Get The App

ગોકુળિયાં ગામડાં ક્યાં ગયાં? .

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગોકુળિયાં ગામડાં ક્યાં ગયાં?                     . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ગામના ભાગ્યમાંથી દિવાળીનો ઉત્સાહ દશેરાનો શૌર્યભાવ, નવરાત્રિની શક્તિપૂજાની નિષ્ઠા, દેવ પ્રત્યેની અડગ શ્રદ્ધાનાં તત્ત્વો શિથિલ થવા માંડયાં છે

ગા મડામાં તો પહેલાં દહી, દૂધ, ઘીની નદીઓ વહેતી એ વ્હેણ ડેરીઓ તાણી ગઈ. ઘંટીએ બેસી દળણાં દળતી નારીના કંઠે પ્રભાતિયાંનો સૂર પણ ખોવાઈ ગયો. નદીઓના વ્હેણ ઉપર ડેમ ડોળા કાઢી બેસી ગયો. ઝાડના ઝુંડમાં સંતાયેલું ગામ હવે નોંધારું થઇ ગયું.

પ્રકૃતિ સાથેનો નાતો પરિવાર જેવો હતો. નદી માતા હતી, આકાશ પિતા, વરસાદને બાપો કહેવાની પદ્ધતિ હતી. પ્રકૃતિમાંથી માનવને જીવન જીવવાનું બળ મળી રહેતું. રોગ સામે પ્રકૃતિ ઔષધ સ્વરૂપે હાજર રહેતી ભજનો શ્રદ્ધાનું બળ બનતાં. મંદિરો શ્રદ્ધાનું ઘર ગણાતાં. દૂધ-છાસનો વેપાર જ ન થાય એ માન્યતા હતી. કૂતરાં અને ગાય માટે અલગ કાઢેલાં ખેતરો હતાં. એવાં ગામ ગોકુળિયાં હતાં.

આજે તો કોઈપણ ગામના કોઈ પણ ઘરમાં સૌની સાથે બેસીને જમવાનો આગ્રહ રાખનારા હવે ઓછા થતા જાય છે. બધા સભ્યો જ્યાં સુધી આવી ના જાય ત્યાં સુધી ઘરમાં પંગત ના પડે - એવું માનનારી પેઢી હવે વિદાય લઇ રહી છે. સાંજે સાથે જમ્યા પછી, કામમાંથી પરવારી કોઇને કોઈ ધાર્મિક પુસ્તક વાંચનાર-સાંભળનાર સંભળાવનાર પણ હવે ઓછા થતા જાય છે. પરિવારમાંથી પ્રેમનો તાંતણો જર્જરિત થવા માંડયો છે. ભાઈઓ વિભક્ત થયા છે.

હવે કોઈ પરિવારમાં ભાગ્યે જ સુવાળિયો, સેવ, પાપડ, વણાતાં હશે. ગોદડીઓ બનતી હશે. બાળકને ઓસડિયાં પાઈ મોટાં કરતાં હશે. ગાય, કૂતરુ, બેન-દીકરી અને ભાણેજિયાંને સન્માનપૂર્વક, ઉત્સાહથી આદર અપાતો હશે ! કપડું થોડું ફાટે તો થીંગડાથી સજાવાતું હશે ! બટન ટંકાતાં હશે ! જૂનાં પુસ્તકો અડધી કિંમતે મેળવવાના દિવસો પૂર્ણ થઇ ગયા છે. વપરાઈ ગયેલી નોટમાં બચેલા કાગળો ફાડી નવી રફ નોટ બનાવવાનું કોઇને હવે સૂઝતું નથી. નવરાશના ટાઈમે દીવેટો હવે નથી વણાતી. મગફળી નથી ફોલાતી, કાલાં પણ નથી ફોલાતાં. દૂધ આપતી ભેંસોને દોહનારાં ઓછાં થતાં જાય છે - તેને દોહનારાં યાંત્રિક સાધનોની ગાયો, ભેંસો ટેવાઇ ગયાં છે. છાસ-વલોણાં થતાં નથી. ખેતરમાં પકવેલાં ધાન બજારમાં વેચાઈ જાય છે અને બજારનો ચોક્ખો દેખાતો આટો ઘરમાં પ્રવેશી રહ્યો છે. ખેતરમાં પકવતા પાક, શાકભાજી બારોબાર બજાર ભેગાં થાય છે અને રસાયણયુક્ત બજાર, શાકભાજી, ચોખા, દાળ, ઘઉં આપણા ઘરમાં ભરાય છે. ઘરે દૂધ હોવા છતાં ઘી બનતાં નથી. બજારનાં ઘી ખવાય છે.

