મેઘના આલયે તળપદી સંસ્કૃતિનું સંગ્રહાલય
- જ્ઞાાન અને મનોરંજનની પરબ સમા સંગ્રહાલયો
- રસવલ્લરી-સુધા ભટ્ટ
અપાર વૈવિધ્ય ધરાવતી પ્રકૃતિએ માનવજાત ઉપર કેટકેટલા ઉપકારો કર્યા છે ! એની ઈશ્વરીય તાકાતને પરિણામે તો પંચમહાભૂત તત્વોએ એક કોષી જીવથી માંડી મહાકાય જીવોમાં પ્રાણ પૂર્યાં છે. યુગોથી પૃથ્વીને પોતાનું ઘર માનીને જીવતા માનવોના શરીર અને મનના કૃમિક વિકાસ થયા અને એની નોંધ પણ લેવાતી ગઈ. વનસ્પતિ, પર્વતો, જળસ્ત્રોતો અને માનવેતર જીવોમાં પણ ઉત્ક્રાંતિ નોંધાઈ. ટૂંકમાં, આખાય બ્રહ્માંડમાં થતી ચહલ પહલ ચોપડે ચડતી ગઈ. એ તો સર્વવિદિત છે કે પ્રત્યેક ઘટનાના લેખાં-જોખાં લેવાતાં જ હોય પણ સઘળી માહિતી ઉદાહરણો સહિત ક્યાંય એક સ્થળે મળી જાય તો કેવું સારું એવું કોઈ એક તબક્કે વિચારાયું જ હશે. એટલે જ ગાગરમાં સાગર જેવા સંગ્રહાલયો અસ્તિત્વમાં આવ્યા હશે જ્યાં એક જ એવા રે જાતજાતના ઘાટનાં સર્જન થયા હશે અને એય... ને પછી એ રફતારમાં જુદા જુદા કાફલા જોડતા ગયા હોય એવું બને. ખેર ! સુંદર, સુસજ્જ, માહિતીસભર, સમજવામાં સરળ અને મનને મોજ કરાવી દે એવા સંગ્રહસ્થાનોને જોઈ-માણી-નાણીને કોણ ખુશ ન થાય ? અનેક વિષયોના જુદા જુદા ચોકા મંડાયા હોય અને છતાંય એ શ્રી સ્થળે એકત્વનો અહેસાસ થાય એવા અનેક મ્યુઝિયમ્સ દેશ-વિદેશમાં છે. આપણા ભારત દેશમાં શહેરી ઈલાકાઓમાં મનને ઠારે એવા સંગ્રહાલયો છે જ પરંતુ દુર્ગમ પહાડી પ્રદેશમાં દેશના પૂર્વોત્તર ખૂણે ''સેવનસિસ્ટર્સ'' રાજયોમાંના એક મેઘાલયના પાટનગર શિલોંગમાં સર્જાયું છે એક કૌતુક !
વિવિધ સંસ્કૃતિઓનું સંગમસ્થાન છે આ પૂર્વોત્તર
લીલાંછમ પર્વતોની ટોચ પરથી વહેતા આવતા ઝરણાં નદી સ્વરૂપે રૂમઝુમ નિસરતાં હોય, કવિ કાલિદાસના 'મેઘદૂતમ્'ની યાદ અપાવતા વાદળાં વ્યોમે વિહરતાં હોય ત્યાં નગદ નાણાં જેવા દેશી, મૂળ નાગરિકો તળપદાં જીવન જીવતા હોય. જેને ''ઈન્ડિજિનસ'' કહીને નવાજાતા હોય એ વિસ્તારમાં કુદરતને ખોળે રત્ન જેવા બિરાજતા આ સંગ્રહસ્થાનની પાછળની દ્રષ્ટિ અને જહેમતને સલામ ભરવાનું મન થાય. એક ચળવળ જાણે ઉપાડી હોય એવા હેતુથી આ સ્થળની માવજત થઈ છે. આ સાતેય માળની ભિન્ન ભિન્ન ઓળખ ગૌરવ બક્ષે છે ત્યાં ૨૮ ફિટ ઠ ૨૫ ફિટનો એક રિલીફ નકશો જોવા મળે જેમાં પૂર્વોત્તર રાજ્યોના સ્થાન છાતી કાઢીને શોભતા હોય. ફાઈબર ગ્લાસની આ કૃતિ સ્વયમ્ એક આકૃતિ છે કલાકૃતિ છે. રસિકોની આંખ ઉઘડી જાય અને પહોંચીએ પ્રાગ ઐતિહાસિક ગેલેરીએ. જ્યાં વનવાસીઓની જીવનશૈલી તાદ્રશ્ય થાય. અહીં મૂળ અને હિજરતી ટ્રાઈબ્સ વાતાવરણમાં ભળી જઈ ચિત્રો અને શિલ્પો સંગ રમે. સંગીત, ગૃહરચના અને એને માટેનો એ વતનીઓનો લગાવ ધ્યાનાકર્ષક લાગે. પ્રવેશે જ ડાબે-જમણે ગોખલાઓ યુક્ત રવેશમાં સુંદર ચિત્રો અને બહુસાંસ્કૃતિક નૃત્યોના શિલ્પો આપણને આવકારે. આગળ જતા પડોશી દેશો નેપાળ, ભૂતાન, મ્યાનમાર વગેરેની ગેલેરીમાં ત્યાંનો ઈતિહાસ છતો થાય. તસવીર વિથીકામાં પાંચ દાયકા પૂર્વેની શ્વેતશ્યામ તસવીરો અને આધુનિક રંગીન સેલ્ફી સુધીના ફોટા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સાંસ્કૃતિક ગેલેરીમાં ''અમે બધી જ સંસ્કૃતિઓને ચાહીએ છીએ''નો સંદેશો કંડારાયો છે પ્રાચીન દેવસ્થાનોની પ્રતિતિઓમાં. ખેતીવિષયક વિથીકા વૃક્ષોનો મહિમા સૂચવે છે. સંગીતના વાદ્યોનો સંગ્રહ અતુલ્ય છે જેમાં ''સાદાં વાદ્યો પણ સૂર-તાલમાં સમૃદ્ધ''ની છડી પોકારે છે. આવી રસવાહી, આશ્ચર્યચકિત કરતી ગેલેરી રસિકોને રોકે.
અષ્ટકોણીય ઈમારત
શિલોંગના ડોન બોસ્કો મ્યુઝિયમના સાતેય માળની ફર્શનો કુલ વિસ્તાર ૫૬૦૦૦ ચોરસ ફૂટ છે અને ૧૫,૧૫૪ ચોરસ ફૂટ દીવાલનો ઉપયોગ કૃતિઓની સજાવટ માટે કરવામાં આવ્યો છે. મૂળે તો આ એક શિક્ષણ સંકુલ છે જેને આ મ્યુઝિયમ થકી પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન પચીસેક વર્ષ પહેલા ફાધર ડૉ. સબાસ્ટિયને નિષ્ઠાપૂર્વક કર્યો હતો જેમાં તેમને દેશ-પરદેશમાંથી પણ સહકાર સાંપડયો હતો. એમની આખીય ટીમે નોર્થ ઈસ્ટમાં નિવાસ કરતી આદિવાસી કોમના ઈતિહાસને ખંખોળીને જતનપૂર્વક સાચવ્યો. તેમની જીવનરીતિ, ખેતી, તેમની કળાને પણ ખોળી કાઢી. પ્રાગ ઐતિહાસિક સમયથી આજ સુધીની આ કહેવાતી પછાત જાતિઓના જનજીવનમાં ડોકિયું કરી તેમની કળાને બહાર આણીને રસિકોને એની ઝાંખી કરાવી. જાહેર જનતાને એ સમૃદ્ધ વારસાથી અવગત કરવા આ સંસ્થા વારંવાર તાલીમ, શિબિરો, ચર્ચામંચ, પ્રકાશન, જ્ઞાાન પ્રસાર-પ્રચાર, મલ્ટિમિડીયા શો, સંશોધન, જનભાગીદારી આદિ પ્રકલ્પનાં આયોજનો કરે છે. અહીં શ્વસતી અલગ અલગ કોમના નૃવંશશાસ્ત્ર અને સમાજ વ્યવસ્થાના આધારે વિભાગ પાડી તેમની સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આ મ્યુઝિયમ કરે છે. આવા અનેક પાસાઓનું નિદર્શન ડોનબોસ્કો મ્યુઝિયમમાં જોઈને ચકિત થઈ જવાય. દેશની સરહદોને સાચવીને બેઠેલા આ રાજયોમાં આદિવાસી જાતિઓના જે નામ છે તે જ નામ અહીંની પર્વત શૃંખલાઓને પણ મળેલા છે અને એમની ભાષા પણ તે જ નામથી ઓળખાય. તાંગસા, હાજોંગ, મિઝો, ખાસી, જેન્તિયા, ગારો, કારબી, દિમાસા, કુકી, લોથા, સેમા, મારા, તિવા આદિ ઈત્યાદિ. આ તો માત્ર થોડાં ઉદાહરણો આના આધારે બનેલી અહીંની પંદરથી વધુ ગેલેરીઓમાંથી કેટલીકમાં આંટો દઈ આવીએ.
