Get The App

ગીતાસંદેશ માટે સત્યવાદી યુધિષ્ઠિર કે બળવાન ભીમને બદલે બાણાવળી અર્જુનને કેમ પસંદ કર્યો ?

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ગીતાસંદેશ માટે સત્યવાદી યુધિષ્ઠિર કે બળવાન ભીમને બદલે બાણાવળી અર્જુનને કેમ પસંદ કર્યો ? 1 - image

- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- યુદ્ધોના ઇતિહાસમાં મહાભારતમાં આલેખાયેલું કુરુક્ષેત્રનું યુદ્ધ જૂદું તરી આવે છે. એની પાછળ સત્તાની આંધળી ભૂખ કે સામ્રાજ્ય વિસ્તારનો અહંકાર નથી

શું 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એ યુદ્ધકથા છે? ભારતીય સંસ્કૃતિના સમગ્ર ઇતિહાસમાં ભારતે પારકી ધરતી પર આક્રમણ કરીને મેળવેલા વિજયની એક ઘટના પણ મળતી નથી. 

તો શું આવી શાંતિપ્રિય, અહિંસક અને અનાક્રમક સંસ્કૃતિનો મહાન ગ્રંથ યુદ્ધનો ઉપદેશ આપે ખરો ? ઋષિ વેદવ્યાસ રચિત મહાભારતના ગ્રંથની વચ્ચોવચ આવેલી શ્રીમદ્ ભગવદ્ગીતા તો યુદ્ધને પેલે પાર જઈને માનવીય કર્તવ્યનો સંદેશ 

આપે છે. 

કેટલાક અર્થઘટન કરનારાઓએ શ્રીમદ્ ભગવદ્ગીતાને યુદ્ધ કથા તરીકે ઓળખાવી છે. 'યુદ્ધ એ જ કલ્યાણ'નો વી૨૨સભર્યો સંદેશ આમાંથી પ્રગટતો નીરખ્યો છે. કેટલાકે અર્જુનના હૃદયમાંથી અહિંસા અને સમભાવની વૃત્તિ દૂર કરીને એને યુદ્ધ માટે ઉત્સાહિત કરવાનો શ્રીકૃષ્ણનો આમાં આશય જોયો છે, પરંતુ વાસ્તવમાં 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એ આવી યુદ્ધ કથા નથી.  વિશ્વના ઇતિહાસ પર દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે વિશ્વમાં ખેલાયેલાં મોટાભાગનાં યુદ્ધોને યુદ્ધખોરોએ યોગ્ય ઠેરવવા અથાગ પ્રયાસ કર્યો છે. એ વિદિત છે કે આવાં ઘણાં યુદ્ધોમાં નિઃસહાય અને નિર્બળ લોકોનો નિર્દય રીતે સંહા૨ ક૨વામાં આવ્યો છે. આવાં યુદ્ધોની પાછળ સત્તા, સૌંદર્ય, ધર્મઝનૂન અને અહંકાર ચારેય કે કોઈ એક બાબત કારણભૂત હોય છે. વળી કેટલાંકે પોતે કરેલા યુદ્ધ કે આક્રમણને સાચું ઠેરવવા માટે જીતેલા પ્રદેશમાં પ્રવર્તતા અન્યાય અને અનાચારને દૂર કરવાનું કારણ આપ્યું છે. કેટલાકે શાંતિ ખાતર યુદ્ધ ખેલ્યું હોવાનો દંભ કર્યો છે. આજે ઇઝરાયેલ અને અમેરિકા ઈરાન સામે ભીષણ યુદ્ધ ખેલી રહ્યા છે. 

