- હોરાઈઝન - ભવેન કચ્છી
- ભારતમાં બુલેટ ટ્રેન અને ઓલિમ્પિક આવશે પણ સ્વચ્છતાની સભ્યતા ક્યાંથી લાવીશું?
- જાપાનની શાળાઓમાં બાળકો પાસે જ સફાઈ કરાવાય છે ઃ ઘેરથી બધા પોતાના કચરા માટે કોથળી લઈને નીકળે છે
- લંડન, ન્યુયોર્કમાં સાઉથ એશિયનોએ સ્ટ્રીટને ઉકરડામાં ફેરવી દીધી
તા જેતરમાં યોજાયેલા ઓસ્કાર ૨૦૨૬ સમારોહ પછી લોસ એંજલસના ડોલ્બી થિયેટરની અંદરની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
નેક્સ્ટ બેસ્ટ પિક્ચરના એડિટર-ઇન-ચીફ મેટ નેગ્લિયાએ 'એક્સ' પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં થિયેટરની સીટો પર અને આસપાસ ખાલી પ્લાસ્ટિકની બોટલો, પોપકોર્ન ફેંકી દીધેલા પેકેટો અને કચરો વેરવિખેર પડેલો જોવા મળે છે.
નાગરિકો આ તસવીર જોઈને હોલીવુડના મોટા સ્ટાર્સની ટીકા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે સેલિબ્રિટીઝ મંચ પરથી પર્યાવરણ બચાવવા અને શિસ્તની વાતો કરે છે, તેઓ પોતે આટલી ગંદકી કેવી રીતે કરી શકે? સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું કે, 'પૈસા અને ગ્લેમરસ સ્ટેટસ મેળવવાથી સંસ્કાર કે શિસ્ત આવતા નથી.'
આ પોસ્ટ અને તસ્વીર જોયા પછી જાપાનની સભ્યતા યાદ આવી ગઈ.
સંસ્કારનો ભાગ
જાપાનના લોકો તેમની શિસ્ત અને સ્વચ્છતા માટે આખા વિશ્વમાં જાણીતા છે. જાપાનની સંસ્કૃતિમાં 'સ્વચ્છતા' એ માત્ર એક આદત નથી, પણ તેમના સંસ્કારોનો એક ભાગ છે.
જાપાનમાં સ્વચ્છતા પાછળ કોઈ દંડનો ડર નથી, પણ એક ઊંડી ફિલસૂફી છે.
જાપાનના નાગરિકોએ વારંવાર તેઓની સભ્યતાનું ઉદાહરણ પૂરું પાડતા વખતોવખત એવું કઈંક કર્યું છે કે વિશ્વ આદર સાથે આશ્ચર્યચકિત થયું છે.સૌથી વધુ ચર્ચા રશિયામાં યોજાયેલ ૨૦૧૮ના અને કતારમાં આયોજિત ૨૦૨૨ ના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી.
જાપાનની ટીમ મેચ હારી જાય કે જીતે, મેચ પૂરી થયા પછી જાપાની ચાહકો સ્ટેડિયમ છોડતા પહેલા પોતાની સાથે લાવેલી વાદળી રંગની કચરાની થેલીઓ કાઢે છે. તેઓ આખા સ્ટેડિયમમાં ફરીને પ્રેક્ષકો દ્વારા ફેંકાયેલો કચરો, ખાલી બોટલો અને ખાધેલી વસ્તુઓના રેપર જાતે સાફ કરે છે.જાપાને આવા એક વર્લ્ડ કપમાં ફૂટબોલ જગતમાં દિગ્ગજ મનાતી જર્મનીને પરાજય આપીને તેઓના ઇતિહાસની સૌ પ્રથમ આવી જીત હાંસલ કરી હતી. પણ મેચ પુરી થતા બે પાંચ મિનિટની ઉજવણી કરીને જાપાનના જે પ્રેક્ષકો મેચ જોવા આવ્યા હતાં તેઓએ સાથે લાવેલ વાદળી રંગની બેગમાં માત્ર પોતે રાખી મુકેલ બોટલ, બેગ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુના રેપર જ નહીં પણ અન્ય દેશના પ્રેક્ષકોએ ફેંકેલ બગાડ પણ વીણી લઈને બેગમાં મૂકી આખુ સ્ટેન્ડ સાફ કરીને સ્ટેડિયમમાંથી વિદાય લીધી હતી.
