Get The App

'મને મિડીયોકર કામ કરવામાં રસ નથી...'

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
'મને મિડીયોકર કામ કરવામાં રસ નથી...' 1 - image

- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

- 'ધુરંધર-ટુ' પછી શું? 'ધુરંધર-થ્રી'? કદાચ, હા. એમ તો રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધર અશ્વત્થામા પર પણ ફિલ્મ બનાવવા માગે છે, જો ટેકનોલોજી અને બજેટનો સરખો સાથ મળે તો.  

સૌથી પહેલાં તો રામગોપાલ વર્માને આ દાયકાના શ્રેષ્ઠોત્તમ પ્રચારકનો અવોર્ડ આપી દો. એમણે એકલે હાથે જે રીતે 'ધુરંધર'ના પહેલા અને બીજા ભાગનો પ્રચાર કર્યો છે તે રીતે તો ટોચની દસ પીઆર એજન્સીઓ સાથે મળીને પણ કરી શકી ન હોત. આ બુધવારે ભારતભરમાં 'ધુરંધર-ટુ'ના મોંઘાદાટ પ્રીમિયર શોઝ યોજાયા. તેના એક દિવસ પહેલાં રામુજી ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ અટેન્ડ કરી આવ્યા ને પછી તમણે ટ્વિટર (એક્સ) પર રિવ્યુ શેર કર્યો. 'ધુરંધર-ટુ'નો આ પહેલો ઓફિશિયલ રિવ્યુ. લખે છેઃ 

'ગઈ કાલે સાંજે મેં 'ધુરંધર-ટુ' જોઈ. ફિલ્મનું અપેક્ષિત બોક્સ ઓફિસ કલેક્શન, ઓડિયન્સનો ક્રેઝ, જનતા પર તેનો પ્રભાવ, સિનેમાના ટિપિકલ ગ્રામરના તેણે જે રીતે ભુક્કા બોલાવી દીધા છે તે, અને ખાસ તો જે પ્રકારનો સાઇકોલોજિકલ ઓડિયો-વિઝ્યુઅલ ઇમ્પેક્ટ તે પેદા કરે છે - આ બધાનો સરવાળો કરીને કહી શકાય કે આ ફિલ્મ 'શોલે' કરતાં ૧૦૦ ગણી વધારે ભવ્ય બની રહેવાની છે. 'મુઘલ-એ-આઝમ'થી શરૂ કરીને અત્યાર સુધીની તમામ મહાનતમ ફિલ્મો હવે ('ધૂરંધર-વન અને ટુ'ની સામે) ટીવી સિરીયલ જેવી લાગવાની છે.'

કેવડું મોટું સ્ટેટમેન્ટ! રામગોપાલ વર્મા આગળ લખે છેઃ 'ધિસ ઇઝ ધ બર્થ ઓફ અ ન્યુ સિનેમેટિક ઓર્ડર. અત્યાર સુધી સિનેમાજગતમાં જે કંઈ અસ્તિત્ત્વ ધરાવતું હતું તેનો આ ફિલ્મે સફાયો કરી નાખ્યો છે... બીજાઓ તો ઠીક, ઇવન (હોલિવુડના ટોપ ડિરેક્ટરો) સ્ટીવન સ્પિલબર્ગ અને ક્રિસ્ટોફર નોલન માટે પણ ડહાપણ એ જ વાતમાં છે કે એ બધાં કામ પડતાં મૂકે અને 'ધુરંધર-ટુ' ફર્સ્ટ ડે-ફર્સ્ટ શોમાં જોઈ આવે.'