આલાલીલા વાંસળિયા રે વઢાવો
વાંસની પટ્ટીઓ અને આદિવાસીની આંગળીઓની કમાલ દર્શાવતી વાંસની 'બાસ્કેટરી' ગેલેરીમાં જોવા મળે ઘરઆંગણે બેસી વાંસની કૃતિઓ બનાવતા પરિવારજનો અત્યંત ગતિશીલ અંકન એમાં માણવા મળે. સુંદર ફોટો ફ્રેઈમ જેવું દીવાલ ઉપરનું ઉપસાવેલું રિલીફ વર્ક કથ્થઈ રંગમાં માનવીયુંના મેળા, વિવિધ પ્રદ્ધતિઓ, પુસ્તકો, સંગીતવાદ્યો, રમતગમતનાં સાધનો, વિભિન્ન મુદ્રાસહ સંવાદ સાધતા, સાહસ કરતા માનવો અને પાછલી ભીંતે ઓંકળીઓ જેવી ભાત ખૂબ મનભાવન હો! વિથીકાઓમાં મૂળભૂત પોષાક, વ્યવસાય, શોખ, લાકડાની આકૃતિઓ વિશિષ્ટ ચહેરા અને અંગભંગિમા સાથે જોવા મળે. ગારા ટ્રી હાઉસ તો હૈયે જડાઈ જાય. ડાંગર ખાંડતી સ્ત્રી હોય કે કોડીના એપ્રન વાળો પુરુષ હોય, જુદી જુદી શાલ, શરીરે છૂંદણાં, માથા બંધણાં કે પછી ફર્નિચર બધું જ વિરલ ! વણાટકામ, પૉટરી, કુદરતી જળ, ખનિજ, માટી... પ્રાકૃતિક ખજાનો મન મોહી લો. અને પેલી ઘરેણાની ગેલેરી પાસે ''નિશી'' નામનો ડ્રેસ પણ દેખાય ઘરેણાં જેવો જ ! તો, આભૂષણોમાં માઠિયા (બંગડી)ની ખૂબ વેરાઈટી. લાકડાની, ધાતુની, મોતીની, દોરાની રંગરંગની બંગડીઓ લાલ કાપડ પર ગોઠવેલી મળે. સાથે સાથે શંખ, છીપનાં દાગીના, ગળાની હાંસડી, બુટ્ટીઓ, નથ, નખલી, અન્ય હાર, માળા દેખાય જેમાં નાના-મોટા મોતી અને ભૂંગળી ડિઝાઈનવેર તરીકે શોભે. રંગો ? અરે! ક્રીમ, કથ્થઈ, લાલ, ભૂરો, પીળો, સફેદ, કાળો અહીં પહેરો ભરે ! ભારે અને હળવા આભૂષણ અહીં અભરે ભર્યાં છે.
લસરકો : તળપદી સંસ્કૃતિના કેન્દ્રમાં છે આદિ જાતિઓના જીવાતા જીવનની ઉજવણીનાં રંગ. મોજ-મસ્તી, દોસ્તી, સમજૂતીનો ઉમંગ. વળી કલાનો સંગ અને પ્રકૃતિ અંગે અંગ.