રસવલ્લરી - સુધા ભટ્ટ
- વજ્રાદિપ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ
અ નેક દર્દી અને દુઃખના નિવારણ માટે સંગીત એક સચોટ ઉપાય છે. તે ટેન્શનમાંથી પણ મુક્તિ અપાવે છે. આ સમજ યુગો પુરાણી છે. એ ન્યાયે મિલિટરી અને પોલિસદળના કર્મીઓ માટે ઘણાં ખરા દેશોની સરકારોએ કડક શિસ્તના અમલ બદલ સંગીતના બેન્ડની સુવિધા કરી આપી અને એ કીમિયો કારગત નીવડયો. સ્કૉટલેન્ડના ગ્લાસગોમાં ૧૮૮૩માં પ્રથમ પોલિસ બેન્ડ નોંધાયું. એડિનબર્ગમાં ૧૮૮૪માં અને ઓસ્ટ્રેલિયામાં ૧૮૯૭માં આ યોજના ફળદાયી નીવડી પછી તો પૂર્વ અને પશ્ચિમના દેશો માટે એ આવશ્યક અંગ બની ગઈ. ૧૯૦૦ની શરૂઆતમાં ભારતમાં અનેક શહેરોમાં જાહેર સ્થળે પોલિસ બેન્ડની સૂરાવલિઓ ગૂંજવા માંડી. બેગ પાઇપર, ટ્રમ્પેટ, સેક્સોફોન, ડ્રમ જેવા મહાકાય વાદ્યો ધૂમ મચાવી કોમળ ધૂન વહેતી કરતા. ફિલ્મોમાં પણ એ વાદ્યો દેખાયા. ''મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા''માં ટ્રમ્પેટ છે. તો ''બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ'' ગીતમાં નાયક બેગપાઇપર વગાડે છે. આ બધા માત્ર ટયૂન-ધૂન વગાડતા, જ્યારે કળાના સંપુટ જેવા, તરવરિયા યુવાનો, યુવતીઓના વૃંદને વાદ્યો સાથે સુમેળ કરી બીટ બાય બીટ, સ્વરોચ્યારણ કરતા સાંભળી, માણી આનંદમાં ગરકાવ થઈ જવાય. અને તે પણ ખાખી ગણવેશ ધારણ કરેલા પોલિસકર્મીઓ! મંચ, શ્રોતાઓ-અદ્રશ્ય! સાદૃશ્ય, તાદૃશ્ય સ્વયંમ્ સૂરદેવતા! તો આ છે ''હાર્મની ઓફ ધ પાઇન્સ'' બેન્ડ, હિમાચલ પ્રદેશની ઠંડી આબોહવામાં હૂંફાળી પ્રસ્તુતિ ધારા વહાવતું ''હિમાચલ પ્રદેશ પોલિસ ઓરકેસ્ટ્રા બેન્ડ.'' ફરજમાં કડક શિસ્ત અને નાજુક નમણી સંગીત કળા સંગ કોમળ મૈત્રી-મનમેળ !
- ભારત હમકો જાનસે પ્યારા
શ્રોતાઓની તાળીઓની ગૂંજ એ જ શ્રેષ્ઠ એવોર્ડ છે એમ માનનારું આ વૃંદ હંમેશા એક આગવું ''સર્પરાઇઝડ'' તત્ત્વ ઉમેરી જાદૂ કરે છે. 'ઇન્ડિયા બુક'માં નામ નોંધાય કે રિયાલીટી શોમાં દેશવિદેશના દર્શકોને સ્તબ્ધ કરી દે. સ્વશિસ્તથી કંઈક નવું - રોમ હર્ષણ કરવું એ જ એમની ઝંખના. સાચા પોલિસકર્મીને આગળ લાવવા સૌ એક સાથે મંચ પર આવે અને એક સાથે જ ઉતરે. ''ઇશ્વરને દિયા હૈ તો દીયા બનો''ને મન પર ધરી સંસ્કાર, અનુશાસન અને લગનથી લગે રહો ને વળગી રહ્યા છે. તેમના મતે અઢી મિનિટની પ્રસ્તૃતિ પચીસ આઇટમના મહાવરા પછી શક્ય અને સફળ બને. ગાતાં પહેલાં ''કાનસેન'' બનીને સંગીતનું શ્રવણ જરૂરી છે. શક્તિશાળી પ્રસ્તુતિ માટે ''ઓડિયો સ્ટુડિયો'' પણ વસાવ્યો. બેન્ડ માસ્ટર્સ ''મંચ તૈયાર''ની ઘોષણા ત્યારે જ કરે જ્યારે સાઉન્ડ ચેક, પીચ અને સ્વરોનું પોત ગીતોના શબ્દોના ગણગણાટ સહ તૈયાર હોય. ખાખીવર્દીના કલાકારો થીમ મુજબ સમાજને સંદેશા આપે-કલાત્મક રજુઆત અને કૌશલ્ય યુક્ત. બધા