ભાષાશાસ્ત્રમાં અતિશયોક્તિને એક અલંકાર ગણવામાં આવ્યો છે. અતિશયોક્તિ તે અભિવ્યક્તિની જ એક રીત છે. 'ધુરંધર-વન' આવી ત્યારથી લઈને આજ સુધી રામગોપાલ વર્માના જે કંઈ કહેતા આવ્યા છે એનો સાર આટલો જ છેઃ 'ધુરંધર' સિરીઝની બન્ને ફિલ્મો ભારતીય સિનેમામાં ઉથલપાથલ કરી નાખે એવી જબરદસ્ત અને અસાધારણ છે. આ બે ફિલ્મોની સુપર સફળતા પછી માત્ર બોલિવુડ નહીં, પણ ભારતભરની ફિલ્મોની સિનેમેટિક લેંગ્વેજ, સમીકરણો અને ગણિત વગેરે હંમેશ માટે બદલાઈ જવાનાં છે. 

ખરેખર આવંુ બને છે કે કેમ તે તો સમય જ બતાવશે, પણ એક વાત નિશ્ચિત છેઃ 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મે ગજબનાક અસર છોડી છે. આદિત્ય ધર એક દમદાર ડિરેક્ટર છે તેવું આપણે એમની પહેલી જ ફિલ્મ 'ઉડીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' (૨૦૧૯) આવી ત્યારથી જાણીએ છીએ, પણ બીજી-ત્રીજી ફિલ્મમાં તેઓ આટલી મોટી છલાંગ લગાવશે તેવી કલ્પના કોઈએ કરી નહોતી. આદિત્યની એક્ટ્રેસ પત્ની યમી ગૌતમ કહે છે, 'એ જેવો બહાર દેખાય છે એવો જ અસલી જીવનમાં છે. ઓથેન્ટિક માણસ છે એ. બહુ જ, બહુ જ ઓથેન્ટિક. પડકારો આપણા સૌના જીવનમાં આવતા હોય છે. આદિત્યના જીવનમાં પણ ખૂબ મુશ્કેલીઓ આવી છે, પણ એના ચહેરા પરથી ક્યારેય સ્મિત વિલાયું નથી. ગમે એવી મુશ્કેલીઓ આવે તો પણ એ પોતાના સિદ્ધાંતો અને એથિક્સ પર અડગ ઊભો રહે છે. જાતજાતના અનુભવો થયા છે એને, પણ આ અનુભવોમાંથી એ શીખ્યો છે, માણસ તરીકે એ બદલાયો નથી.'

આદિત્ય ધરનો બીજો આકર્ષક ગુણ એનું કન્વિક્શન છે. આજે જ્યારે લોકો પંદર સેકન્ડની પૂરી રીલ જોવાની ધીરજ પણ રાખી શકતા નથી ત્યારે આદિત્ય ૩ કલાક ૩૪ મિનિટ લાંબી 'ધુરંધર' બનાવે છે. 

આવી લાંબી ફિલ્મને પાછું રિપીટ ઓડિયન્સ પણ મળે છે! 'ધુરંધર-ટુ'ની લંબાઈ તો એના કરતાંય વધારે છે -  ૩ કલાક ૪૯ મિનિટ. ઇન્ટરવલ સહિત પૂરી ચાર કલાક જ ગણી લો! માંડીને વાત કરવા માટે, તમામ મુખ્ય પાત્રોમાં આવતા જતા ક્રમિક બદલાવને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે સમય જોઈએ, મોકળાશ જોઈએ. ટૂંકમાં ઘણું કહી દેવું તે સારી વાત છે, પણ કહાણીને બહેલાવીને, વિસ્તારપૂર્વક કહેવાની અલગ મજા છે. વાત ભલે ગમે તેટલી વિસ્તારથી કહો, પણ જો દર્શકોને તમે  સતત જકડી રાખી શકો તો આ એક મોટો વિજય છે. 

