Get The App

નવનીત કૌરે ગોલ ફટકારવાની કુશળતાને સહારે વિશ્વ હોકીને આગવી ઓળખ મેળવી

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
નવનીત કૌરે ગોલ ફટકારવાની કુશળતાને સહારે વિશ્વ હોકીને આગવી ઓળખ મેળવી 1 - image

- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- ઓલિમ્પિક અને હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેેલી નવનીત એશિયન ગેમ્સ, એશિયા કપમાં ચંદ્રકો અપાવી ચૂકી છે ઃ હવે ગોલ સ્કોરિંગમાં સદી ફટકારવાને આરે

જ્યારે નવી સફર તરફ આગળ વધવાનો પ્રયાસ શરુ કરવામાં આવે ત્યારે અનિશ્ચિતતા અને અજાણ્યા રસ્તાના જોખમોની ચિંતા સ્વાભાવિક રીતે ઉભરી આવે અને તેના પરિણામે ઈરાદાની સાથે જોશને પણ ફટકો પડયા વિના ન રહે. આ પ્રારંભિક વિઘ્નોને કારણે જ અનેક પ્રતિભાઓ તેમના આગેકૂચના પ્રયાસોને જ માંડી વાળે છે. જ્યારે જેઓ વિપરિત પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમામ તાકાત લગાવીને આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ જ પોતાના માટે નવી મંઝિલની તલાશ કરી શકે છે. પોતાની પાસેના ઉપલબ્ધ સંસાધનો અને તકોને ઝડપી લઈને તેમાંથી જ શ્રેષ્ઠ પરિણામ આપવાની મક્કમતા જ નવી દિશાના દરવાજા ખોલી નાંખે છે.

છેલ્લા લગભગ સવા દશકથી ભારતની મહિલા હોકી ટીમની આક્રમણ પંક્તિમાં આગવું સ્થાન મેળવનારી ૩૦ વર્ષની નવનીત કૌરે દ્રઢ ઈચ્છાશક્તિને સહારે વૈશ્વિક સ્તરે આગવો પ્રભાવ પાડયો છે. નવનીતમાં હરિફ ટીમની રક્ષા પંક્તિના ખેલાડીઓેને હંફાવવાની સાથે ગોલકિપરને આશ્ચર્યજનક આંચકો આપીને ગોલ ફટકારવાની આગવી કુશળતા છે અને તેની હોકી સ્ટીકમાંથી નીકળેલો બોલ જાણે આપમેળે જ ગોલ પોસ્ટની નેટ સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢે છે. આ જ કારણે નવનીતે ભારતીય હોકીને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. તેની સાથે સાથે ભારતીય મહિલા હોકીમાં ૨૦૦થી વધુ મેચ રમનારી માત્ર સાતમી ખેલાડી બની છે. જ્યારે હવે તે ભારતીય મહિલા હોકીના ઈતિહાસમાં ગોલની સદી ફટકારવાથી માત્ર ૧૦ જ ગોલ દૂર છે. 

નવનીત ભારતીય મહિલા હોકીમાં ગોલની સદી ફટકારનારી વંદના કટારિયા અને રાની રામપાલ પછીની માત્ર ત્રીજી જ ખેલાડી બનવાને આરે પહોંચી ગઈ છે. ભારત તરફથી ૩૦૦થી વધુ મેચ રમી ચૂકેલી વંદના કટારિયાએ ૧૫૮ અને રાની રામપાલે ૧૨૦ ગોલ નોંધાવ્યા છે. હાલમાં જે પ્રકારે નવનીત આગવી કુશળતા અને ફિટનેસની સાથે આગળ વધી રહી છે, તે જોતા આગામી સમયમાં તે વંદનાના રેકોર્ડને પણ તોડી નાંખે તો નવાઈ નહી. ભારતીય હોકીમાં આગવી ઓળખ ધરાવતી હરિયાણવી ખેલાડી નવનીત કૌરની ફિટનેસ અને સાતત્ય ગજબના રહ્યા છે. તેણે સિનિયર અને જુનિયર સ્તરની કુલ મળીને ૪૧ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેમાંથી છેલ્લી ૩૩ ટુુર્નામેન્ટમાં તો તે તમામ મેચમાં રમી ચૂકી છે, જે સિદ્ધિ પણ તેની પ્રતિભાને અલગ ઉંચાઈ પર પહોંચાડે છે. પાંચ ફૂટ અને ચાર ઈંચ ઊંચાઈ ધરાવતી આ ખેલાડી બે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં ટોચ પર રહી છે અને બે વખત પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર થઈ ચૂકી છે. 

