- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- શું 'વહાલપણ' એ 'વેરપણ' બની શકે? તકલાદી સંબંધોએ માણસને એટલો પજવ્યો છે, જેટલો ભાગ્ય કે દેવોએ પણ પજવ્યો નથી!
''સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ... છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક, સૂરજ પણ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે છે. સૂર્યનો અસ્તકાળ શું વેદનાની પરિભાષા ઘૂંટતો હશે?'' અનૂપરાય બાંકડા પર બેઠા-બેઠા વિચારી રહ્યા હતા. ત્યાં જ નાનકડા મોન્ટુએ આવીને અનુપરાયને કહ્યું ઃ ''દાદા, લો આ તમે મંગાવેલી બ્રેડ. બેકરીવાળાએ કહ્યું છે કે આજે એક માણસ વાસી બ્રેડ એક સામટી ખરીદીને લઈ ગયો એટલે વાસીને બદલે તાજી બ્રેડ હું તમારા માટે લાવ્યો છું.''
''અરે બેટા, મેં તો તને વાસી બ્રેડ જેટલા જ પૈસા આપ્યા હતા, તું તાજી બ્રેડના પૈસા ક્યાંથી લાવ્યો?'' અનૂપરાયે પૂછ્યું.
''મારી મમ્મીએ નાસ્તા માટે મને પૈસા આપ્યા હતા એટલે તેનો ઉપયોગ મેં તમારા માટે કર્યો.''
મોન્ટુની વાત અધવચ્ચે કાપતાં અનૂપરાયે કહ્યું ઃ ''અરે દીકરા, મારા જીવવાના દિવસો તો પૂરા થઈ ગયા. હરખભેર જીવાડનારા ન હોય એવા જીવતરમાં માણસને રસ પણ ક્યાંથી પડે? પણ તું આવતો રહેજે... તને જોઉં છું અને...'' અનૂપરાય આગળ બોલી ન શક્યા.
મોન્ટુએ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી અનૂપરાયના આંસુ લૂછતાં કહ્યું ઃ ''દાદા તમે એકલા છો? દાદીમા ક્યાં છે? અને મારા જેવો કોઈ પૌત્ર તો હશે જ ને?'' અનૂપરાય કશું જ બોલ્યા વગર મોન્ટુની સામે સજળ નયને એકીટસે જોઈ રહ્યા. અનૂપરાયને મોન્ટુએ કહ્યું ઃ ''દાદા, ગુડનાઇટ હું ઘેર જાઉં છું. કામકાજ હોય તો કહેજો, હું સામેના મકાનમાં જ રહું છું.''
અનૂપરાયની સ્મરણયાત્રા શરૂ થઈ. તેમની સમક્ષ હાજર થયો માતાનો વાત્સલ્ય નિતરતો ચહેરો. પપ્પાનું મોં જોવાનો તો બાળ અનૂપને મોકો જ મળ્યો નહોતો. મમ્મી સુજાતાદેવી જ એને માતા પિતા-કાકા-મામા ફોઈ-ફૂઆ બધું જ હતી.
સુજાતાદેવી કહેતાં ઃ ''બેટા, કેવું નસીબ લઈને તું જન્મ્યો છે! નજીકનું સગું-વહાલું કોઈ તારી દરકાર રાખે તેવું હયાત નથી, ન કરે નારાયણને મને કશું...''
'મારા સમ છે, મમ્મી તું આગળ કશું બોલે તો. હું ભણી-ગણીને સારી નોકરી મેળવીને તને એટલું બધું સુખ આપીશ કે લોકો જોતા જોતા જ રહી જશે.' બાળ અનૂપ કહેતો.
દિવસો વહેતા રહ્યા. અનૂપે જૂની મેટ્રિકની પરીક્ષા ડિસ્ટીંકશન સાથે પસાર કરી. મા ઈચ્છતી હતી કે અનૂપ મેડિકલ લાઇન પસંદ કરી ડૉક્ટર બને, પણ અનૂપને પોતાની આર્થિક સ્થિતિનો અંદાજ હતો, એટલે સવારના સમયની આર્ટસ કોલેજમાં પ્રવેશ મેળવી બપોરના સમયે નોકરી શરૂ કરી. દીકરાએ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી.
