- લેન્ડસ્કેપ
- આપણી પૃથ્વી પર નાની મોટી 3 મિલિયન નદીઓ છે. ભારતમાં 400થી વધારે નદીઓ છે. આપણે માટે નદીઓ પાવક માતા સમાન છે
જળનું એક ટીપું પણ જો પોતાની આત્મકથા લખી શકતું હોત તો તેણે આપણને બ્રહ્માંડ સમજાવી દીધું હોત.
- લ્યુસી લારકોમ.
આ પણી પૃથ્વી પર ૪.૮ બિલિઅન વર્ષોથી જળ છે. પૃથ્વીના ૭૫% વિસ્તાર પર સમુદ્ર પથરાયેલો છે. જ્યારે કુલ જળમાં ૯૭.૫% ખારું સમુદ્રી જળ છે અને માત્ર ૨.૫% મીઠું જળ છે. કદાચ, તેથી જ જળનું મૂલ્ય સમજાવવા માટે યુ.એન. દ્વારા ઈ.સ. ૧૯૯૩થી ૨૨ માર્ચ 'વિશ્વ જળ દિવસ' ઉજવાય છે. ડો. કેશવાનંદજી મમગાઈની એક અદ્દભુત સંવાદ કથા છે....
એક વખત એક પથિકને જાતરા દરમિયાન એક સરિતા-નદી મળી ગઈ. તેણે સવાલ કર્યો... 'સરિતા તું સાવ નાની પણ તારું જળ કેટલું મધુર જીવનદાયી અને તૃપ્તિદાયક છે. જ્યારે પેલો મહાસાગર કેટલો વિશાળ પણ જળ કેટલું ખારું અને તેથી સાવ નિરર્થક. આનો શું અર્થ છે? શું રહસ્ય છે? પણ વેગવાન દોડતી, ભાગતી અને ક્યાંય ન રોકાતી સરિતા પાસે વિશ્રામની પળ પણ ક્યાં છે. છતાં તેણે પથિકને કહ્યું 'તું સ્વયં સાગરને જ પૂછી લેને..' જેથી ક્ષિતિજને સ્પર્શતા અને નિરંતર ગર્જન-તર્જન કરતા મહાસાગરને તટે જઈને પથિકે આ સવાલ ફરી પૂછયો, તો મહાસાગર આ જવાબ આપે છે, 'ખોજી, ધ્યાનથી સાંભળ... સરિતા એક હાથથી લે છે-બીજા હાથથી આપે છે. એક પળ માટે પણ તે પોતાની પાસે કશું રાખતી નથી. સૌને વહેંચવા અને સૌમાં વહેંચાઈ જવા તે સરકતી, વહેતી અને દોડતી રહે છે. જ્યારે હું સૌ પાસેથી લઉં છું. ક્યારેય, કોઈનેય કશું દેતો નથી. મારું સંચિત જળ લોભવૃતિ અને સંગ્રહ થકી ખારું બની જાય છે. માધુર્ય ખોવાઈ જાય છે.' પથિક પામી ગયો કે મધુરતા માટે આદાન-પ્રદાન અનિવાર્ય છે.
આપણી પૃથ્વી પર નાની મોટી ૩ મિલિયન નદીઓ છે. ભારતમાં ૪૦૦ થી વધારે નદીઓ છે. આપણે માટે નદીઓ પાવક માતા સમાન છે. આપણાં પુરાણો તો આવા વિભાગો પાડે છે ઃ સપ્ત સરસ્વતી, જેમાં સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલા, મનોરમા, ઓઘવતી, સુરેણું, વિમલોદકા છે. જ્યારે સપ્તગંગામાં; ગોદાવરી, કાવેરી, નર્મદા, તામ્રપર્ણી, સિંધુ, સરયુ અને ગંગા છે.
આપણે નદીઓની સાચવણીમાં નિષ્ફળ ગયા છીએ. પદ્મપુરાણમાં ગંગાનાં ઘાટે ૧૪ કાર્યોને વર્જ્ય ગણાવ્યા છે. કમનસીબે, તે બધા જ દુષ્કાર્યો થાય છે. વિશ્વની કેટલીક જાજરમાન નદીઓ જેવી કે યાંગત્ઝે, મેકાંગ, ગંગા, સિંધુ, ડાન્યુબ, એમેઝોન, મિસીસીપી, બ્રહ્મપુત્રા, નાઈલ વગેરે સુકાઈ રહી છે.
વિશ્વકવી ઓડેન કહે છે, 'આ જળ એટલે પૃથ્વીનો આત્મા. હજારો લોકો પ્રેમ વિના જીવ્યા હશે પણ જળ વિના એક પણ નહીં!' આપણી ગામની નદી, ગામનો કુવો, ગામનું તળાવ સુકાઈ જાય ત્યારે જળનું મૂલ્ય સમજાય તો ત્યારે ખુબ મોડું થઈ જશે. દરેક નાની કે મોટી નદી પૃથ્વી પરની એક નિરક્ષર પણ પામી જાય તેવી વહેતી કવિતા છે. શું આપણે તેને ખોઈ નાખવી છે?
ભારતીય ધારાનું એક સરસ પદ છે;
'રહિમન' પાની રાખીએ, બીનુ પાની સબ સુન ઼
પાની ગયે ન ઉબરૈ, મોતી માનૂસ ચૂન કદાચ, અસ્તિત્વ પોતાની પૃથ્વી પ્રત્યેની કરુણાનો સંદેશ જળ થકી વરસાવતો હશે.