યાદ રહે, 'ધુરંધર' ફિલ્મ જરાય સરળ નહોતી - ન ફિલ્મમેકર માટે, ન ઓડિયન્સ માટે. ખૂબ બધાં પાત્રો, જિઓપોલિટિક્સ, ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, સાંપ્રત ઘટનાઓ - આ સઘળું વાર્તામાં વણાયેલું હતું. રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધર કંઈ નાનાં બચ્ચાઓને સમજાવતા હોય તેમ એક-એક વસ્તુ પ્રેક્ષકોને સમજાવવા બેસતા નથી.  તેઓ પ્રેક્ષકોને બેવકૂફ નહીં પણ બુદ્ધિમાન સમજે છે. આદિત્ય ધરે પોતાના ઓડિયન્સની બુદ્ધિમત્તા પર ભરોસો મૂક્યો ને પ્રેક્ષકોએ એમની ફિલ્મને ખોબલે ને ખોબલે વધાવી લીધી. 

'ધૂરંધર'ના બન્ને ભાગના પ્રોડક્શન ડિઝાઇનની ખૂબ પ્રશંસા થઈ છે. પહેલા ભાગનો મોટો હિસ્સો કરાંચીના લ્યારી વિસ્તારમાં આકાર લે છે. લ્યારીવાળાં દ્રશ્યોનું શૂટિંગ થાઇલેન્ડના બેંગકોકમાં કરવામાં આવ્યું હતું. છ એકરની વિશાળ જગ્યા પર ગીચોગીચ મકાનો, ગલીઓ વગેરે ઊભાં કરવામાં આવ્યાં હતાં. નવો ઊભો કરેલો સેટ સ્ક્રીન પર પણ નવો જ દેખાવાનો. તેથી સેટ ડિઝાઇનરે અહીં 'એજિંગ ટેકનિક્સ'નો ઉપયોગ કર્યો. દીવાલો પર ખાસ પ્રકારના રંગોના લપેડા કરવામાં આવ્યા, કેમિકલ વોશિંગ કરવામાં આવ્યું, દીવાલો પર ધૂળ-માટી રગદોળવામાં આવી કે જેથી આ મકાનો જૂનાંપુરાણાં દેખાય. શેરીઓમાં કેટલાય સ્થાનિક લ્યારીવાસીઓ દેખાય છે. આ સઘળા એક્સ્ટ્રા કલાકારોને મુંબઈથી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા હતા. ઉખડેલા પોપડા, તિરાડો, દીવાલો પર ઉર્દૂમાં ચિતરામણ, ફાટી ગયેલાં-લટકતાં પોસ્ટરો, વીજળીના લટકતા દોરડા, ઉબડખાબડ રસ્તા - આ બધાને કારણે સેટ એટલો સરસ દેખાતો હતો કે જાણે સાચે જ કરાંચીની કોઈ જૂનવાણી બસ્તી જોઈ લો. આદિત્ય ધરે એક જગ્યાએ કહ્યું છે, 'હું જે.પી. દત્તાની 'બટવારા' (૧૯૮૯) ફિલ્મથી ખાસ્સો પ્રભાવિત છે, ખાસ કરીને તેઓ માહોલને અથવા જગ્યાને જે રીતે એક વિલન તરીકે દેખાડે છે, તેનાથી.' 

 બલૂચિસ્તાન અને કંદહારનાં દ્રશ્યો લેહમાં પથ્થર સાહિબ નામની જગ્યા પાસે શૂટ કરવામાં આવ્યાં હતાં. લેહ-લદાખમાં શૂટિંગ દરમિયાન યુનિટના સો જેટલા માણસોને એકસાથે ફૂડ પોઇઝનિંગ થઈ જવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. અમૃતસરના સુવર્ણમંદિરમાં અમુક સિકવન્સ શૂટ થઈ છે. લુધિયાણા પાસે ખેરા નામના ગામમાં પાકિસ્તાની ગામડાનો માહોલ  ઊભો કરવામાં આવ્યો હતો. શૂટિંગ માટે પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા હતા, પણ તે જોઈને સ્થાનિક રહેવાસીઓ ભડકી ગયેલા. એમને માંડ સમજાવીને શાંત પાડવામાં આવ્યા કે ભાઈઓ, ઠંડા પડો, આ ઝંડા શૂટિંગ પૂરતા જ લગાવ્યા છે.  

