- એક વ્યક્તિ રોજ પ્રકૃતિમાંથી 550 લીટર ઓક્સિજન લે છે જેની રૂપિયામાં કિંમત રોજના 13 લાખ થાય
- ચવાઈ ગયેલી કહેવત હવે આપણને સર્વોચ્ચ બ્રહ્મજ્ઞાાન જેવી લાગે છે
- 'આનંદમ્ પરમ સુખમ...' સાવ મફતમાં પડે છે તેની આપણને ખબર છે?
- હોરાઈઝન-ભવેન કચ્છી
'પ હેલું સુખ તે જાતે નર્યા.' આ કહેવત દાયકાઓથી એ હદે ચવાઈ ગઈ હતી કે આપણને તે ખરા અર્થમાં તેના મર્મ સાથે સ્પર્શતી જ નહોતી. કદાચ અંદરખાનેથી તેનો સ્વિકાર થાય તેવી થપાટ આપણે અનુભવી જ નહતી. હા, જેઓને કોઈ બીમારી હતી તેઓ સ્વાસ્થ્યની મહત્તા પામી ગયા હતા એટલે કે જેઓને હૃદયરોગની, કિડની, કેન્સર, ફેફસા, મગજના જ્ઞાાનતંતુ, પેટ, હાડકા, દાંત કે આંખની બીમારી થઈ તેઓને ભાન થયું કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તે કહેવતમાં કેટલું બધુ તત્ત્વજ્ઞાાન આવી ગયું. પણ જે બહોળો જનસમુદાય છે તેના સુધી તો પીડા પહોંચતી નહોતી. તેઓને ખાસ કોઈ બીમારી નહતી. બહુ તો બ્લડપ્રેશર, ડાયાબીટીસ કે કોલેસ્ટેરોલ હોય. આ તકલીફને તો જાણે રૂટિન લેવાઈ ગઈ હોય તેથી તેના લીધે આવનારા વર્ષો આપણા માટે પણ 'પહેલું સુખ તે જાતે નર્યા'નો પાઠ ભણવાના જ ઈંતેજાર કરતા હોય પણ આપણા બધાનું તો એવું કે સબક તો જ શીખીએ જ્યારે કુદરત અને દેહરચનાની સિસ્ટમ સજા કરે.
એલાર્મની ઘંટડી વાગે તો આપણે તેને દબાવીને સુઈ જઈએ છીએ. ઉઠીએ ત્યારે આખા દિવસનું તંત્ર ખોરવાઈ જાય છે. ''ગયેલો સમય ફરી ક્યારેય પાછો નથી આવતો'' તે કહેવત તો અગમચેતી તરીકે જાણતા હતા ત્યારથી જીવનમાં ઉતારવાની હતી પણ એલાર્મની ઘંટડી વાગે ત્યારે પણ તેને દબાવીને પાછા ઉંઘી જઈએ અને મોડેથી ઉઠીએ અને જે સહન કરવું પડે ત્યારે આપણને ભાન થાય કે પેલી કહેવત તો સાચી હતી. પણ, દિવસના જરૂરી કામ, બિઝનેસ, લક્ષ્ય ગુમાવ્યા પછી જ ભાન થયું.
ચાલો... હજુ મોડુ નથી થયું એક વધુ કહેવત હાજર છે 'જાગ્યા ત્યારથી સવાર.' આ વખતે પણ આપણું વર્તન એવું જ રહે છે. કુદરત આપણને કેટલી કેટલી તક આપે છે. જીવન પદ્ધતિ અને સુખ માટેની ચાવી આપણા પૂર્વજોએ એક-એક લાઇનની કહેવતમાં જ આપી દીધી છે. આ કહેવતો પર મનન, ચિંતન કરીને આપણે સાજા, નરવા અને તન-મનથી તંદુરસ્ત હોઈએ ત્યારથી જ તેના મર્મ કે ચોટને સમજીને જીવીએ તો રામાયણ, ભગવદ્ ગીતા કે વેદોના અધ્યયનની પણ જરૂર નથી. પણ કમનસીબે આપણને ફટકો પહોંચે પછી જ કહેવતનું બ્રહ્મજ્ઞાાન આવે છે. 'જાગ્યા ત્યારથી સવાર'ને પણ આપણે અનુસરતા નથી અને પતન તરફ આગળ ધકેલાતા જ જઈએ છીએ.
