Get The App

એક્સ્ટ્રીમ વેધર : ક્લાઈમેટ ચેન્જનું રૌદ્ધરૂપ

Updated: Jul 23rd, 2023

GS TEAM

Google News
Google News
એક્સ્ટ્રીમ વેધર : ક્લાઈમેટ ચેન્જનું રૌદ્ધરૂપ 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- એક્સ્ટ્રીમ વેધરના કારણે સર્જાતી કુદરતી હોનારતોથી ગ્લોબલ ઈકોનોમીને વર્ષે ૩૦૦ અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે ને વર્ષે 

૫૦ હજાર લોકોનો ભોગ લેવાય છે

અ મેરિકાના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૫૦ ડિગ્રી પહોંચતા ગરમીનો હાહાકાર

કેનેડાના એક કરોડ હેક્ટર જંગલમાં ભયાનક ગરમીથી આગ ફાટી નીકળી

ઈટાલીના બે ડઝન શહેરોમાં હીટવેવથી રેડએલર્ટ : સ્પેનમાં તાપમાન ૪૭ ડિગ્રી

ભારતના પાટનગર દિલ્હીમાં પૂરપ્રકોપ, ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ

જાપાનમાં તાપમાન વધે એવી શક્યતાના પગલે એલર્ટ

ચીનમાં વાવાઝોડાંનો હાહાકાર, અતિ ભારે વરસાદથી ઘણાં પ્રાંતોમાં પૂરની સ્થિતિ

આફ્રિકન દેશોમાં વિચિત્ર તાપમાન : જ્હોનિસબર્ગમાં બરફવર્ષા, યુગાન્ડામાં હીટવેવ

આ ન્યૂઝ એક જ સપ્તાહના છે. દુનિયાભરમાં એક જ સમયગાળામાં અલગ અલગ પ્રકારની ભયાનક સ્થિતિ આવી પડી છે. ક્યાંક અતિભારે વરસાદ છે, ક્યાંક પૂરની સ્થિતિ છે, ક્યાંક તાપમાનનો પારો અભૂતપૂર્વ ઊંચાઈએ છે તો ક્યાંક અકલ્પનીય બરફવર્ષા નોંધાઈ છે. 

આ સમાચારો એક્સ્ટ્રીમ વેધરના ઉદાહરણો છે. વેધર ન્યૂઝ અપડેટનું આ લિસ્ટ બહુ લાંબું થઈ શકે તેમ છે. લગભગ બધા જ દેશો એક નહીં તો બીજી વેધર ઈવેન્ટના સાક્ષી બની રહ્યાં છે. યુરોપના દેશોએ છેલ્લાં બે વર્ષથી અગાઉ ક્યારેય નહોતી જોઈ એટલી આકરી ગરમી સહન કરવાની આવે છે. આ વર્ષે યુરોપના અનેક શહેરોમાં તાપમાન અસહ્ય સપાટીએ પહોંચી જતાં લોકો ઠંડક માટે નદી-તળાવો-દરિયાકાંઠે ઉમટી પડે છે. ગરમીના કારણે એક જ સપ્તાહમાં ૩૫ કરોડ લોકો પરેશાન થઈ ગયા. તાપમાન વધતા સજીવસૃષ્ટિને પણ અસર થઈ. કેનેડા-અમેરિકાના જંગલમાં લાગેલી આગના કારણે સેંકડો સજીવો બળીને ખાક થઈ ગયાની દહેશત છે.

ક્લાઈમેટ ચેન્જ એટલે અસહ્ય ગરમી - એવી એક સાધારણ સમજ થોડા વર્ષો સુધી હતી, પરંતુ માત્ર ગરમી વધે એ જ ક્લાઈમેટ ચેન્જની અસર નથી. ક્લાઈમેટ ચેન્જના રૌદ્રરૂપે હવે પોત પ્રકાશ્યું છે. ગરમી વધી છે, એમ ઠંડીય વધી છે. વરસાદ ધારણા કરતાં બહુ વધારે થાય અથવા તો થાય જ નહીં. રેતીના તોફાનો ત્રાટકવાનું પણ વધ્યું છે. આફ્રિકા, મધ્ય એશિયા, આરબ દેશોમાં રેતીના તોફાનો ત્રાટકતા રહે છે, પરંતુ હવે એની તીવ્રતા વધી ગઈ છે અને બે તોફાનો વચ્ચેનો સમયગાળો ટૂંકો થતો જાય છે.