આ યુદ્ધોના ઇતિહાસમાં મહાભારતમાં આલેખાયેલું કુરુક્ષેત્રનું યુદ્ધ જૂદું તરી આવે છે. એની પાછળ સત્તાની આંધળી ભૂખ કે સામ્રાજ્ય વિસ્તારનો અહંકાર નથી. ઇતિહાસમાં અને સાહિત્યમાં નોંધાયું છે કે મહાભારતનું યુદ્ધ એ તો સત્ય અને ન્યાય માટે ખેલાયેલું યુદ્ધ હતું. એની પાછળનો હેતુ મર્યાદિત સિદ્ધિનો નહતો. એની ભીતરમાં કોઈ ભૌતિક પ્રયોજન નહોતું, કિંતુ એનો ઉદ્દેશ તો વૈશ્વિક દર્શન આપવાનો હતો. શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપરછલ્લો અભ્યાસ કરનારને એમાં યુદ્ધની પ્રેરણા દેખાય, પરંતુ કોઈપણ દાર્શનિક ગ્રંથને સમજવા માટે એની પરંપરા જોવી અનિવાર્ય બને છે. શ્રીમદ્ ભગવદ્ગીતાને પામવા માટે ભારતીય દર્શનશાસ્ત્રની વેદો અને ઉપનિષદની પરંપરા જોવી પડે. આ પરંપરાની ધારામાં જ શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રાપ્ત થઈ છે અને તેથી જ ગીતાને સમજવા માટે વેદ અને ઉપનિષદના હાર્દને સમજવું અનિવાર્ય બને છે. જે વૈશ્વિકદર્શન વેદ અને ઉપનિષદમાં છે, એવું જ વિશ્વકલ્યાણનું દર્શન શ્રીમદ્ ભગવદ્ગીતામાં છે. આપણું દુર્ભાગ્ય એ કે આ પરંપરાથી અનભિજ્ઞા એવા કેટલાકે આ કલ્યાણમય ગ્રંથને 'યુદ્ધની રમ્ય કથા' તરીકે ઓળખ્યો. 

શ્રીમદ્ ભગવદ્ગીતાનું પ્રથમ પ્રવેશદ્વાર પગથિયું વેદ અને ઉપનિષદનું જ્ઞાાન છે, એ જ રીતે એનું બીજું પ્રવેશદ્વાર વેદાંતની વિચારધારા છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશમાં વેદાંતદર્શન પ્રસ્ફુટિત થાય છે. કૃષ્ણનો ઉપદેશ એ યુદ્ધનો ઉપદેશ નથી, કિંતુ કર્તવ્યનો ઉપદેશ છે. એ કર્તવ્યના ભાગ રૂપે યુદ્ધ મળે છે. શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધની પ્રતીતિ કરાવતા નથી, પરંતુ સ્વકર્તવ્યની ઓળખ આપે છે. સચ્ચાઈ માટે અને ન્યાય માટે યુદ્ધ ન કરવું તે કર્તવ્યભંગ છે. શ્રીકૃષ્ણ અર્જુનને આ જ પ્રતીતિ કરાવવા માગે છે. 

એ સમયની અર્જુનની સ્થિતિ જોઈએ. અર્જુન સારથિ શ્રીકૃષ્ણને કહે છે કે મારી સાથે લડનારા કોણ કોણ છે, તે જરા જોઈ લઉં. માટે રણમેદાનની વચ્ચોવચ મારો રથ લઈ જાવ. અહીં અર્જુન સ્વજન, સગાવહાલાં, ગુરુજનો સહુને જુએ છે. સામે પક્ષે ઊભેલાં કૌરવોને જુએ છે. પોતાના જ પરિવાર સામે યુદ્ધ ખેલવા અંગે અર્જુન વિમાસણમાં પડી જાય છે. એનાં ગાત્રો ગળવાં લાગે છે. દેહમાંથી કંપારી છૂટે છે. રુંવાડા ખડા થઈ જાય છે. શત્રુઓના નાશ માટે પ્રસિદ્ધ એવું ગાંડીવ ધનુષ હાથમાંથી નીચે સરી પડે છે. શરીરની ત્વચા બળી રહી હોય તેવો અનુભવ થાય છે. અહીં ઊભા રહી શકાય તેવું લાગતું નથી. એનું મન સતત ભમે છે. શ્રીકૃષ્ણને બાણાવળી અર્જુન કહે છે કે રણમેદાનમાં સ્વજનોને હણવામાં એને કોઈ શ્રેય જણાતું નથી, બલ્કે ઘોર વિષાદ અનુભવે છે. સ્વજનોને મારીને વિજય, રાજ્ય કે સુખ કશું ઇચ્છતો નથી. સ્વજનોને હણ્યા પછી રાજ્ય, ભોગ કે સુખનો શો અર્થ ? અહીં અર્જુનનો માત્ર મોહજનિત વિષાદ છે.