''તારા જેવા શાણા પુત્રની મા બનીને હું તો જનમારો તરી ગઈ છું બેટા, મને તો ધરતી પર જ મોક્ષ મળી ગયો છે.'' મા કહેતી પણ મા સુજાતાદેવીનું સુખ લાંબું ટક્યું નહીં, એકવાર બ્લડપ્રેશર વધી જવાને કારણે તેમને હાથ-પગે લકવાની અસર થઈ ગઈ હતી. અનૂપ પર જાણે આભ તૂટી પડયું. એ માની ઉત્તમ સેવા કરવાનો પ્રયત્ન કરતો પણ નોકરીને કારણે માનું પૂરતું ધ્યાન આપી શકતો નહોતો. એટલે માના આગ્રહથી અનૂપે આસક્તિ સાથે સાદી વિધિથી લગ્ન કરી લીધાં. આસક્તિ ગરીબ ઘરની દીકરી હતી. જાતજાતના અભાવો વચ્ચે ઉછરેલી આસક્તિના મનમાં જિંદગી જીવવાના કોડ હતા.
અનૂપ હાજર હોય ત્યારે આસક્તિ સાસુની સેવાનો ડોળ કરતી અને અનૂપ જેવો નોકરીએ જાય કે તરત જ કામવાળીને સાસુમાની સેવાનો ચાર્જ સોંપીને ખરીદી માટે, પિકચર માટે કે કોઈ પાર્ટીમાં મોજમજા માટે નીકળી પડતી. ઘરખર્ચ અને જવાબદારીઓને પહોંચી વળવા અનૂપ ઓવરટાઇમ કામ કરતો. સુજાતા મમ્મીએ લકવાગ્રસ્ત સ્થિતિમાં એક દસકો ખેંચ્યો અને ચિરવિદાય લીધી. એ દરમ્યાન માતા બનેલી આસક્તિનો પુત્ર ગર્વ આઠ વર્ષનો થઈ ચૂક્યો હતો. આસક્તિના મામાનો દીકરો ભાઈ શાશ્વત અમેરિકામાં રહીને બિઝનેસ કરતો હતો એટલે આસક્તિએ શાશ્વત સાથે અમેરિકામાં રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. ખર્ચને પહોંચી વળવા એણે પોતાના મામાના દીકરા શાશ્વતભાઈ સાથે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં અનૂપને ભાગીદાર બનવા ખૂબ દબાણ કર્યું. અનૂપે મકાન ગીરો મૂકી તથા પી.એફ.ની લોન લઈ પોતાની સમગ્ર મૂડી ભાગીદારી પેઢીમાં જમા કરાવી.
બે-ત્રણ વર્ષ આસક્તિના શાશ્વતભાઈએ નફો દેખાડયો એટલે અનૂપના આનંદનો પાર નહોતો. નફાના બધા પૈસા અનૂપ આસક્તિના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. બીજી બાજુ વિઝા મળતાં જ ગર્વને લઈને આસક્તિ ફરવાને બહાને યુ.એસ.એ. ચાલી ગઈ, પેઢીમાં ભાગીદારી છતાં અનૂપે નોકરી ચાલુ જ રાખી. મોટી મૂડી એકઠી કરી પોતે પણ યુએસએ જઈ પરિવાર સાથે શાંતિથી જીવવા ઈચ્છતો હતો. આસક્તિના કહેવાથી શાશ્વતે ગર્વને પણ ભણવાની સાથે પાર્ટટાઇમ નોકરીમાં જોતરી દીધો હતો. મા-દીકરા બન્નેને પરદેશના વૈભવી અને ભપકાદાર જીવનમાં વધુ રસ હતો. જો અનૂપ અમેરિકા આવે તો બન્નેની આઝાદી પર નિયંત્રણ આવી જવાની શક્યતા હતી. એટલે આસક્તિ વિઝા માટે જોઈતા ડોક્યુમેન્ટ્સ અનૂપને મોકલવામાં જાણી જોઈને વિલંબ કરતી હતી.