અસહ્ય ગરમી, આકરી ઠંડી, તોફાની વરસાદ, રેતીના તોફાનો, ભૂસ્ખલન, બરફવર્ષાના બનાવો તો અગાઉ પણ બનતા હતા, પરંતુ હવે એ રોજિંદી ઘટનાઓ બનતી જાય છે. એક જ સમયે વિશ્વના અનેક દેશો અલગ અલગ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમતા હોય એવું અગાઉ પણ બનતું હતું, પરંતુ હવે દર વર્ષે એ સ્થિતિ આવે છે. ગયા વર્ષે બરાબર જૂન-જુલાઈમાં જ્યારે ભારતમાં વરસાદ પડતો હતો ત્યારે ચીનમાં અતિભારે વરસાદથી ૫૦ વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. ને યુરોપમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. કેનેડામાં ધારણા બહારની ગરમી પડતાં બે ડઝન લોકોનાં મોત થયા હતા. કેનેડા માટે હીટવેવથી મૃત્યુ થાય એ વાત નવી હતી. કેનેડામાં આટલી ગરમી પડશે એવી તો કલ્પના પણ કોઈએ કરી ન હતી.

એક્સ્ટ્રીમ વેધરથી દુનિયાભરમાં દિવસો સુધી જનજીવન ખોરવાઈ જાય છે, રોજગાર-ધંધા બંધ કરવા પડે છે, જાન-માલનું નુકસાન થાય છે. પરિણામે આ એક્સ્ટ્રીમ વેધર જગતને વર્ષે કરોડો-અબજો રૂપિયામાં પડે છે.

૧૯૯૦થી ૨૦૨૦ સુધીમાં ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લોબલ ઈકોનોમીને ૧૬ ટ્રિલિયન ડોલરનું માતબર નુકસાન વેઠવું પડયું છે. અમેરિકાના ડાર્થમાઉથ કોલેજના પ્રોફેસર જસ્ટિન મેન્કિને ગ્લોબલ વૉર્મિંગની અસરોના કારણે સીધી રીતે થયેલા નુકસાનના ૩૦ વર્ષના ડેટાનો અભ્યાસ બાદ આ દાવો કર્યો હતો. પરંતુ એમાંય છેલ્લાં દશકાનું નુકસાન જ છ-સાત ટ્રિલિયન ડોલર જેટલું હતું.

બ્રિટનના હવામાન વિભાગે તો ચેતવણી આપી છે કે આગામી ૭૦ વર્ષમાં બ્રિટનના સરેરાશ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને તેના કારણે વર્ષે એક અબજ પાઉન્ડનું નુકસાન થતું હશે. ૨૦૨૨માં બ્રિટનમાં ઐતિહાસિક ગરમી પડી હતી અને કેટલાય જળસ્ત્રોત સુકાઈ ગયા હતા. પરિણામે ૮૦ અબજ ડોલરનો ફટકો પડયો હતો. આ આંકડો વર્ષ દર વર્ષ વધતો જશે.

યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે છેલ્લાં ૫૦ વર્ષમાં એક્સ્ટ્રીમ વેધરની ઘટનાઓમાં ૨૦ લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, પરંતુ આ મૃત્યુઆંક ઘણો મોટો હશે. યુએનના આ આંકડાં તો એવા દેશમાંથી જ મળ્યા હોય જ્યાં તેની નોંધ થતી હોય, પરંતુ નોંધ ન થતી હોય એ આંકડો ઘણો મોટો છે. ૧૯૭૦થી ૨૦૨૧ દરમિયાન એક્સ્ટ્રીમ વેધર ડિઝાસ્ટરની ૧૨૦૦૦ કરતાં વધુ ઘટનાઓ બની હતી.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અંદાજ પ્રમાણે એક્સ્ટ્રીમ વેધરની ઘટનાઓમાં છેલ્લાં વર્ષોમાં ૭૭ ટકાનો વધારો થયો છે. યુરોપના દેશોમાં પૂરપ્રકોપ અને ગરમી વધી છે. ઠંડી અને ગરમીના વિચિત્ર વાતાવરણના કારણે યુરોપના દેશોએ એક દશકામાં સૌથી વધુ પરેશાનીનો સામનો કર્યો છે. ક્લાઈમેટ ક્રાઈસિસના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૨૦૨૨માં એકલા અમેરિકાને ૧૬૫ અબજ ડોલરનું દેખીતું નુકસાન થયું હતું, એવો દાવો ટાઈમના અહેવાલમાં થયો હતો. ગ્લોબલ ઈકોનોમીને ૨૦૨૨માં ૨૭૦થી ૩૦૦ અબજ ડોલરનો ફટકો પડયો હોય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.

