Get The App

પૃથ્વીલોક બધિરલોક બની જાય !

Updated: May 22nd, 2021

GS TEAM

Google News
Google News
પૃથ્વીલોક બધિરલોક બની જાય ! 1 - image

- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ

- હવામાં રહેલો પ્રાણવાયુ આપણા શરીરને શુધ્ધ કરે છે તો એ જ ગતિશીલ હવા એટલે કે પવન ભયાનક વંટોળ સર્જીને તારાજી સર્જી શકે છે

હ વે મનુષ્યજાતિ માટે, પછી તે બાળક હોય કે વૃધ્ધ - માસ્ક જીવનપર્યંત અનિવાર્ય બની રહેશે. કોવિડ-૧૯ની મહામારી પાછળ-પાછળ દબાતા પગલે બહુરૂપીની જેમ જુદા જુદા રૂપે આવી રહેલી પ્રદૂષણજનિત મહામારીએ માણસને પોતાની આસપાસની હવા વિશે ગંભીરતાથી વિચારતો કર્યો છે. દિલ્હી કે ટોકિયો જેવા મહાનગરોમાં પ્રદૂષિત હવા નાકમાં જાય નહીં અથવા તો ખતરનાક અને જીવલેણ એવો કોરોના વાયરસ હવામાં ફેલાયેલો હોય તે નાકવાટે ફેફસાં પર હુમલો કરે નહીં, એ માટે માસ્ક જીવનનું અનિવાર્ય સાધન બની રહેશે.

જે આપણી પાસે રોજરોજ હોય અને સહજ હોય, તેને પૂરેપૂરો સમજવા માટે ભાગ્યે જ પ્રયાસો કરીએ છીએ. આવું જ છે આસપાસની હવાની બાબતમાં. એને વિશે આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં આપણે હવાને અંદર લઇએ છીએ અને બહાર કાઢીએ છીએ. એ જીવનધારક છે અથવા તો એને કારણે આપણે જીવી શકીએ છીએ.જો કે જીવવા માટે હવામાં રહેલો પ્રાણવાયુ જ મુખ્યત્વે જરૂરનો છે. આજે કોરોનાકાળમાં પ્રાણવાયુ ઓછો થતાં કેટલા બધાં લોકોએ કરૂણરીતે પોતાના પ્રાણ ગુમાવ્યા !

મહિમા ઓક્સિજનનો છે, પણ મજા એ છે કે હવામાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ અને પાણીની વરાળ (વોટરવેપર) સાથે રહેતા હોય છે. તથા થોડા પ્રમાણમાં હીલીયમ, આરગન અને નિયોન જેવા વાયુ પણ હોય છે. મહિમા ભલે ઓક્સિજનનો હોય, કિંતુ હવામાં સહુથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજનનું હોય છે. પણ જે સહુથી વધુ પ્રમાણમાં છે, તે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે અને એથી ય વધુ આશ્ચર્યજનક એ છે કે એ શ્વાસોચ્છવાસની ક્રિયામાં અર્થાત્ માનવીનું જીવન ટકાવવામાં લેશમાત્ર ફાળો આપતો નથી. આ નાઇટ્રોજનને બીજાં મૂળતત્ત્વો સાથે સંયોજિત કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સૃષ્ટિ પર માત્ર મનુષ્યો જ નહીં, બલ્કે પશુ-પક્ષી અને વનસ્પતિ પણ હવા આધારિત જીવન જીવે છે, આ હવા ક્યાં રહે છે, શું કરે છે અને તે કેટલે અંશે ઉપયોગી છે કે નિરુપયોગી છે તેને વિશે બહુ ઓછી વ્યક્તિઓને જાણકારી હોય છે. વિચાર કરો કે બધા જ માણસો પ્રાણવાયુ લેતા હોય અને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢતા હોય, તો હવામાં કેમ માત્ર કાર્બન ડાયોકસાઇડ જ રહેતો નથી ?

માણસને માટે જે કાર્બન ડાયોકસાઇડ ઝેરી છે, તે વનસ્પતિને માટે જીવનદાયી છે. વનસ્પતિ એને શોષીને એમાંથી પોતાનો ખોરાક બનાવે છે અને પ્રાણવાયુ બહાર કાઢે છે. આવી કુદરતી કરામતને કારણે બંને વાયુનું સમતોલન જળવાઈ રહે છે. ઝેરી હવા જોખમી છે તો સારીહવા આશીર્વાદરૂપ પણ ખરી.

