- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'બેટા. આ માત્ર આજના માટે નથી. તારે આખી જિંદગી આ વ્યવહાર ચાલુ રાખવો પડશે અને તો જ સંબંધો અને જિંદગીના ત્રાજવાનું બેલેન્સ બરાબર રહેશે.'
'મ મ્મી, મારી એક વાત સાંભળી લે. હવે હું એ ઘરમાં પાછી જવાની નથી. મારા પપ્પાએ મને ભણાવી-ગણાવીને પગભર કરી છે. મારી પાસે જોબ છે, મારે કંઈ એ લોકોની ગુલામી કરવા જવું નથી.' - દિવ્યા ગુસ્સે થઈને બોલતી હતી.
'બેટા, તું આ રીતે ગુસ્સો કરીને આવતી રહે તે કેવી રીતે ચાલે? મને એક જ વાત ખબર પડે છે કે, દીકરીએ સાસરીમાં એડજસ્ટ થઈને રહેવાનું હોય.' - મમ્મીએ દિવ્યાનો ગુસ્સો શાંત પાડતા કહ્યું.
'મમ્મી. પ્લીઝ યાર. આ કંઈ તમારો જમાનો નથી કે, પતિ કે સાસરીયાં હાથ ઉપાડે તો પણ તમારે ત્યાં જ રહેવું પડે. હું ઈન્ડિપેન્ડન્ટ સ્ત્રી છું. મારા ફેમિનિઝમને કોઈ હર્ટ કેવી રીતે કરી શકે? તું આલોકનું ઉપરાણું તો લેતી જ નહીં.' - દિવ્યા તો વધારે અકળાઈ ગઈ.
'તને ઠીક લાગે એમ કરજે. સાંજે તારા પપ્પા આવે પછી તમે બાપ-દીકરી નક્કી કરજો. આમેય છેલ્લાં દસ વર્ષથી તો મને કોઈ ગણતું જ નહોતું. તું અને તારા પપ્પા. મને તો સાવ એકલી જ પાડી હતી. હવે તમે લોકો જ નક્કી કરજો.' - મમ્મીએ હથિયાર હેઠા મુકતા કહ્યું.
'આલોકને એની માની સેવા કરવી હોય તો જાતે કરે. સાલો માવડીયો. આખો દિવસ મમ્મી... મમ્મી... કંઈપણ કહો તો એક જ જવાબ આપશે, મમ્મીને કહી દે, મમ્મીને પૂછ જો, મમ્મીને ગમશે તો અમને વાંધો જ નથી. લગન એની માને પૂછીને કર્યા તા.' - દિવ્યા લગભગ બરાડી ઉઠી.
'એ છોકરી, તારી જીભડીને થોડી બ્રેક મારતા શીખવ. તું શું બોલે છે તને ભાન પડે છે? સાંજે તારા પપ્પાને આવવા દે હું બધું જ કહી દેવાની છું.' - મમ્મીએ રસોડાના દરવાજેથી થોડા આકરા અવાજે કહ્યું.
'તું શું કહેતી હતી, હું જ કહી દેવાની છું પપ્પાને. મને એ માવડીયા સાથે નહીં ફાવે... સાડી સત્તર વખત માવડીયો. જા હવે કહી દેજે.' - દિવ્યા બોલી.
ઘરનું વાતાવરણ બરાબર તંગ થઈ ગયું હતું. દિવ્યા તેના સાસરે ઝઘડો કરીને આવી હતી. તેની અને તેના પતિની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેવો દિવ્યાનો આરોપ હતો. આલોકે તેને ગમેતેમ કહ્યું એવું પણ તેનું કહેવું હતું. દિવ્યા હવે આ પતિ-પત્નીના ઝઘડાને એટલું મોટું સ્વરૂપ આપી રહી છે કે, એક જ વર્ષનું લગ્ન જીવન તેને તોડી કાઢવું છે.
દિવ્યકાંત જોશી સાંજે દુકાન વધાવીને ઘરે આવ્યા. તેમણે જોયું તો સોફામાં દિવ્યા બેઠેલી હતી અને મોઢું ચઢેલું હતું. માયા તેની આદત પ્રમાણે રસોડામાં હતી. દિવ્યકાંત અને માયાની એકની એક દીકરી એટલે દિવ્યા. દિવ્યકાંત ભાઈના લાડકોડથી સાવ બગડી ગયેલી કહી શકાય તેવી છોકરી. દિવ્યાને જોઈને દિવ્યકાંત સમજી ગયા કે કંઈક લોચો પડયો છે પણ તે અહીંયા પડયો છે કે, સાસરે તે સમજાયું નહીં.