વર્લ્ડ વેધર ઈન્ફોર્મેશન સર્વિસના નિષ્ણાતો તો ત્યાં સુધી દાવો કરે છે કે ૨૦૩૦ સુધીમાં દર વર્ષે ગ્લોબલ ઈકોનોમીને ૬૦૦થી ૮૦૦ અબજ ડોલરનો આર્થિક ફટકો પડતો હશે અને મૃત્યુઆંકમાં વધારો થશે એ અલગ. ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાતી કુદરતી હોનારતોમાં દર વર્ષે ૫૦ હજાર લોકોનાં મોત થઈ રહ્યાં છે. એકાદ દશકા પહેલાં આ આંકડો માત્ર પાંચથી સાત હજાર હતો. યુએનની વિશ્વ હવામાન સંસ્થાનો ચિંતાજનક અહેવાલ તો એવું ય કહે છે કે જો અત્યારથી યોગ્ય પગલાં નહીં ભરાય તો હવામાનને લગતી હોનારતોમાં ૨૦૩૦ સુધીમાં વર્ષે એક લાખ લોકોનો ભોગ લેવાતો હશે.

અહીંથી પાછું વળી શકાય તેમ છે?

એક્સ્ટ્રીમ વેધરનું રૌદ્રરૂપ જોઈને આ સવાલ થાય તો જવાબ છે - હા. ક્લાઈમેટ ચેન્જને કંટ્રોલ કરી શકાય તેમ છે, પરંતુ રસ્તો બહુ મુશ્કેલ છે. સૌથી પહેલાં તો એનર્જી સોર્સ બદલવો પડે. ક્રૂડ પર આધારિત દુનિયાએ રિન્યુએબલ એનર્જી પર આધાર રાખવાનું શરૂ કરવું પડે. કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડે. હવા-પાણી-જમીનનું પ્રદૂષણ યુદ્ધના ધોરણે અંકુશમાં લાવવું પડે. ઠંડા પ્રદેશો અને પહાડોમાં વિકાસના નામે થતા ખોદકામો તાકીદે બંધ કરવા પડે. પ્રદૂષણમુક્ત ટ્રાન્સપોર્ટેશન શરૂ કરી દેવું પડે.

શહેરીકરણની આડઅસરના કારણે ઠેર-ઠેર કોંક્રિટનું જંગલ સર્જાયું છે અને રોજગારી માટે શહેરોમાં રહેવા સિવાય છૂટકો પણ નથી. આવી સ્થિતિમાં નાના-નાના શહેરો બનાવીને રોજગારી સર્જવી પડે ને ઘરના બાંધકામની પદ્ધતિ સસ્ટેનેબલ બનાવવી પડે. વીજળી છત પરથી મળી જાય, ઠંડી-ગરમીને મેઈનટેઈન રાખે એવી ગ્રીન દીવાલો બનાવવી પડે. ખાણી-પીણીની પદ્ધતિ બદલવી પડે. વેજિટેરિયન અને વીગન ખોરાક અપનાવવો પડે. કૃષિ ઉત્પાદનમાં કેમિકલનો ઉપયોગ બંધ કરવો પડે. દુનિયાભરનું ગ્રીનકવર ઘટી ગયું છે એને વધારવું પડે. અત્યારે જે જંગલો છે એનું રક્ષણ કરવા ઉપરાંત નવા જંગલો બનાવવા પડે. વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે એટલે ફરીથી એ ભૂલ સુધારીને ઠેર-ઠેર આંખ સામે હરિયાળી રચવી પડે. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવો પડે.

વેલ, એવું તો ઘણું કરવું પડે. ટૂંકમાં આજે જે લાઈફસ્ટાઈલ છે એ સમૂળગી બદલવી પડે. આ કામ અઘરું છે, પરંતુ અશક્ય નથી. આ બધું કદાચ તુરંત ન થઈ શકે એટલે જ એના વિકલ્પો ઉભા કરવા પડે, જે પ્રેક્ટિકલ હોય. એક્શન માટે સમય બહુ ઓછો બચ્યો છે. કુદરતનો એલાર્મ વાગી ચૂક્યો છે. માનવજાત વેકઅપ કોલને પારખી લેશે તો જ નેક્સ્ટ જનરેશનને એક્સ્ટ્રીમ વેધરમાંથી બચાવી શકાશે.