એક કલ્પના કરીએ કે માનવજાત હવા વિના જીવી શક્તી હોત તો પછી એને હવાની પરવા હોત ખરી ? કદાચ હવા વગર આપણે જીવી શકીએ એવું બને, તો પણ તેના વિના આપણી દુનિયા બહેરાની દુનિયા બની ગઇ હોત ! અવાજનાં મોજાં હવામાં જ થઇને જઇ શકે છે. કોઈ વ્યક્તિ ગમે તેટલા મોટા અવાજે બોલે, તો ય સામેની વ્યક્તિને સંભળાય નહીં. આ હવાને કારણે વ્યક્તિ ઝરણાંનો કલકલ અવાજ કે ઝઘડતા લોકોની જોશીલી શાબ્દિક સાઠમારી સાંભળી શકે છે. હવાને કારણે જ વીણાના સૂર અથવા અણુબોમ્બનો વિસ્ફોટ સાંભળી શકે છે. એને જ કારણે માનવી પરસ્પરની વાતચીત સાંભળી શકે છે.

હવે વિચાર કરો કે આ હવાને કારણે જ આપણને આકાશ ભૂરું દેખાય છે. આવા ભૂરા આકાશની ભવ્યતા જેણે પોતાની આંખમાં ભરી લીધી હોય તેને જ એના સૌંદર્યનો ખ્યાલ આવે ! સૂર્ય, ચંદ્ર તેમ જ કેટલાય તારાઓમાંથી આવતા તેજકિરણો વચ્ચે રહેલી હવાને કારણે વાતાવરણમાં પ્રસરે છે અને આકાશ ભૂરું દેખાય છે. આને કારણે જ કવિઓને અસ્તાચળે રહેલો કે ઉષઃકાળે ઊગતો લાલિમાયુક્ત સૂર્ય દેખાય છે. જો હવા ન હોત તો કવિઓએ ઊગતી ઉષા કે વિદાય પામતી સંધ્યાનાં કાવ્યો લખ્યાં ન હોત.

આકાશમાં પથરાયેલા તારાઓએ આપણને કેટલું બધું આપ્યું છે ! એ તારાઓની ઓળખને માટે આકાશભણી મીટ માંડીને કોઈ રાતોના ઉજાગરા કરે છે તો કોઈ અમાસની રાત્રિએ આકાશમાં પથરાયેલી તારાઓની જાજમ જોઇને આનંદ અનુભવે છે. જો હવા ન હોત તો હું અને તમે આકાશમાં રહેલા ટમટમતા તારાની તેજની લીલાને પામી શક્યા ન હોત.

વળી ગતિમાન હવા એટલે પવન અને પવનરૂપે આપણને વાદળાં અને વરસાદ આપે છે. આમ હવા પ્રાણવાયુની સાથે અન્ન-જળ આપે છે. આ હવા ગરમી ગ્રહણ કરે છે અને ઠંડીમાં ઠરી જતા અટકાવે છે. પૃથ્વીની આજુબાજુ રહેલી હવાએ સંગ્રહેલી ગરમીને કારણે આપણે કડકડતી ઠંડીથી બચી શક્યા છીએ. હવામાં રહેલા ઓક્સિજનને બીજા વાયુથી જુદો પાડીને માણસનું જીવન બચાવવાના ઉપયોગમાં લેવાય છે. આપણે જાણીએ છીએ કે એકપણ ઉદ્યોગ એવો નથી કે જ્યાં કશું બાળવામાં આવતું ન હોય.

કોલસા, લાકડાં છાણાં જેવા બળતણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે પછી દીવાસળી કે મીણબત્તી સળગાવવી, તે પણ હવાને આભારી છે. હવામાં રહેલો પ્રાણવાયુ આપણા શરીરને શુધ્ધ કરે છે તો એ જ ગતિશીલ હવા એટલે કે પવન ભયાનક વંટોળ સર્જીને તારાજી સર્જી શકે છે.

રણમાં ઊભો થતો રેતીનો વંટોળ કે સમુદ્રમાં ઊભો થતો જળવંટોળ પણ આને કારણે થાય છે. અને હરિકેન એટલે કે ચક્રવાત વિનાશનું ચક્ર ફેરવી નાંખે છે. ગુજરાતના કંડલામાં આવેલા ૧૮૯૮માં આવેલા ચક્રવાતમાં પાંચહજાર લોકો મૃત્યુ પામ્યા અને ૨૨ અબજ રૂપિયાનું નુકશાન થયું હતું. ૧૯૯૧માં બાંગ્લાદેશમાં આવેલા ચક્રવાત સમયે બે લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આમ હવા તોફાની બને ત્યારે વાવાઝોડાં અને વિનાશ સર્જે છે અને વાયરસ કે પ્રદૂષણથી પ્રદૂષિત થાય, તો લાખ્ખો માનવીઓને રીબાવી રીબાવીને મોત આપે છે !

મનઝરૂખો

કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઇને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. વળી એથીય વધુ તો એના આગળના દાંત બહાર દેખાતા હતા. આવા બહાર દેખાતા દાંતવાળો ગોળમટોળ ચહેરો જોવો કોને ગમે ?