તકલીફ તો સાઉથ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં 'ધૂરંધર-ટુ'ના શૂટિંગ વખતે પણ થઈ ગયેલી. કોર્પોરેશનના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો કે તમે નાઇટ શૂટ દરમિયાન મશાલ જેવી 'જ્વલનશીલ' વસ્તુઓ શા માટે વાપરી? અમારી આગોતરી પરમિશન કેમ ન લીધી? બીએમસીએ સિક્યોરિટી ડિપોઝીટ જપ્ત કરી લીધી. વચ્ચે સાઉથ મુંબઈમાં જ શૂટિંગ દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે પણ બીએમસીને વાંધો પડી ગયો હતો. ખેર. 

આ ફિલ્મની એક મહત્ત્વની પ્રેરણા મેજર મોહિત શર્મા (જન્મઃ ૧૯૭૮, મૃત્યુઃ ૨૦૦૯) છે. તેમણે એકાધિક કાઉન્ટર-ઇન્સર્જન્સી ઓપરેશનમાં ભાગ લીધો હતો. એમણે ઇફ્તિખાર ભટ નામ ધારણ કરીને પાકિસ્તાની આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદીનમાં છીંડું પાડયું હતું. તેમણે દાઢી વધારી હતી અને સ્થાનિક લોકો જેવો જ સ્વાંગ સજ્યો હતો. આ અન્ડરકવર ઓપરેશન દરમિયાન એમણે ભારતીય ગુપ્તર સંસ્થા રૉને કેટલીય સંવેદનશીલ માહિતી પહોંચાડી હતી, જેના આધારે ભારતીય જવાનો આતંકવાદીનાં ઠેકાણાં પર સફળતાપૂર્વક ત્રાટકી શક્યા હતા. મેજર મોહિત શર્માએ ખુદ બે આતંકવાદીઓના રામ રમાડી દીધા હતા. એમને પછી અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ડરકવર ઓપરેશન્સ અને જાસૂસોની વધારે વિગતો દેખીતાં કારણોસર બહાર આવતી નથી. 'ધૂરંધર'માં રણવીર સિંહના પાત્રાલેખનમાં મેજર મોહિત શર્મા ઉપરાંત અન્ય અસલી એજન્ટ્સનું કોમ્બિન્શન થયું છે. ખૂબ બધી કલ્પના તો ખરી જ.  

ગપસપ તો એવી સંભળાય છે કે હવે 'ધૂરંધર-થ્રી' પણ બનવાની છે. આદિત્ય ધરે જોકે ચોખ્ખું કહ્યું છે કે હું ઉતાવળે કશુંય નહીં બનાવું. એટલે જો 'ધૂરંધર-થ્રી' આવે તો પણ ત્રણ-ચાર વર્ષ તો નીકળી જ જવાનાં. આદિત્ય અશ્વત્થામા પર ફિલ્મ બનાવવા માગે છે, પણ આ  ફિલ્મનું ગણિત બેસતું નથી. આદિત્ય કહે છે, 'આ ફિલ્મ માટે મારે પાંચ વર્ષ આપવા પડે તો પણ હું તૈયાર છું, પરંતુ મને ખાતરી હોવી જોઈએ કે હું જે પ્રકારનું ક્વોલિટી વર્ક ઇચ્છું છું તે કરી શકીશ. મિડીયોકર કામ કરવામાં મને ખરેખર કોઈ રસ નથી.'

યે હુઈ ના બાત. 

શો સ્ટોપર   : ધરમજીને ઓસ્કર અવોર્ડઝની ક્યાં દરકાર હતી? ઓસ્કરવાળાઓએ મૃતક ફિલ્મસિતારાઓને અંજલિ આપતી વખતે ધરમજીનું નામ લેવાની જરૂર નહોતી. 

- હેમા માલિની