- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
આ જના યુગમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનની મર્યાદાઓને પાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે એક વિવાદાસ્પદ સમાચાર સામે આવી ગયા છે. જે માનવ જીનેટિક્સ અને ક્લોનિંગના ભવિષ્યને પડકારે છે. જેફરી એપ્સ્ટીન જેને અમેરિકાના એક વિવાદાસ્પદ અને અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એક બિટકોઇન ડેવલપર સાથે મળીને 'ડિઝાઇનર બેબી'અને માનવ ક્લોનના પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી હતી. દસ્તાવેજોમાંથી ખબર પડે છે કે - ૨૦૧૮માં એપ્સ્ટીને, બ્રાયન બિશપ નામના વ્યક્તિને નાણાકીય સહાય આપવાની તૈયારી દર્શાવી હતી. જેમનો ઉદ્દેશ પાંચ વર્ષમાં પ્રથમ જીવંત ડિઝાઇનર બેબી અને કદાચ માનવ ક્લોનનો જન્મ કરાવવાનો હતો. બિશપે એપ્સ્ટીનને ઇમેઇલમાં પોતાના પ્રોજેક્ટની વિગતો (પીચ ડેક) મોકલી હતી. જેમાં જનીનીક બદલાવની વૈજ્ઞાનિક યોજનાઓનું વર્ણન હતું. એપ્સ્ટીને તરત જ જવાબ આપ્યો : 'મને રોકાણ કરવામાં કોઈ વાંધો નથી. સમસ્યા ફક્ત એ છે કે 'હું પ્રોજેક્ટ લીડર તરીકે વિશ્વ સમક્ષ આવી જઈશ.' આ ઇ-મેઇલ ઉપરથી કે 'એક વાત સ્પષ્ટ થાય છે કે એપ્સ્ટીન પોતાની જાહેર છબીને બચાવીને, આ પ્રોજેક્ટમાં છાનુંછપનું રોકાણ કરવા માગતો હતો.' આખરે આ પ્રોજેક્ટનુ શું થયું?
- એપ્સ્ટીનની છાયામાં 'ડિઝાઇનર બેબી'
એપ્સ્ટીન ફાઈલ રજૂ થયા પછી એપ્સ્ટીનની સાથે જોડાયેલો પ્રોજેક્ટ ચર્ચાસ્પદ બની ગયો છે. બિશપે દાવો કર્યો છે કે 'તેઓએ એપ્સ્ટીન પાસેથી કોઈ નાણાં લીધા નથી. પરંતુ ગુપ્ત દસ્તાવેજો અને વાતચીત ઘણું બધું કહી જાય છે કે 'વિજ્ઞાનના પડદા પાછળ કેવા કેવા ખેલ થઇ રહ્યા હતા.' આ બંને વ્યક્તિત્વોના મળવાથી એક અનોખું સ્ફોટક મિશ્રણ બન્યું હતું. એક તરફ એપ્સ્ટીનની પાસે વિવાદાસ્પદ પાવર હતો. બીજી તરફ બિશપ ટેક્નોલોજીકલ જાણકારી અને ટ્રાન્સહ્યુમેનિસ્ટ દ્રષ્ટિકોણ સાથે કૈક નવુ કરવા માંગતો હતો. આ વાત અને પ્રયોગો માત્ર વૈજ્ઞાનિક પ્રગતિને લગતા જ નથી, પરંતુ તેમાં નૈતિકતા અને કાયદાની મર્યાદાઓને તોડવાની વાત હતી.