આમ છતાં ગાવાની પ્રબળ ઇચ્છા હોવાથી કારા ડેલીએ સાહસ કરીને સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, પણ એના દેખાવ વિશે અત્યંત સભાન હતી, તેથી એ પોતાના ઉપરના હોઠને નીચે સુધી ખેંચી લાવવાનો પ્રયત્ન કરતી હતી, જેથી એના આગળના બહાર દેખાતા દાંત થોડા છુપાઈ શકે.

પરિણામ એ આવ્યું કે કારા ડેલી ગાવાને બદલે કે દર્શકો પર દ્રષ્ટિ રાખવાને બદલે પોતાની કુરૂપતા છુપાવવા પ્રયત્ન કરતી રહી. એક વાર એની ગાયનશૈલીથી પ્રભાવિત થયેલા શ્રોતાને એને કહ્યું, 'તું જે છુપાવવા માગે છે, તે હું જાણી ગયો છું. તને તારા હોઠની બહાર આવતા આગળના દાંત દેખાડવા પસંદ નથી, ખરું ને ?'

કારા ડેલીએ એની આ વાતનો સ્વીકાર કર્યો ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું, 'આનાથી શરમાઈને તું ગાઈશ તો ક્યારેય મુક્ત રીતે ગાઈ શકીશ નહીં અને ક્યારેય શ્રોતાઓને રીઝવી શકીશ નહીં. સહેજેય શરમાયા વગર નિરાંતે મોં ખુલ્લું રાખીને, દાંતને છુપાવ્યા વિના ગાઈશ તો સફળ થઇશ.'

દર્શકની આ સલાહ માનીને કારા ડેલીએ ગાતી વખતે તન્મય બનીને માત્ર ગાવાનો જ વિચાર કર્યો. બીજું બધું ભૂલી ગઈ, એટલા ઉત્સાહ અને આનંદથી એ ગાતી હતી કે સમય જતાં એ રેડિયો અને ટેલિવિઝનની અગ્રણી ગાયિકા બની ગઈ !

ક્ષણનો સાક્ષાત્કાર

સહુ કોઈ દીર્ઘ આયુષ્ય કે લાંબી જિંદગીની કામના કરતા હોય છે. કોઈ યોગાસન કરે છે તો કોઈ શક્તિવર્ધક ઔષધો લે છે. સ્વસ્થ શરીર માટે કલાકો સુધી એ જીમમાં પરસેવો પાડે છે અથવા તો પૌષ્ટિક ભોજન માટે સ્વાદિષ્ટ વાનગીઓનો ત્યાગ કરે છે, પરંતુ દીર્ઘજીવન પામવા માટે એક બીજો પણ ઉપાય છે અને એ ઉપાય છે બીજા મનુષ્યની જિંદગીમાં પ્રવેશીને આપણી જિંદગીમાં વૃદ્ધિ કરવી અર્થાત્ કોઈ સર્જકે સર્જેલા વિશ્વમાં ભ્રમણ કરીને કોઈ વધુ જિંદગીનો અનુભવ મેળવવો. આવી રીતે જેમ જેમ જ્ઞાાનનું વર્તુળ વિસ્તરતું જશે, ભિન્ન ભિન્ન અનુભવોમાં ઉમેરો થશે એટલે એવો અહેસાસ થશે કે તમે જ તમારી જિંદગીને વધુ લાંબી કરી શકો છો. એક જિંદગીમાં જ અનેક જિંદગી જીવી શકો છો.

વહેલી સવારે તમને નરસિંહનાં પ્રભાતિયાં, યોગી આનંદઘનનાં પદ કે પછી સાંપ્રત સમયના કવિની ભક્તિરચના તમને 'ગૂડ મોર્નિંગ' કહેશે. ગાંધીજીની આત્મકથા કે નેલ્સન મંડેલાની આત્મકથા કહેશે કે જરા મારી પાસે આવીને ય બેસો. સાંજની વેળાએ વળી ખલિલ જિબ્રાન કે ડેલ કાર્નેગી જિંદગી જીવવાની ચાવીઓ લઈને આવશે, તો રાત્રે રામાયણની ચોપાઈ, કબીરના દોહા કે કોઈ ગીત-સંગીત તમને ડોલાવશે.

આ છે આયુષ્યના અમૂલ્ય વર્ષો વધારવાનો રામબાણ ઉપાય. આ સંતો-સર્જકોના શબ્દો તમારા આયુષ્યની ક્ષણમાં ઉમેરો કરશે. એ તમને એક જુદા જ વિશ્વમાં વિહાર કરાવશે અને તમારી જિંદગીની ગુણવત્તામાં એવો બદલાવ લાવશે કે તમને અહેસાસ થશે કે તમારા આયુષ્યમાં ઘણી વૃદ્ધિ થઈ ગઈ છે.