ બેક્ટેરિયા, વાયરસ, ફંગસની પણ અનેક જનરેશન આવી ગઈ. એક પછી એક જનરેશન મજબૂત થતી ગઈ. પરિણામે એની અસર ઘટાડવા દવામાં સાધારણ માત્રાને બદલે માત્રા વધારવી પડી. એન્ટીબાયોટિક્સ, પેઈનકિલર્સ, વેક્સિનનો ડોઝ વધતો ગયો. માનવજાત વિજયના કૈફમાં બેક્ટેરિયાને ડામી દેવા મથતી રહી ને સંક્રમણના વાહકો વાર ખમીને બચતા રહ્યાં. આ લડાઈનું પરિણામ શું આવ્યું?
હવે માનવજાત સામે મોટો પડકાર સર્જાયો છે. હજુય સંક્રમણના વાહકો સામે બળપ્રયોગ ચાલી રહ્યો છે, પરંતુ આ વાહકો પેઢી દર પેઢી એટલા મજબૂત થઈ ગયા છે કે એક બે નહીં, ત્રણ-ત્રણ, ચાર-ચાર ડ્રગ્સ સામે ટકી રહે છે. સાધારણ રોગોમાં સાધારણ દવા બેઅસર થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે દવાઓ બેઅસર થઈ ગઈ છે તેણે એક સાઈલન્ટ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જો આમ ને આમ ચાલ્યું તો કદાચ મેડિસિનના સ્વરૂપમાં મોટું પરિવર્તન કરવું પડશે. એવુંય શક્ય છે, આગામી સૈકામાં અત્યારે જે દવાઓ રોગોપચાર માટે વપરાય છે એ સદંતર અપ્રસ્તુત થઈ ગઈ હોય.
દવાઓ બેઅસર થાય તેને મેડિકલની ભાષામાં એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર) કહેવાય છે. આને મહામારી સાથે એટલે સરખાવાય છે, કેમ કે, એક વર્ષમાં દવાઓની અસર ન થવાથી દુનિયામાં ૧૨થી ૧૩ લાખ લોકો મૃત્યુ પામે છે. જગતમાં ૩૫ લાખ લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામે છે એમાંય એએમઆર વિલનની ભૂમિકામાં હોય છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો કોઈ રસ્તો ન નીકળ્યો તો સેંકડો લોકો એએમઆરના કારણે મૃત્યુ પામતાં હશે. હાલ પૂરતો આ પરિસ્થિતિનો કોઈ સચોટ ઉકેલ નથી. ઈન્ફેક્શન કંટ્રોલ થાય એ જ રસ્તો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એએમઆર અંગે લોકોમાં અવેરનેસ આવે તે માટે દર વર્ષે ૧૮થી ૨૪ નવેમ્બર સુધી એએમઆર અવેરનેસ વીક ઉજવે છે.
...તો વાતનો છેડો શું?
અવેરનેસ, જાગૃતિ, સમજણ. નોલેજ, જ્ઞાન.
ઈન્ફેક્શન કંટ્રોલ કરવાની ટેકનિક શરીરમાં વિકસે, રોગપ્રતિકારક શક્તિ વધે એ જ આનાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે.
ભારતીયોના શરીરમાં દવાઓની અસર ભયજનક રીતે ઘટી
લેન્સેટ જર્નલના લેટેસ્ટ અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સનું સર્વાધિક જોખમ ભારતીયો પર મંડરાઈ રહ્યું છે. એક સેમ્પલ સર્વેમાં જણાયું કે ૮૩ ટકા ભારતીય દર્દીઓના શરીરમાં દવાઓની અસર ઘટાડતા તત્વો જોવા મળ્યા છે. મેડિકલની ટેકનિકલ ભાષામાં જેને મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા કહેવાય છે. આ એવા પ્રકારના બેક્ટેરિયા છે, જે ત્રણથી વધારે પ્રકારની દવાઓ સામે ટકી રહે છે. એનો અર્થ એ કે સતત દવાઓનું સેવન કર્યા બાદ શરીરમાં બેક્ટેરિયા, વાયરસ, ફંગસ એડજસ્ટ થવા માંડે છે. કુદરતે એડજસ્ટ થવાનો જે ગુણ માનવજાત સહિત સજીવસૃષ્ટિને આપ્યો છે એ જ બેક્ટેરિયા, ફંગસ, વાયરસને પણ લાગુ પડે છે. પરિણામે તેના પર દવાની તુરંત અસર થતી નથી. એક સમયે ૨૦૦ મિલીગ્રામ (એમજી)ની ગોળીથી માથું ઉતરી જતું હતું. હવે એટલા પાવરની દવાથી માથું ઉતરતું નથી. એનો બમણો ડોઝ લેવો પડે છે. દાયકા-બે દાયકા પહેલાં ભાગ્યે જ દર્દીને ૫૦૦-૭૦૦ એમજીની દવા અપાતી. એ માત્રા હાઈપાવર ગણાતી. તેના બદલે હવે ૫૦૦-૬૦૦ એમજીની દવા રૂટિન ગણાવા માંડી છે. તે એટલે સુધી કે અમુક પ્રકારની ઈજામાં કે ઈન્ફેક્શનમાં એન્ટી બેક્ટેરિયલ ડોઝ ૧૦૦૦ એમજીનો આપવાનું ખૂબ નોર્મલ થયું છે. થોડા દાયકા પહેલાં એક ગોળી ગળી જવાથી તાવ-શરદી-ઉધરસ-કળતરમાં રાહત થવા માંડતી હતી. હવે તો સરેરાશ ભારતીયો ઘરમાં જ એકથી વધુ પ્રકારની ગોળીઓ રાખે છે ને જરૂર પડયે કોઈ જ તબીબી સલાહ વગર ગળી જાય છે છતાં તેની જોઈએ એવી અસર થતી નથી. એક-બે વખત દવાઓ લીધા પછી જ્યારે ડોક્ટર્સને બતાવીએ ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓનો જથ્થો વધી જાય છે. બે-એક દશકા પહેલાં તાવ-શરદી-ઉધરસ-કળતર માટે એકથી બે દવા લેવી પડતી હતી. તેની હવે આવી સાધારણ બીમારી સામેય ચાર-પાંચ દવા બે-ત્રણ ટાઈમ લેવી પડે છે. આ બાબતોનો અભ્યાસ કરીને લેન્સેટના અહેવાલમાં કહેવાયું કે ૮૩ ટકા ભારતીયોના શરીરમાં ત્રણ-ત્રણ ડ્રગ્સ સામે લડી શકે એવા બેક્ટેરિયાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. કેન્દ્ર સરકારે તાકીદે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. ૨૦૨૫થી ૨૦૨૯ સુધીના એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એક્શન પ્લાન હેઠળ લોકોમાં અવેરનેસ લાવવાથી લઈને આવા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડવાના સાયન્ટિફિક પ્રયાસો કરાશે. હેલ્થકેરમાં ઈન્ફેક્શન કંટ્રોલને પ્રાયોરિટી આપવામાં આવશે. ઈન્ફેક્શન કંટ્રોલ થાય તો દવાઓની જરૂરિયાત આપોઆપ અંકુશમાં આવે એ ગણતરીએ એક્શન પ્લાન ઘડાયો છે.


