Get The App

સરદારે પોતાના પાસપોર્ટ ઉપર મોટાભાઈને ઈંગ્લેન્ડ મોકલવાની ઉદારતા દાખવી હતી

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
સરદારે પોતાના પાસપોર્ટ ઉપર મોટાભાઈને ઈંગ્લેન્ડ મોકલવાની ઉદારતા દાખવી હતી 1 - image

- સરદાર @150 - હસિત મહેતા

- ઘરખર્ચ તથા ઈંગ્લેન્ડના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના પત્ની તથા બાળકોને પિયર મોકલી દઈને પણ પારિવારીક ભાવના, સંબંધો અને જવાબદારી જાળવી બતાવી

- મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે 'હું મોટો છું, (પહેલાં) મને જવા દો. મારા આવ્યા પછી તમે જઈ શકશો, તમારા આવ્યા પછી હું જાઉં તે સારું નહીં દેખાય, એટલે મારાથી નહીં જવાય.'

ઈ. સ.૧૯૦૭-૦૮માં, જ્યારે વલ્લભભાઈની બોરસદ કોર્ટમાં ધીકતી વકીલાત જામી હતી, અને તેમણે પોતાનો ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થવાનો મનસૂબો પાર પાડવા માટે પૂરતો નાણાંજોગ પણ કરી દીધો હતો, છતાં તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા ન હતા.

''જે કંપનીની મારફત વિલાયત જવાની ગોઠવણ કરતાં પત્રવ્યવહાર કર્યો, તેના મને જવાબો મળ્યા. તે જવાબો મારા ભાઈના હાથમાં આવ્યા. તે ઉપરથી તેમણે મને કહ્યું કે હું તમારાથી મોટો છું, માટે મને જવા દો, અને તમને તો મારા આવ્યા પછી જવા તક મળશે, પણ તમારા આવ્યા પછી મારાથી નહીં જવાય. તેથી મેં મારા ભાઈને પંદર દિવસની મુદત આપી અને તે પંદરમે દિવસે વિલાયત ચાલ્યા ગયા.''

આ શબ્દો, ખુદ વલ્લભભાઈએ પોતાના મોટાભાઈ, એટલે કે વિઠ્ઠલભાઈને વિલાયત મોકલવા માટે, પોતાને માટે પૈસા ભેગા કર્યા હોવા છતાં, વિલાયત જતાં અટકી જવું પડયું એ વિશે, મોડાસાના ૨૯-૩-૧૯૨૧ના ભાષણમાં ચોખ્ખે-ચોખ્ખા કહી સંભળાવ્યા હતા. મૂળે આ વાત એમ હતી કે બોરસદની બે-ત્રણ વર્ષની વકીલાતમા જ વલ્લભભાઈ પાસે ઘરખર્ચ કાઢતાં બીજા દસેક હજાર રૂપિયાની બચત થઈ ચૂકી હતી. તેટલાથી ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટરી મળી જાય તેમ હતું. તેથી તેમણે એ જમાને જાણીતી ટ્રાવેલ્સ કંપની થોમસ કુક એન્ડ સન્સ પાસેથી ઈંગ્લેન્ડની ટિકીટ અને પાસપોર્ટ બાબતમાં ઈન્કવાયરી માટેનો પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. એ કંપનીએ વલ્લભભાઈને બધી માહિતીઓ મોકલી આપી, તેથી એ પ્રમાણે વલ્લભભાઈએ કંપનીને ચેક પણ મોકલી આપ્યો.

હવે બન્યું એવું કે વલ્લભભાઈ અને તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ, બંને પોતાના નામ અંગ્રેજીમાં વી.જે.પટેલ જ લખે. (એ જમાને ઝવેરભાઈ માટે ઢ નહીં પણ વ લખતાં હતા. કારણ કે તેઓ ગુજરાતીમાં ઝવેરભાઈ નહીં, પણ જવેરભાઈ લખતાં હતાં.) એટલે થોમસ કુક કંપનીએ વલ્લભભાઈને માટે ઈંગ્લેન્ડની ટીકીટ અને પાસપોર્ટનું જે ટપાલ કવર મોકલ્યું, તે શરતચૂકથી બીજા વી.જે.પટેલ, એટલે કે વિઠ્ઠલભાઈ જવેરભાઈ પટેલને ઘેર પહોંચી ગયું. વિઠ્ઠલભાઈએ તે વાંચ્યું. તેમને પણ ઈંગ્લેન્ડ જવાનું મન હતું. તેથી આ મોટો ગોટાળો સર્જાઈ ગયો. 

મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે 'હું મોટો છું, (પહેલાં) મને જવા દો. મારા આવ્યા પછી તમે જઈ શકશો, તમારા આવ્યા પછી હું જાઉં તે સારું નહીં દેખાય, એટલે મારાથી નહીં જવાય.' ઉદાર, દ્રઢનિશ્ચયી, પારિવારીક સંબંધોને જાતને ભોગે પણ સાચવી જાણનાર વલ્લભભાઈએ પળવારનો પણ વિચાર કર્યા વગર વિઠ્ઠલભાઈને પોતાની ટીકીટ અને પાસપોર્ટ ઉપર ઈંગ્લેન્ડ જવાની અનુમતિ આપી દીધી.

શ્રી રાજમોહન ગાંધીએ આ ઘટનાને વર્ણવતાં પોતાના 'સરદાર ઃ એક સમર્પિત જીવન'માં લખ્યું છે કે ''પાસપોર્ટ ઉપર વિઠ્ઠલભાઈની નહીં, પણ પોતાની જન્મતારીખ છે, તેવું વલ્લભભાઈએ તેમને (વિઠ્ઠલભાઈને) કહ્યું, તેની વિઠ્ઠલભાઈ પર કશી અસર પડી નહીં. ફોટાનું શું થયું અને પાસપોર્ટ ઉપર ફોટો હતો કે નહીં, તે જાણવા મળ્યું નથી. ૧૦-૭-૧૮૪૯એ સરદારે આ બનાવ વિશે જે કહ્યું તે મણિબહેને પોતાની ડાયરીમાં નોંધ્યું છે.''(પાન-૧૯)

પરંતુ આ તારીખની મણિબેનની ડાયરી જોતાં એમાં એટલું જ લખેલું મળે છે કે ''બાપુએ(વલ્લભભાઈએ) કહ્યું કે ૧૯૦૮માં વિઠ્ઠલભાઈ ગયેલાં. મારા નામનો પાસપોર્ટ હતો. પણ ટપાલ તેમણે ખોલી અને કહે કે મારે પહેલાં જવું છે. મેં કહ્યું કે તમારે જવું હોય તો  પાસપોર્ટમાં જાવ.... (પાન-૧૧૫) હું ૧૯૧૦માં ગયો.''

વલ્લભભાઈને મળેલાં વી.જે.પટેલ નામવાળા પાસપોર્ટ ઉપર વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ ઉપડી ગયા, એ વાત તો ખૂબ જાણીતી છે. તેનું સમર્થન પણ વલ્લભભાઈના ખુદના ભાષણમાં અને દીકરી મણિબેનની ડાયરીના પાનાઓમાં શ્રદ્ધેય રીતે મળી રહે છે. પરંતુ એ જમાને આ રીતે, ફોટાવગરના પાસપોર્ટ બાબતે હજુ સુધી કોઈ ખુલાસાબંધ વિગતો મળતી નથી. આજે પણ વલ્લભભાઈએ પોતાનો હક્ક-દાવો જતો કરીને ગુરુબંધુ વિઠ્ઠલભાઈને ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરી ભણવા માટે મોકલ્યાં, અને તેમનો ઈંગ્લેન્ડમાં ભણવાનો ખર્ચ પણ પોતે ઉપાડી લીધો, એટલું જ નહીં પણ બોરસદમાં રહેતાં વિઠ્ઠલભાઈના પત્નીને બે વર્ષ સુધી પોતાને ત્યાં રાખવા-પોષવાનું સ્વીકારી લીધું. આ બધો ઘરખર્ચ તથા ઈંગ્લેન્ડના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના પત્ની તથા બાળકોને પિયર મોકલી દઈને પણ પારિવારીક ભાવના, સંબંધો અને જવાબદારી જાળવી બતાવી, એ બોરસદના વકીલ વલ્લભભાઈના જીવનની ખરી ખુમારી હતી.