Get The App

સંતત્વ એટલે માનવ પ્રત્યેની બિનશરતી નિષ્ઠા

Updated: Jun 22nd, 2024

GS TEAM

Google News
Google News
સંતત્વ એટલે માનવ પ્રત્યેની બિનશરતી નિષ્ઠા 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- અહીં વ્યક્તિ કે વ્યવસ્થા બધું જ ક્ષણભંગુર છે. આ નાશવંત જીવનમાં માનવીય પ્રેમ જ શાશ્વત છે. આ પ્રેમ સર્વકાલિન ઉપચાર છે

સાધો ભાઈ જીવતહી કરો આસા!

જીવત સમજે  જીવતબુઝે,

જીવન મુક્તિ નિવાસા...

અરે ભાઈ, જીવન દરમિયાન જ પરમની આકાંક્ષા કરી લ્યો. જીવતા હો ત્યારે જ તેને સમજીલો- સાંભળી લો...  કારણકે જીવનમાં જ મુક્તિનો નિવાસ છે..

લગભગ પાંચ સદી  પૂર્વ કબીરજીએ આ સત્ય સમગ્રતાથી જીવી દેખાડેલું. જેમાં પરમ અહીં નથી ત્યાં છે,આજે નથી કાલે છે તેવી ધારણાઓનો છેદ ઉડાડી દીધેલો. સંત એટલે માનવ અને માનવ્ય પ્રત્યેનો લગાવ, ઝુકાવ અને ઠહરાવ. સંતત્વ એટલે દરેક માનવ પ્રત્યેની બિનશરતી અને બેહિસાબ એવી નિસબત, નિષ્ઠા અને પ્રતિબધ્ધતા. કબીરજી તેથી જ સમકાલિન અને સર્વકાલિન છે, જેમના ચિત્ત અને ચૈત્તન્યના વર્તુળના કેન્દ્રમાં માનવ છે. તેમનો વિદ્રોહ માનવ મૂલ્યો અને સ્વાતંત્ર્ય માટે હતો. તેમના કાળમાં માણસની ઓળખનો આધાર ધર્મ અને જાતિ હતો, આજે પણ તેમજ છે. તેમણે માણસને માનવીય મૂલ્યોને આધારે નિરખ્યો અને મુલવ્યો તેમનું અનન્ય સાહસ જુઓ તે કહે છે;

હમ બાસી ઉસ દેસ કે 

જહાં જાતિ વરન કુલ નાહીં

તેમનું આ કબીરી સત્ય કોઈ વાદ, વિચાર, શાસ્ત્ર આધારિત ન હતું. ક્યાંયથી ઉછીનું નથી લીધું. આ તેમની પીડાદાયક પ્રતિતી હતી. શ્રી. હજારી પ્રસાદ ત્રિવેદી આ કબીરીઅતના સત્યને 'અનભૈ સાંચા' કે અનુભવનું  સત્ય કે નિર્ભય સત્ય તરીકે ઓળખે છે. શાસ્ત્રો અને પરંપરાઓથી ઉફરા ચાલતાં કબીરજી તેથી જ પ્રચંડ અવાજ  સાથે કહે છે :

મેરા તેરા મનુવા કૈસે એક હોય રે 

મૈ કહેતા હું આંખિન દેખી, 

તું કહતા કાગદ કી લેખી

આ માનવીય સત્યને ચંડીદાસજી જેવા બાઉલ 'સાબાર ઉપરે માનુષસત્ય' તરીકે ઓળખે છે- ઓળખાવે છે. કબીરજીને વ્યક્તિગત કે સંસ્થાગત એવી કોઈ મૂર્તિપૂજા સ્વીકાર્ય નથી. તેમને ખબર છે અસ્તિત્વમાં કશુંય સ્થિર અને સ્થાનક નથી. જુઓ,

ઉજડ ખેડે ઠીકરી ગઢીગઢી ગયે  કુમ્હાર,

રાવન  સરિખા ચલ ગયા લંકા કા સરદાર.

અર્થાત્, વેરાન,કાચા ઘરનાં ઠીકરા સમી થયેલી ભવ્ય ઇમારતોના ઘડવૈયા તો ગયા, સુવર્ણ લંકાવાળા રાવણો પણ ગયા. અહીં વ્યક્તિ કે વ્યવસ્થા બધું જ ક્ષણભંગુર છે. આ નાશવંત જીવનમાં માનવીય પ્રેમ જ એક શાશ્વત રીત છે. આ પ્રેમ સર્વકાલિન ઉપચાર છે. કબીરજી એ જીવનથી દૂર રહીને વિવેચન કરવાને બદલે જીવન વહેણમાં ભીંજાઈને માણસને બેસુમાર પ્રેમ કર્યો.

કબીરજીને તેમની પુજ્યતા માટેની કોઈ દેખીતી કે છુપી આકાંક્ષા જ નથી. તેમના લોકવૃતમાં તે સૌને સ્વીકારે અને આવકારે છે. માનવ બનવાનો અને બની રહેવાનો તે સૌને અધિકાર આપે છે. તે મારગ ચીંધતા નથી, સાથે ચાલે છે. તેમની સાથે સંવાદ કરી શકાય છે, અસંમત થઈ શકાય છે. તેમની પવિત્રતા, પ્રચંડતા અને પ્રગાઢતા સ્થળ-કાળથી બંધાતી નથી. તેમની સાથેની આપણી નિકટતામાં આપણને બદલી નાખવાનું કૌવત  છે- સંભાવના છે. તેઓ શબ્દાળુ નથી, આત્મીય છે. તેમની ઉદારતા, સહિષ્ણુતા અને કારુણ્ય થકી જ તેઓ છેલ્લી પાંચ સદીથી જીવન અને જગતના અંધકારમય વળાંકે ફાનસ લઈને ઊભા છે, આપણને સૌને મારગ ચિંધવા અને કહેવા,

કહૈ કબીર જો પ્રેમસે બિછુડે; તાકો નરક નિદાન.