ઓલિમ્પિકની રમતમાં મહિલા હોકીને પ્રવેશ મળ્યો તેના લગભગ ૪૧ વર્ષ બાદ ભારત પહેલીવખત ૨૦૨૧માં ટોકિયો ખાતે સેમિફાઈનલ રમ્યું હતુ અને આ સિદ્ધિ મેળવનારી ટીમમાં નવનીત પણ સામેલ હતી. ભારત ઈંગ્લેન્ડ સામે હારતાં ચોથા ક્રમે રહ્યું હતુુ, પણ ટોકિયો ઓલિમ્પિકની પાંચ મેચમાં નવનીતને મેદાન પર ઉતરવાની તક મળી હતી. આ ઉપરાંત તેણે બે વખત મહિલા હોકી વિશ્વકપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય પણ વૈશ્વિક અને ખંડીય સ્પર્ધાઓમાં પણ નવનીતની રમતનો જાદુ જોવા મળ્યો છે. ભારતીય હોકીની સાથે સાથે નવનીતની પ્રતિભામાં પણ આગવો નિખાર જોવા મળ્યો છે. 

વર્તમાન વિશ્વ હોકીની એલિટ ગોલ સ્કોરર્સમાં સ્થાન ધરાવતી નવનીત કૌરની કારકિર્દીને નિખાર આપવામાં તેના પિતા બુતા સિંઘની ભૂમિકા અત્યંત પાયારુપ રહી છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા શાહબાદ નામના નાનકડા શહેરમાં રહેતા બુતા સિંઘ ટીવી રિપેરિંગ કરીને ગુજરાન ચલાવતા. તેઓ તેમના મિત્રોની સાથે ક્રિકેટ રમતા અને તેમનું સ્વપ્ન હતુ કે, નાનકડી નવનીતને ક્રિકેટર બનાવવાનું. જોકે શાહબાદ જેવા વિસ્તારમાં તે સમય મહિલા ક્રિકેટના કોચિંગની કોઈ વ્યવસ્થા જ નહતી. આમ પણ, ૨૦૦૫ની આસપાસ ભારતમાં મહિલા ક્રિકેટ ખુબ જ મર્યાદિત હતુ.

બુતા સિંઘના ઘરની સામે જ એક શાળા આવેલી હતી અને ત્યાં ઘણી છોકરીઓ હોકી રમતી. રોજ સવાર-સાંજ નવનીત આ છોકરીઓેને રમતાં જોતી અને આ જ કારણે તેની આંખોમાં હોકી ખેલાડી બનવાનું સ્વપ્ન આકાર લેવા માંડયું હતુુ. નવનીતે જેવી ક્રિકેટ ને બદલે હોકીની મેદાનની રાહ પકડી તેની સાથે જ આખી દુનિયા જ બદલાઈ ગઈ. બુતા સિંઘ જ્યારે શાહબાદની હોકી એકેડમીમાં પહોંચ્યા ત્યાર તેમને ખબર પડી કે આ એકેડમી તો ભારતની હોકી ટીમને ઘણી વિશિષ્ટ પ્રતિભાઓ આપી ચૂકી છે. ત્યાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા બલદેવ સિંઘ હેડ કોચ તરીકે હતા. જ્યારે કોઈ કોચના માર્ગદર્શનમાં તૈયારી થયેલી એક કે વધુ પ્રતિભાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરે છે, ત્યારે તેના કોચને દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

