- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
- આપણે એઆઈને 10 સવાલો પૂછીએ ને એના જવાબો આપણી સ્ક્રીન સામે હાજર થાય ત્યાં સુધીમાં એઆઈ અડધાથી એક લિટર પાણી વાપરી કાઢે છે!
- સવાલોના જવાબો આપવાના બદલામાં પાણી પી જતાં બોલતા પોપટની વાર્તા અને એઆઈ ટેકનોલોજી!
પ્રાચીન સમયની વાત છે. એક મોટું રાજ્ય હતું. લોકો સુખેથી રહેતા હતા. દરેક વ્યક્તિને ત્રણ ટંક ખાવાનું અને પૂરતું પાણી મળી રહેતું હતું. લોકો પાકા મકાનોમાં રહેતા હતા. આવડત પ્રમાણે નોકરી-ધંધો કરીને આજીવિકા મેળવતા હતા. રાજ્યમાં મનોરંજન માટે બગીચાઓ હતા, તળાવો હતા, રમતના મેદાનો હતા. નહેરોના માધ્યમથી દરેક વિસ્તારમાં પાણી પહોંચતું હતું. હરિયાળા ખેતરો હતા.
રાજ્યના પાટનગરથી થોડે દૂર પર્વત પર સેમોસ અલ્ટિમિયસ નામનો એક જાદુગર રહેતો હતો. પર્વતની ટોચે બેસીને તે કંઈક પ્રયોગો કરતો હતો. લોકો કહેતા કે તેણે અજબ સિદ્ધિઓ મેળવી છે. એક દિવસની વાત છે. જાદુગર સેમોસ એક બોલતો પોપટ લઈને રાજ્યમાં આવ્યો.
તેણે રાજાના દરબારમાં પોપટને રજૂ કરતા કહ્યું, 'મહારાજ! આ પોપટ તમારી બધી જિજ્ઞાાસાનું સમાધાન કરી શકે છે. તમે ઈચ્છો તો સવાલ પૂછીને જુઓ!'
રાજાએ કુતૂહલથી પોપટને પૂછ્યુંઃ 'મારા રાજ્યને સમૃદ્ધ કરવા કેવા પગલાં ભરવા જોઈએ?'
'તમારે વેપાર વધારવો જોઈએ. ધનવાનો પાસેથી કરવેરો વધારે વસૂલવો જોઈએ. યુદ્ધો ન કરીને ધન બચાવવું જોઈએ. રાજ્યમાંથી કુશળ નાગરિકોને અન્ય રાજ્યોમાં કમાવા મોકલીને તેમાંથી રાજ્યનો હિસ્સો મેળવવો જોઈએ.' પોપટે તો પળનો જ વિલંબ કર્યા વગર જવાબ આપી દીધો. ખુશ થયેલા રાજાએ બીજા બે ત્રણ સવાલો પૂછ્યા કે જાદુગર સેમોસ બોલ્યોઃ 'મહારાજ! ક્ષમા કરશો પણ હું તમને કહેતા ભૂલી ગયો. આ પોપટ એક સવાલના જવાબમાં એક કુંજો પાણી ભરીને પી જાય છે. જો તમે પાણી નહીં પીવડાવો તો એ બોલી શકશે નહીં.'
'એમાં શું મોટી વાત છે!' રાજાએ સેવકોને પાણીનો કુંજો હાજર કરવાનો આદેશ આપ્યો કે પળવારમાં જ પોપટ પાણી ગટગટાવી ગયો.
આ રીતે દરરોજ જાદુગર સેમોસ બોલતો પોપટ લઈને રાજ્યમાં આવતો. રાજા, દરબારીઓ, વેપારીઓ, નાગરિકો - એમ સૌ કોઈ પોપટને સવાલો પૂછતા ને બદલામાં કુંજો ભરીને પાણી પીવડાવતા. પાણી જેવી નગણ્ય ચીજ આપવાથી પોપટ આટલા સરસ જવાબો આપતો હતો એટલે નગરજનો તો દિવસમાં હોંશેહોંશે સવાલોનો વરસાદ કરી દેતા.
પણ ધીમે ધીમે પોપટ એટલું પાણી પીવા માંડયો કે નગરમાં પાણીની અછત થવા લાગી. રાજા સુધી ફરિયાદ પહોંચી. જાદુગર સેમોસ અને તેના પોપટ પર રાજ્યમાં આવવા પ્રતિબંધ મૂકવાની માગણી ઉઠી, પરંતુ ત્યાં સુધીમાં તો બીજા કેટલાય જાદુગરો આવા તાલીમબદ્ધ પોપટો લઈને રાજ્યમાં આવતા થઈ ચૂક્યા હતા. લોકોને આવા બોલતા પોપટોનું વળગણ થઈ ચૂક્યું હતું. લોકોના ભાગનું પાણી પોપટ પી જતો હોવા છતાં લોકોના પ્રિય એવા બોલતા પોપટનો રાજા પણ કોઈ ઉપાય કરી શક્યા નહીં. પરિણામ એ આવ્યું કે જળાશયોથી દૂર રહેતાં લોકો સુધી તો પાણી જ પહોંચતું બંધ થઈ ગયું.
