Get The App

...તો યમી ગૌતમને મોત પણ મંજૂર છે! .

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
...તો યમી ગૌતમને મોત પણ મંજૂર છે!                    . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે યમી ગૌતમ જેવી મજબૂત એક્ટ્રેસ છે તો પણ એની પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કેમ થતો નથી? કેમ મીડિયામાં કે ઇવન દર્શકોમાં યમી-યમી થતું નથી?  

'તુ મ કોઈ પહલી ઔરત તો હો નહીં જિસને અપના શૌહર બાંટા હૈ.' 

ત્રણ સંતાનોની મા એવી એક સ્ત્રીને ખબર પડે છે કે એનો પતિ બીજાં લગ્ન કરવા માગે છે. શૌહર શૅર કરવાની વાત ઉચ્ચારનાર વડીલ મહિલા સામે આ સ્ત્રીનો ગુસ્સો વિસ્ફોટ સાથે ફાટે છે. એ કહે છે: 'બિરીયાની યા શીરખુર્મા હૈ નહીં કિ જિસ કો બાંટકર બહોત બરકત હોગી. અબ્બાસ શૌહર હૈ હમારે.' 

સઘળી આંતરિક તાકાતને સમેટીને પોતાના અધિકાર માટે લડી રહેલી આ જ સ્ત્રી પછી અદાલતમાં ન્યાયાધીશને આક્રોશપૂર્વક કહે છે: 'હમ સિર્ફ મુસલમાન ઔરત નહીં, હમ હિંદુસ્તાન કી મુસલમાન ઔરત હૈં, ઇસી મિટ્ટી મેં પલે બડે હૈં. ઇસ લિયે કાનૂન હમેં ભી ઉસી નઝર સે દેખેં જૈસૈ બાકી હિંદુસ્તાનીઓં કો દેખતા હૈ.' 

આ છેલ્લો ડાયલોગ એટલી તીવ્રતાથી અને અસરકારક રીતે બોલાય છે કે પાત્રની પીડા અને અસહાયતા તીરની જેમ દર્શકના દિલમાં ભોંકાઈ જાય છે. અભિનયની અસરકારકતા માત્ર બે-ચાર ડાયલોગ પૂરતી સીમિત નથી. અભિનેત્રીએ ફિલ્મની શરૂઆતથી અંત સુધી પોતાના પાત્રને સતત જીવતું-ધબકતું રાખ્યું છે. કલાકાર જ્યારે પોતાના પાત્ર અને પરિસ્થિતિઓના સત્યને પચાવી ચૂક્યો હોય, એનામાં આ સત્યને માપી-તોલીને, ધારદાર બનાવીને કેમેરા સામે કે મંચ પર પેશ કરી શકવાની કાબેલિયત હોય ત્યારે જ આવું ઉમદા પર્ફોર્મન્સ શક્ય બને. જી, બિલકુલ. વાત 'હક' ફિલ્મમાં અફલાતૂન અભિનય કરનાર યમી ગૌતમ વિશે થઈ રહી છે. 'હક' જોતી વખતે અને જોયા પછી આપણને થાય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે યમી ગૌતમ જેવી મજબૂત એક્ટ્રેસ છે તો પણ એની પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કેમ થતો નથી? કેમ મીડિયામાં કે ઇવન દર્શકોમાં યમી-યમી થતું નથી? કેમ હજુય બોલિવુડની સૌથી સફળ, સૌથી વગદાર અને સૌથી વધારે કમાણી કરતી હિરોઈનોના લિસ્ટમાં એની ગણના થતી નથી? કેમ? 

***

એક મિનિટ. આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા, ફરી એક વાર. આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું સાચું નામ 'યમી' છે, 'યામી' નહીં. હિંદુ કથાકથન અનુસાર, યમી અને યમ (મૃત્યુના દેવ) સગાં જોડિયાં ભાઈ-બહેન થાય. યમ અને યમીના પિતા એટલે સૂર્યદેવતા. યમુના નદીનું એક નામ યમી પણ છે. જેમ અંગ્રેજી મીડિયમમાં ભણેલા લોકો ચાંપલાશથી ભગવાન રામને 'રામા' કહે છે અને યોગને 'યોગા' કહે છે તેમ જો યમીને કોઈએ ધરાર 'યામી' જ કહેવું હોય તો એની મરજી. લોકો અને મીડિયાના દિમાગમાં 'યામી' જડબેસલાક ફિટ થઈ ગયું છે તે ય સાચું, પણ આપણે તો યમીને યમી જ કહીશું, 'યામી' નહીં. 