૨૦૦૮માં જેફરી એપ્સ્ટીનને અપરાધી તરીકે સજા થઈ હતી. થોડા વર્ષો બાદ જેફરી એપ્સ્ટીનનું અને હાલમાં થોડા મહિનાઓ પહેલાં, એપ્સ્ટીન પર આરોપ મુકનાર અને પીડિતા મહિલા વર્જિનિયા જીફ્રેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. (જેને આત્મહત્યા તરીકે રજુ કરવામાં આવે છે) આવાં સંજોગોમાં ખતરનાક પ્રોજેક્ટો વિશે વિચારવાનું આપણે માટે જરૂરી બની જાય છે. આ પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ હતું : માનવ જર્મલાઇનને કાયમી રીતે બદલીને એક નવા જ પ્રકારના બાળક એટલેકે 'ડિઝાઇનર્સ બેબી' તૈયાર કરવાની યોજનાને આકર આપવાનો હતો. જેથી માતા-પિતાના પસંદગીના ગુણો, જેમ કે વધુ મજબૂત સ્નાયુઓ, રોગ પ્રતિરોધક ક્ષમતા અને લાંબું આયુષ્ય, વગેરે તેના સંતાનોને પ્રાપ્ત થાય. બિશપે એપ્સ્ટીનને આ પ્રોજેક્ટના ખર્ચની વિગતો મોકલી હતી. પાંચ વર્ષ માટે વાર્ષિક ૧.૭ મિલિયન ડોલર ખર્ચ અને લેબ સેટઅપ માટે ૧ મિલિયન ડોલર અલગથી જરુર પડે, કુલ ૯.૫ મિલિયન ડોલર સુધી બજેટ પહોંચે તેમ હતું. બિશપે શરૂઆતમાં સ્પર્મ ઉત્પાદક કોષોને જીન થેરપી દ્વારા બદલવાનું સૂચવ્યું, પરંતુ ત્યારબાદ તેઓ વિકાસતા ગર્ભનાં, જનીન બદલાવાની ટેક્નિક તરફ વળ્યા હતા. જે ક્લોનિંગ જેવી તકનીક સાથે જોડાયેલી હતી.
- એપ્સ્ટીનનું સ્વપ્ન
પ્રોજેક્ટના કેન્દ્રમાં બે મુખ્ય વ્યક્તિઓ છે : જેફરી એપ્સ્ટીન અને બ્રાયન બિશપ. એપ્સ્ટીનને ૨૦૦૮માં અન્ડરએજ છોકરીને પ્રોસ્ટિટયુશન માટે પ્રોક્યોર કરવાના આરોપમાં સજા થઈ હતી. એપ્સ્ટીનને ટ્રાન્સહ્યુમેનિઝમમાં ઊંડો રસ હતો. તે માનતો કે જિનેટિક્સ અને ટેક્નોલોજી દ્વારા માનવ શરીર અને મનની મર્યાદાઓને પાર કરી શકાય તેમ છે. તેઓએ આ કામ માટે વૈજ્ઞાનિકોને ડોનેશન આપ્યા હતા અને કોન્ફરન્સ યોજી, જેમાં જીનેટિક એન્હાન્સમેન્ટ અને લાંબુ આયુષ્ય જેવા વિષયો પર ચર્ચા થતી હતી. એપ્સ્ટીને પોતાના ડીએનએને વંશજોમાં ફેલાવવાની વાત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ પોતાના મૃત્યુ પછી પોતાના માથા અને અંગને ફ્રીઝ કરાવવા માગે છે. આ પ્રોજેક્ટમાં તેઓએ બિશપને રોકાણ કરવાની તૈયારી દર્શાવી, પરંતુ જાહેરમાં આગેવાની ન લેવા પર ભાર મૂક્યો હતો.
૨૦૧૮માં તેઓએ 'ડિઝાઇનર બેબી' પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં તેમના પાર્ટનર મેક્સ બેરી (ભૂતપૂર્વ બાયોટેક લેબ સાયન્ટિસ્ટ) સાથે મળીને જર્મલાઇન જીનેટિક એન્જિનિયરિંગ પર કામ કર્યું હતું. બિશપે પોતાના પ્રોજેક્ટ માટે બિટકોઇન અને અન્ય સ્ત્રોતોમાંથી ફંડિંગ ભેગું કર્યું હતું. જેનો ઉપયોગ કરીને યુક્રેનમાં લેબમાં માઉસ પર પ્રયોગો કર્યા થયા હતા. ત્યારબાદ તેઓએ સમગ્ર પ્રોજેકટની રૂપરેખા બાનવીને એપ્સ્ટીન સાથે વાતચીત કરી હતી. જેમાં પાંચ વર્ષમાં પ્રથમ ડિઝાઇનર બેબી અને ક્લોનનો જન્મ કરાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
બ્રાયન બિશપ અને જેફરી એપ્સ્ટીનનો પ્રોજેક્ટ વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો, 'ગેરેજ બાયોલોજી' તબક્કાથી શરૂ થયો હતો. જે હજી ક્યાંય પરિણામ સુધી પહોંચી શક્યો નથી. વિજ્ઞાન જગતમાં આવા ઘૈંરૂ અભિગમને જોખમી ગણવામાં આવે છે. જોકે એપ્સ્ટીને આ વિચારને ખૂબ પસંદ કર્યો હતો. પરંતુ અચાનક ૧૦ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ જેફરી એપ્સ્ટીનનું મૃત્યુ થયું હતું. આ સમયે એપ્સ્ટીન ન્યૂયોર્કની મેટ્રોપોલિટન કરેક્ટનલ સેન્ટર જેલમાં કસ્ટડીમાં હતા. જ્યાં સત્તાવાર તપાસ મુજબ તેમનું મૃત્યુ આત્મહત્યા (ફાંસો) તરીકે નોંધાયું છે.
