Get The App

મારા દુઃખોનો કર્તા હું સ્વયં છું!

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
મારા દુઃખોનો કર્તા હું સ્વયં છું! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- દરેક માણસે પોતાની કામનાઓની એનાલિસીસ કરવી જોઈએ. કારણ એટલું કે આ કામનાઓની જાળમાં તમે એવા ફસાઈ જશો કે પછી સઘળું એની પાછળ દાવમાં લગાવશો.

વાત તદ્દન નવી અને અનોખી છે. માણસે એના જીવનમાં સુખ પામવા માટે પોતાના દુઃખની શોધ કરવી જોઈએ અને એ શોધ કરતા કરતા એના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ, ત્યારે એને ખ્યાલ આવશે કે આજ સુધી જેને આવી પડેલું પારાવાર દુઃખ માનતો હતો, એ ખરેખર તો મારી ભ્રમણા જ હતી. આજ સુધી જેને વિશે સતત નિસાસા નાખતો રહ્યો, એનાં કારણોની ભીત૨માં છેક ઊંડે સુધી તપાસ કરતા જાણ થઈ કે જેને અંગે નિસાસા નાખતો હતો, એ સઘળી બાબતો તો સાવ નિરર્થક હતી. ધીરે ધીરે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે મારા પર આવી પડેલા દુઃખ એ કોઈ બહારથી આવી પડેલા દુઃખ નથી, કોઈ પરિસ્થિતિએ જન્માવેલાં દુઃખ નથી, કોઈ શત્રુએ સર્જેલા દુઃખ નથી, બલ્કે મારા દુઃખનો કર્તા હું સ્વયં છું. ઘણા જિજ્ઞાસુઓ સવાલ કરે છે કે, 'આ વાત બરાબર સમજાતી નથી, ત્યારે એનો એક જ ઉત્તર છે કે તમે તમારા દુઃખના સંજોગોનો તલસ્પર્શી અભ્યાસ કરો. શાને કારણે તમારા જીવનમાં આ દુઃખ છે, તે જાણો. એને માટે અન્ય કોઈ નહીં બલ્કે તમે પોતે કેટલા કારણભૂત છો, તે સમજો અને તો જીવનમાં જેને દુઃખ માનો છો, તે દુઃખ નહીં લાગે, બલ્કે એ પરિસ્થિતિને સમજીને તમે પણ તમારા જીવનને સુખ- દુઃખને પાર રહીને મોજમસ્તીથી જીવવા લાગશો. 

આપણે દુઃખનું એનાલિસીસ કરતા જોયું કે આપણાં ઘણાં દુઃખો આપણા ખોટાં સામાજિક રિવાજો, બૂરી આદતો અને વ્યસનોમાંથી જન્મતા હોય છે. કોઈ સામાજિક રિવાજનાં બંધનમાં બંધાઈને વ્યક્તિ જીવનભર દુઃખમાં જીવતી હોય છે. વ્યક્તિમાં કોઈ બૂરી આદત હોય અને એ એની આદતોનો ગુલામ બની જાય અને એને પરિણામે જીવનભર દુઃખી થતો રહે છે. જુગા૨ની બૂરી આદત ધરાવનાર જિંદગીમાં બેહાલ થઈને પારાવાર દુઃખો ભોગવતો હોય છે, પણ એનું મૂળ કારણ તો એની પેલી બૂરી આદત હોય છે. એ જ રીતે વ્યસનથી માણસ પાયમાલ થતો હોય છે. વ્યસન એક એવી બાબત છે કે વ્યક્તિ એમાં વધુને વધુ ઊંડો ખૂંપતો જાય છે. તમાકુ અને ગુટખાના વ્યસનથી ૩૫ વર્ષનાં તરવરિયા નવજુવાનોનાં લબડી પડેલાં જડબાંનાં ઓપરેશન તમે જોયા હશે અને કરુણ રીતે એમને મોતને હવાલે થતા નિહાળ્યા હશે. આને પરિણામે આખું કુટુંબ નિરાધાર બની જાય છે. આ દુઃખના મૂળમાં તમે જશો તો ખ્યાલ આવશે કે વ્યક્તિએ પાળી, પોષી અને ઉછેરીને મોટું કરેલું વ્યસન જ છે. 

એક બાજુ વ્યક્તિ કેટલાક ભયને મનમાં પોષતી હોય છે અને બીજી બાજુ જીવનની સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ ધરાવે છે. આમાં દુઃખ આવી પડતું નથી, પણ એણે પોતે સર્જેલું હોય છે. આથી તો જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે વર્તમાનને ઓળખીએ અને માનીએ, તો દુઃખ ન ૨હે. 