યમી જન્મે હિમાચલી છે, અને એ ચંડીગઢમાં ઉછરી છે. એણે ફિલ્મ લાઇનમાં એન્ટ્રી લીધી એની પહેલાંથી એના પિતા મુકેશ ગૌતમ ફિલ્મો બનાવે છે. આ ફિલ્મો જોકે પંજાબી છે એટલે બોલિવુડના સંદર્ભમાં યમીને 'ફિલ્મી પરિવારનું ફરજંદ' ગણવી કે કેમ તે એક સવાલ છે. યમીએ ૨૦૦૯ની સાલમાં ૨૧ વર્ષની ઉંમરે પહેલી જે ફિલ્મ કરી તે કન્નડ ભાષામાં હતી. 

એની બીજી ફિલ્મ પંજાબી અને ત્રીજી તેગુલુ હતી. 'વિકી ડોનર' (૨૦૧૨) યમીની પહેલી હિન્દી ફિલ્મ. કમબખ્તી જુઓ કે આજે જ્યારે પણ 'વિકી ડોનર'નો ઉલ્લેખ થાય છે ત્યારે આપણા દિમાગમાં ફક્ત આયુષ્માન ખુરાનાની છબી ઉપસે છે. અમુક લોકોને અનુ કપૂરનો મજેદાર રોલ પણ યાદ હશે, પરંતુ આ ફિલ્મની હિરોઈન યમી ગૌતમ હતી તે હકીકતનું સ્મરણ આપણને થતું નથી.    

'ખરી વાત છે,' યમી એક મુલાકાતમાં કહે છે, 'આયુષ્માનની જેમ મેં પણ 'વિકી ડોનર'માં ડેબ્યુ કર્યું હતું, પણ લોકોને મારો રોલ યાદ જ નથી. ધેટ્સ ઓકે. નો કમ્પલેઇન્ટ્સ. આ જ ફિલ્મલાઇનની તાસીર છે.'

'વિકી ડોનર' પછી યમી ફિલ્મો કરતી રહી, બોલિવુડમાં અને સાઉથમાં, બન્ને જગ્યાએ. ત્રણેક નબળી હિન્દી ફિલ્મો બાદ 'બદલાપુર' (૨૦૧૫) આવી. આ મજબૂત ફિલ્મ હતી. યમીના કિરદારનું ફિલ્મની શરૂઆતમાં જ મર્ડર થઈ જાય છે, પણ ફિલ્મ હિટ થઈ એટલે યમી લોકોની નજરે ચડી. બે વર્ષ પછી 'કાબિલ' આવી, જેમાં યમી લીડ હિરોઈન હતી અને એ પણ હૃતિક રોશનની. આ ફિલ્મમાં પણ યમીના કિરદારનું મર્ડર થઈ જાય છે. બોલિવુડમાં મજાક શરૂ થઈ ગઈ કે જે ફિલ્મમાં યમી મરે છે એ ફિલ્મ હિટ થાય છે!

યમી હસે છે, 'મને ખરેખર ખબર નથી કે આ મજાક કેવી રીતે શરૂ થઈ! મારી આખી કરીઅરમાં હું ફક્ત બે જ ફિલ્મોમાં મરી છું, અને એમાંય 'બદલાપુર'માં તો મારો ગેસ્ટ રોલ હતો. બીજી હિરોઈનો પડદા પર કેટલીય વાર મરી છે, પણ કોણ જાણે કેમ, એક મારી સાથે જ આ થિયરી ફિટ કરી દેવામાં આવી છે... જોકે મારું પાત્ર ટપકી જવાથી જો ફિલ્મ હિટ થઈ જતી હોય તો મને મરવામાં કશો વાંધો નથી!'

યમીની કરીઅરમાં દેખીતો વળાંક આવ્યો ૨૦૧૯માં, 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' અને ખાસ તો 'બાલા'થી. 'બાલા'માં એણે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવતી ઉછાંછળી યુવતીનો રમૂજી રોલ કર્યો છે. એનો ફાંકડો અભિનય જોઈને લોકોને ભારે આનંદાશ્ચર્ય થયું હતું. યમી કહે છે, 'હા, 'બાલા' પછી લોકોનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો હતો. ઇન ફેક્ટ, 'બાલા' બની રહી હતી ત્યારે તેના ડિરેક્ટર અમર કૌશિક તેમજ પ્રોડયુસર દિનેશ વિજનને કેટલાય લોકોએ કહ્યું સુધ્ધાં હતું કે તમે કોમેડી રોલમાં યમીને કેમ લીધી છે? યમીને જોઈને વિચારી પણ શકાતું નથી કે એ હલકોફૂલકો કોમિક રોલ કરી શકશે. ખેર, 'બાલા' જોયા પછી આ જ લોકોએ મને અભિનંદન આપ્યા હતા. મારો હસબન્ડ (રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધર) પણ ખૂબ એન્ટિ-કાસ્ટિંગ કરે છે. જેમ કે, 'ઉરી'ના લીડ હીરો તરીકે એણે વિકી કૌશલ પર પસંદગી ઉતારી હતી. તમે જે જોઈ શકતા હો તે બીજાઓ જોઈ શકતા ન હોય અને છતાંય તમે તમારા નિર્ણય પર અડગ રહીને ચોક્કસ કલાકારની વરણી કરો - આના માટે ખૂબ કોન્ફિડન્સ જોઈએ.'

