- અંતરીક્ષમાં ઊંચી છલાંગ મારવાની ઈસરોની તૈયારી
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- આર્થિક દ્રષ્ટિએ પણ આ સ્પેસ સ્ટેશન દેશ માટે લાભદાયી પૂરવાર થશે જ. કારણ કે આ મથકને બનાવવા, લોંચ કરવા તેમ જ આગળ જતાં તેની જાળવણી માટે ખાસ્સી તજવીજ કરવી પડશે
અં તરીક્ષ સંશોધન ક્ષેત્રે ભારતે મોટી હરણફાળ ભરી છે એ વાત તો હવે આખી દુનિયા માને છે. અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ એ પણ સમજી ગઈ છે કે આજનું ભારત જે દ્રઢ સંકલ્પ કરે તો એ સિધ્ધ કરીને રહે છે. સંશોધન, નિર્ણાયકશક્તિ અને મહત્ત્વાકાંક્ષાના જોરે ભારતે વિશ્વના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના લીડર સમાન દેશોની વચ્ચે પોતાનું સ્થાન બનાવી લીધું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) ભારતની આ પ્રગતિ માટે પાયાનું કામ કર્યું છે. ચંદ્રયાન મિશનથી મંગળ યાન મિશન સુધીની સફળતાથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. વળી આવા વિવિધ મિશન બીજા દેશો કરતાં ખૂબ જ ઓછા ખર્ચે સફળતાપૂર્વક પાર પાડી ઈસરોના વિજ્ઞાનીઓએ અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
બાહ્ય અવકાશમાં ઊંચા મુકામ સુધી પહોંચવા ભારતે હવે વધુ ઊંચા લક્ષ્ય રાખ્યા છે. ૨૦૩૫ની સાલસુધીમાં ઈસરો ભારતીય અંતરીક્ષ સ્ટેશન સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ આપણું પોતાનું અવકાશ મથક, જે સંપૂર્ણ સ્વદેશ નિર્મિત હશે એ દાયકા પછી પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરતું હશે. જો આપણા વિજ્ઞાનીઓ આ સ્વપ્ન સિધ્ધ કરવામાં સફળ નીવડે તો ભારતની વાહ વાહ તો થશે જ. પરંતુ આપણા હવે પછીના વિવિધ સ્પેસમિશનમાં આપણું અવકાશ મથક ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતની એડવાન્સ ટેકનોલોજીકલ ઇનોવેશનને દુનિયાએ દાદ આપવી પડશે. આ સંદર્ભમાં ભારતીય અંતરીક્ષસ્ટેશન એક ઇજનેરી પડકારથી આગળ વધીને દેશ માટે નવી સરહદો ખોલવામાં કારણભૂત બનશે.
બે વર્ષ પૂર્વે ૨૩ ઓગસ્ટે ભારતીય ચંદ્રયાન-૩ એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. ત્યારે આવું કઠિન કાર્ય સુપેરે પાર પાડનાર ભારત વિશ્વમાં ચોથો દેશ હતો. તેમાં પણ ચંદ્રના દક્ષિણ ધુ્રવ સુધી પહોંચનાર ભારત પ્રથમ દેશ ગણાય. આ પૂર્વે ૨૦૨૦માં ભારત સરકારે સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓ પણ યોગદાન આપી શકે તે હેતુથી નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૨૦૨૪માં ઈસરોએ એસ. એસ. એલ. વી. તથા જીએસએલવી સિરિઝના ઘણાં મહાકાય, શક્તિશાળી રોકેટ બનાવ્યા તથા વિવિધ ઉપગ્રહો તરતાં મૂક્યા. હવે ઈસરોનું સંપૂર્ણ ધ્યાન ગગનયાન અને અવકાશમથકના પ્રોજેક્ટ પર કેન્દ્રિત થયું છે.