'સાંભળો, આને કહી દેજો એના સાસરે જતી રહે. ખોટા ધતિંગો કરીને અહીંયા આવવાની જરૂર નથી.' - દિવ્યકાંત ભાઈએ ટીવી પાસે આવેલા કી સ્ટેન્ડમાં ચાવી લગાવી ત્યાં તો માયા બહેને રસોડાના દરવાજે આવતા કહ્યું.
'પપ્પા, તમે મમ્મીની વાત ના સાંભળશો. હું પેલા મા...' - દિવ્યા ત્યાં જ અટકી ગઈ.
'મને આલોક સાથે નહીં ફાવે. તેમાંય તેની મમ્મી સાથે તો બિલકુલ જ નહીં ફાવે. મારે ડાયવોર્સ જોઈએ છે.' - દિવ્યાએ ફરમાન જારી કરતા કહ્યું.
'બહુ જ સરસ. એક કામ કરીએ કાલે મારી સાથે દુકાને આવજે. બજારમાં બકુલભાઈએ નવી દુકાન કરી છે. તેમને ત્યાં ડાયવોર્સ મળે છે. જોઈએ એવા ડાયવોર્સ મળે છે. તને ગમતા કાલે અપાવી દઈશ.' - દિવ્યકાંત ભાઈએ કહ્યું અને હસી પડયા.
'પપ્પા યાર... પ્લીઝ. શું ગાંડા જેવી વાતો કરો છો?' - દિવ્યાએ અણગમા સાથે કહ્યું.
'શરૂઆત કોણે કરી?' - દિવ્યકાંતભાઈ બોલ્યા અને દિવ્યાનું મોઢું સિવાઈ ગયું.
'દિવુ બેટા. આજે આવી છું તો આરામ કર. શાંતિથી ખાઈ લે. ઉંઘી જા. કાલે સવારે આપણે આ વિશે વાત કરીશું.' - દિવ્યકાંતભાઈએ ખૂબ જ હળવાશથી કહ્યું અને દિવ્યા માની ગઈ.
બીજી દિવસે દિવ્યકાંતભાઈના થ્રી બીએચકેના ફ્લેટની બાલ્કનીની સવાર થોડી ભારે જણાતી હતી. દિવ્યા ચા બનાવીને બાલ્કનીમાં જ ચા-નાસ્તો ગોઠવીને પપ્પાની રાહ જોતી બેઠી હતી. દિવ્યકાંતભાઈ તૈયાર થઈને આવ્યા અને ખુરશીમાં ગોઠવાયા.
'હું શાક લેવા બજાર જાઉં છું. તું મારી સાથે ચાલ. આપણે ત્યાં વાત કરીશું. તારી મમ્મી સામે મારે વાત નથી કરવી.' - દિવ્યકાંતભાઈએ કહ્યું અને દિવ્યા ખુશ થઈ ગઈ.
ચા-નાસ્તાને ન્યાય આપ્યા પછી બાપ અને દીકરી નીકળી પડયા. લગભગ પંદર મિનિટ પછી ઘરની પાસે આવેલા ચીર-પરિચિત શાક માર્કેટમાં પહોંચી ગયા.
'સાંભળ જીગા. મને બે કિલો ટામેટા, એક કિલો દૂધી, પાંચસો ગ્રામ ભીંડા અને અઢીસો ગ્રામ પરવળ આપી દે. હા પણ એક શરત છે. તારે કોઈ શાક જોખવાનું નથી.' - દિવ્યકાંતભાઈ બોલ્યા અને જીગો તથા દિવ્યા તેમની સામે જોઈ રહ્યા.
'જોશી કાકા સવાર સવારમાં શું મજાક કરો છો? શાક જોખ્યા વગર તો કેવી રીતે આપી શકાય.' - જીગાએ કહ્યું અને દિવ્યાએ પણ આંખોથી આવો જ સવાલ કર્યો.
'સારું. તારે શાક જોખવું હોય તો એક જ ત્રાજવામાં શાક મુકજે. બીજી તરફ વજનીયા મુકતો નહીં.' - દિવ્યકાંત ભાઈએ કહ્યું. જીગો અને દિવ્યા વધારે મુંઝવણમાં મુકાઈ ગયા.
'સારું. સારું... બધું જોખીને રાખ, હું આગળ જઈને આવું છું.' - દિવ્યકાંત ભાઈએ હસતા હસતા કહ્યું અને જીગો સમજી ગયો કે કાકા ફિરકી લેતા હતા. દિવ્યા પણ હસી પડી.