શાળાની સફાઈ
જાપાનની શાળાઓમાં સફાઈ માટે કોઈ અલગ સ્ટાફ હોતો નથી. બાળકો પોતે જ પોતાની ક્લાસરૂમ, લોબી અને શૌચાલય સાફ કરે છે. આને 'ઓસોજી' કહેવામાં આવે છે. આનાથી બાળકોમાં નાનપણથી જ જવાબદારી અને સમાનતાની ભાવના કેળવાય છે.
જાપાનમાં કચરો ફેંકવો એ વિજ્ઞાાન છે. ત્યાં કચરાને ૪ થી ૧૦ અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવે છે ઃ બળી શકે તેવો, ન બળી શકે તેવો, પ્લાસ્ટિક, કાચ, મેટલ વગેરે. જો કોઈ નાગરિક ખોટા ડબ્બામાં કચરો નાખે, તો પાડોશીઓ પણ તેને ટોકે છે. આ સામાજિક જવાબદારી છે. જાપાનમાં રસ્તાઓ પર ડસ્ટબિન હોતા નથી. ૧૯૯૫ના ટોક્યો સબવે હુમલા પછી સુરક્ષાના કારણોસર ડસ્ટબિન હટાવી લેવાયા હતા, છતાં રસ્તાઓ કાચ જેવા ચોખ્ખા રહે છે. કેમ કે દરેક જાપાની નાગરિક પોતાના ખિસ્સામાં એક નાની પ્લાસ્ટિક બેગ રાખે છે અને પોતાનો કચરો ઘરે લઈ જઈને જ નિકાલ કરે છે.
૭ મિનિટનો ચમત્કાર
જાપાનની બુલેટ ટ્રેન જ્યારે સ્ટેશન પર ઉભી રહે છે, ત્યારે સફાઈ ટુકડી પાસે તેને સાફ કરવા માટે માત્ર ૭ મિનિટ હોય છે. આટલા ઓછા સમયમાં તેઓ દરેક સીટ, ટ્રે અને ફ્લોરને એવી રીતે સાફ કરે છે કે ટ્રેન બિલકુલ નવી લાગે. પાલતુ
પ્રાણીઓની વાત
જ્યારે જાપાની લોકો તેમના કૂતરાને બહાર ફેરવવા લઈ જાય છે, ત્યારે તેઓ હંમેશા એક ખાસ બેગ અને પાણીની બોટલ સાથે રાખે છે. જો તેમનું પ્રાણી ગંદકી કરે, તો તેઓ તરત જ તેને સાફ કરે છે.અમેરિકન સહીત પશ્ચિમના દેશોમાં પણ કૂતરાને બહાર ફરવા લઇ જતા તેના માલિકે જ ગંદકી સાફ કરવાની અને કોથળીમાં મુકવાની સભ્યતા છે. આપણે ત્યાં આનાથી ઊંધુ છે. ઘણાં શિક્ષિત, શ્રીમંત અને પોતાને ભદ્ર સમાજ માનતો વર્ગ તેના પાળેલા કૂતરાને ઘરની બહાર ફરવા એટલે જ લઇ જાય છે કે જેથી કૂતરું ઘેર મળ ત્યાગ કરે અને સફાઈ કરવી પડે તેની જગ્યાએ જાહેર રસ્તામાં જ શૌચ કરી લે.
જાપાનમાં સફાઈ કામદારોને 'હેલ્થ એન્જિનિયર્સ' કહેવામાં આવે છે. તેમનો પગાર ઊંચો હોય છે અને સમાજમાં તેમને ખૂબ જ માન આપવામાં આવે છે.?