માનવી ભૂતકાળની ધારણાઓ ઉપર જીવે છે. વિનાકારણે એને હિંસાખોરીનો, કુટુંબનો, બિમારીનો, લાચારીનો અને લોકમતનો ભય સતાવતો હોય છે. એની ભૂતકાળની ધારણાઓ અને ભવિષ્યનો સંદેહ પણ એને કનડતો હોય છે અને એથી જ કવિવર ૨વીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ, ભૂતકાળ એ તમારા માથા પરનો મોટો પથરો છે, તેને ઊંચકીને ફેંકી દો. 

હવે તમને માનવજીવનમાં સૌથી મોટા દુઃખના સર્જકની વાત કરું. આ દુઃખ છે કામનાઓનું અને આશ્ચર્ય તો એ છે કે ગરીબ કરતા અમી૨ની કામનાઓ વિશેષ હોય છે. ગરીબ કે સામાન્ય માનવી નજીકની બાબતોની પ્રાપ્તિની કામના સેવતો હોય છે, જ્યારે વ્યક્તિ જેમ અમીર એમ વધુ કામનાથી ભરેલો. એની સમૃદ્ધિ એને સુખે રહેવા દેતી નથી, બલ્કે એના મનમાં સતત નવી કામનાઓ સર્જે છે. જીવનમાં આટલું મળ્યું છે, પણ હજી થોડું વધારે મેળવી લઉં. ધારોકે એણે પોતાના ઉદ્યોગ દ્વારા પચાસ કરોડની સંપત્તિ એકઠી કરી હોય તો એને એ એકઠી કરેલી સંપત્તિનો આનંદ હોતો નથી. એને માટે કરેલા પુરુષાર્થથી ભીતરમાં પ્રસન્નતા અનુભવતો નથી, બલ્કે એના મનમાં સતત એક અબજ કરોડની સંપત્તિ મેળવવાની કામના રહેતી હોય છે. એની ઝંખના એને સતત દોડાવ્યા કરે છે. 

આપણા કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે તેમ, 

'આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈને, 

દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી.' 

આવી ઝંખનાનાં હરણ અમી૨ને વધુ પજવતા હોય છે. માણસ રાત્રે સ્વપ્ન જોતો હોય છે, પણ આવી કામનાયુક્ત વ્યક્તિ તો દિવસે પણ સ્વપ્નો જોતી હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાની વર્તમાન જિંદગીથી સતત અસંતોષ અનુભવતી હોય છે. એમને કામના હોય છે કે મારે મારી જિંદગી બદલવી છે અને પછી એ પોતાની જિંદગી કે નોકરી બદલવા માટેની કામના સેવતી હોય છે. પરિણામે એને એની પ્રાપ્તિના આનંદ કરતા અપ્રાપ્તિનો અસંતોષ વધુ પજવતો હોય છે. 

એક અર્થમાં કહીએ તો જિંદગી એક એવી હોસ્પિટલ છે કે જ્યાં પથારીમાં સૂતેલો દરેક દર્દી પોતાનો પલંગ બદલવા માટે આતુર છે. આ કામનાનાં સંદર્ભમાં આધુનિક યુગનાં આદર્શ સન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતિ વિદ્વાન સ્વામી રામતીર્થનું સ્મરણ થાય છે. તેઓ ભારતના આધ્યાત્મિક દૂત તરીકે વિદેશમાં વિખ્યાત બન્યા હતા અને વેદાંતદર્શનનાં ગૂઢ રહસ્યોનો દેશ-વિદેશમાં ઉપદેશ આપ્યો હતો. આવા સ્વામી રામતીર્થ ૧૯૦૨માં જાપાનનાં ટોકિયો શહેરમાં ગયા હતા અને ત્યાં એમણે ચારસો વર્ષની વય ધરાવતા દેવદારનાં વૃક્ષો જોયાં. આજ સુધી એમણે દેવદારનાં ઊંચા વૃક્ષો જોયા હતા, જ્યારે અહીં દેવદારનાં વૃક્ષો સહેજે ઊંચા નહોતા, એના પર મુલાયમ પાંદડાં કે કુમળી કૂપણો કશું નહોતું. સ્વામી રામતીર્થને આશ્ચર્ય થયું કે દેવદારનાં વૃક્ષ તો કેટલાં બધાં ઊંચા હોય અને આ વૃક્ષો તો સાવ નીચા છે, આવું કેમ?

