Get The App

આશા અને આસ્થા વચ્ચેનો તફાવત .

Updated: Mar 22nd, 2025

GS TEAM

Google News
Google News
આશા અને આસ્થા વચ્ચેનો તફાવત                   . 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

આ પણી ગુજરાતી ભાષામાં ત્રણ શબ્દો ખૂબ જ મોહક છે : જ્ઞાત, અજ્ઞાત અને અજ્ઞોય. આપણે જાણી લીધું તે બધું જ્ઞાત,  આપણે ક્યારેક જાણી લેશું તે બધું અજ્ઞાત અને હા, આપણે ક્યારેય પણ નહીં જાણી શકીએ એ બધું અજ્ઞોય કહેવાય. આ અજ્ઞોયનો મોટો ખૂબ વિસ્તાર છે. તેમાં પ્રવેશ માટે સાહસની અને તેમાં યાત્રા માટે આશા અને આસ્થાની જરૂર હોય છે. આશા અને આસ્થામાં એક ભેદ છે. આશા એટલે વરસાદ માટે પ્રાર્થના કરવી અને આસ્થા એટલે છત્રી લઈને નીકળવું. જીવનને પોતાની પ્રજ્ઞા કે ડાહપણ છે પણ  જો મન-બુદ્ધિ દખલ ન કરે તો. પરમ અસ્તિત્વનો પોતાનો લય અને છંદ છે. આવો આપણે જીવંત આસ્થાનું એક તાજું દ્રષ્ટાંત સ્પર્શીએ...

ઓડિશાના કેન્દ્રપરા જીલ્લાના ઝહીરમથ્થા અને રૂશીકલ્પા દરિયાઈ તટો છે  જે ભીતરકનિકા નેશનલ પાર્કનો હિસ્સો છે. ત્યાં ચારથી પાંચ લાખ ઓલીવ રીડલે  પ્રકારના કાચબા સામુહિક ઈંડા મુકવા આવ્યા છે. ટર્ટલ તરી શકે છે, ટોરટોયઝ તરી શકતા નથી. ઓલીવ રીડલે એટલાન્ટિક, પેસીફિક અને ઇન્ડિયન ઓશનમાં જોવા મળે છે. તેમનું વજન ૩૫ થી ૪૦ કી.ગ્રા. વચ્ચે હોય છે જ્યારે તેમની આયુષ્ય ૪૦ થી ૫૦ વરસ હોય છે. તેમની ગતિ કલાક ના ત્રણ માઈલની  હોય છે.  સમુદ્રના પર્યાવરણીય સમતોલનમાં તેમની મૂલ્યવાન ભૂમિકા છે. અત્યારે તો તેની વસ્તી આશરે આઠેક લાખની છે પણ કદાચ ઈ.સ.  ૨૦૫૦ સુધીમાં તે નામશેષ પણ થઈ શકે, 

ઓલિવ રીડલેના ફીડીંગ અને બ્રીડીંગ વિસ્તારો અલગ છે. તેઓ જ્યાં સ્વયં જનમ્યા હોય ત્યાં જ તેઓ ઈંડા મુકવા આવે છે. જાણે કે પ્રસૂતી તો પિયરમાં જ. આ માટે તેઓ નવ હજાર  કિ.મી નું અંતર કાપીને અહીં આવે છે - એક નિશ્ચિત પળે-સ્થળે આવી પહોંચે છે, કોઈ નામ-નકશા-ગુગલ વિનાજ. અલબત્ત તેમને અર્થની મેગ્નેટિક ફિલ્ડની સમજ છે પણ જેનું તેમણે શાસ્ત્ર-વિજ્ઞાન નથી બનાવ્યું. કહેવાય છે કે નિશ્ચિતતાઓ ડેડ સ્પેસ છે ત્યાં સંભાવનાઓ-શક્યતાઓ ઉગતી નથી. પવિત્ર બાઈબલમાં એક વાક્ય છે, 'તમે જ્યારે ઊંડા જળમાં હોય ત્યારે શ્રદ્ધા રાખજો હું તમારી સાથે જ હોઈશ.' 

માઈગ્રેશન કે યાયાવરી કરતા પંખી, પ્રાણી, માછલી એક આસ્થાનો સાદ સાંભળીને નીકળી પડતા હશે. કોઈ આધારકાર્ડ, પાસપોર્ટ કે સરનામા વિના જ. પ્રવાસ માટેના કોઈ સ્વેટર, જીન્સ, બુટ વિનાજ... આકટીક ટર્ન  નામક પંખી દર વર્ષે આકટીક થી એન્ટાર્ટિકા જાય છે  લગભગ ૯૦૦૦ કિ.મી. ઉડીને. એમેઝોન નદીની ફ્રેશવોટર દોરાદો ફેટફિશ અપ-ડાઉનમાં લગભગ ૭૨૦૦ કિ.મી તરીને  યાત્રા કરે છે.  

આની પાછળ વિજ્ઞાન હશે/છે પણ જ્ઞાત-અજ્ઞાત ની પાર અજ્ઞોય તરફ તરીને, ચાલીને અને ઉડીને આસ્થાની આંગળી પકડીને નીકળી પડનાર દરેક જીવને વંદન !

કવિવર રવીન્દ્રનાથ કહે છે, 'અગાધ આકાશે વસતો અઢળક ઉજાસ તને ખોજવા અમાપ અંધારાની વચ્ચે નીકળી પડયો છે... આવી પળે, ઓ પ્રિયે, તું તો મારા હૃદયની દેરીમાં પ્રેમળ જ્યોત પ્રગટાવીને બેઠી છે...' કદાચ, ભોમીયો આપણી અંદર જ વસે છે.

Tags :