Get The App

ઊર્જાની બચત કરતો 'વાયુ'

Updated: Oct 22nd, 2022

GS TEAM

Google News
Google News
ઊર્જાની બચત કરતો 'વાયુ' 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- સેનિટરી પેડના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય, તો તે માત્ર લેન્ડફિલ જ નહીં, પરંતુ જળસ્ત્રોતો અને પશુઓ માટે પણ ખતરો ઊભો કરે છે

વ્ય ક્તિ અને સમષ્ટિના ચાલક બળ સમાન ઊર્જાની વધતી જતી માંગ સામે હવેના વિશ્વમાં તેનું આયોજન કરવું અતિ અનિવાર્ય બની ગયું છે. જલવાયુ-પરિવર્તનથી ઊભી થતી સમસ્યાઓથી આજે આપણે સહુ ચિંતિત છીએ, પણ માત્ર કેટલાક લોકો જ પોતાની જવાબદારી સમજીને પર્યાવરણને બચાવવા સતત પ્રયત્નશીલ છે. આવી જ એક વ્યક્તિ છે પુણેના પ્રિયદર્શન સહસ્ત્રબુદ્ધ. આઈ.આઈ.ટી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ પ્રિયદર્શન પોતાના પિતાની ઓટો કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા હતા, પરંતુ તેઓ હંમેશાં પોતાની આસપાસના વાતાવરણ અને વધી રહેલા પ્રદૂષણથી ચિંતિત રહેતા હતા. તેમની મુલાકાત ડા. આનંદ કર્વે સાથે થઈ, જેઓ બાયોગેસ પર કામ કરી રહ્યા હતા. એમના માર્ગદર્શન હેઠળ પ્રિયદર્શને બાયોગેસ બનાવી શકે તેવું નાનું ઉપકરણ બનાવ્યું અને નામ આપ્યું 'વાયુ'!

ઈ. સ. ૨૦૧૫માં આ મશીન બનાવ્યા બાદ બાયોગેસની ક્ષમતાઓ વિશે જાણકારી મેળવી. તેઓ માનતા હતા કે આ ગોબર ગેસ છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગ કરી શકાય, પરંતુ 'વાયુ' બનાવ્યા પછી લાગ્યું કે શહેરી વિસ્તારોમાં પણ આનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. પોતાના ઘરે 'વાયુ' નામના ઉપકરણનો ઉપયોગ કર્યા બાદ તેમણે બાયોગેસનું આ ઉપકરણ મિત્રો અને સગાંવહાલાંઓ માટે પણ બનાવ્યું. પ્રિયદર્શનનું આ ઉપકરણ એવું છે કે ઘરની બાલ્કનીમાં લગાવીને તેમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય તેવું છે. 

'વાયુ' મશીનની ડિઝાઈન એવી છે કે તેને ઘરની બાલ્કનીમાં રાખી શકાય છે. એમાં વાસી ખોરાક કે ભીનો કચરો નાખવામાં આવે છે. એમાં થતા માઈક્રૉબ્સમાંથી નીકળતા કાર્બોહાઈડ્રેડને તે મીથેન ગેસમાં પરિવર્તિત કરે છે, જે બલૂનમાં સંગ્રહિત થાય છે. આ બલૂનમાં સંગ્રહિત થતો મીથેન ગેસ પાઈપ દ્વારા બાયોગેસ સ્ટવ સુધી પહોંચે છે અને તેનો તમે એલ.પી.જી.ના પર્યાય તરીકે ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં પ્રિયદર્શને પોતાના ઘરમાંથી નીકળતા કચરાને વ્યવસ્થિત કરવાનું વિચાર્યું હતું, પરંતુ તેમને લાગ્યું કે આ કચરો કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, તેથી 'વાયુ' પર સંશોધન કરીને સામાન્ય માનવી તેનો ઉપયોગ કરી શકે તેવું બનાવ્યું. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૯૩૧ મિલિયન ટન ખોરાકનો બગાડ થાય છે અને તેમાંથી ૫૭૦ મિલિયન ટન ખોરાકનો બગાડ તો ઘરોમાં થાય છે. આવા ફૂડ વેસ્ટમાંથી ઈંધણ મળતું હોય, તો તેનાથી વિશેષ રૂડું શું કહેવાય?