ક્લાઈમેટ ચેન્જના રૌદ્રરૂપ એવા એક્સ્ટ્રીમ વેધરનો સામનો કરનારી આપણી પહેલી જનરેશન છે અને અટકાવવા માટે પ્રયાસો કરી શકીએ એવી આપણી છેલ્લી જનરેશન છે!

ક્લાઈમેટ ચેન્જથી આવું પણ થઈ શકે!

કેલિફોર્નિયા સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના સાયન્ટિસ્ટ જેફ મોર્ગન સ્ટિબલના સંશોધનના ચોંકાવનારા તારણો આવ્યા હતા. માનવ મસ્તિકના ૨૯૮ સેમ્પલનો અભ્યાસ કર્યા બાદ તારણ અપાયું હતું કે માનવમગજ નાનું થઈ રહ્યું છે. ૫૦ હજાર વર્ષ પહેલાંથી લઈને ૧૫ હજાર વર્ષ, ૧૦ હજાર અને ૧૦૦ વર્ષ અગાઉના મગજનો માપ લેવાયો હતો. સેમ્પલ માટેના મગજ અલગ અલગ સ્થળોના પસંદ કરાયા હતા. પરિણામે ક્યા વિસ્તારમાં તેની કેટલી અસર થાય એ પણ જાણી શકાયું હતું. અભ્યાસમાં જણાયું હતું કે જ્યારે જ્યારે પૃથ્વીનું તાપમાન વધ્યું હતું ત્યારે ત્યારે દિમાગ નાનુ થયું હતું. જ્યારે ઠંડી પડતી હતી ત્યારે દિમાગ ફેલાતું હતું. સૌથી પહેલું સંકોચન ૧૭ હજાર વર્ષ પહેલાં દર્જ થયું હતું. આ એ જ સમયગાળો છે જ્યારે ગ્લેશિયરમાં પહેલી વખત પરિવર્તન આવ્યાનું નોંધાયું છે. એ પછીથી તાપમાન ધીમે ધીમે વધતું જાય છે. ૫૦ હજાર વર્ષ પહેલાં માનવ મગજનું જે કદ હતું તે અત્યાર સુધીમાં ૧૦.૭ ટકા ઘટયું છે. આ અહેવાલ બ્રેઈન બિહેવિયર એન્ડ ઈવોલ્યુશન જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

ક્લાઈમેટ ચેન્જની આડઅસરનો આવો જ એક બીજો અહેવાલ પણ આવ્યો હતો. અમેરિકન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ થતી જામા સાઈકિયાટ્રી જર્નલમાં માણસના વર્તનને ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધ હોવાનું સાબિત કરતો રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો, જેમાં ચોંકાવનારો દાવો થયો હતો કે ભારતમાં ઘરેલું હિંસામાં વધારો થયો છે અને તેની પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન, પાકિસ્તાન, તાન્ઝાનિયાના વૈજ્ઞાાનિકોની એક ટીમે સંયુક્ત રીતે માનવવર્તન અને ક્લાઈમેટ ચેન્જનો અહેવાલ તૈયાર કર્યો હતો. ૧.૯૫ લાખ મહિલાઓના ડેટાના આધારે એમાં કહેવાયું હતું કે દક્ષિણ એશિયન દેશોમાં બીજા બધા દેશોની સરખામણીએ પાટર્નસની હિંસાનું પ્રમાણ વધ્યું છે. ખાસ તો જાતીય સંબંધો વધુ આક્રમક અને હિંસક બન્યા છે. મહિલા સાથે શારીરિક હિંસામાં ૨૩ ટકાનો વધારો થયો હતો. ભાવનાત્મક હિંસા ૧૨.૫ ટકા વધી હતી. તો જાતીય હિંસામાં ૯.૫ ટકાનો વધારો થયો હતો. ઈન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ (આઈપીવી)માં ગ્લોબલ વોર્મિંગના કારણે વૃદ્ધિ થઈ છે. તાપમાનનો પારો સરેરાશ એક ડિગ્રી વધે ત્યારે ઘરેલું હિંસામાં ૪.૯ ટકાનો વધારો નોંધાય છે. અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સદીના અંત સુધીમાં તાપમાન વધશે તેથી ઘરેલું હિંસામાં ૨૩ ટકાની વૃદ્ધિ થશે.