'દિવ્યા મારે ચીકુ અને સફરજન લેવા છે તો કેવી રીતે લઉં?'- દિવ્યકાંતભાઈએ પુછયું.
'ઓફકોર્સ તમારે વજન કરાવવું પડે. આ બેનને કહેવું પડે કે, તમારે કેટલા સફરજન અને ચીકુ જોઈએ છે. કેમ આવા સવાલ કરો છો આજે સવારથી?' - દિવ્યા થોડી અકળાઈ.
'સારું મને એમ જણાવ કે, હું ત્રાજવામાં એક તરફ બહુબધા સફરજન મુકું અને બીજી તરફ પાંચસો ગ્રામનું વજનીયું મુકું તો મને એક કિલો સફરજન મળશે?' - દિવ્યકાંતભાઈએ કહ્યું.
'પપ્પા, પ્લીઝ. હવે હદ થાય છે. સવારથી શું ચસકી ગયું છે?' - દિવ્યા અકળાઈ ગઈ.
'તું મને માત્ર જવાબ આપ. મારે એક કિલો સફરજન જોઈએ છે અને હું પાંચસો ગ્રામનું વજનીયું મુકું તો ચાલશે?' - દિવ્યકાંતભાઈએ ફરીથી સવાલ કર્યો.
'ઓફકોર્સ પપ્પા ના થાય. તમારે કિલો સફરજન જોઈએ તો સામેની તરફ ત્રાજવામાં ૧ કિલોનો જ બાટ મુકવો પડે. બાકી સરખું વજન કેવી રીતે થાય?' - દિવ્યાએ કહ્યું.
'બેટા હું તને એ જ સમજાવું છું. સંબંધ પણ ત્રાજવા જેવા જ હોય છે. આપણે જે જોઈતું હોય તેટલું જ વજન બીજા ત્રાજવામાં મુકવું પડે છે. બાકી બધું ઉપર-નીચે જ થતું રહે છે.' - દિવ્યકાંતભાઈ બોલ્યા અને દિવ્યા તેમની સામે અવાચક નજરે જોતી જ રહી.
'તને આલોક સામે કે આલોકની મમ્મી સામે વાંધો હોય તે કદાચ સમજી શકાય. તારા માટે પરિવાર બદલાયો છે, વાતાવરણ બદલાયું છે, તારા પાસેથી અપેક્ષા વધી છે. તારી પાસે હજી સંપૂર્ણ હક કરવાની ક્ષમતા આવી નથી.'
'તારે આલોકનો પ્રેમ જીતવો પડશે. તેની મમ્મી અને પપ્પાનો પ્રેમ જીતવો પડશે. પરિવારનો વિશ્વાસ જીતવો પડશે. તેમણે પણ તારી સાથે એડજસ્ટ કરતા શીખવું પડશે. બંને ત્રાજવામાં તમારે લોકોએ વત્તું-ઓછું કરતા રહેવું પડશે.'
'આલોક ઉપર તેના માતા-પિતાનો હક અને અધિકાર પહેલો અને મોટો છે. તેના કારણે જ તું જ્યારે અધિકાર માગીશ તો થોડી ચકમક ઝરશે. આ દરેક ઘરમાં થતું હોય છે. તારે જે પ્રેમ, જે અધિકાર, જે સન્માનની ઝંખના છે તેટલી જ બાબતો પહેલાં તારા ત્રાજવામાં રાખવી પડશે. તેની સામે આલોકના પરિવારનું ત્રાજવું ભરાતું જશે અને ચોક્કસ સમયે બધું બરાબર થઈ જશે.' - દિવ્યકાંતભાઈએ ખુબ શાંત સ્વરે કહ્યું અને દિવ્યા પોતાની ભુલ સમજાતા પપ્પાને ભેટી પડી.
'સોરી પપ્પા. હું હમણાં જ ઘરે જઈને આલોક સાથે વાત કરીને બધું સેટલ કરી લઉં છું.' - દિવ્યાએ કહ્યું.
'બેટા. આ માત્ર આજના માટે નથી. તારે આખી જિંદગી આ વ્યવહાર ચાલુ રાખવો પડશે અને તો જ સંબંધો અને જિંદગીના ત્રાજવાનું બેલેન્સ બરાબર રહેશે.' - દિવ્યકાંતભાઈએ કહ્યું અને દિવ્યા મલકાઈ ગઈ.