ઇસરોના ચેરમેન વી. નારાયણને થોડા સમય પહેલાં એવી માહિતી આપી હતી કે ભારત ૨૦૩૫માં પોતાનું સ્પેસ સ્ટેશન તરતું મૂકશે. આપણા આ સ્પેસ સ્ટેશનનો હેતુ અંતરીક્ષસંશોધન, એ માટેની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવી, લાંબા સમયગાળા માટે સમાનવ અવકાશયાન મોકલવાં વગેરે હશે.
અધ્યક્ષ નારાયણને વધુમાં જણાવ્યું હતું કે સ્પેસ સ્ટેશનની યોજના આમ તો આવતાં ૨૦ વર્ષ માટેની છે.આમ છતાં એક વખત આપણા ગગનયાન પ્રોજેક્ટને ઉજળી સફળતા મળે ત્યારબાદ અમારું બધું ધ્યાન આ ભાવિ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં હશે.વળી, આ ભાવિ ભારતીય અંતરીક્ષસ્ટેશનને તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજનાના શરૂઆતના તબક્કે તેનાં ક્રિટીકલ મોડયુલ્સ અને તેની ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર થશે.ઉપરાંત, આ ભાવિ સ્પેસ સ્ટેશનમાં તબક્કાવાર ભારતના અવકાશયાત્રીઓ સાથે મળીને અંતરીક્ષસંશોધનના પ્રયોગો કરશે.
થોડા દિવસ પૂર્વે નેશનલ સ્પેસ ડેની ઉજવણીના પ્રસંગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતીય અંતરીક્ષ સ્ટેશનનું માડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે દાયકા પછી ભારત અંતરીક્ષમાં પ્રયોગશાળા ધરાવતા, ગણતરીના દેશોમાંનો એક દેશ બની જશે. અત્યારે અંતરીક્ષમાં માત્ર બે સ્પેસ-સ્ટેશન છે, એક ઇન્ટરનશનલ સ્પેસ-સ્ટેશન જે પાંચ સ્પેસ એજન્સી દ્વારા સંયુક્તપણે ચાલે છે અને ચીનનં- પોતાનું એક અલગ સ્પેસ-સ્ટેશન (ટિયાગોંગ) છે.
ભારતીય અંતરીક્ષસ્ટેશનની રચના વિશે વાત કરતા ઇસરોના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અવકાશ મથક વિવિધ પ્રકારના પાંચ મોડયુલ જોડીને બનાવાશે. જેમાં બેઝ મોડયુલ, કોર ડોકિંગ મોડયુલ, સાયન્સ રિસર્ચ મોડયુલ, લેબોરેટરી મોડયુલ તથા કોમન વર્કિંગ મોડયુલનો સમાવેશ થાય છે. ૨૭ મીટર બાય ૨૦ મીટરનું કદ ધરાવતાં આ અવકાશમથકની ક્ષમતા છ અવકાશવીરોના ક્રૂને સમાવી શકશે. અલબત્ત, મોટેભાગે આપણે ત્રણથી ચાર જ યાત્રીઓને આ મથક પર મોકલશું. આ અવકાશમથક પૃથ્વીથી ૪૦૦થી ૪૫૦ કિ.મી.ની ઉંચાઈએ પ્રદક્ષિણા કરશે. તેની ગોઠવણ એવી રીતે થશે કે ભવિષ્યમાં અમેરિકા, રશિયા કે જાપાન તેમના અવકાશવીરોને આ મથક પર પ્રયોગો કરવા મોકલી શકશે.
આ અવકાશમથકની ડિઝાઇન, માળખું તો ફેબુ્રઆરી, ૨૦૨૪માં જ તૈયાર થઈ ગયું છે. તેમાંની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બેંગ્લોર ખાતેના યુ. એન. રાવ સેટેલાઇટ સેન્ટરમાં તૈયાર થઈ છે. જ્યારે હાર્ડવેર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યો છે. આ મથકના પ્રથમ મોડયુલમાં અમેરિકાના સ્પેસ સ્ટેશન (આઇએસએસ) જેવું જ ડોકિંગ પોર્ટ હશે. સાથે આપણા અંતરીક્ષસ્ટેશનને ઉર્જા પૂરી પાડનાર સોલાર પેનલ પણ હશે. આમ પહેલું મોડયુલ ૨૦૨૮માં લોંચ થશે. જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયેલા ભારતીય અવકાશ મથક પર આપણા અવકાશવીરોની ચહલપહલ ૨૦૩૫ની સાલથી શરૂ થશે.