પ્રિયદર્શન સહસ્ત્રબુદ્ધે આની શરૂઆત પોતાના ઘરથી અને પોતાની સોસાયટીથી કરી.  રોજનો છથી સાત કિલો ભીનો કચરો એક ઘરને એલ.પી.જી.માંથી મુક્તિ અપાવવા માટે પૂરતો છે. પ્રિયદર્શને પોતે બનાવેલ બાયોગેસ ડિવાઈસનો વ્યાપક સ્તર પર ઉપયોગ કરવા માટે શહેરના સફાઈ કર્મચારીઓની મદદ લેવાનું શરૂ કર્યું. પ્રિયદર્શન સફાઈ કર્મચારીઓ પાસેથી ભીનો કચરો લે છે. તેના બદલામાં તેઓ તેઓ સફાઈ કર્મચારીઓને દર મહિને પાંચસો રૂપિયા આપે છે. આજે પુણેમાં છથી સાત પરિવારો એવા છે કે જે 'વાયુ'નો ઉપયોગ કરી રહ્યા છે અને સફાઈ કર્મચારીઓ પાસેથી ભીનો કચરો મંગાવીને એલ.પી.જી.ના વપરાશમાંથી મુક્તિ મેળવી લીધી છે. પ્રિયદર્શનનું કહેવું છે કે એપાર્ટમેન્ટમાં વીસ કુટુંબો રહેતા હોય તો એ બધાના કચરામાંથી બે પરિવાર બાયોગેસથી પોતાનું કામ ચલાવી શકે છે. તેઓ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી ભીના કચરાને ડમ્પિંગ સાઈટ પર જતા રોકી શકાય અને એલ.પી.જી. પરની નિર્ભરતા ઓછી કરી શકાય. વાયુ એક એવી બાયોગેસ પદ્ધતિ છે, જેમાં માઈક્રોબ બાયોગેસ બનાવે છે, તેની સાથે લિક્વિડ ફર્ટિલાઈઝર અને ઓર્ગેનિક ફાઈબર પણ મળે છે, જે બગીચાઓમાં કામ આવે છે. વાયુની સૌથી સારી વાત એ છે કે તે જરૂરિયાત પ્રમાણે નાનું-મોટું બનાવી શકાય છે. નાનું મશીન ત્રેવીસ હજાર રૂપિયામાં અને મોટું આશરે એક લાખ રૂ.માં બને છે. પર્યાવરણ સંરક્ષણનું કામ કરતા એન્ટરપ્રેન્યોરને અમેરિકા સ્થિત અશોકા ચેન્જમેકર્સ એચ.એસ.બી.સી. સાથે મળીને ઍવૉર્ડ આપે છે. વિશ્વના ૩૪૮ સ્પર્ધકોમાંથી બાર સ્પર્ધકોની ગ્રીન સ્કીલ ઈનોવેશન ચેલેન્જ માટે પસંદગી કરવામાં આવી, તે બાર સ્પર્ધકોમાં પ્રિયદર્શન સહસ્ત્રબુદ્ધેના 'વાયુ'ની પસંદગી કરાઈ. પ્રિયદર્શન પુણેથી પચીસ કિમી. દૂર 'ક્લાયમેટ કાફે' ચલાવે છે, જે વિશ્વનું પ્રથમ એલ.પી.જી. ફ્રી કાફે છે. અહીં બાયોગેસથી જ ભોજન તૈયાર કરવામાં આવે છે. જો રોજનો ૨.૧ ટન કચરો એકત્ર થાય તો વર્ષે ૨૬૭૦ ગેસ સિલિન્ડર બચશે અને ૧૧૫ ટન કાર્બન ડાયોક્સાઈડ ઘટશે. તેઓ આવતા પાંચ વર્ષમાં રોજનો બસો ટન કચરો એકત્ર થાય તેવો લક્ષ્યાંક ધરાવે છે. દેશમાં ૩૨૦ વાયુ ઉપકરણો લગાવનાર ૩૭ વર્ષના પ્રિયદર્શને સામાન્ય વ્યક્તિને તેના ફૂડ વેસ્ટમાંથી જ ઊર્જા મળી શકે તે શીખવ્યું અને કચરો વીણનારા લોકોની આવકમાં દસ ગણો વધારો થયો. તેઓ સ્પષ્ટપણે માને છે કે ઘર, રેસ્ટોરન્ટ, કોર્પોરેેશન કેન્ટીન, હાઉસિંગ સોસાયટીમાં વાયુના ઉપયોગથી ઈંધણની બચત થશે, નવી રોજગારી ઉભી થશે અને શહેરો સ્વચ્છ રહેશે.