આદિત્ય ધરની 'આર્ટિકલ ૩૭૦' (૨૦૨૪)માં ઉત્તમ અદાકારી માટે પણ યમીની ખૂબ પ્રશંસા થઈ. એ કહે છે, 'આ એક એક્શન ફિલ્મ હતી, અને તેના શૂટિંગ દરમિયાન જ મને ખબર પડી હતી કે હું પ્રેગનન્ટ છું! હું જોકે લકી હતી કે ફિલ્મના રાઇટર-ડિરેક્ટર ઉપરાંત પ્રોડયુસર પણ મારો પતિ જ હતો એટલે બધું સમુસૂતરું પાર પડી ગયું.'

યમીનો દીકરો વેદવિદ (એટલે કે વેદોનો જાણકાર) હવે દોઢ વર્ષનો થઈ ગયો છે. યમી કહે છે, 'વેદવિદ સમજણો થાય પછી મારી બધી ફિલ્મોમાંથી એને સૌથી પહેલાં 'આર્ટિકલ ૩૭૦' દેખાડવી છે. હું એને કહીશ કે બેટા, આ ફિલ્મમાં તેં પણ કામ કર્યું છે, કેમ કે હું જ્યારે આ બધાં સીન કરતી હતી ત્યારે તું મારા પેટમાં હતો!'

યમીની વાતોમાં પરિવારપ્રેમ સતત ઝળકતો રહે છે. એ કહે છે, 'મને લેખકો પ્રત્યે બહુ માન છે. મારો વર ખુદ લેખક છે એટલે મને ખબર છે કે લખવું કેટલું અઘરું કામ છે. મને સ્ક્રિપ્ટ્સ વાંચવાની બહુ મજા આવે છે. મને તો ફિલ્મના સિનેમેટોગ્રાફર, એડિટર, મ્યુઝિક કમ્પોઝર, સાઉન્ડ ડિઝાઇનર વગેરે કોણ હશે તે જાણવાની બહુ ઉત્સુકતા હોય છે. અમે સ્ક્રીન પર અને મીડિયામાં દેખાતા હોઈએ એટલે ઓડિયન્સ ફક્ત અમને ઓળખે છે, બાકી ફિલ્મ બનાવવાની અસલી કરામત તો પડદા પાછળના આ કસબીઓ જ કરે છે.'

'હક' યમીની લેટેસ્ટ ફિલ્મ. અતિચર્ચિત શાહબાનો કેસ પર આધારિત આ ફિલ્મમાં બેનમૂન અભિનય કરવાદ બદલ યમીના જેટલા વખાણ થઈ રહ્યા છે એટલા કદાચ અગાઉ ક્યારેય થયા નથી. લોકો તો એને અત્યારથી જ નેશનલ અવોર્ડની દાવેદાર ગણવા લાગ્યા છે. મોડાં તો મોડાં, પણ યમીને માન-પાન મળવાની શરૂઆત થઈ છે ખરી. યમી સમાપન કરે છે, 'હું એક એવી એક્ટ્રેસ છું જેને માટે ખૂબ લાંબા સમય સુધી 'અન્ડર-રેટેડ' શબ્દ વપરાતો રહ્યો. હું તો આને કોમ્પ્લીમેન્ટ તરીકે લઉં છું. આનો અર્થ એ થયો કે લોકો જાણતા હતા કે મારી લાયકાત ઘણી વધારે છે. તમે જે વસ્તુને લાયક છો તે તમને રાતોરાત નહીં મળી જાય. તે પામવા માટે તમારે ધીરજ રાખવી પડે અને એકધારો પરિશ્રમ કરતો રહેવો પડે.'

સત્ય વચન!

શો સ્ટોપર 

લગ્નની એક્સપાયરી ડેટ હોવી જોઈએ અને તે રિન્યુ કરવાં કે નહીં તેનો વિકલ્પ પણ હોવો જોઈએ!

- કાજોલ