એક વાત ખાસ નોંધવા જેવી છે કે ભારતીય અંતરીક્ષસ્ટેશન કાર્યરત થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠા ખૂબ વધશે. આપણા વિજ્ઞાનીઓએ કરવા ધારેલા વિવિધ પ્રયોગ આપણે વિના રોકટોક પોતીકા અવકાશમથક પર કરી શકીશું. આ સાથે જગતના બીજા દેશોને એ વાતની પણ પ્રતિતિ થશે કે ભારત સ્પેસ સ્ટેશન જેવી કોમ્પ્લેક્સ સિસ્ટમ જાતે તૈયાર કરીને અવકાશમાં લોંચ કરી શકે છે.
આપણું અવકાશ મથક કાર્યાન્વિત થયા પછી વૈજ્ઞાનિક શોધ-સંશોધન માટે ખૂબ સારી તકો સાંપડશે. ખાસ કરીને માઇક્રોગ્રેવિટી એક્સપરીમેન્ટ્સ થકી મટિરિયલ્સ સાયન્સ અને બાયોટેક્નોલોજી ક્ષેત્રે નવા સંશોધન થઈ શકશે. વળી ભારતીય અંતરીક્ષ સ્ટેશનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની હોવાથી વિશ્વના બીજા દેશોના વિજ્ઞાનીઓને પણ આ મથક પર શોધ-સંશોધન માટે આમંત્રી શકાશે. જેને કારણે પરસ્પરના સંબંધો સુધરશે અને વૈજ્ઞાનિક જાણકારી, ઉપલબ્ધિઓ એકબીજાની સાથે વહેંચી શકાશે.
આર્થિક દ્રષ્ટિએ પણ આ સ્પેસ સ્ટેશન દેશ માટે લાભદાયી પૂરવાર થશે જ. કારણ કે આ મથકને બનાવવા, લોંચ કરવા તેમ જ આગળ જતાં તેની જાળવણી માટે ખાસ્સી તજવીજ કરવી પડશે. ઘણી ખાનગી કંપનીઓની ભાગીદારીમાં આખો પ્રોજેક્ટ પાર પડશે. અર્થાત્ નવી નોકરીઓ, નવા મૂડી રોકાણની જરૂર પડશે. અનેક ઈજનેરો, વૈજ્ઞાનિકો આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપવા આગળ આવશે.
તો સાથે સાથે યુવાનોમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો ઉત્સાહ વધશે. દેશના અન્ય નાગરિકો પણ આ નવા સાહસની ચર્ચા કરવા સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ લેતા થશે.
એક પ્રસંગે અવકાશ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની પ્રશંસા કરીને વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે 'આજે દેશમાં ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ ફક્ત અવકાશ ક્ષેત્ર પર જ કામ કરી રહ્યાં છે. આ ૩૦૦ સ્ટાર્ટઅપ્સમાં હજારો યુવાનો સંપૂર્ણ ક્ષમતા સાથે જોતરાયા છે.
સ્વદેશી અવકાશ મથકનો એક લાભ એ થશે કે સ્વાસ્થ્ય, સુરક્ષા અને અવકાશવીરોની શરીર સુખાકારી માટે શોધાતી દવાઓનું સચોટ પરિક્ષણ થઈ શકશે. અવકાશમાં લાંબો સમય રહેનારા અવકાશવીરોની સુરક્ષા માટેની નવી પ્રણાલી વિકસાવી શકશે.