'સોલર લજ્જા'ની કામયાબી

ઊર્જાની બચત કરતો 'વાયુ' 2 - imageમું બઈમાં રહેતાં ડૉ. મધુરિતા ગુપ્તા વેટરનરી ડૉક્ટર છે અને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના સ્થાપક પણ છે. છેલ્લાં દસ વર્ષથી તેઓ પ્રાણીસંગ્રહાલય, વાઈલ્ડલાઈફ સફારી અને નેશન પાર્કના પ્રાણીઓ માટે કામ કરી રહ્યા છે. એમના આ કામ દરમિયાન ગામડાંની સ્ત્રીઓને મળવાનું થયું, ત્યારે ડૉ. મધુરિતાને ખબર પડી કે ગામડાંની અને આદિવાસી સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક સ્ત્રીઓ તો રેતી ભરેલી થેલી વાપરતી હતી. ડૉ. મધુરિતા ગુપ્તાએ સ્ત્રીઓની આવી પરિસ્થિતિનો હલ કાઢવા અને એમને મદદરૂપ થવા માટે સેનિટરી પૅડ આપવાનું શરૂ કર્યું, પરંતુ તેનાથી બીજી મુશ્કેલી તેના નિકાલની ઊભી થઈ. ભારતમાં માત્ર ૩૬ ટકા મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે, તો પણ તેનો સરવાળો એક લાખ ટન પેડનો થાય છે. જે કચરામાં ફેંકી દેવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ હેલ્થ અલાયન્સ ઇન્ડિયાના હેવાલ પ્રમાણે એક સેનેટરી પેડનો નિકાલ થવામાં આશરે પાંચસોથી આઠસો વર્ષ લાગે છે, કારણ કે તેમાં નોન-બાયોડિગ્રેબલ પ્લાસ્ટિક અને સુપર એબ્જોર્બેટ પોલિમર હોય છે, તેથી સહેલાઈથી ડીકમ્પોઝ નથી થતું અને પર્યાવરણને નુકસાન કરે છે. ડૉ. મધુરિતાએ પોતાની ચિંતા એમના ભાઈ રૂપન ગુપ્તાને કહી. આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ.માં અભ્યાસ કરનાર રૂપનને એન્જિનિયરીંગના અભ્યાસને કારણે મશીનરી અંગે ઘણી જાણકારી હતી. ઘણા મહિનાઓના સંશોધન બાદ ભાઈ-બહેને સાથે મળીને 'સોલર લજ્જા' નામથી સોલર પાવર સેનિટરી પેડ ઈન્સિનરેટર તૈયાર કર્યું. જે ૨૦૧૯માં અર્ણવ ગ્રીનટેક ઈનોવેશન દ્વારા સ્ટાર્ટઅપ રૂપે શરૂ કર્યું.