આમ જોઈએ તો આપણે ધર્મ, તત્ત્વજ્ઞાાનના થોથાનું શું કામ પઠન કરીએ છીએ તે સમજાતું નથી. શા માટે કથા અને સત્સંગમાં એકના એક પ્રસંગો અને બોધ સાંભળીએ છીએ... બે-ચાર કહેવત કે બે-ત્રણ પંક્તિના સુવાક્યોમાંથી જ કોઈપણ બે-ચારને જ જીવનમાં ઉતારવાના નિર્ધાર સાથે અનુસરીએ તો કમસેકમ માણસામાંથી માનવી બની જ શકીએ. આપણે બધા જ જાણીએ છીએ કે કેવો આહાર, પીણા, આદતો, સ્વભાવગત ગુણો, સારૂ-નરસું કોને કહેવાય. આમ છતાં આપણે આચરણમાં નથી લાવી શકતા તે હકીકત છે. આપણા અવગુણ, અમાનવિય અને અનૈતિક અભિગમને આપણે તર્ક અને અજ્ઞાાનનું આવરણ પહેરાવી કાં તો ન્યાયિક સમજીએ છીએ કાં અંધ બની જઈએ.
ઈર્ષા કરવાથી આપણે જ બેચેન, ઉદ્ધત, દેહમાં પીડા-બળતરા અનુભવીએ છીએ. આ કર્મની તત્કાળ સજા નથી તો શું છે તો પણ આપણે સુધરી જઈ સામી વ્યક્તિના ગુણો, સિધ્ધીઓનો સ્વીકાર ધરાર નથી કરતા.
આપણને ડૉક્ટર કહે છે કે તમે બીજુ બધુ જવા દો. માત્ર અડધો કલાક ચાલવાનું રાખો. જૂઓ તમારૂં બ્લડપ્રેશર, ડાયાબીટીસ, પાચન નિયંત્રણમાં આવી જાય છે કે નહીં. તમે દિવસભર પ્રફુલ્લિત તરોતાજા રહેશો. લો બોલો, મોંઘી ફી ભરી જીમમાં જવાની પણ જરૂર નથી. કલબના સભ્ય પણ નથી બનવાનું. કોઈ દૂરના અંતરની પિકનિક, પ્રવાસ, ટ્રેકિંગની પણ અનિવાર્યતા નથી. સાવ મફતમાં માત્ર અડધો કલાક ચાલવાનું છે. ડૉક્ટરની વાત સાચી છે. એક મહિનો અડધો કલાક ચાલ્યા પછી આપણે બ્લડપ્રેશર, ડાયાબીટીસમાં ઘટાડો તેમજ ઓવરઓલ ફિટનેસમાં તાજગી અનુભવીએ છીએ. પૂરવાર થઈ ગયું હોવા છતાં આપણામાંના મોટાભાગના નથી ચાલતા તે હકીકત છે. હા, આપણી પાસે નહીં ચાલવાના કારણો હાજર છે. કોઈ વ્યક્તિ મોર્નિંગ વોક કરે, તંદુરસ્ત અને બીમારીઓથી મુક્ત હોય તો તેની મનોપ્રકૃતિ એવી હોય કે એવું લાગે કે તેના કરતા તો બીમાર બની મજાનું જીવન જીવી જવું સારૂં.
એક કામ તો આપણે સૌ કરી જ શકીએ. આપણી પ્રકૃતિજન્ય કે વર્ષોથી સંસ્કાર, ઉછેરગત જે પણ બાહ્ય અને આંતરિક કુટેવો છે તેમાં રાતોરાત પરિવર્તન લાવવું આસાન નથી. પણ કમસેકમ આપણે આપણી ત્રૂટિઓ, આળસ, પ્રકૃતિની વિકૃતિનો મનોમન સ્વીકાર કરીએ. એવી જાગ્રતતા કેળવીએ કે ''આ બધા અવગુણો પર મારે કાબુ મેળવવાનો છે. આગળ જતા આ નકારાત્મક આદતો, પ્રકૃતિ મારા સુખી જીવન, કારકિર્દી, સ્વાસ્થ્ય અને ઉત્કર્ષ માટે બાધારૂપ બની શકે તેમ છે. ભલે આપણે મહિનાઓના મહિના, વર્ષોના વર્ષો ઠેરના ઠેર જ રહીએ પણ દોષની લાગણી વિનાની આવી જાગ્રતતા તો કેળવીએ જ. આપણું અર્ધજાગ્રત મન આપણને સુધારવા માટેના સૂચનો આપી પ્રકૃતિ અને આદતોના ઘડતરમાં અવિરત કામે લાગેલું રહેશે.
