Get The App

ઇન્સાનિયતનો સહી રસ્તો .

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સાનિયતનો સહી રસ્તો                            . 1 - image

- આજકાલ - પ્રીતિ શાહ

- સહી રાસ્તા કોર્સ દ્વારા પાંચસો યુવાનોને નિરાશા, આતંકવાદ કે આત્મઘાતની વર્તણૂકમાંથી બહાર કાઢીને યોગ્ય માર્ગે વાળ્યા

આ જથી સાડા ત્રણ દાયકા પહેલાં મેહરાજનો જન્મ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં થયો હતો. મેહરાજના પિતા ખુર્શીદ મલિક પાસે ખેતી કરવા માટે જમીનનો નાનકડો ટુકડો હતો, તેથી બીજા નાનાં-મોટાં કામ કરીને એ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખુર્શીદ પોતે ખાસ ભણ્યા નહોતા, પરંતુ તેમની ઇચ્છા હતી કે તેમની બંને પુત્રી અને પુત્ર મેહરાજ ઉચ્ચ શિક્ષણ મેળવે, પણ ખુર્શીદને અફસોસ એ થયો કે એના બાળકો સ્કૂલે જવા લાગ્યાં, ત્યારે ત્યાંની અશાંત પરિસ્થિતિને કારણે સ્કૂલ અને કાલેજો બંધ રહેવા લાગી. તેમને સમાજની કોઈ વાત પસંદ ન પડે કે સાચી ન લાગે, તો નિર્ભીકતાથી બેધડક કહી દેતા. તેમની આ મુખરતા આતંકવાદીઓને પસંદ ન પડી અને તેઓ તેને વિરોધી અને દુશ્મનની નજરે જોવા લાગ્યા. પરિણામે મહોલ્લાના લોકોનું વર્તન પણ બદલાઈ ગયું.

ખુર્શીદ મલિકે પોતાનાં બાળકોને કુલગામની સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કરફ્યુને કારણે સ્કૂલ બંધ રહેતી અથવા ત્યાં તોફાનો થતા કે આગ લગાડવાના પ્રયત્નો પણ થતા હતા. તેથી ખુર્શીદે વિચાર્યું કે પરિસ્થિતિ સુધરે પછી કુલગામ જવું. થોડો સમય શ્રીનગરમાં રહેવું અને સગાંવહાલાંને મળવું, પરંતુ શ્રીનગરની પરિસ્થિતિ પણ કુલગામ જેવી જ હતી, ત્યાં પણ મેહરાજ અને તેની બહેનોને સ્કૂલમાં પ્રવેશ ન મળ્યો. આતંકવાદીઓની ધમકીને પરિણામે ખુર્શીદ મલિકે કુલગામની જમીન વેચીને જમ્મુમાં ભાડેથી ઘર રાખીને રહેવા લાગ્યા કે જેથી બાળકોને અભ્યાસ કરાવી શકાય. મેહરાજે ૨૦૧૦માં જમ્મુથી બોર્ડની પરીક્ષા સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ કરીને પંજાબની લવલી યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો. ૨૦૧૪માં એન્જિનીયરીંગની ડિગ્રી મેળવે તે પહેલાં જ ગુડગાંવની એક કંપનીએ તેની સમક્ષ નોકરી માટે પ્રસ્તાવ મૂક્યો. મેહરાજે ગુડગાંવમાં નોકરી સ્વીકારી લીધી, પરંતુ પરિવારની પરિસ્થિતિ જોતાં તેણે વધુ સારી નોકરીની શોધ ચાલુ રાખી. આ શોધ થોડા મહિનામાં જ તેને ગુડગાંવથી બઁગાલુરુ લઈ ગઈ. ત્યાં માઇક્રોસોફ્ટ જેવી ખ્યાતનામ કંપનીમાં નોકરી મળી ગઈ. અહીં જમ્મુ-કાશ્મીરના ચાર-પાંચ યુવાનો મળ્યા, જે નોકરી મેળવવા સંઘર્ષ કરતા હતા. તેમણે મેહરાજને અંગ્રેજી શીખવવાની અને થોડી અન્ય તાલીમ આપવા વિનંતી કરી. મેહરાજ તેમને શીખવવા લાગ્યો.