ડૉ. મધુરિતા ગુપ્તા કહે છે કે સેનિટરી પેડ એ સ્ત્રીઓ માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તો બીજી બાજુ પર્યાવરણને દૂષિત કરે છે. એના સમાધાનરૂપે 'સોલર લજ્જા'નો ઉદ્ભવ થયો. નવ મહિના સુધી સંશોધન કર્યા બાદ સોલર લજ્જા બજારમાં મૂક્યું છે. આમ તો સેનિટરી પેડ ઇન્સિનરેટર ઘણી કંપનીઓ બનાવે છે, પરંતુ તે વીજળીથી ચાલે છે. આપણા દેશમાં તો આજેય એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વીજળી પહોંચી નથી, તેથી સોલર એનર્જીથી ચાલતું મશીન બનાવવાની ઇચ્છા હતી. જે 'સોલર લજ્જા'થી સાકાર થઈ. સોલર લજ્જા ઈકોફ્રેન્ડલી અને ટકાઉ છે. તે એકવાર લગાવ્યા પછી અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. એના પર લાગેલી સોલર પેનલથી તે ચાલે છે. સોલર પેનલ પર સૂર્યનો તાપ પડવાથી તે રિચાર્જ થાય છે. આ મશીનમાં સેનિટરી નેપ્કિનની સાથે સાથે ટેમ્પૂન, ડાયપર, માસ્ક અને પીપીઈ કીટ સહિતના બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થઈ શકે છે. એક દિવસમાં બસો સેનિટરી પેડનો નિકાલ કરીને તેનું રાખમાં રૂપાંતર કરે છે. આ રાખનો ખેતરો અને બગીચામાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂલ-કાલેજોમાં આવી વ્યવસ્થાના અભાવે સાઠ ટકા યુવતીઓને તકલીફ થાય છે જે એમના આરોગ્યને હાનિ પહોંચાડે છે.

સેનિટરી પેડના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય, તો તે માત્ર લેન્ડફિલ જ નહીં, પરંતુ જળસ્ત્રોતો અને પશુઓ માટે પણ ખતરો ઊભો કરે છે. સોલર લજ્જાની સાથે સાથે 'પેડ ડિસ્પેસિંગ' યુનિટ પણ લગાવી શકાય છે. આજે તેઓ ઘણાં ગામડાંઓમાં મહિલાઓને સેનિટરી પેડ અપાવે છે અને જાગ્રત કરે છે કે તેઓ અન્ય કોઈ ચીજોનો ઉપયોગ ન કરે. સોલર લજ્જા ઓટોમેટિક મોડ પર કામ કરે છે, જેમાં પેડનો નિકાલ થવામાં માત્ર એક મિનિટ લાગે છે. સોલર લજ્જાનું પ્રત્યેક યુનિટ અડતાળીસ હજાર વૉટ વીજળી બચાવે છે, તેથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. ૨૦૧૯થી શરૂ થયેલા આ સ્ટાર્ટઅપ અંતર્ગત ડૉ. મધુરિતા અને તેમની ટીમે ભારતના અગિયાર રાજ્યોમાં આડત્રીસ મશીન લગાવ્યા છે. લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડના શહેરો અને ગામડાંમાં આ મશીન મૂક્યું છે. સિક્કીમ સરકાર સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે એના બેઝિક યુનિટની કિંમત તેંતાળીસ હજાર છે અને જરૂર પ્રમાણે તેની સાઈઝ બદલી શકાય છે. ઘણી જગ્યાએ મધુરિતાએ આ મશીન દાનમાં આપ્યું છે. ઘણી સ્ત્રીઓને આના દ્વારા રોજગાર મળ્યો છે, તો ગત વર્ષે એને વીસ લાખ રૂપિયાની આવક પણ થઈ હતી. આ મશીનની માગ વધી રહી છે. ભારત ઉપરાંત જર્મની, સ્વીડન અને સ્પેનથી પણ આ વર્ષે આર્ડર મળ્યા છે, પરંતુ તેમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાનું હોવાથી વધુ ઑર્ડર લઈ શકતા નથી. આ અનોખા ઈનોવેશન માટે તેમને ઘણા ઍવૉર્ડ મળ્યા છે. ૨૦૧૯માં સિંગાપોરમાં દસ હેલ્થકેર ઈનોવેશનમાં એનો સમાવેશ થયો હતો તો ૨૦૨૦માં ડૉ. મધુરિતા ગુપ્તાને યુનાઇટેડ નેશન વિમેને શ્રેષ્ઠ દસ ઈનોવેશનમાં એમને સામેલ કર્યા હતા. મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી દ્વારા પણ સોલર લજ્જાને શ્રેષ્ઠ દસ ઈનોવેશનમાં સામેલ કરવામાં આવ્યું હતું. એના ઈનોવેશન દ્વારા પર્યાવરણનું કામ થઈ રહ્યું છે, તેનો તેમને આનંદ છે.