શાશ્વતે પેઢીનો નફો મોકલવાનું પણ બંધ કરી દીધું અને ધીરે-ધીરે આસક્તિએ અનૂપની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. અનૂપ જેવા સંકુચિત મનોવૃત્તિવાળા અને વૈતરું કરવામાં જીવનની સાર્થકતા શોધનાર માણસ જોડે લગ્ન કરીને પોતે પસ્તાઈ છે, એવા અનૂપને ફોન પર મહેણા મારવાનું આસક્તિ ચૂકતી નહીં. ગર્વ પણ ફોનમાં કહેતો ઃ ''પપ્પા, તમારા જેવા માણસનું યુએસએમાં કામ નહીં. તમારું 'કન્ટ્રીટાઇપ ભારતીય માનસ' છે. અહીંની સ્ટાઈલથી તમે નહીં જીતી શકો. કદાચ મારા અને શાશ્વત મામાને તમે માથે પડશો.''
અનૂપ વિશ્વાસે વહાણ ચલાવવામાં માનનારો શ્રદ્ધાશીલ માણસ હતો. ધંધાની આંટીઘૂંટીઓ એની સમજ બહારની વસ્તુ હતી. અનૂપનું ભોળપણ શાશ્વત માટે વરદાન સાબિત થયું. એણે ધીરે-ધીરે બિઝનેસની આવક પોતાના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માંડી અંતે કંપનીને દેવામાં ડૂબેલી જાહેર કરી. ગીરો મૂકેલા મકાન પરના લોનના હપ્તા અને અંગત સંબંધથી વ્યાજે લીધેલી રકમનું વ્યાજ પણ અનૂપ ન આપી શક્યો અને આસક્તિનો ભાઈ હાથતાળી આપી અદ્રશ્ય થઈ ગયો. બેંકે અનૂપના મકાનનો કબજો લઈ લીધો. એટલે અનૂપને રહેવાનો પ્રશ્ન પણ મુશ્કેલ બની ગયો. અનૂપ સાથે નોકરી કરી ચૂકેલા એક નિવૃત્ત મિત્રને અનૂપની દયા આવી એટલે એક રૂમ-રસોડાનું નાનકડું મકાન એને વગર ભાડે રહેવા આપ્યું.
અનૂપે બદલાયેલી પરિસ્થિતિ વિશે પોતાના શાળા શાશ્વત અને પત્ની આસક્તિને વાત કરી. ''હમણાં ધંધો નબળો ચાલતો હોઈ પોતાનો હાથ ભીડમાં છે''નું બહાનું કાઢી શાશ્વતે હાથ અધ્ધર કરી દીધા.
આસક્તિએ પણ ફોનમાં કહ્યું ઃ ''હમણાં ઉછીના-પાછીના કરીને કામ ચલાવો. સગવડ થયે હું પૈસા મોકલીશ. હું ભારત તમારી પાસે આવવાની હતી, પણ અહીં આપણો ગર્વ સેટ થઈ ગયો છે, એનું ભવિષ્ય બગાડીને હું ત્યાં કેવી રીતે આવું?'
મિત્રની પુત્રવધૂ અનુપને એક સમય જમાડતી હતી અને સાંજે બ્રેડના ટુકડા પાણી સાથે ગળે ઉતારી અનૂપ વાર્ધકયના કપરા દિવસો વિતાવતો હતો. પૈસા બચાવવા એ તાજી બ્રેડને બદલે વાસી બ્રેડ ખરીદીને કામ ચલાવતો હતો.
મોન્ટુએ આપેલું બ્રેડનું પેકેટ લઈ વિચારયાત્રામાં ખોવાયેલો અનૂપ એકાએક જ બાંકડા પરથી નીચે ઢળી પડે છે. બંધ મુઠ્ઠીમાં પકડી રાખી છે એક બ્રેડ, ધરતી પરનું રળતર! રસ્તેથી પસાર થતાં લોકો એકઠાં થઈ જાય છે પણ અનૂપ જિંદગીનું ઝેર પચાવી-પચાવીને થાકી ગયો હતો. એણે અનંતયાત્રાનો માર્ગ શોધી લીધો હતો જ્યાં હવે તેને નહોતી પુત્ર ગર્વની જરૂર કે નહોતી પત્ની આસક્તિના ખોટા આશ્વાસનની જરૂર! શું 'વહાલપણ' એ 'વેરપણ' બની શકે?