આ બધું શીખવતી વખતે મેહરાજની મુલાકાત પોતાની અંદર રહેલા શિક્ષક સાથે થઈ. તેને લાગ્યું કે તે કંઈક એવું કરી શકશે જે બીજા ન કરી શકે. આમ પણ તે માઈક્રોસોફ્ટમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને નેટવર્કિંગના કામ કરતી વખતે પોતાની જાતને પ્રશ્ન પૂછતો કે આ કામ કરીને તે કોની મદદ કરે છે - પોતાના દેશની કે અમેરિકાની? ઘણા મનોમંથન પછી ૨૦૧૬ના અંતમાં તેણે પોતાના પિતાને ફોન પર કહ્યું કે તે વતનમાં પાછો આવવા માગે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ પિતાએ મેહરાજને કહ્યું કે, 'જો તને એવું લાગતું હોય કે તું સમાજમાં કંઈક વિશિષ્ટ યોગદાન કરી શકીશ તો જરૂર અહીં આવી જા.' તે દિવસોમાં તેના પિતા શ્રીનગરમાં જ હતા અને થોડા સમય પહેલાં જ બુરહાન વાનીનું એન્કાઉન્ટર થયું હતું. આવી પરિસ્થિતિમાં મેહરાજ પોતાની સારા પગારની નોકરી છોડીને તણાવપૂર્વક વાતાવરણમાં શ્રીનગર પાછો આવ્યો. મેહરાજની અંદર રહેલા શિક્ષકે તેને પૂછયું કે શું ચોતરફ ચાલી રહેલા આવા મૃત્યુ-ચક્રને રોકવા માટે કંઈ કરી શકાય ખરું?'

શ્રીનગરમાં મહોલ્લામાં રહેતા બાળકો સાથે મેહરાજે વાત શરૂ કરી. અધિકારીઓને મળ્યો. તેમને મેહરાજની વાત પસંદ પડતી, પરંતુ તેમને વિશ્વાસ નહોતો આવતો કે મૃત્યુ માટે તત્પર યુવાનોના મનને બદલી શકાય. મેહરાજ જનરલ ડી.પી. પાંડે, જનરલ  રૂપેશ મહેતા અને જનરલ બિપિન રાવતને મળેલા. મેહરાજે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે તેમનામાં પણ યોગ્ય સમજ અને પ્રયાસોથી પરિવર્તન લાવી શકાય છે. જનરલ પાંડેએ મેહરાજને કેદીઓ, આતંકવાદીઓ અને જામીન પર છૂટેલા આરોપીઓ સાથે વાત કરવાનું કહ્યું. મેહરાજે બે કોર્સ ડિઝાઈન કર્યા એકનું નામ આપ્યું. 'ઇન્સાનિયત અભ્યાસક્રમ', જે સ્કૂલમાં આખું વર્ષ ચાલે જેમાં કરુણા, વ્યક્તિનું ગૌરવ અને મૂલ્યો શીખવવામાં આવે. બીજો કોર્સ 'સહી રાસ્તા' નામે ડિઝાઈન કર્યો, જે ત્રેવીસ દિવસનો છે. જેમાં પુનવર્સન મોડલ છે. મેહરાજ મલિક આવા લોકોને અભ્યાસ કરાવવા - સમજાવવા - લાગ્યા. ઘણી વાર તો દિવસના બાર-બાર કલાક સુધી અભ્યાસ કરાવતા. સહી રાસ્તા કોર્સ દ્વારા પાંચસો યુવાનોને નિરાશા, આતંકવાદ કે આત્મઘાતની વર્તણૂકમાંથી બહાર કાઢીને યોગ્ય માર્ગે વાળ્યા. પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલનો અભ્યાસ છોડી દીધો હતો. તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો, તો કેટલાકે નાનો વ્યવસાય શરૂ કર્યો. તેમાંના કેટલાકને બઁગાલુરુ, પૂણે અને દિલ્હીમાં નોકરી શોધવામાં મદદ કરી છે. આજે મેહરાજ શિક્ષણવિદો, ઈમામો, વકીલો, ડૉક્ટર્સ અને સામાજિક કાર્યકર્તાઓ જેવાં એક હજાર સ્વયંસેવકો સાથે કામ કરે છે. તેઓ શાંતિ, લૈંગિક સમાનતા, નાગરિકોની જવાબદારી વિશે શીખવે છે. વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તિકરણ, પર્યાવરણ, ક્લીન જેલમ, ક્લીન વુલર જેવાં અભિયાન ચલાવે છે.

