Get The App

દામ્પત્યની બરબાદી માટે સૌથી મોટું જવાબદાર પરિબળ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
દામ્પત્યની બરબાદી માટે સૌથી મોટું જવાબદાર પરિબળ 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- પીડાના વિષના ઘૂંટડા ભરી-ભરીને પ્રણામ અંદરથી ભાંગી પડયો હતો ત્યારે તેની મશ્કરી કરતાં માન્યતાએ કહ્યું હતું : 'તને આદર્શોનું ભૂત વળગ્યું છે, જેને ભગાડનાર હું ભુવો છું'

પ્ર ણામ ત્યારે માન્યતાના પપ્પા અવિનાશકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો અને માન્યતાનું એક સ્વપ્ન પૂર્ણ થયું હતું... પોતાના કહ્યામાં રહે એવા પતિને પામવાનું. અમીર પિતાની સૌથી નાની દીકરી માન્યતા સ્વભાવે ખૂબ ઘમંડી અને જિદ્દી હતી. એને પોતાના રૂપનું અને પૈસાનું બહુ અભિમાન હતું. જ્યારે પ્રણામ એક મધ્યમવર્ગનો યુવક હતો. પણ જોતાની સાથે જ વહાલુ લાગે તેવું એનું વ્યક્તિત્વ હતું. ગોરો વાન, અણિયાળું નાક, વિશાળ લલાટ, અને નિર્દોષ આંખો. સ્વભાવે ધીર ગંભીર, નમ્ર અને ઓછા બોલો. પ્રણામના આ બધાં ગુણો માન્યતાના પપ્પા અવિનાશકુમારને પોતાની જિદ્દી, અલ્લડ દીકરી માન્યતા માટે બહુ જ યોગ્ય લાગ્યા. માન્યતાને સાથે રહેવા માટે જે ગુણો આવશ્યક હતાં તે બધાં જ ગુણો પ્રણામ ધરાવતો હતો.

પરંતુ માન્યતાના મમ્મીને એ વાતનું દુ:ખ હતું કે પોતાના અન્ય જમાઇઓની સરખામણીમાં પ્રણામ આર્થિક દ્રષ્ટિએ નબળો છે એટલે એને ટેકો થાય તો સારું. પણ પ્રણામ તો પ્રણામ જ હતો. પ્રણામે પોતાના શ્વસુર પાસેથી લગ્નનિમિત્તે એક પણ પૈસો સ્વીકાર્યો નહોતો. પ્રણામની સમજ અને ખાનદાની જોઇને અવિનાશકુમારને તેના તરફ અત્યંત માન ઉપજ્યું હતું.

પ્રણામ ઇચ્છે તો માન્યતાના પપ્પા અવિનાશકુમાર તેને પોતાના જ બિઝનેસમાં ઉંચા પગારની નોકરી આપવા તૈયાર હતા, પણ પ્રણામે નમ્રતાપૂર્વક કહ્યું હતું : 'વડીલ, સંબંધની મીઠાશ પ્રગટાવવા માટે લેવાની વૃત્તિ ઓછી અને અર્પવાની વૃત્તિ વધુ રાખવી જોઇએ. અને આપની પુત્રી જેવું અમૂલ્ય ધન મારા જેવા મધ્યમ વર્ગને યુવકને અર્પિત કરવાનું આપે જે ઔદાર્ય દેખાડયું છે, એનાથી મોટો પુરસ્કાર હું ઝંખી પણ શું શકું ?'