પ્રાચીન કથાની શૈલીમાં લખેલી આ વાર્તાને વાંચ્યા પછી જાદુગર સેમોસ અલ્ટિમિયસને ચેટજીપીટીના સર્જક સેમ ઓલ્ટમેન માની લો ને બોલતા પોપટને ચેટજીપીટી ગણીને વાર્તા ફરી વાંચો. કાલ્પનિક નગરમાં એક પોપટ પાણી પી જતો હતો એટલે જે સ્થિતિ સર્જાઈ હતી એવી જ સ્થિતિ દુનિયામાં અત્યારે એઆઈ ટેકનોલોજીના કારણે ધીમે પગલે સર્જાઈ રહી છે. આપણને તુરંત એનો ખ્યાલ આવે એમ નથી, પરંતુ લાંબાંગાળે વિકરાળ સમસ્યા મોં ફાડીને આપણી સામે ખડી થઈ જવાની છે.
વિશ્વની ૮૦૦ કરોડની વસતિમાંથી ૪૦૦ કરોડ લોકોને ભલે નિયમિત નહીં તોય વર્ષે અમુક મહિના પાણીની અછત ભોગવવી પડે છે. ૨૦૦ કરોડ લોકોને ૧૦ મહિના પૂરતું પાણી મળે છે, પરંતુ બે-અઢી મહિના પાણીની કપરી તંગી પડે છે. ૧૫૦ કરોડ લોકો તો લગભગ દરરોજ પાણીની અછતનો સામનો કરે છે. આ ૧૫૦ કરોડ લોકો રણ-પહાડો કે દુર્ગમ વિસ્તારોમાં રહેતા હોવાથી તેમને જોઈએ એટલું પાણી વર્ષભર મળી શકતું નથી. છૂટા પાણીથી નહાવું કે છૂટા પાણીથી કપડાં ધોવાં એ તેમના માટે લક્ઝરી છે. અહેવાલો કહે છે કે ૨૦૩૦-૨૦૩૫ સુધીમાં પાણીની અછતથી ઝઝૂમતાં લોકોની સંખ્યા બમણી એટલે કે ૩૦૦ કરોડ થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. યુનિસેફ ચેતવણી આપે છે કે ૨૦૩૦ સુધીમાં ૭૦ કરોડ લોકો પાણીની તંગીથી ત્રાસીને વિસ્થાપિત થઈ જશે.
દર વર્ષે ૪.૩ ટ્રિલિયન ક્યૂબિક મીટર પીવાલાયક પાણીનો જથ્થો દુનિયામાં વપરાય છે. ૨૦૫૦માં વિશ્વની વસતિમાં ૨૭૦ કરોડ માથાં ઉમેરાશે એટલે આગામી ૨૫ વર્ષ પછી અત્યારે વપરાય છે એના કરતા બમણો પીવાલાયક પાણીનો જથ્થો જરૂરી બનશે. પીવાનું પાણી સતત જુદા જુદા કારણથી પ્રદૂષિત થઈ રહ્યું છે એટલે કરોડો લોકો જે પાણી પીવાના ખપમાં લે છે તે પીવાલાયક હોતું નથી. તેનાથી તેમને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવું પડે છે.
દુનિયામાં દરરોજ ૧૦ અબજ ટન પાણીનો જથ્થો વપરાય છે. સરેરાશ એક માણસ એક દિવસમાં ૨૧૭૧ લીટર પાણી વાપરે છે! જેમાં સ્નાન કરવાથી લઈને પીવા માટે વપરાયેલા પાણીનો જથ્થો અને કપડા ધોવાથી લઈને રસોઈમાં વપરાયેલા પાણીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આપણે જે વિવિધ પ્રોડક્ટ્સ વાપરીએ છીએ તેની બનાવટમાં જળનો જથ્થો વપરાય છે એની ગણતરી પણ આમાં થઈ છે ને હવે ગણતરી કરવી પડે એવું વધુ એક ફેક્ટર ઉમેરાયું છે. જેનું નામ છે - એઆઈ.
દુનિયામાં ૬૦૦ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી ૧૮ ટકા લોકો એઆઈનો ઉપયોગ કરે છે. ગ્લોબલી અંદાજે ૧૦૦ કરોડ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ યુઝર્સ દરરોજ જુદા જુદા એઆઈ ટૂલ્સને ૨૫૦ કરોડ પ્રોમ્પ્ટ આપે છે. એઆઈને પ્રોમ્પ્ટ આપવા એટલે એઆઈ પાસેથી કંઈ કામ લેવું હોય તો તેના બદલામાં તેને આપવી પડતી માહિતી. એઆઈને પ્રોમ્પ્ટ આપ્યા પછી એ તેનો જવાબ આપે છે. કોઈને માહિતી આપે છે, કોઈને અનુવાદો કરી આપે છે, કોઈને ફોટો બનાવી આપે છે, કોઈને વીડિયો ક્રિએટ કરી આપે છે. આ બધું જ કામ ગણતરીની સેકન્ડ્સમાં થાય છે એટલે દુનિયાભરમાં એઆઈના યુઝર્સ વધી રહ્યા છે.