વી૨ અર્જુનની સામે અત્યંત કપરી પરિસ્થિતિ છે. એક બાજુ સત્ય, સ્વધર્મ, કર્તવ્ય અને ન્યાય ખાતર એને રણક્ષેત્રમાં ગાંડીવ-ટંકાર કરવા પ્રેરે છે, તો સામે પક્ષે સ્વજનોના સંહારની હૃદયવિદારક પરિસ્થિતિમાંથી જન્મેલો મોહ એને ચલિત કરે છે. 

મહાભારતના યુદ્ધમાં પાંચ પાંડવોમાંથી શ્રીકૃષ્ણે અર્જુનને જ શા માટે સંદેશો આપ્યો ? શા માટે સત્યવાદી યુધિષ્ઠિર કે ભવિષ્યજ્ઞાાતા સહદેવને પસંદ ન કર્યો ? યુદ્ધ માટે સૌથી વધુ બલિષ્ઠ એવા ભીમસેનને આવું કશું ન કહ્યું ? 

આની પાછળનું રહસ્ય એ છે કે અર્જુન અસાધારણ વીર હોવા ઉપરાંત સદ્ગુણી માનવી હતો અને સતત જ્ઞાાનોત્સુક વિરલ વિદ્યાર્થી હતો. એનું હૃદયપાત્ર જ્ઞાાનને ઝીલે તેવું હતું અને તેથી વૈશ્વિક સંદેશ પ્રગટ કરતું જ્ઞાાન અર્જુનને અપાય એ યોગ્ય હતું. 

અર્જુનની બીજી વિશેષતા એની માનવીય પ્રતિભા છે. ભારતીય તત્ત્વવિચારના અન્ય ગ્રંથોમાં માનવજાતને ઉદ્દેશીને અધ્યાત્મજ્ઞાાન અપાય છે, પરંતુ આવા આત્મજ્ઞાાન ઉદ્બોધક ગ્રંથોની શ્રેણીમાં શ્રીમદ્ ભગવદ્ગીતા સાવ નોખું તરી આવે છે. ઉપનિષદ જેવા ગ્રંથોનું મુખ બ્રહ્મજ્ઞાાન પ્રત્યે છે, તો શ્રીમદ્ ભગવદ્ગીતાની દ્રષ્ટિ વ્યવહારજ્ઞાાન ભણી છે.  ભારતીય દર્શનગ્રંથોમાં વ્યવહારુજીવનની વિમુખતા અને રોજિંદા જીવનની સમસ્યાઓના નિરાકરણનો અભાવ હોય છે, એવો આક્ષેપ અણસમજમાં કરાયેલો જોવા મળે છે. આના સબળ પ્રત્યુત્તરરૂપે શ્રીમદ્ ભગવદ્ગીતા મૂકી શકાય. અર્જુન એ ઉમદા માનવીનું પ્રતીક છે. સત્ય કાજે લડનારો વીર પુરુષ છે. આવા અર્જુનને શ્રીકૃષ્ણ ઉપદેશ આપે, એનો અર્થ જ એ છે કે એક યોગ્ય ગુરુ પોતાના સુપાત્ર શિષ્યને ઉપદેશ આપે છે. વળી એ શિષ્ય કોઈ સંન્યાસી કે અધ્યાત્મસાધક નથી, કિંતુ વીરવૃત્તિથી યુદ્ધક્ષેત્રમાં આવેલો પરાક્રમી છે.  અર્જુનની મૂંઝવણ કોઈ ગૂઢ વિદ્યાની ગહન સમસ્યા નથી. એની સમક્ષ તો એક જ સમસ્યા છે એ તે એ કે આ યુદ્ધ એને માટે સ્વભાવપ્રાપ્ત અને અપરિહાર્ય એવું કર્તવ્ય છે ખરું ? 