માન્યતાને પ્રણામની ખાનદાની કે સંસ્કાર કોઈ રસ નહોતો. એ તો 'કહ્યાગરા કંથ'ની તલાશમાં હતી તે એને પ્રણામ સ્વરૂપે મળી ગયો હતો. માન્યતા લગ્ન કરીને સાસરે આવી. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે માન્યતાએ પોતાના ઓરીજીનલ મૂળ સ્વરૂપને દેખાડવાનું શરૂ કરી દીધું હતું. મોડા ઊઠવું, ઊઠીને તરત નાહી ધોઇને તૈયાર થઇને બહાર ફરવા નીકળી જવાનો કાર્યક્રમ માન્યતાએ ચાલુ કરી દીધો. પ્રણામ સવારે ઊઠીને તૈયાર થઇને જમીને ઓફિસ ક્યારે જાય છે, તે જાણવામાં માન્યતાને કોઈ રસ નહોતો. તે પોતાનામાં જ મસ્ત રહેતી. મિત્રો સાથે બહાર જવું, શોપિંગ કરવું, મોર્નિંગ શોમાં પિકચર જોવું, બહાર કોઈ મોંઘા રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જઇને લંચનો આનંદ માણવો, સાંજ પડે પ્રણામના ઘરે આવવાના સમયે ઘરે આવીને પોતે બહુ થાકેલી છે, એવો ડોળ કરીને આરામ કરવો - આ બધો એનો નિત્યક્રમ બની ગયો હતો. પ્રણામના મમ્મી આરતીદેવીને માન્યતાનું આવું વર્તન જરાપણ પસંદ નહોતું આવતું, પરંતુ 'મોટા ઘરની દીકરી છે, ધીરે ધીરે સેટ થઇ જશે.' એમ માનીને પોતે મૌન સેવતા હતા. પ્રણામ પણ માન્યતાની હરકતો વિષે જાણતો હતો, પરંતુ તે કડકાઈથી નહીં પણ પ્રેમથી ધીરે ધીરે માન્યતાને લાઈન પર લાવી દેશે એવું વિચારીને, માન્યતાને કોઈપણ બાબતમાં રોકતો કે ટોકતો નહોતો.

માન્યતાને ખપતું હતું એક ચક્રી શાસન. માન્યતાના શાસનમાં આજ્ઞાને સ્થાન હતું કર્તવ્યને લેશમાત્ર નહીં. પ્રણામના મમ્મી આરતીદેવીને તો એ ગણતી જ નહોતી. એકાધિકાર પ્રિય સાસુ, પોતાને નહીં ઠરવા દે એ આશંકા સાથે લઇને સાસરે આવેલી માન્યતા, આરતીદેવી સાથે તોછડાઈભર્યું વર્તન કરતી હતી. આરતીદેવી ક્યારેક માન્યતાને બે શબ્દો કહેવા જતાં ત્યારે માન્યતા તાડૂકીને કહેતી : 'મમ્મીજી બસ કરો. સંસ્કારના ટાયલા કૂટવા અને પ્રસન્ન દામ્પત્યના પાઠો શીખવા માટે હું અહીં નથી આવી. મારે કહ્યાગરોપતિ જોઇતો હતો જે મને પ્રણામ સ્વરૂપે મળી ગયો. મારા નામ સાથે પ્રણામનું નામ જોડાવાથી મારું કુંવારાપણાનું મહેણું ટળે એ આશયથી જ પ્રણામ જેવા ભોટ છોકરાને મેં પતિનું લેબલ ચિપકાવ્યું છે. મને નથી ગમતો પ્રણામનો ચહેરો કે નથી ગમતી તેની રહેણી કરણી મારી રીતે જીવવા માટે હું આઝાદ છું. તમે ખાઈ-પીને ચૂપચાપ ઘરના એક ખૂણે પડી રહેશો તો સુખી થશો. ટીપીકલ સાસુ બની મને ટોર્ચર કરવાની કોશિશ પણ ના કરતાં. ભારતીય સ્ત્રીઓને મન 'ઘર' એ જ મેરેજ હોય છે અને રસોડું એ જ સ્વર્ગ હોય છે. એટલે તમે ઘર અને રસોડાનાં માલિક, બસ. એમાં હું કોઈપણ જાતની દખલ નહીં કરું. તમારે મારા કોઈ કાર્યમાં દખલ નહીં કરવાની, સમજી ગયાં, મમ્મીજી ?'

