- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ
- 'ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી'ની સ્થાપના કરનારા ગૌરવ તિવારીને પટના હાઇ-વે કેસને લીધે કેવી પરેશાની વેઠવી પડી હતી એ સત્યકથા હવે આગળ વધારીએ
એ ક રાત માટે બે રૂમનું ભાડું ચૂકવીને ચેક-ઇન કર્યા બાદ તેઓ સીધા નિદ્રાધીન થયા. રોબિન, અતુલ, અનુપમ એક કમરામાં રહ્યા. બીજામાં રિતેશ, રોશન, દીપક!
'ઠક...ઠક...ઠક...' અડધી રાતે ઓરડાના દરવાજે ટકોરાં પડયા! રોબિનની આંખ ખૂલી.
વિચારો અને તંદ્રામાં ખોવાયેલો રોબિન દરવાજો ખોલવા આગળ વધ્યો અને સહસા તેના પગ થંભી ગયા! એક મિનિટ...! આ ટકોરાં કમરાની બહારથી નહીં, પણ અંદરથી જ સંભળાઈ રહ્યા છે!
તેના કપાળે પરસેવો વળી ગયો. હૃદયના ધબકારા તેજ થઈ ગયા. દરવાજા પાસે પહોંચીને તેણે કાન માંડયા. હવે કોઈ ટકોરા નહોતું મારી રહ્યું! ફરી પાછું દુઃસ્વપ્ન?
પોતાના ભ્રમને ખંખેરીને જેવો રોબિન પલંગ પર લાંબો થવા આગળ વધ્યો કે તરત તેની આંખો ભયથી ફાટી ગઈ!
કેસરી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલો એક કિશોર તેના પલંગની કિનારી પર બેઠો હતો. હૉટેલના કમરાની બારીમાંથી ચળાઈને આવતો ચંદ્રનો અજવાસ તેના ધોળા ચહેરા ઉપર પડતો હતો! તે કશુંક કહેવા માંગતો હતો, પરંતુ હોઠ જાણે કોઈકે સીવી લીધાં હોય એમ જણાતું હતું. રોબિનની હાલત કાપો તો લોહી સુદ્ધાં ન નીકળે એવી થઈ ગઈ. તેનું ગળું સૂકાવા માંડયું. આખું શરીર ઠંડીને લીધે જકડાવા લાગ્યું. કમરામાં અચાનક શીતલહેર વ્યાપી ચૂકી હોય એમ, એ થરથર ધુ્રજવા લાગ્યો. હવે તેને ભરોસો બેસી ગયો કે સવારે પટના હાઇ-વે પર તેણે જે કિશોરને જોયો, એ તેના મનનો વહેમ કે સ્વપ્ન નહોતાં!
'ઠક...ઠક...ઠક...' બીજી જ સેકન્ડે ફરી દરવાજે ટકોરાં સંભળાયા.
શરીરમાં અણધાર્યો શક્તિ-સંચાર થયો હોય, એવી રીતે રોબિને ઝાટકાભેર પાછળ ફરીને ઝડપથી દરવાજો ખોલ્યો. બાજુમાં રૂમમાં સૂતેલાં રિતેશ, રોશન અને દીપક હાંફળાફાંફળા દોડતાં અંદર ધસ્યા! અનુપમ અને અતુલ પણ એકાએક જાગી ગયા! એમના કપાળ ઉપરથી પણ પ્રસ્વેદબિંદુની ધાર ગાલ સુધી આવી ગઈ હતી!
તેઓ કંઈ બોલે એ પહેલાં જ...
'અમે પણ એને જોયો!' બંદૂકમાંથી ગોળી છૂટે એવી રીતે રિતેશે ધડાધડ કહેવાનું શરૂ કર્યુ, 'પેલો કેસરી ટી-શર્ટ પહેરેલો છોકરો! જેની તું સવારે વાત કરી રહ્યો હતો, રોબિન!'
'મેં પણ જોયો!' અતુલે ગભરાઈને કહ્યું.
એટલામાં અનુપમ પણ બરાડી ઉઠયો, 'મને પણ સ્વપ્નમાં એવું લાગ્યું જાણે એ આપણાં પલંગ ઉપર આવીને બેસી ગયો છે!'