નવ વર્ષની ઉંમરે હોકીના મેદાનમાં ડગ માંડનારી નવનીતની પ્રતિભાને કોચની સાથે સાથે સિનિયર ખેલાડીઓએ પણ નિખારી. બાળપણથી નવનીત તેની એકેડમીમાં જ તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય ખેલાડી સુરિન્દર કૌર જેવી બનવા ઈચ્છતી હતી. સુરિન્દર કૌર ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન પણ રહી ચૂકી હતી અને હોકી ટીમની સાથે દેશ-વિદેશની સફર પણ ખેડી ચૂકી હતી અને તેની સફળતાએ નવનીતને આગળ વધવાની પ્રેરણા પુરી પાડી. સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતા મેળવીને નવનીતે ભારતીય જુનિયર ટીમમાં સ્થાન મેળવી લીધું.

ભારતીય જુનિયર ટીમને ૨૦૧૩ના જુનિયર મહિલા વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીતાડવામાં નવનીતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડ સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં નવનીતે છેક આઠમી પેનલ્ટી સ્ટ્રોકને ગોલ ફટકારતા ભારતને નિર્ણાયક લીડ અપાવી હતી અને આખરે ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તે ચંદ્રક જુનિયર મહિલા હોકી વર્લ્ડકપના ઈતિહાસનો આજ દિન સુધીનો એકમાત્ર ચંદ્રક છે. આ પછીના જ વર્ષે વંદના કટારિયા અને રાની રામપાલ જેવી ખેલાડીઓની સાથે નવનીતની સિનિયર લેવલની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ ૨૦૧૪માં ભારતીય મહિલા હોકી ટીમના આયરલેન્ડ પ્રવાસથી થયો હતો.

આ પછી નવનીતે ક્યારેય પાછું વળીને જોયું નથી. નવનીતની ગોલ ફટકારવાની કુશળતા અને હરિફોને હંફાવવાની આવડતને સહારે ભારતીય હોકી ટીમે ૨૦૧૮માં જાકાર્તા ખાતે અને ૨૦૨૨માં હાંગઝોઉ ખાતેની એશિયન ગેમ્સમાં અનુક્રમે રજત અને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યા હતા. આ ઉપરાંત તેણે ભારતને ૨૦૨૨ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની કાસ્ય સફળતામાં તેમજ એશિયા કપમાં ૨૦૧૭, ૨૦૨૨ અને ૨૦૨૫માં ભારતને અનુક્રમે સુવર્ણ, કાસ્ય અને રજત ચંદ્રક અપાવ્યા છે. 

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે પ્રો મહિલા હોકી લીગમાં ભારતે જીતેલા ચંદ્રકોની સાથે નવનીત કૌરનું નામ પણ જોડાયેલું રહ્યું છે. ભારતીય ટીમમાં નિયમિત સ્થાન ધરાવતી નવનીત કૌરે તેની કુશળતાના સહારે ટીમને નેધરલેન્ડ-બેલ્જીયમમાં યોજાનારા મહિલા હોકી વર્લ્ડ કપમાં પ્રવેશ અપાવી દીધો છે. મહિલા હોકીમાં ૧૯૭૪થી લઈને અત્યાર સુધીમાં ૧૫ વિશ્વ કપ રમાઈ ચૂક્યા છે. જોકે હજુ સુધી ક્યારેય ભારતીય ટીમ ટોચના ત્રણમાં સ્થાન મેળવી શકી નથી. જ્યારે ભારતીય ટીમ છેલ્લા ૫૦ વર્ષથી તો સેમિ ફાઈનલમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યું નથી. ત્યારે નવનીત કૌર સહિતની પ્રતિભાઓ આ નાલેશીભર્યા સિલસિલાને તોડીને નવો ઈતિહાસ આલેખશે તેવી આશા રાખવામાં આવી રહી છે.