એટલું જ નહીં, ઊંચે અવકાશમાં રહીને પૃથ્વીનું નિરીક્ષણ કરવામાં પણ અવકાશ મથક ખૂબ ઉપયોગી સાબિત થશે. ધરતી પર થતી કુદરતી આફતોનો અવકાશમાં રહીને વધુ ઝીણવટપૂર્વક અભ્યાસ થઈ શકશે. તેમ જ ધરતીકંપ, દુકાળ, પૂર, દાવાનળ જેવી આફતોનો સામનો કરવા માટે યોગ્ય પગલાં ભરી શકાય તેવી હાઇરિઝોલ્યુશન તસવીરો મેળવી શકાશે.
ભારત સરકારે ભારતીય અંતરીક્ષ સ્ટેશનની યોજનાને ગગનયાનના કાર્યક્રમ સાથે સાંકળીને પ્રોજેક્ટને ઝડપી બનાવવાનું અભિયાન શરૂ કરી દીધું છે. ૨૦૨૮ની સાલ સુધીમાં ઇસરો આઠ માનવવિહીન મિશન મોકલશે. જે નીચલી ભ્રમણકક્ષામાં સમા નવ અવકાશયાત્રા કરવાની તૈયારી રૂપે કેટલાંક સીમાચિહ્ન નક્કી કરશે. આવા પ્રયોગોમાંથી મળેલી જાણકારી, અનુભવના આધારે જ ૨૦૪૦માં ભારતના અવકાશયાત્રીઓ ચંદ્ર પર ચઢાઈ કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સરકારે ૨૦,૧૯૩ કરોડ (૨.૪૧ અબજ ડોલર) મંજૂર કર્યા છે.
આટલી વિસ્તૃત માહિતી મેળવ્યા પછી પણ ભારતીય અંતરીક્ષ સ્ટેશનના પ્રોજેક્ટ અંગેના કેટલાંક નકારાત્મક પાસાં પણ વિચારવા જેવા છે.
આપણે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે તથા બીજા ક્ષેત્રોમાં શોધ-સંશોધન પાછળ જે નાણાં ખર્ચીએ છીએ તે દેશના જીડીપીના માત્ર ૦.૭ ટકા જેટલું છે. નાણાં ભંડોળનો અભાવ આવા વિરાટ સ્પેસ પ્રોગ્રામ માટે ક્યારેક કામમાં રુકાવટ લાવે છે.
બાહ્ય અવકાશમાં ભાંગ્યા તૂટયા અવશેષો ભંગાર-કચરો અવકાશ કાર્યક્રમ માટે ગંભીર પડકાર ઊભા કરે છે. જેને દૂર કરવા તેમ જ આપણા અવકાશમથક કે અવકાશયાન સાથે ટકરાતા રોકવા ટેક્નોલોજીકલ ક્ષમતા હાંસલ કરવી પડશે.
ભારત પાસે અત્યારે સ્પેસ સ્ટેશન બાંધવા જેટલી ટેક્નિકલ ક્ષમતા નથી. આપણે આ લક્ષ હાંસલ કરવા વિદેશી જાણકારોની મદદ લેવી પડશે. વળી અવકાશ યાત્રા માટે વિકસાવવી પડતી લાઇફ સપોર્ટ સિસ્ટમ, રેડિયેશન પ્રોટેક્શન તેમ જ અવકાશમથકના માળખાના બંધારણ અને જાળવણી માટે જરૂરી બુદ્ધિ કૌશલ્ય કેળવવું પડશે. અવકાશવીરો માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત કર્યા વગરની યાત્રા, કોઈ પણ મિશન કેટલું જોખમી સાબિત થાય છે તે આપણે જાણીએ છીએ. ગુરુત્વાકર્ષણનો અભાવ તથા કિરણોત્સર્ગના જોખમથી અવકાશવીરોના મન-મસ્તિષ્ક પર થતી અવળી અસર વિશેનો ઊંડો અભ્યાસ પણ જરૂરી છે.
આ બધી બાબતોનો ઉકેલ લાવવા અને ઉચિત પગલાં ભરવા ભારતે અમેરિકા-રશિયા સાથે સહકાર સાંધવો પડશે. લાંબા સમય સુધી તેમના સ્પેસ સ્ટેશનને એક્ટિવ રાખવાના તેમના અનુભવ પરથી આપણે શીખ લેવી પડશે.