અર્જુનની સ્વજનો સામે યુદ્ધે ચડવાની બાબતની દ્વિધા દૂર કરવાનું શ્રીમદ્ ભગવદ્ગીતાનું પ્રયોજન નથી. એનું પ્રયોજન તો એથી વિશેષ છે. જો એટલું જ પ્રયોજન હોત તો ગીતા માત્ર યુદ્ધની પ્રેરણાનો ગ્રંથ બની રહ્યો હોત અને એમાંથી કોઈ વૈશ્વિક સંદેશ કે જીવનધર્મના મર્મ પ્રગટાવનારી આ કૃતિ બની ન હોત. જ્યારે ગીતામાં વિશ્વની કોઈપણ વ્યક્તિને સ્પર્શે તેવું તત્વ છે. પ્રત્યેક જીવનને અનુરૂપ એવો સંદેશ નિહિત છે. આથી જ શ્રીમદ્ ભગવદ્ગીતા 'નામર્દ' અર્જુનને વી૨નો ઉત્સાહ આપવા રચાઈ નથી. અર્જુન ક્ષત્રિય હતો. શૂરવીર હતો. અનેકયુદ્ધો ખેલી ચૂક્યો હતો. એને એ પણ ખબર હતી કે મહાભારતના આ યુદ્ધ નિવારવાના સઘળા પ્રયત્નો વ્યર્થ ગયા છે. રાજ્યનો અર્ધો ભાગ નહીં, બલ્કે પાંચ ગામની પાંડવોની માંગણી પણ દુર્યોધને ઠુકરાવી છે. સોયની અણી જેટલી જમીન આપવાની પણ એની તૈયારી નથી. એથીય વિશેષ શ્રીકૃષ્ણ જેવાની વિષ્ટિ પણ નિષ્ફળ ગઈ છે. 

આ સંજોગોમાં અર્જુન યુદ્ધ માટે તૈયારી કરીને આવ્યો હતો. કોની સામે યુદ્ધ ખેલવાનું છે એની એને પૂર્ણ જાણકારી હતી. આથી ભગવદ્ગીતામાં યુદ્ધના સમર્થનનો કોઈ ખ્યાલ નથી, પરંતુ વ્યક્તિના કર્તવ્યપાલનનું સમર્થન છે. સગાવહાલાંનો સમૂહ જોતાં અર્જુન એના ન્યાયમુક્ત યુદ્ધમાંથી અને યોગ્ય કર્તવ્યમાંથી ડગે નહીં. તે માટે ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આથી ગીતાનો સંદેશ યુદ્ધમાંથી ચલિત થવું તે નથી, પરંતુ કર્તવ્યમાંથી પોતાની, ફરજમાંથી ચલિત થવું જોઈએ નહીં તે છે. આવી ફરજપાલનમાંથી ચલિત થવું એનો અર્થ એ છે કે સચ્ચાઈ માટે ઝઝૂમવું નહીં. ક્ષણેક મોહનું આવરણ આવે અને વ્યક્તિ ડગી જાય, આપ્તસંબંધીઓને જોઈને મન ડોલાયમાન થાય અને એ દ્વારા સ્વધર્મ અને કર્તવ્યવિમુખ બને તે કોઈ સંજોગોમાં ચાલે નહીં, આથી કર્તવ્યનો લલકાર હોય, સત્ય પ્રાપ્તિની મથામણ હોય, સ્વધર્મનું સંરક્ષણ હોય અને સ્વકર્તવ્યનો પડકાર હોય ત્યારે ન્યાયી યુદ્ધ ખેલવું એ અનિવાર્ય ફ૨જ બને છે, એવો શ્રીમદ્ ભગવદ્ગીતાનો સંદેશ છે.