ઇન્સાનિયતનો સહી રસ્તો                            . 2 - image

- 'હોમકમિંગ' એટલે ભીતરની ખોજ

- છસો શહેર અને સોળ ભાષામાં કાર્યરત અમાહા આ ક્ષેત્રનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટર છે. તેમની પાસે મનોવિજ્ઞાની અને મનોચિકિત્સકોની મોટી ટીમ છે

સામાન્ય રીતે વ્યક્તિએ બાળપણમાં જે અનુભવ્યું હોય, તેની એના મન પર ઊંડી છાપ રહેતી હોય છે. તેમાંય નકારાત્મકતાની વિશેષ, પરંતુ દિલ્હીમાં જન્મેલી નેહા કિરપાલની વાત કંઈક અનોખી છે. પાંચ વર્ષની ઉંમરે બાળક પોતાની આસપાસની દુનિયામાંથી ઘણું શીખતું હોય છે, પરંતુ નેહાને સમજાતું નહોતું કે તેના ઘરમાં સતત ભયનું વાતાવરણ કેમ રહેતું હતું? દસ વર્ષની ઉંમરે તેની માતાએ એક દિવસ નેહાને કહ્યું કે તે ટૂથબ્રશ પર પેસ્ટ ન લગાવે, કારણ કે તેના પિતાએ તેમાં ઝેર ભેળવી દીધું છે. માતા-પિતા વચ્ચે સંઘર્ષ થતો રહેતો. માતાને થતી ભ્રમણાઓને કારણે એ જુદા જુદા આરોપ લગાવતા. એક વખત નેહાનો ભાઈ ડાઈનીંગ ટેબલ નીચે સંતાઈ ગયો. કોઈને કંઈ ખ્યાલ નહોતો આવતો. ધીમે ધીમે મોટી થતી નેહા ટીનએજમાં પ્રવેશી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની માતાને સ્કીઝોફ્રેનિયાની બીમારી છે. રોજ રાત્રે ઘરના મુખ્ય બારણાં પાસે ફર્નીચર ગોઠવવામાં આવતું, કારણ કે તેની માતાને સતત એવી ભ્રમણા થતી કે રાત્રે કોઈ આવીને બધાને મારી નાખશે.

નેહા સ્કૂલમાં, અભ્યાસમાં, રમતગમતમાં તદ્દન સામાન્ય વિદ્યાર્થિનીની જેમ જ શિસ્તબદ્ધ વર્તન કરતી. તે બેડમિંગ્ટન અને હોકી રમતી. તેથી આશરે દસેક કલાક ઘરની બહાર રહેતી. આજે તે માને છે કે એટલે જ તે પોતાના જીવનમાં સ્વમાનભેર રહી શકી. એ કહે છે કે તેની અંદરનું વિશ્વ અને બહારનું વિશ્વ, તેનું શરીર અને મન, ઘરની જિંદગી અને સ્કૂલની જિંદગી એ તદ્દન અલગ હતા. ૧૯૯૪ના એપ્રિલમાં એક દિવસ તેની માતા નેહાને અને તેના ભાઈને લઈને ઘરમાંથી નીકળી ગઈ. નેહા તેમનાથી છૂટી પડીને ઘરે પાછી આવી, પરંતુ તેની માતા અને ભાઈ ગુમ થઈ ગયા. ઘણાં વર્ષો સુધી તેમની શોધખોળ કરી, પરંતુ મળ્યા નહીં.

આ સમય દરમિયાન નેહાને ખ્યાલ આવ્યો કે ભય વિનાનું સામાન્ય જીવન કેવું હોય. સ્કૂલના અભ્યાસ પછી લેડી શ્રીરામ કૉલેજમાં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ પિતાના સાથ અને સહકારથી તેણે યુનિવર્સિટી ઑફ આર્ટ્સ લંડનમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. દસ વર્ષ પછી આશરે ૨૦૦૪માં તેની માતા અને ભાઈની ભાળ મેળવી શકાઈ. આ દસ વર્ષોમાં કેટકેટલી ચિંતાઓ, જેનો કોઈ જવાબ નહોતો તેવા મનમાં ઉઠતા અનેક પ્રશ્નો, કેટકેટલી કલ્પનાઓની સાથે પિતા-પુત્રી જીવ્યા, પણ હવે વાસ્તવિકતા તેમની સામે હતી. એની માતાનો સ્કીઝોફ્રેનિયાનો રોગ વધી ગયો હતો. વારંવાર હોસ્પિટલમાં જવું, દવા અને થેરાપીથી થોડો સમય સ્થિરતા રહે, પરંતુ વળી પાછો હુમલો આવે ત્યારે ત્રણ, ચાર, પાંચ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડતું.