અને માન્યતાની વાત સાંભળી આરતીદેવી હેબતાઈ ગયાં હતાં. માન્યતાના સ્વચ્છંદી વર્તનથી પ્રણામ પણ ત્રાસી ગયો હતો. માન્યતા સુખ-સુવિધાઓ અને વૈભવશાળી જીવન જીવવા ટેવાયેલી હતી એટલે એણે એશઆરામના સાધનો હપ્તેથી વસાવવાનું શરૂ કર્યું ત્યારે પ્રણામે એને ચેતવી હતી પણ માન્યતાએ એની વાત ન ગણકારી તે ન જ ગણકારી. પ્રણામની સીમિત આવક કરજનો પ્રત્યુત્તર આપવામાં કમજોર સાબિત થતી હતી. ઉઘરાણીની નોટિસો પ્રણામની જાણ ખાતર માન્યતા પ્રણામના ટેબલ પર મૂકતી... ત્યારે પ્રણામ ખિજાઈ જતો હતો પણ શાંતિથી માન્યતાને સમજાવવા પ્રયાસ કરતો હતો : 'જો માન્યતા, આપણા ઘરમાં દરેક વસ્તુ છે. હવે નવા નવા ખર્ચા કરવાથી પૈસાનો દુર્વ્યય કરવાની શી જરૂર ? મેં તને ચેતવી હતી ને કે સોડ પ્રમાણે ટૂંટિયું વાળવું જોઇએ. આપણી ઝોળીમાં ન સમાય એવી ખરીદી કરવાની શી જરૂર ? હું તારી આઝાદી છીનવવા નથી માગતો પણ તારા આવા જોખમી પ્રયોગો કરવાની સ્વતંત્રતા મને ભારે પડી જાય છે. હું ઓફિસેથી ઘરે આવીને જમીને પાછો ઓવર ટાઈમ કરવા જઉ છું તને ખબર છે ખરી ? પ્લીઝ, માન્યતા, હું તને દુ:ખી કરવા નથી માગતો. બસ તું જીવનના કેન્દ્રમાં આવી જા. મારી સાથે આનંદથી જીવવાનો મોકો ભગવાને આપ્યો છે, તે માણી લે. હું તને જરાપણ ઓછું નહીં આવવા દઉં.'

પણ માન્યતાને પ્રણામની ફિલસૂફી ગમતી નહોતી. એવામાં પ્રણામ તાવમાં પટકાયો હતો. ડૉક્ટરને બતાવી દવા ચાલુ કરી પણ પ્રણામનો તાવ જવાનું નામ લેતો નહોતો. મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી પ્રણામના તાવની ગંભીરતા પારખી ડોક્ટરે તેને નર્સિંગ હોમમાં દાખલ થવાની સૂચના આપી. પ્રણામ ઝેરી તાવના પંજામાં સપડાયો હતો. અને તેની સ્થિતિ ગંભીર હોવાનો અણસાર મળી ચૂક્યો હતો. પ્રણામે માન્યતાને પોતાના તાવની ગંભીરતા સમજાવતાં કહ્યું હતું : 'માન્યતા, મારો તાવ એ સામાન્ય 

તાવ નથી પ્લીઝ, હમણાં થોડા સમય માટે તું બહાર ના જઇશ. અહીં મારી પાસે બેસ. મને જરા સારું લાગે. એવું ના બને કે હું માંદગીના બિછાનેથી ઊભો જ ન થાઉં. ઝાઝુ કહેવાનો મારી સમય નથી. સુખ-સુવિધાની તારી ઇચ્છાઓને અનિચ્છાએ નિયંત્રિત રાખવાની મેં કોશિશ કરી હતી, છતાં મેં એક પતિના હકને નહીં, પ્રેમની હૂંફને જ સર્વસ્વ ગણીને તને રોકી નથી. નાના-મોટા ઓવરટાઈમ દ્વારા પૂરક આવક ઉભી કરીને મેં પૈસા બચાવ્યા છે, એમાંથી તું તારું દેવું ચૂકવી દેજે. મેં તને મન, વચન કે કર્મથી ક્યારેય દુભવી નથી, તું આ ઘરમાં આવીને ઠરી છે, એવી તૃપ્તિ તને થશે તો એ જ મારે મન સ્વર્ગ અને મોક્ષ !' અને પ્રણામે આંખો ઢાળી દીધી હતી.