- ક્ષણનો સાક્ષાત્કાર 

ગપ્પાંનો ઉદ્યોગ કેટલો બધો ધમધોકાર ચાલે છે ! બે પરિચિત કે અપરિચિત વ્યક્તિઓ મળે કે કોઈ પાનનાં ગલ્લા પર કે કોલેજની કેન્ટીનમાં હોય - બધે જ ગપ્પાંનો ઉદ્યોગ માત્ર ચાલતો જ નથી, પરંતુ ફૂલેફાલે છે. એક અર્થમાં ગપ્પાં જેટલી વ્યાપક, વિકાસશીલ અને મૌલિક વિચાર ધરાવતી બહુ ઓછી બાબત હોય છે.  વ્યાપક એ માટે કે એ ગપ્પું થોડાં જ સમયમાં આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે, વિકાસશીલ એ માટે કે એ વ્યક્તિના એક કાનથી બીજાના કાન સુધી સતત વિકાસ સાધતું રહે છે અને એમાં ગપ્પાં લગાવનાર પોતાનું મૌલિક ઉમેરણ કરીને મૂળ વાતમાં મીઠું, મરચું ભભરાવીને ફેલાવતો હોય છે. કુટુંબની વાત હોય કે પછી રાજકારણની વાત હોય, કે પછી કોઈના અંગત જીવનની વાત હોય, બધે જ ગપ્પાંબાજોનો ધંધો ધીકતો ચાલતો હોય છે.  એક ગપ્પાંબાજ શાસકપક્ષની તરફદારી કરે અને બીજો વિપક્ષને ટેકો આપે, ત્યારે આ ગપ્પાંની ભારે ઉછળ-કૂદ જોવા જેવી હોય છે. વળી ગપ્પાંબાજ એ રીતે વાત કરતો હોય છે કે જાણે એ નેતાએ એને ખૂણામાં બોલાવીને કાનમાં ધીમા અવાજે વાત કરી ન હોય ! કોલેજમાં કે કંપનીમાં આવા ગપ્પાંબાજો સહુનો આદર મેળવતા હોય છે. થોડો સમય એમની બોલબાલા રહે છે.  આવા ગપ્પાંબાજથી સાવધ રહેવું એ માટે જરૂરી છે કે તમારા મનમાં એવી વાત ઠસાવશે કે જે તમારું જીવવું હરામ કરી નાખશે. કોઈ અધ્યાપકને એમ કહે કે, 'કોલેજ મેનેજમેન્ટ તમારી સામે પગલાં લેવાની છે, કે કોઈ અધિકારીને કહે કે આ પ્રોજેક્ટ અભરાઈ પર ચડાઈ દેવાના છે, ત્યારે એ ગપ્પું અધ્યાપકને અને કર્મચારીને ઉજાગરા કરાવશે. એના મન પર, સ્વાસ્થ્ય પર અને શાંત જીવન પર આવા ગપ્પાંની ઘણી ખરાબ અસર થશે. 

તમારે તમારી આસપાસના આવા ગપ્પીદાસોને ઓળખી કાઢવા જોઈએ અને પછી એનાથી દૂર રહેવું અથવા તો એની વાતને વજૂદ ન આપવું. બાકી આવાં ગપ્પાંઓએ તો અનેક વ્યક્તિઓનાં જીવનને બરબાદ કરી નાખ્યાં છે.