ઊર્જા સર્વત્ર અને સર્વસ્વ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ઋષિમુનિઓના તપની શક્તિથી જે સહાય મળે છે તેમાં તારવાની વાત છે - ઊર્જા જ આરંભ અને અંત છે તેમ મધ્ય પણ ઊર્જા જ છે. જેનાથી સર્જન થાય છે તેનાથી વિસર્જન થાય છે.
ઊ ર્જા શબ્દનો કોશગત અર્થ શક્તિ, સામર્થ્ય, બળ, ભોજન અને પ્રજનનશક્તિ વગેરે થાય છે. 'ઊર્જ' ધાતુમાંથી બનેલો આ શબ્દ અણુ-પરમાણુથી માંડી સમગ્ર બ્રહ્માંડ સુધીના સર્જન, સંવર્ધન અને વિસર્જનની યાત્રા-પ્રવૃત્તિમાં રમમાણ છે. 'શક્તિ' જેમાંથી ઉત્પન્ન થાય છે, રૂપાંતર થાય છે અને એમાંથી જે નૂતન રૂપો ઉત્પન્ન થાય છે એ બધામાં ઊર્જાયાત્રા જોઈ શકાય. ઊર્જાનો સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપ છે. જીવમાં ઊર્જા છે તો શિવમાં પણ છે. આત્મામાં છે એટલે પરમાત્મામાં છે જ... સમુદ્રમાં છે એટલે જલબુંદમાં પણ છે. પવનની ગતિ શું છે ? ઊર્જા છે. સૂર્ય, તારા, ગ્રહો, પૃથ્વી બધામાં ઊર્જાનો સ્ત્રોત છે. એટલે જ તો આપણે સૌ પરાપૂર્વથી ઊર્જાની ઉપાસના કરીએ છીએ.
કોડિયામાં ઘીનો દીવો કરવો એટલે શું ? એ પ્રતીક છે. ઊર્જા પૂજા છે. પ્રકાશતો મહિમા છે. તમસનો વિનાશ કરવા માટેના આપણા પ્રયત્નનો એ સંકેત છે, ચાડામાં ઘરે ઘરે દીવા થતા, દેવ દેવીઓના થાનકે દીવા થાય, રોજેરોજ પાણિયારે, ઉંબરે દીવો થાય... એ દીવો કેવળ પ્રકાશની પ્રાર્થના નથી, પ્રકાશની પાસે રહેલી શક્તિની સાધના પણ છે. દેખીતી રીતે સૂર્ય એ શક્તિનો ધોધ છે, એટલે પરાપૂર્વથી આપણે તેની ઉપાસના કરીએ છીએ, દીવો એ માનવજાતે કલ્પેલો સૂર્ય સંકેત છે. પરમ તત્વની શક્તિને નિહાળવા માટેનો, વધાવવા માટેનો એક ઉજ્જવળ રાહ છે - માર્ગ છે. દેવ દેવીઓની પૂજા એ શક્તિ પૂજા છે. વિધિવિધાનો, યજ્ઞાો, પ્રાર્થના, જપ, તપ એ બધાં જ શક્તિલબ્ધિનાં કેન્દ્રો છે. શક્તિપૂજાના જ પુરાવાઓ છે - દ્રષ્ટાંતો છે અગ્નિ-શક્તિ છે.
ઊર્જાનું કામ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું છે. ઊર્જા સર્જન કરે છે. ઊર્જા જ સંવર્ધન અને સંરક્ષણ કરે છે અને ઊર્જા જ વિસર્જન પણ કરે છે. સર્જન-જન્મ, સંવર્ધન-સંરક્ષણ અને સમાપ્તિની એ ઊર્જાયાત્રાને સમજીએ.