જ કલાકારો તાલીમ સજ્જ હોય તો જોશ, હોંશ અને હોંશથી રજૂઆત થઈ શકી. નવાં વાદ્યો અને હિમાલયની ખીણોમાં ગૂંજતા સંગીતને યોગ્ય અને અનુરૂપ નોટસ અને સંકેતથી રજુ કરવાની નેમ સાથે આરોહ, અવરોહ, મુરકી, હરકત અને સાચા મનોભાવયુક્ત મુખમુદ્રા તથા અભિનય માટે પણ આ વૃંદ સજ્જ છે. ગાયન વખતના વાતાવરણમાં સંગીતવિશ્વમાં ખૂંપી જતા એકરૂપ થઈ જતા આ કલાકારો અસાધારણ પ્રતિભાવો મેળવે છે. રજુઆત-ઉચ્ચારણો થકી શબ્દોને લાડ લડાવવાની તાકાત છે, અદ્ભૂત લયકારીની ગૂંથણી છે. ''હમીંગથી મુસ્કાન સુધી'' મુલાયમ, રેશમી છતાં શક્તિશાળી પ્રભાવક અવાજની દુનિયામાં લઈ જવા સક્ષમ છે આ સરકારી સેવકો. કાઠી-કડક-નોકરી-મીઠી મધુરી પ્રસ્તુતિ સ્વરાલયમાં ડોલનશૈલીને જીવંત કરે છે. ખૂબ હલકી, હળવાશથી, સ્વાભાવિકતાથી સૌના સહકારથી ચાલતી આ યાત્રા અદ્વિતીય અને યશદાયી છે.
- ઇલેકટ્રોનિક વાદ્યને સ્થાન નથી
સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરવી, કપરી તાલીમમાંથી પસાર થવું, દરેક સામાન્ય અને અસામાન્ય પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો - આ તો જાણે નિત્યક્રમ પરંતુ જાનની બાજી સરહદના સૈનિકની જેમ જ લગાવવી અને ગુનેગારો સાથે કામ પાર પાડવું - કસોટી જ ગણાય. એટલે જ વિશ્વસ્તરે દરેક દેશમાં બન્યું છે એવું ૧૯૯૬માં હિમાચલ પ્રદેશના વરિષ્ઠ અધિકારી થિન્ડની પ્રેરણાથી સતત દબાણમાં રહેતા પોલિસકર્મીઓ માટે ઓરકેસ્ટ્રાની-રોમિંગ બેન્ડની રચના થઈ અને માત્ર પાંચ-સાત સભ્યોનું એક વાદકવૃંદ બન્યું. વિજયકુમાર સુદે તબલાંમાં વિશારદ કરેલું તેથી તેમને આ ગુ્રપનું સુકાન સોંપાયું. હિમાચલની વનસ્પતિ સંપત્તિમાંની એક તે શંકુ આકારનાં પાઇન (ચીડ)નાં વૃક્ષો ઠંડી હવામાં ઝૂમતાં ઝૂમતાં, માદક સુગંધ રેલાવતા, ઝીણું ઝીણું સંગીત પીરસતાં જાણે કે પીઠબળ બનીને આ કલાકારો સાથે ટટ્ટાર ઊભાં રહ્યાં. જેટલા ફરજમાં વ્યસ્ત એટલા જ પૂરી ખાંખતથી સંગીતમાં મસ્ત એવા આ કલાકર્મીઓ હવે તો પંદર-સત્તરની સંખ્યામાં સમૂહગાન વડે મંચ ગજવી જાણે છે. સિદ્ધાંત મુજબ કોઈ પણ ઇલેકટ્રોનિક વાદ્યને અહીં સ્થાન નથી. સો ટકા જીવંત પ્રસ્તુતિમાં માનતા કલાકારો સેમિકલાસિકલ સંગીતમાં દેશભક્તિ અને દેવી-દેવભક્તિનાં ગીતો રજુ કરે છે. હા, સામાન્ય રીતે આવાં બેન્ડ માત્ર વાદ્યોનાં સૂર રેલાવે છે. જેમાં ગાયકી અંગ હોઈ શકે પરંતુ કંઠય સંગીતના આ કલાકારોના પ્રયોગો કાબિલે દાદ છે. સામાજિક ચેતનાને જગવતાં ગીતો એમની અન્ય પસંદગી છે. પ્રયોગાત્મક વલણને અનુલક્ષીને તેઓ ''હમ્મા...હમ્મા...'' જેવાં ફિલ્મી ગીતોને પોતાની રીતે સંયોજી તેમાં ઉપશાસ્ત્રીય સરગમતાનો ઉમેરે, સેક્સોફોન જેવા વાદ્યો વાપરે, સ્કેલ બદલે, ગીતને વિભાજિત કરે અને યુવા વર્ગને આકર્ષે ! સફળ શાનદાર, પ્રયોગ !