૨૦૦૮માં નેહાએ લગ્ન કર્યા ત્યારે તેની માતાએ હોસ્પિટલમાંથી જ આવીને તેના લગ્નમાં હાજરી આપી હતી. આ સમયે પણ નેહા બે વિરોધાભાસ વચ્ચે જીવતી રહી - હોસ્પિટલની મુલાકાતો અને લગ્નની ઉજવણી, ભય અને પ્રેમ, રોજિંદા જીવનની ઘટમાળ અને અનિશ્ચિતતા, બહારની દુનિયા જુદી અને અંદરનો અનુભવ જુદો! તે જ્યારે લંડન અભ્યાસ માટે ગઈ હતી, ત્યારે ત્યાં આર્ટ ફેર યોજાતો. તે જોઈને તેને થયું કે ભારતમાં પણ આવો આર્ટ ફેર યોજીએ તો દરેક ભારતીય માટે કલાને સુલભ બનાવી શકાય. ૨૦૦૮માં તેણે પ્રથમ વખત દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ફેરનું આયોજન કર્યું. તે કહે છે કે તે આર્ટ વિશે ખાસ કંઈ જાણતી નહોતી, પરંતુ કલાથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું. ઘણાં વર્ષો સુધી એણે ઇન્ડિયા આર્ટ ફેરનું ખૂબ સફળતાપૂર્વક આયોજન કર્યું અને લાખો લોકો તેની મુલાકાત લેતા હતા, પરંતુ દસ વર્ષ પછી તેણે માનસિક સ્વાસ્થ્ય વિશે કામ કરવાનું નક્કી કર્યું. ૨૦૧૯માં ડૉ. અમિત મલિકની સાથે તેણે અમાહાની સ્થાપના કરી. અમાહા સમગ્ર ભારતમાં માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરે છે. તેઓ ચિલ્ડ્રન ફર્સ્ટ અંતર્ગત બાળકો, ટીનએજર અને તેના કુટુંબ સાથે કામ કરે છે. તેઓ પુખ્તવયના લોકો માટે પણ મનોચિકિત્સા, થેરાપી અને કોમ્યુનિટી પ્રોગ્રામનું આયોજન કરે છે. તેઓ દિલ્હી, મુંબઈ અને બઁગાલુરુમાં ઑનલાઇન અને ઑફલાઇન કામ કરે છે. છસો શહેર અને સોળ ભાષામાં કાર્યરત અમાહા આ ક્ષેત્રનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટર છે. તેમની પાસે મનોવિજ્ઞાાની અને મનોચિકિત્સકોની મોટી ટીમ છે જેના દ્વારા તે લાખો લોકો સુધી પહોંચે છે. તે પોણા ત્રણસો જેટલી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. આજે ભારતમાં પંદર ટકા લોકોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. એમાંથી મોટાભાગનાને સારવાર પણ મળતી નથી અથવા તે વિશે કોઈ જાગૃતિ નથી. મોટાભાગના મનોચિકિત્સકો પણ બાળકને એમ પૂછતાં નથી કે ઘરમાં કંઈ થયું છે ? નેહા કિરપાલ અને નંદિની મુરલીએ સાથે મળીને 'હોમકમિંગ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેમાં ડિપ્રેશન, સ્કીઝોફ્રેનિયા, બાયપોલર ડિસઑર્ડર, ઓસીડી જેવી સમસ્યાઓને આવરી લઈને અગિયાર મહિલાઓના અનુભવો આલેખ્યા છે. નેહા અને તેની માતાએ પ્રથમ વખત જાહેરમાં તેની બીમારીની વાત કરી. આજે નેહાની ચાર વર્ષની પુત્રી સાથે તેની માતા રહે છે. ભય, હતાશા અને મનોવ્યથાના અંધકારને આત્મખમીરથી ભેદીને નેહાએ નવી દુનિયાનું સર્જન કર્યું.