- ક્લોનિગ બેબીના પ્રથમ ધબકારા ?
દરેક વ્યક્તિ તેનાં પોતાના બાળકને સારું ભવિષ્ય આપવા માટે શિક્ષણ આપવાં માંગે છે, તેમ વિજ્ઞાન પણ માનવ જનિનોને 'સુધારવા'નો પ્રયાસ કરે છે, સવાલ એ છે કે 'ખાસ ગુણો ધરાવતાં બાળકોને ડિઝાયનર બેબી પેદા કરવાનો આઈડિયાનો વિકાસ કેવી રીતે થયો ? ૨૦મી સદીના પ્રારંભમાં યુજેનિક્સના ઉદય સાથે માનવ જીનેટિક્સને બદલવાના વિચારની શરૂઆત સાથે થઈ હતી. તે સમયે વૈજ્ઞાનિકો અને સમાજના કેટલાક વર્ગો માનતા હતા કે 'માનવ વંશને 'સુધારી'ને વધુ સારો બનાવી શકાય છે. જેમ કે ભારતમાં પ્રાચીન કાળથી ગોત્ર પ્રથા અને વર્ણ વ્યવસ્થા દ્વારા વારસાગત ગુણોને જાળવવાના પ્રયાસો થતા હતા.' પરંતુ આધુનિક યુજેનિક્સમાં આ વિચારને વૈજ્ઞાનિક આધાર આપવાનો પ્રયાસ થયો હતો. જેમાં અમેરિકા અને યુરોપમાં અનિચ્છનીય ગણાતા લોકોને વંધ્યીકરણ કરવાના કાયદા પણ પસાર થયા હતાં. નાઝી જર્મનીમાં આ વિચારને અત્યંત ભયાનક રીતે અમલમાં મૂકવામાં આવ્યો, જેના કારણે બીજા વિશ્વયુદ્ધ પછી યુજેનિક્સને નૈતિક રીતે નકારી કાઢવામાં આવે છે. હિટલર સાથે યુજેનિક્સના પ્રયોગો પણ જોડાયેલા છે.
૧૯૫૦ના દાયકામાં ડીએનએની ડબલ હેલિક્સ સ્ટ્રક્ચરની શોધ થઈ, જેણે જીનેટિક્સને નવી દિશા આપી. ૧૯૭૦ના દાયકામાં રિકોમ્બિનેન્ટ ડીએનએ તકનીક આવી, જેનાથી જીનને કાપીને જોડવાનું શક્ય બન્યું. જ્યારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા પ્રથમ ટેસ્ટ-ટયુબ બેબી લુઇસ બ્રાઉનનો જન્મ ૧૯૭૮માં થયો હતો. તેવાં સમયે જ 'ડિઝાઇનર બેબી' શબ્દ પ્રચલિત થયો હતો. ૧૯૮૦-૯૦ના દાયકામાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયો, જેણે ૨૦૦૩માં માનવ જીનોમનું પૂરું મેપિંગ કર્યું, જેમાં રોગના કારણભૂત જીનને બદલવાના પ્રયાસો થયા હતાં. પરંતુ જર્મલાઇન એડિટિંગ એટલે કે વારસાગત ફેરફારને લગતા ફેરફારો હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે. ૨૦૧૨માં CRISPR-Cas9 ટેક્નિકની શોધ થઈ હતી. જેના કારણે હવે જિનેટિક એડીંગ સાવ સરળ બની ગયું હતું. આ ટેક્નિકે જીવવિજ્ઞાનમાં ક્રાંતિ લાવી દીધી છે.