- પુલિસ હૈ દેશકી શાન
સંગીત વૃંદના મોટાભાગના કલાકારોએ સંગીતની તાલીમ અને ડિગ્રીઓ હાંસલ કરી છે. 'લેન્ડિંગ નોટ-ઉઠાન' અને અંતે નોટ્સની ચરમ સીમાએ સંતોષની આભા અનુભવતા આ હટકે કલાકારો મન્દ્ર, મધ્ય અને તીવ્ર સૂરોને સમજી હળવેથી પંચમ કે સપ્તમ સ્વર સુધી પહોંચે છે. માઇનસ નોટેશનથી હમિંગ સાથે આલાપ આપી શિવ કૈલાશોંકે રાજા....શંકર સંકટ હરણા.... એક સાથે તસુભર પણ ખસ્યા વગર એકી શ્વાસે ઉચ્ચત્તમ સ્વરે કૈલાશ શિખરે પહોંચી જાય એવી ધૂન જગવે તે આ હાર્મની ઓફ પાઇન્સના કલાકર્મીઓ. એક જૂટ સ્વરોની મંડળી અને માંડણી સાતમા આસમાને પહોંચાડે તે ખરી કળા! બાજ નજર ધરાવતા આ રક્ષકોના શેરકદમ એવા છે કે એક ધર્મ-એક કર્મની ભાવનાને ઉજાગર કરે છે. મા ભોમની રક્ષા કાજે વારંવાર જન્મ લેવાની ખેવના રાખતા આ કલાકારો કલાનાં શાશ્વત સૌંદર્યને પણ ઝંખે છે. બેન્ડની સૂરાવલિ ટયૂનમાં અને સ્વરમાં સમાંતર ચાલે એવું માનતા સૌ કલાકારો બે ગાયિકાઓ સહિત અદ્ભૂત મંચ પ્રસ્તુતિ કરે ત્યારે મંચ જીવંત થઈ ઉઠે. વિજયકુમાર સાથે સાથી ચલે ચલો રટતા આ રહ્યા એ પરિવારજનો ઃ દીપિકા ઠાકુર અને કિતિકા તનવર ગાયિકાઓ છે. નરેશકુમાર વાંસળી અને સેક્સોફોન વાદક, રાજેશકુમાર લીડ ગિટારીસ્ટ, મનજિતસિંહ તબલાં વાદક, હિતેશ ભારદ્વાજ ઢોલક અને હેન્ડ સોનિક પ્લેયર, આશિષકુમાર કી બોર્ડ પ્લેયર, કશિષ શાંડિ બેઝ ગિટારિસ્ટ, કમલકુમાર ડ્રમ્સ પ્લેયર, પ્રશાંત ઓક્ટોપેડ પ્લેયર અને મનમોહન શર્મા, દલીપકુમાર તથા કાર્તિક શર્મા ગાયકો છે.
લસરકો ઃ હાર્મનિનો અર્થ સૂરમેળાપ - ચરિતાર્થ ઃ ''એક સાથ મંચ આરોહણ - એક સાથ મંચ અવરોહણ.''