પણ એઆઈ જ્યારે આ કામ કરે છે ત્યારે એ આપણા ડેટાનો ખોરાક લેવાની સાથે વીજળી-પાણીનો મોટો જથ્થો ઓહિયાં કરી જાય છે. ૧૦ કરોડ યુઝર્સ એઆઈ પાસેથી જેટલું કામ લે છે એમાં જેટલી વીજળી વપરાય છે એટલી વીજળીથી ૨૨ હજાર ઘર ૨૪ કલાક રોશન રહી શકે છે. ડેટા સેન્ટર્સ ઠંડા રાખવા જરૂરી છે, નહીંતર એ કામ કરતા નથી. તેમાં ઝડપ આવે નહીં. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે પાણીની વિપુલ માત્રા વપરાય છે. ગૂગલનો ઈન્વાયરમેન્ટ રિપોર્ટ કહે છે કે તેના એઆઈ ડેટા સેન્ટર્સ પાછળ વર્ષમાં ૨૩૦૦ કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. એક વર્ષમાં એમાં ૧૭ ટકાના દરે વધારો થઈ રહ્યો છે. વર્ષ દર વર્ષ આ આંકડો એકધારો વધતો રહેવાનો છે.
આપણે એઆઈને ૧૦ સવાલો પૂછીએ ને એના જવાબો આપણી સ્ક્રીન સામે હાજર થાય ત્યાં સુધીમાં એઆઈ અડધાથી એક લિટર પાણી વાપરી કાઢે છે! તમે એઆઈ એજન્ટ પાસે એક મિનિટનો વીડિયો બનાવો ત્યાં સુધીમાં ૬-૭ સભ્યોના પરિવારને દિવસભર પીવાનું પાણી થઈ રહે એટલું યાને ૩૦ લિટર પાણી વપરાઈ જાય છે. એક પછી એક ધડાધડ એઆઈ એપ્સ બને છે એ જોતાં આવતા વર્ષે ગ્લોબલી એઆઈ સેન્ટર્સને ૬.૬ અબજ ક્યૂબિક મીટર પાણીની
જરૂર પડશે.
આ હિસાબે ગણતરી કરીએ તો એઆઈ માટે જે પાણી વપરાશે તે દુનિયાના ૩૦૦ કરોડ લોકોની દૈનિક જરૂરિયાત પૂરી શકે એટલું હશે. પીવાના પાણીની વાત થાય તો એઆઈ એટલો મોટો શુદ્ધ પાણીનો જથ્થો ખતમ કરે છે કે એમાંથી ૧૫૦ કરોડ લોકોને દરરોજ પીવાનું પાણી પૂરું પાડી શકાય. ૨૦૩૦ સુધીમાં ૩૦૦ કરોડ લોકો પાણીની ગંભીર તંગીથી પરેશાન હશે. એમાં વળી જો એઆઈ પાછળ પાણીનો વિશાળ જથ્થો વપરાશે તો આ આંકડો ધારણા બહાર ખૂબ મોટો થઈ જશે.
વેલ, બોલતા પોપટનું લોકોને વળગણ થઈ જશે પછી રાજા પણ એના પર પ્રતિબંધ મૂકી શકશે નહીં!

- વૉટર એન્ડ જેન્ડર : વર્લ્ડ વૉટર ડેની થીમ
યુનાઈટેડ નેશન્સે આ વર્ષની વર્લ્ડ વૉટર ડેની થીમ વૉટર એન્ડ જેન્ડર રાખી છે. પાણીની અછતની પીડા સૌથી વધુ મહિલાઓએ ભોગવવી પડે છે. આજેય કરોડો મહિલાઓ પાણીની વ્યવસ્થા કરે છે એટલે તેમને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. યુએન કહે છે કે દુનિયામાં ૧૦૦ કરોડ મહિલાઓ પીવાના પાણી માટે દરરોજ સંઘર્ષ કરે છે. ભારત સહિતના ગંભીર પાણીની અછત ધરાવતા ૫૩ દેશોના ડેટા પરથી તારણ અપાયું કે આ દેશોની મહિલાઓ પાણી ભરવા પાછળ જે સમય આપે છે એનો સરવાળો થાય છે ૨૫ કરોડ કલાક. ૧૫ ટકા દેશોમાં મહિલાઓને પાણીની વ્યવસ્થામાં પુરુષોની મદદ મળતી નથી. પાણીની તંગી ભોગવતા વિસ્તારોમાં પણ વૉટર મેનેજમેન્ટમાં સમાનતા આવે તે માટે યુએને આ થીમ પસંદ કરી છે.


