સ્મૃતિકોશમાં સચવાયેલો કૃષિકોશ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- પક્ષીઓને ઉડાડવા માટેનું સાધન 'ગોફણ' કહેવાય અને ગોફણમાં જ્યાં પત્થર મુકાય તે વચ્ચેના ભાગને 'સાડું' કહે છે. આવા તો અનેક શબ્દો મરણ પથારી તરફ જઇ રહ્યા છે
ન ગરમાં વસતા લોકો રોટલો, રોટલી આરોગે છે પણ એ વ્યંજનો કયા ધાનમાંથી કેવી પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે તેની જાણકારી ભાગ્યે જ ધરાવતા હશે ! 'ઘઉં' એ પુલિંગ બહુમતીની સંજ્ઞાા છે. એમાંથી જે બને તે પુરી-રોટલી સ્ત્રી લિંગ છે અને બાજરી સ્ત્રીલિંગ ધરાવતો શબ્દ છે. તેમાંથી જે અને તે રોટલો પુલિંગ ધરાવતો શબ્દ છે, તે રીતે મકાઈ પણ સ્ત્રી લિંગ સંજ્ઞાા છે અને તેમાંથી બનતો રોટલો પુલિંગ શબ્દ છે. જુવાર પણ સ્ત્રીલિંગ સંજ્ઞાા છે અને તેમાથી તૈયાર થતો 'રોટલો' પણ પુલિંગ જ ધરાવે છે. આ કેવું વૈશિષ્ટય ! ઘઉં તૈયાર થતાં પહેલાં જે ગર્ભગૃહમાં દાણારૂપે બંધાય છે તેને 'ઉંબી' કહે છે. 'ઉંબી' સ્ત્રીલિંગ શબ્દ હોવા છતાં એ કેવા મૂછાળા મર્દ જેવી મૂછ ધરાવે છે ! બાજરી સ્ત્રીલિંગ છે તેના દાણા જેમાં બેસે છે - તૈયાર થાય છે તેને ડૂંડુ કહે છે. ડૂંડુ એ નપુ.લિંગ છે. જુવારને જે બેસે તે કણસલું અને મકાઈને બેસે તે ડોડુ-ડોડાં, ત્યાં વળી પાછું નપુ.લિંગ છે. કપાસની કેરીમાં જ્યારે રૂ ભરાય ત્યારે એને 'જીંડવું' કહે છે. એરંડા (દિવેલા)નો પાક જેમાં તૈયાર થાય છે તેને 'માળ' કહે છે. તુવેર, મગ, ગુવાર, મઠ, ચોળા વગેરેને શિંગો બેસે છે તેમાંથી જે તે કઠોળ તૈયાર થાય છે. ચણાના લીલા દાણાને 'પોપટા' કહે છે. વરિયાળીને 'પાંખડિયો' ફૂટે છે. આમ દરેક વિસ્તારમાં અલગ અલગ નામો આપવામાં આવ્યાં છે આ નામો મહદ અંશે ઉત્તર ગુજરાત વિસ્તારનાં છે.
'પાથરા કરવા' કાપેલી બાજરી, જુવારના થોડા થોડા પાથરા અને કઠોળના કલ્લા બાજુ પર મૂકતા જવા એ ઘટનાને કલ્લા કરવા અથવા પાથરા કરવા કહે છે. કઠોળ ઘાસનો કલ્લો અને બાજરી જુવારનો પાથરો મોટે ભાગે બોલાય છે. તુવેર કે કપાસના સાંઠાને 'કરાંઠી' અને બાજરી જારના સાંઠા કહેવાય છે. ખળા સુધી કે ઘર સુધી લઇ જવા માટે ગાડામાં ભરતાં બાજરી-જુવારના પૂળાને 'ભોર' કહે છે. 'પાથરા'નો થોડોક જથ્થો વચ્ચેથી બાંધવાની ક્રિયાને 'પૂળા' બાંધવા કહે છે. જીરૂ કાપવાનું હોય તો પણ તૈયાર થયેલા જીરાને ચૂંટવું કહે છે. ભેંસ-બળદ જેવાં પશુઓને ખવરાવવા માટે પૂળા ગોઠવીને જે આકાર ઊભો થાય તેને 'ઓઘલી' કહેવાય. ઓઘલીની ટોચ ઉપર તેનું મોઢું પૂરી દેવા માટે જે ઘાસ નંખાય તેને 'ખસલુ ઢાંકવું' કહે છે. ઘઉંનાં 'પૂરિયાં' અને બાજરી-જુવારના પૂળા ઘાસ તરીકે ઓળખાય છે. રૂ વીણવા માટે જે કેડયે કપડું બાંધીને વીણવાનું કામ થાય એ કપડાને 'ફાંટ' કહે છે. એરંડાની માળને લૂમ પણ કહે છે. દારુડિયું, ભોરેગણી, ધોમદ્ણ, પાનાવેલ, ગધાડુ, ચિપો વગેરેનું નિંદામણ કરાય છે તે ખેતરમાં એમનેમ ફૂટી નીકળે છે. ગાજરનો ગામઠી શબ્દ 'રાતડિયું' છે. 