એમણે પૂછયું તો જાણવા મળ્યું કે આ લોકો સતત દેવદારનાં વૃક્ષોનાં મૂળ કાપતા રહે છે અને એના પરિણામે દેવદારનાં વૃક્ષ ઊંચા થતા નથી. બસ, આવું જ છે માનવીની કામનાઓનું. એ કામનાઓ માનવીનાં જીવનવૃક્ષનાં મૂળને સતત કાપતી રહે છે અને એને પરિણામે માનવી કામનાઓમાં એવો ગૂંથાયેલો ૨હે છે કે એના અભાવમાંથી અને અપ્રાપ્તિનાં દુઃખમાંથી બહાર નીકળી શકતો નથી. 

આ કામનાઓ કેટકેટલા સ્વરૂપે જીવનમાં પ્રવર્તતી હોય છે. ધનની, પુત્રની, કીર્તિની, રૂપસુંદરીની, સત્તાની, સન્માનની પ્રાપ્તિની જેવી અનેક કામનાઓ માણસને એના જીવનમાં પગવાળીને નિરાંતે બેસવા દેતી નથી અને એના મનને જંપવા દેતી નથી, શાંતિનો શ્વાસ લેવા દેતી નથી. 

બને છે એવું કે એના જીવનની સઘળી ભાવનાઓ, કર્તવ્યો અને જવાબદારીઓ ભૂલીને માત્ર કામનાની પાછળ એ આંધળી દોટ મૂકે છે. બસ એને જીવનમાં પોતાની કામનાની તૃપ્તિનું જ લક્ષ્ય દેખાતું હોય છે. જેમ કોઈ સરમુખત્યારને સંપૂર્ણ સત્તા હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવતો હોય છે અને પછી એ લક્ષપ્રાપ્તિ માટે નિર્દયતા પણ આચરતો હોય છે, દગાખોરી પણ કરતો હોય છે, હિંસા કે હત્યા કરતા અચકાતો નથી. સિકંદર, નેપોલિયન, હિટલરની કામનાઓએ માનવજાતની કેવી તબાહી સર્જી. 

વર્તમાન સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિરંકુશ કામનાઓ જગત આખામાં અંધાધૂંધી ફેલાવી રહી છે. એ પાકે પાયે યાદ રાખી લેજો કે કામના એ કિલ્લો છે અને વ્યક્તિ એ કામનાનાં કિલ્લામાં કેદ થઈ જતો હોય છે. જો એને કોઈ સુંદરી પસંદ પડી જાય તો પછી દિવસે એની પાછળ દોડતો રહે છે અને રાત્રે સ્વપ્નમાં ય એને જોતો રહે છે. આવી કામનાને કારણે એના જીવનમાં અનેક દુઃખો સર્જાય છે.

આથી દરેક માણસે પોતાની કામનાઓની એનાલિસીસ કરવી જોઈએ. કારણ એટલું કે આ કામનાઓની જાળમાં તમે એવા ફસાઈ જશો કે પછી સઘળું એની પાછળ દાવમાં લગાવશો. સત્તા હાંસલ ક૨વાની ઇચ્છા જાગે એટલે પછી એ કામના સિદ્ધ ક૨વા માટે સત્તાધીશ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવતો હોય છે. એ શત્રુની હત્યા કરતા અચકાતો નથી અને વિરોધીઓ સામે ષડયંત્ર રચતા ખચકાતો નથી. એટલે એ પણ ભૂલવું ન જોઈએ કે એક કામના અનેક કામનાઓની જન્મદાત્રી છે. માણસ આકૃતિથી નહીં, પણ પ્રકૃતિથી ઓળખાય છે અને પછી તમારી કામના એ જ તમારી પ્રકૃતિ કે તમારું જીવનલક્ષ્ય બની જશે અને આવું જીવનલક્ષ્ય તમારા જીવનમાં અનેક દુઃખોને સામેથી નિમંત્રણ આપશે. 

હકીકતમાં તમે કોઈ બાહ્ય આપત્તિને કારણે દુઃખી થયા નથી, બલ્કે તમે તમારી કામનાઓને નિરંકુશ યદ્વેચ્છ વિહાર કરવા દીધો એ જ તમારા દુઃખનું કારણ છે. ફરી એક વાર એ જ વાત કે દુઃખના મૂળ સુધી જઈએ તો ખ્યાલ આવે કે એ કેટલું બધું સ્વસર્જિત છે. ચાલો, આપણા દુઃખના મૂળ કારણનું પૃથ્થકરણ હવે પછી આગળ વધારીએ.