પૃથ્વીની ઉત્પત્તિ એક ધખધખતા ગોળામાંથી થઈ એટલે શું ? ઊર્જા થકી એનો ઉદ્ભવ થયો છે. 'બીજમાં વૃક્ષ તું' એટલે શું ? બીજમાં વૃક્ષની શક્તિ રહેલી છે. પૃથ્વી ઉપરના તમામે તમામ સજીવ પદાર્થો એ ઊર્જાનો જ ગર્ભ છે. ઊર્જાના જ આકારો છે પૃથ્વીમાં બી પડે છે ત્યારે એમાં જે અંકુર ફૂટે છે - તેમાં એની ભીતર શું છે ? બીમાં ઊર્જા છે ? પૃથ્વીમાં ઊર્જા છે ? કે પછી એ બંનેની ઊર્જામાં ત્રીજી કોઈ ઊર્જા ભળે છે ? ત્યારે આપણને પ્રતીત થાય છે અંકુરણની પ્રક્રિયામાં - જન્મની પ્રક્રિયામાં ઊર્જા રહેલી છે. એ ઊર્જા પંચતત્વમાં છે - પૃથ્વી, પવન, જળ, વાયુ અને આકાશ એ પાંચેય તત્વોમાં પોતપોતીકી ઊર્જા છે. ઊર્જા જ જન્મ આપે છે. ધાન પકવે છે. અન્ન તૈયાર કરે છે. એ ખોરાક પચાવવાનું કામ પણ ઊર્જાનું જ છે. શરીરમાં ઊર્જા છે એટલે હલન ચલન કરે છે. જેમ વેલી, લતા, વૃક્ષ, ફળ, ફૂલ સુધીની જે યાત્રા છે એ ઊર્જાની યાત્રા છે. બાળે, તારે અને જીવાડે એ ત્રણેય કામ ઊર્જા થકી શક્ય બને છે. ઋષિમુનિઓના તપની શક્તિથી જે સહાય મળે છે તેમાં તારવાની વાત છે - ઊર્જા જ આરંભ અને અંત છે તેમ મધ્ય પણ ઊર્જા જ છે. જેનાથી સર્જન થાય છે તેનાથી વિસર્જન થાય છે. મોટી મોટી સંસ્કૃતિઓ, સભ્યતાઓ, નગરો, રાજ્યો, પ્રજા નાશ પામે છે. એનું કારણ ઊર્જા છે. વિનાશ પરિણામ છે. સર્જનની જેમ ઊર્જાથી જ વિસર્જન શક્ય બને છે.
સોનાની લંકા અગ્નિથી નાશ પામી એ વિસર્જનનું દ્રષ્ટાંત જ છે. ડાયનાસોર જેવાં પ્રાણીઓ, મહાકાય દાનવો આજે નથી એ શક્તિનું જ કારણ છે. સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર ઊર્જા થકી જ નિર્ભર છે. પરમાત્માનો પ્રાદુર્ભાવ થવો એટલે શું ? ઈશ્વર મેળવવો એટલે શું ? પરમની પ્રાપ્તિનો પરિચય થવો એટલે શું ? ઊર્જાનો પરિચય થવો. જ્ઞાાનનો સ્ફોટ થાય પછી વિજ્ઞાાન જન્મે. જગતની તમામે તમામ વિજ્ઞાાનની શોધખોળો એ ઊર્જાનાં જ વિધવિધ રૂપો છે. જેમ પૃથ્વીમાં સૂર્યનું તેજ છે તેમ વાયુની ગતિ તેજમાં છે. અવકાશમાં વ્યાપ્તિનો પરિચય તેજ થકી થાય છે. ઊર્જા જ કેન્દ્રમાં છે. એટલે ઊર્જા ગગનગામી છે. દીવાની જ્યોત, અગ્નિની જ્વાળા હંમેશાં આકાશ તરફ જ મુખ રાખે છે એ ગગનગામી છે ઊર્ધ્વયાત્રાનો એ સંકેત છે.
વિજ્ઞાાનના મૂળમાં પૈડાની શોધ, અણુબોમ્બ, એટમબોમ્બ, સબમરીન, વિનાસક સાધનો જે જે શોધાયાં એ ઊર્જાને આભારી છે. આપણાં ઉપનિષદોમાં સૂર્યનું સવિતાનું ઉપનિષદ છે તે ઊર્જાનાં ઉપનિષદો છે. માટીના પિંડમાંથી કુંભાર ઘડો તૈયાર કરે છે, ત્યારે માટીનો લોંદો ચાકડાની ગતિ દ્વારા ઊર્જા મેળવીને ઘાટ ઘડાનો પામે છે - જેવું માટીનું એવું જ સઘળા ઘાટનું છે. જગત આખુંય ઊર્જાનું પરિમાણ અને ઊર્જાનું પરિણામ છે.
આજે વિજ્ઞાાને આપણને ઊર્જા થકી આત્મનિર્ભરતા મેળવવા માટેની જે દોટ આદરી છે તે ઊર્જાયાત્રા છે. હાલમાં યુરોપ ઊર્જાની ગંભીર કટોકટી અનુભવી રહ્યો છે. ગેસ, વીજળી અને ઊર્જાનાં જ સ્વરૂપો છે. એના થકી માણસ કેટકેટલાં શિખરો સર કરી શક્યો છે ?
ભારત પોતાનાં પારંપારિક ઊર્જા સ્ત્રોતો અને પરમાણું સૌર, પવન અને હાઈડ્રોજન જેવાં હરિત ઊર્જા સ્ત્રોતો દ્વારા સ્વાધીનતા પ્રાપ્ત કરી શકે તો હરિત ક્રાંતિનો ઈતિહાસ રચાયો છે. જોકે આપણે ખાધાન્નમાં જે આત્મનિર્ભરતા હાંસલ કરી છે તે ઊર્જાનું જ પરિણામ છે. આપણે ઊર્જાની આરાધના કરીએ અને ઊર્જા થકી વિધાયક બળ મેળવીએ.