'મગફળી'ને સૌરાષ્ટ્રમાં 'માંડવી' કહે છે. 'ભીંડા'ને ઘણી જગ્યાએ 'ભીંડી' પણ કહે છે. કાંગના જેવા હલકા ધાન્યને 'કુરી' પણ કહે છે. 'ચણાં'ને ઉત્તર ગુજરાતમા કોઈ સ્થળે 'સેસવા' પણ કહેવામાં આવે છે. 'વાલ'ને પાટણ તરફ 'ઝાલર' કહેવામાં આવે છે. નાના તરબૂચ જેવા ફળ ખેતરમાં વેલા સ્વરૂપે થાય તેમાં જે ફળ બેસે તેને કારેગંડાં કહેવામાં આવે છે. કોરી જમીન પ્રથમવાર પલાળવાની ક્રિયાને 'ઑરવણ' કહે છે. 'ઑરવણ' કરેલા ખેતરમાં ચાસ પાડવાની ક્રિયાને 'ખેડ' કહે છે. તેમાં અનાજ પાથરવાની ક્રિયાને 'પેરવું' કહે છે. ખેતરમાં છાણિયું ખાતર વેરવાની ક્રિયાને 'પુંજા પાડવા' કહેવામાં આવે છે. ખેડેલી જમીનને સમતલ કરવાની ક્રિયા જે લાંબા-જાડા લાકડાના પાટિયાના સાધનથી બળદોની મદદ દ્વારા કરાય છે તેને 'સમાર દેવો' કહેવામાં આવે જે ખેડવાલાયક જમીન નથી તેને પડતર કહે છે. ગાયોને ચરવા માટેની જગ્યા 'ગોચર' છે. ખેતર ખેડવા માટે હળ જોડવાની ક્રિયાનો 'સાંતીડું' કહે છે.
ઊંચાણવાળા ભાગમાં આવેલી જમીનને 'ટેંબો' કહે છે. નીચાણવાળા ખેતરને 'નેંચાળુ' કહે છે. જ્યાં કશું બીજ ન ફૂટયું હોય તેવું જગ્યાને 'ટાલું' કહે છે. દાણા ભરાવવાની ક્રિયાને 'દાણો બાજવો' કહે છે. બાજરી, ઘઉં, જુવારના ફૂટેલા પાનને પાણોઠ બેસવી કહે છે. ઘઉંને ડૂંડીઓ - ઉંબીઓ નીકળવાની ક્રિયાને 'નેઘલવું' કહે છે. ઉંબીમાં બેઠેલા કાચા-પાકા દાણને 'પોંક' કહે છે - જે શેકીને ખવાય. ચાસ પાડીને રોપેલા ઘઉં ચાસીઆ અને ક્યારા બાંધવાની પ્રથાને 'પીતીઆ' ઘઉં કહે છે. તલના છોડને ડાળખીઓ ચૂટે તેને 'પોંખડા ફૂટવા' કહે છે. તલ પાકવા આવે ત્યારે 'ભોથા પીળા પડયા' કહે છે. મૂળ ધાન સાથે નકામું ઘાસ નિંદામણ છે. મગફળીના થડિયામાં - મૂળમાં ડાળખીઓ ફૂટે તેને 'ડાઢા થવા' કહે છે. 'નીંદામણ'ના ઘાસને 'ખહલું' પણ કહે છે - ગંધાતુ, ગાડરીયો, ગળો, ખાટેદરો, કાંગસી, કુંવારીયો, પુવાડીયો, કુકડવાડો, કાસડો, કસુન્દરો, કણ્ટાળી, કણજરો, કાગળિયું જેવી અનેક પ્રકારની નિંદામણ વનસ્પતિ પણ થતી હોય છે જેનો ક્યારેક દવાના કામમાં વપરાશ થાય છે. બળદ જોડવા માટેનું ચામડાનું કે સૂતરનું સાધન તે 'જોતર' કહેવાય છે. ગાડું ઉંજવા માટે વપરાતું કપડું 'ચેંદરી' કહેવાય. સૂપડાની નીચે રહેલી લાકડાની લાંબી પટ્ટીને 'ઉણ્ડોળ' કહે છે. પક્ષીઓને ઉડાડવા માટેનું સાધન 'ગોફણ' કહેવાય અને ગોફણમાં જ્યાં પત્થર મુકાય તે વચ્ચેના ભાગન 'સાડું' કહે છે. આવા તો અનેક શબ્દો મરણ પથારી તરફ જઇ રહ્યા છે.