અતુલ અને અનુપમે એક જ સપનું જોયું, એ વાતે સૌને આશ્ચર્ય થયું! એમના ડરની કોઈ સીમા ન રહી.
'આપણે ભાગવું જોઈએ! અત્યારે જ!' રોબિને વાતનો દૌર પોતાના હાથમાં લેતાં કહ્યું, 'વહેલાસર ઘરે પહોંચી જઈશું, તો કદાચ બધું નૉર્મલ થઈ જશે!'
એમણે તાત્કાલિક પોતાનો સામાન પેક કરીને ચેક-આઉટ કર્યુ. પાછા ફરતી વેળા રસ્તામાં એમણે એ જ ધાબા ઉપર ચા-પાણી પીધાં, જ્યાં સવારે પણ તેમણે વિસામો ખાધો હતો. ધાબાના માલિક સાથે થયેલી વાતચીત દરમિયાન એમને જાણકારી મળી કે પાછલાં કેટલાક વર્ષોથી પટના હાઇ-વે પરથી પસાર થતાં પ્રવાસીઓને કેસરી ટી-શર્ટ પહેરેલો એક કિશોર અવારનવાર દેખા દે છે. કોઈ કહેતું હતું કે તેણે પૂરપાટ દોડી આવતી કાર સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. કોઈકનો મત એ છે કે તેનું ખૂન થયું હતું! તો અન્ય કેટલાકની માન્યતા હતી કે કિશોરનો પ્રેતાત્મા કોઈને હાનિ નથી પહોંચાડવા માંગતો, પરંતુ ડરાવીને ફક્ત પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે.
'તમે પણ જોયો છે એ છોકરાને?' રોબિને ધાબાના માલિકને પ્રશ્ન પૂછયો.
'હ...હા..' એ થોથવાયો, 'એક વાર નહીં, અનેક વખત!' તેના હાવભાવ પરથી લાગતું હતું કે ભૂતકાળમાં આ પ્રેતાત્મા સાથે તેનો ભયાનક રીતે પનારો પડયો હોવો જોઈએ.
'પીછો કઈ રીતે છોડાવવો?' રિતેશના અવાજમાં ડર ભળ્યો, 'તે અમારી હાટેલમાં પણ અમને દેખાયો! હવે ઘરે પહોંચીએ, પછી નહીં દેખાય ને?'
'દેખાશે જ!' ધાબાના માલિકે ચિંતામિશ્રિત સ્વરે જવાબ આપ્યો, 'એ પ્રેતાત્મા આવી રીતે આસાનીથી તમારો પીછો નહીં છોડે. તમે હાઇ-વેના કન્જક્શન પર આવેલાં દેવીના મંદિરે જઈને માથું ટેકવતાં આવો. એ મહાશક્તિ તમારી રક્ષા કરશે.'
છ મિત્રો ધાબાના માલિકની સલાહને અવગણી પટના પહોંચી ગયા. એમને લાગ્યું કે ધીરે ધીરે બધું થાળે પડી જશે, પરંતુ એવું થયું નહીં. રોબિન સહિત અન્યોને હવે ધોળા દિવસે પણ કેસરી ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરેલાં કિશોરની ઝલક અલગ-અલગ સ્થળોએ દેખાવા લાગી. રાતે એમના ઘરે પણ ઘણી વખત એમને સામૂહિક રીતે એવી પ્રતીતિ થતી જાણે કોઈક સતત એમના પર નજર રાખી રહ્યું છે! પેલા છોકરાના શ્વાસોચ્છવાસ પણ એમને ઘણી વાર આખા ઘરમાં પડઘાતાં!
અંતે, ધાબાના માલિકની સલાહ એમને યાદ આવી અને તેઓ પટના હાઇ-વે પર સ્થિત દેવીના મંદિરે દર્શન કરવા ગયા. એ દિવસ પછી એમણે ક્યારે ય કિશોરના પ્રેતાત્મા દેખાઈ નહીં.
નોંધ : રોબિન દ્વારા સત્તાવાર રીતે 'ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી'નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ ઘટના પછી પણ ગૌરવ તિવારીના હાથમાં પટના હાઇ-વેની આ પ્રેતાત્માનો અનુભવ કરી ચૂકેલાં કેસ આવ્યા હતાં, જેમાં તેણે પીડિતોને દેવીના દર્શને જવાની સલાહ
આપી હતી.