પ્રણામના અવસાનને આજે પાંચ વર્ષ વીતી ગયાં છે. માન્યતા એકલતા અને બેચેની દૂર કરવા, પ્રણામના ફોટા પાસે ખુરશી ખસેડીને તેની સામે જ બેસી જાય છે. અને લાગણીની વર્ષાથી તેની આંખો ભીંજાય છે... પ્રણામની તસવીરમાંનો તેની મૂંગી આંખો જાણે કહી રહી હતી : 'માન્યતા, હવે મને યાદ કરવાનો અર્થ પણ શું ? હું તો અનંતયાત્રાનો પ્રવાસી છું. માન્યતા હું હંમેશા તારી પાછળ ચાલતો રહ્યો. પણ તેં કદિ તારી સાથે ચાલવાનો મને મોકો ના આપ્યો... અને આજે સ્મરણોની સફરે નીકળીને તું મારી પાસે આવી પહોંચી છે !...'માન્યતા ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડે છે. પ્રણામનો અંતરાત્મા પણ જાણે રડતો હોય તેમ તેની તસવીર પાછી જાણે બોલવા માંડે છે : 'માન્યતા, તેં મને ઓળખવામાં થાપ ખાધી છે. મારું વ્યક્તિત્વ તારી આગળ ખૂલી શક્યું જ નહીં. હું તને મારા બિનશરતી પ્રેમનો અનુભવ કરાવું તે પહેલાં તો મારી પર યમરાજનો કોલ આવી ગયો....' માન્યતાનું હૃદય ચિત્કારી ઉઠે છે : 'બસ પ્રણામ, બસ કર. હું તારા ગૌરવશાળી વ્યક્તિત્વનો તાગ મેળવવામાં વામણી પુરવાર થઇ છું. તું તો ફિરસ્તો હતો, ધરતી પર ભૂલો પડેલો ! કેવું શાલીન વ્યક્તિત્વ હતું પ્રણામ તારું ! પણ મેં તારા માટે થોડોપણ સમય ન કાઢ્યો. સવારે દેવપૂજામાં તલ્લીન, બપોરે પોતાની ઓફિસના કામો, રાત્રે ઓવરટાઈમ... પ્રણામ હવે મને તારી નિષ્ઠા અને ત્યાગ અને મારા માટેનું ક્ષમાશીલ હૃદય સ્પષ્ટ દેખાય છે. હું તને ઘણીવાર ગુસ્સામાં 'ખડુસ્સ', દેવદાસ' જેવા વિશેષણોથી નવાજતી હતી. પણ તું તો મારા માટે જ કામ કરતો હતો તે હું ન સમજી શકી. ... મને યાદ છે પ્રણામ, એકવાર તેં મને કહ્યું હતું : 'માન્યતા, હું ગંભીર છું એનો અર્થ એ નથી કે હું જીવન પ્રત્યે ઉદાસીન છું. પણ કોણ જાણે કેમ મને એમ થયા કરે છે કે મારે ટૂંક સમયમાં જ ઘણાં કામો કરી અહીંથી વિદાય થવાનું છે...' ત્યારે હું ખડખડાટ હસી પડી અને કહ્યું હતું : 'પ્રણામ, બસ કર તારો ડ્રામા તને આદર્શોનું ભૂત ઉતારીને જ હું ઝંપીશ.' અને પ્રણામ તું શાંત અને સહિષ્ણુ બનતો ગયો અને હું આક્રમક અને ઝઘડાળુ બનતી ગઈ...

અને તારું મન ગમના ઘૂંટડા પચાવી પચાવીને કમજોર બનતું ગયું તેની મને ખબર જ ન પડી. અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઇ ગયું હતું. શ્વાસ સાથેનો તાલમેલ તોડીને તારું હૃદય સદા માટે ધબકતું બંધ થઇ ગયું.

પ્રણામ, તેં મારા દોષ જોવાને બદલે હંમેશા પોતાની અપૂર્ણતા સ્વીકારી હતી, તેં મારે પગલે તને ચલાવવાની કોશિશ કરી એના કરતાં તારા કદમ સાથે કદમ મિલાવ્યાં હોત તો આપણા બન્નેનાં જીવતર રોળાયાં ન હોત. તારા આત્માને ક્યારેય મેં આનંદ કે સંતોષ ન આપ્યો અને આજે જો પ્રણામ, મારા આત્માને નથી આનંદ કે નથી શાંતિ. પ્રણામ, તારી માન્યતાને તું માફ કરીશ ને ?

ત્યાં જ માન્યતાને પ્રણામના મમ્મી આરતીદેવીએ બૂમ પાડી, 'બેટા, માન્યતા ચાલ જમવા. આમ ક્યાં સુધી તું પ્રણામના ફોટા આગળ બેસી રહીશ ?' સાસુમાની બૂમ સાંભળીને વિચારતંદ્રામાંથી માન્યતા સફાળી જાગી ગઈ અને તેનું દિવાસ્વપ્ન તૂટી ગયું હતું. પણ જીવન આત્મસુધારણાને વહેલો મોકો આપે એટલું સરળ ક્યાં હોય છે ! પોતાના પગ પર કુહાડી મારનાર લોકોની સંખ્યા સંતપ્ત લોકોની યાદીમાં મોખરાના સ્થાને હોય છે.