- અંતિમ યોજના
નવેમ્બર ૨૦૧૮માં બિશપે એપ્સ્ટીનને જણાવ્યું કે 'તેમની ટીમ એક નવી તકનીક તરફ વળી છે, જે ટેસ્ટિસ સ્ટેમ સેલ્સને બદલે સીધી એમ્બ્રિયો એડિટિંગ પર આધારિત છે. જે ક્લોનિંગ જેવી છે. આ પદ્ધતિમાં જીવંત પિતાના જીનનું ઇન્જેક્શન કરવાની જરૂર નથી; તેના બદલે ગર્ભને એડિટ કરીને ઇચ્છિત ગુણો ઉમેરી શકાય છે. બિશપે આને 'બોલ્ટ ઓફ લાઇટનિંગ' જેવો આઇડિયા ગણાવ્યો હતો. જોકે આ ટેક્નિકમાં ભઇૈંજીઁઇ-ભચજ૯ જેવા ટૂલ્સનો ઉપયોગ થઈ કેટલો શકે તેમ છે. તેની કોઈ જ વિગતો નથી. પણ બિશપે તેના ઈ-મેલમાં બિઝનેસ પ્લાન પણ શેર કર્યો હતો : અમેરિકામાં ઇ:ઘ કરી શકાય, પરંતુ ક્લિનિકલ ઉપયોગ માટે મેડિકલ ટુરિઝમ અને વિદેશી ક્લિનિક્સ સાથે પાર્ટનરશિપની યોજના બનાવવી પડશે. તેઓએ એડિટેડ ડીએનએને વિદેશી ક્લિનિક્સને વેચવાનું અને કમિશન લેવાનું વિચાર્યું હતું.
એપ્સ્ટીનનાં મૃત્યુ બાદ, બિશપે પોતાના પ્રોજેક્ટને આગળ ચલાવ્યો કે નહિ તેની કોઇ માહિતી ઉપ્લબ્ધ નથી. જેફરી એપ્સ્ટીનના મૃત્યુ બાદ ડૉ. જ્યોર્જ ચર્ચ અને સંબંધિત સંશોધક બ્રાયન બિશપે જાહેરમાં એપ્સ્ટીન સાથેના સંબંધોથી અંતર બનાવ્યું છે. આ ઉપરાંત ચોક્કસ એમ્બ્રિયો-એડિટિંગ પ્રોજેક્ટની કોઈ જાહેર અથવા દસ્તાવેજી પ્રગતિ સામે આવી નથી. જેનાં અનેક કારણો હોઈ શકે છે. ૧. એપ્સ્ટીન મુખ્ય ભંડોળ સ્ત્રોત હતા, તેના મૃત્યુ બાદ ફાઇનાન્સિંગ અટક્યું હોવાની સંભાવના છે. ૨. એપ્સ્ટીન સાથે જોડાણ જાહેર થવાથી આવાં પ્રોજેક્ટ્સ ચૂપચાપ બંધ થઈ ગયા સ્થગિત થઈ ગયા. ૩. નૈતિક-કાનૂની સવાલોની જોડાણ પહેલેથી જ વિવાદાસ્પદ ક્ષેત્ર છે, એપ્સ્ટીન-કનેક્શને તેને વધુ સંવેદનશીલ બનાવ્યું છે. આ બધા કારણોસર 'ડિઝાઇનર બેબી' નુ સ્વપ્ન હજી અધૂરું લાગે છે. આ બધું વાંચીને તમને શું લાગે છે? શું ડિઝાઇનર બેબીની ટેક્નિકને મંજૂરી આપવી જોઈએ, કે પછી તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવી જોઈએ? જો તમારા બાળકના જનીનોમાં ફેરફાર કરવાની તક મળે, તો તમે કયા તમારાં સંતાનોમાં ક્યાં ગુણો પસંદ કરશો અને શા માટે?