સગપણ કહેવાનાં રહ્યાં છે. સગાઈ-સંબંધોમાં પણ ઔપચારિકતાએ પ્રવેશ કર્યો છે. લગ્ન કંકોત્રી લખાય ત્યારે આખો બહોળો પરિવાર હાજર રહેતો. ગોરમહારાજ બધાંના કપાળે ચાંલ્લો કરતા, આશિષ આપતા. બધાંનાં નામ કંકોત્રીમાં લખાતાં - હવે કંકોત્રી સીધી મુદ્રિત થાય છે. નામો લખવાની વાત વિસારે પડી છે. માત્ર બેચાર નામથી ચલાવી લેવાય છે. આંગણે માંડવો રોપી વિવાહ કરવાનું હવે જૂનવાણી લાગવા માંડયું છે - મોટા તોતિંગ મેરેજ હોલમાં લગ્ન કરવા - કરાવવાનો પ્રથાએ જોર પકડયું છે. કુટુમ્બીઓ ચોક્ખુ ઘી ખરીદી લાવતા, રસોઈ બનાવતી વખતે હાજર રહેતા અને આખો પ્રસંગ પાર પડાવતા. હવે એમાંનું કશું જ રહ્યું નથી, કુટુમ્બીઓને કહેવાનીય ફુરસદ રહી નથી. કોઈ ના આવે, અરે સગો ભાઈ પણ ના આવે તો પ્રસંગો અટકતા નથી. એ ન આવી શકનાર ભાઈને કોઈ મનાવવા જતું નથી. ન આવવા માટેનું કારણ જાણવાની કોઈ કોશિશ કરતું નથી - બંને પક્ષે ખબર હોવા છતાં બંને વચ્ચેના અબોલા અંતર વધારતા રહે છે. પ્રસંગોમાં વિધિવિધાન કરતાં દેખાડો ઝાઝો થઇ ગયો છે. જેટલું ફોટાનું મહત્ત્વ છે એટલું મુહૂર્તને મહત્ત્વ નથી અપાતું. લગ્ન ટાણે ગાણાં ગાનારાં ઓછાં થઇ ગયાં છે. કેસેટથી કામ પૂર્ણ થઇ જાય છે. હવે જાનીવાસે જાનો નથી આવતી... જાનીવાસે ગોદડીઓ ઉઘરાવીને નથી નંખાતી. માટલાં નથી મુકાતાં ગોળનાં પાણી નથી ફરતાં. કોકાકોલા-ફેન્ટાએ ગોળના ગળપણની ગરિમા ઝાંખી પાડી દીધી છે. વેરઝેરનાં વાવેતર ગામને માફક આવવા માંડયા છે.

ગામડાંને વિવસ્ત્ર કરવાનું નગરનું કાવતરું છે. ગામડાની જમીનો હડપ કરીને ગામડાં નિ:સહાય કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. ગામડાં તૂટી રહ્યાં છે. ગામડાનું ગામપણું અભડાઈ ગયું છે. અસલિયત ઉપર જ આક્રમણો થયા છે. ગામના પાદરનો વૈભવ જ હવે રહ્યો નથી. ગામનાં મોટાભાગનાં ઘરો બંધ હાલતમાં ડૂસકાં નાખી રહ્યાં છે. ગામ નહિ છોડવાની જિદ લઇને બેઠેલાંને પ્રમાદ હતાશ કરે છે. યંત્ર સંસ્કૃતિએ ગામમાંથી પરિશ્રમ નામના સદ્ગુણને લૂંટી લીધો છે. ગામના અસલ તહેવારો ઉપર નગરે તરાપ મારી છે. કોડિયામાં થતા દીવાને એલઇડી વીજળીએ ફૂંક મારી ઓલવ્યા, ઘરની માટીને સિમેન્ટ ખાઈ ગયો. કોઠાસૂઝને કોમ્પ્યૂટર ગટગટાવી ગયાં. શેઢાના સૌંદર્યને ડામરના રોડની નજર લાગી. વૃક્ષોને વિકાસના નામનો રાક્ષસ જમીનદોસ્ત કરવા લાગ્યો. નદીઓને કહ્યાગરી કરવા બંધો બાંધ્યા. બે સ્થળ વચ્ચેનાં અંતરો ઘટાડવા વાહનોના જંગ ખડક્યા ત્હોય બે સ્થળ વચ્ચેનાં અંતર તો વધતાં જ રહ્યાં તેનું શું? ગામના ભાગ્યમાંથી દિવાળીનો ઉત્સાહ દશેરાનો શૌર્યભાવ, નવરાત્રિની શક્તિપૂજાની નિષ્ઠા, દેવ પ્રત્યેની અડગ શ્રદ્ધાનાં તત્ત્વો શિથિલ થવા માંડયાં છે. ગામડાં હવે ગોકુળિયાં રહ્યાં નથી એવો દોષ કોને દઇશું ?