ધારો કે તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય અને તે અવગુણ માટે જાગ્રત હશો તો પરિવર્તન આવશે જ. કોઈ તમને અમુક વર્ષો પછી એમ કહે કે પહેલા કરતા તમે ઓછા તનાવમાં રહો છો. થોડા મૃદુભાષી થયા છો. ઉદાર બન્યા છો. સ્વાસ્થ્યપ્રદ જણાવ છો તો માનવું કે પ્રક્રિયા તેનું કામ કરી રહી છે. આપણે આપણી જાતને પ્રશ્નો પુછવા જોઈએ કે ''હું શા માટે આવું વિચારૂ છું ?'' હું ક્યા ઈરાદાથી કોઈ વર્તન કરૂ છું કે નથી કરતો ? આપણો ઉત્તર પ્રામાણિક હોવો જોઈએ.
કોરોનાએ આપણને એક સુવર્ણ ઐતિહાસિક તક આપી છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં મૃત્યુ ક્યારેય આ હદે ક્રુર નહતું. ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય. મૃતકના સ્વજનોને આશ્વાસન માટે શબ્દો મોમાંથી નીકળી ના શકે તેવા કારમા આઘાત પરિવાર અને સમાજે સહન કર્યા છે. 'હસતા રમતા સાવ અચાનક' જેવી વિદાય યુવા ધડકતા દિલોએ લીધી છે કોઈ પણ સ્વજન ભલે તે ૬૦, ૭૦ કે ૯૦ વર્ષની વયના હોય પણ એમ જ વિના કોઈ કારણ વગર ગણતરીના દિવસોમાં જ ચીર વિદાય લે તે ખોટ ક્યારેય ભરી ન જ શકાય.
કોરોનાને લીધે છેલ્લા સવા વર્ષથી કુટુંબીઓ, મિત્રો અને બાળકો એક પ્રકારની કેદ અનુભવે છે. મનોબીમારીના શિકાર પણ બની ચૂક્યા છે.
માનવ જગત જો કોરોનાના કાળમાંથી પ્રેરણા નહીં લે , સુધરશે નહીં તો માનવું કે ક્યારેય કદાચ આ માટેની આશા નહી રાખી શકાય.
આપણને સ્વાસ્થ્યની, પર્યાવરણની, કુટુંબ સમાજ અને સમૂહ જીવનની મહત્તા આ હદે ક્યારેય નહોતી અનુભવાઈ. ટેક્નોલોજી, ઓનલાઇન શોપિંગ, વર્ચ્યુઅલ વર્લ્ડ, વર્ક ફ્રોમ હોમ, રેડીમેડ ફૂડ હોમ ડીલીવરી ભાવિ વિશ્વ તરીકે છવાઈ જવાના હતા પણ આપણને એ ભાન થઈ ગયું છે કે, જીવંત અનુભવથી વિશેષ કંઈ નથી.
એલોપથી અને પશ્ચિમની ભૌતિક દુનિયા અને વિજ્ઞાાન સાથે આપણા બાપ-દાદાની જીવનશૈલી અને જીવન દ્રષ્ટિ પણ સમાંતર રીતે અપનાવવી જ રહી. શુદ્ધ પ્રેમ, આનંદ અને પરિવાર સદ્ભાવના જ પરમ સુખ છે. સુખી થવા માટે બહુ સંપત્તિ હોવી જરૂરી નથી.
આપણે પર્યાવરણની સમતુલા જાળવવાનો તેમજ સ્વચ્છતાનો અભિગમ પણ કેળવવો રહ્યો.
;;;
એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે. 'આનંદમ પરમ સુખમ' પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. થાય એટલા ઓછા શબ્દોમાંં દરેક પોતપોતાની સુખની કલ્પના કહેવાની હતી.
એક આધેડ ઉંમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો 'ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા.... એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક યુવાન બોલ્યો, 'કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો...પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'.
એક પિતાએ કહ્યું, 'કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક ભાઈએ કહ્યું, 'રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક કાકીએ કહ્યું, 'રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ્'.
એક કાકા બોલ્યા, 'વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી... અલ્યા રસીકયા.... કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક દાદા બોલ્યા, 'પૌત્ર અને પૌત્રીના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ્ પરમ સુખમ. '
બીજા કાકાએ કહ્યું, 'સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક યુવતી બોલી, 'ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'.
એક મહિલાએ કહ્યું, 'થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે 'આનંદમ પરમ સુખમ.'
એક ભાઈએ કહ્યું, 'પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'.
આ બધાં 'આનંદમ પરમ સુખમ' ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે 'આનંદમ પરમ સુખમ' ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો.
* એક વ્યક્તિ રોજના ૫૫૦ લીટર જેટલો ઓક્સિજન પ્રકૃતિમાંથી લે છે. હોસ્પિટલમાંથી આટલો ઓક્સિજન લઈએ તો રોજનું ૧૩ લાખ રૂપિયાનું બિલ આવે.