સામાજિક બહિષ્કાર
જાપાનમાં જો કોઈ વ્યક્તિ વારંવાર ગંદકી કરે અથવા કચરાના નિયમો તોડે, તો સમાજ તેનો અઘોષિત બહિષ્કાર કરે છે. તેના પાડોશીઓ તેને ટોકે છે અને શરમાવે છે. આ 'સામાજિક દબાણ' કાયદા કરતા વધુ અસરકારક છે જાપાનીઓ માને છે કે જો તમારું ઘર અને રસ્તો ચોખ્ખો હશે, તો તમારી વિચારધારા પણ સ્વચ્છ થશે. તેથી જ ત્યાં આત્મહત્યાના દરો ઊંચા હોવા છતાં, ગુનાખોરીનો દર વિશ્વમાં સૌથી ઓછો છે - કારણ કે શિસ્ત તેમના લોહીમાં છે.
જાપાનમાં સ્વચ્છતા એ કોઈના દબાણથી નહીં, પણ 'નૈતિક ફરજ' સમજીને કરવામાં આવે છે.
જાપાન સિવાય પણ દુનિયામાં એવા દેશો છે જ્યાં ગંદકી કરવી એ ગુનો માનવામાં આવે છે ઃ
સિંગાપોર (દંડનું શાસન) :
સિંગાપોરને 'ફાઈન સિટી' કહેવામાં આવે છે (અહીં ફાઈનનો અર્થ દંડ પણ થાય છે). રસ્તા પર ચ્યુઇંગ ગમ ફેંકવા બદલ કે જાહેર શૌચાલયમાં ફ્લશ ન કરવા બદલ હજારો ડોલરનો દંડ અને જેલની સજા થઈ શકે છે. ત્યાંની સભ્યતા કાયદાના ડરથી શરૂ થઈને હવે આદત બની ગઈ છે.
સ્વિટ્ઝર્લેન્ડ : અહીં પર્વતો અને તળાવો એટલા ચોખ્ખા છે કે તમે સીધું પાણી પી શકો છો. સ્વિસ લોકો માને છે કે કુદરત તેમની મૂડી છે. જો કોઈ પ્રવાસી કચરો ફેંકે, તો સ્થાનિક લોકો તેને તરત જ અટકાવે છે.
રવાન્ડા (આફ્રિકા) : આશ્ચર્યજનક રીતે, આફ્રિકાનો આ નાનકડો દેશ 'ઉમુગાન્ડા' નામની પરંપરા પાળે છે. દર મહિનાના છેલ્લા શનિવારે રાષ્ટ્રપતિથી લઈને સામાન્ય નાગરિક સુધીના બધા જ લોકો બહાર નીકળીને પોતાના વિસ્તારની સફાઈ કરે છે. આજે રવાન્ડાની રાજધાની કિગાલી વિશ્વના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે.
એક તરફ જાપાનનું ઉદાહરણ છે, તો બીજી તરફ ભારતમાં તો શરમજનક સ્થિતિ છે જ પણ ભારતીયોની વિદેશમાં છબી પણ ચિંતાજનક બનતી જાય છે લંડનના સાઉથ હોલ કે અમેરિકાના ન્યુ જર્સી જેવા વિસ્તારો, જ્યાં ભારતીયોની વસ્તી વધુ છે, ત્યાંની સ્થિતિ ઘણીવાર ભારતની ગલીઓ જેવી જ જોવા મળે છે.
ભારતીયો વિદેશમાં
લંડન જેવા ઐતિહાસિક શહેરમાં જ્યાં ભારતીયો વધુ રહે છે, ત્યાં દિવાલો પર પાનની પિચકારીઓ અને રસ્તા પર ફેંકેલા પ્લાસ્ટિકના કપ, બોટલ જોવા મળે તે દુઃખદ છે. બ્રિટિશ સત્તાવાળાઓએ ઘણી જગ્યાએ 'પાન ન થૂંકવા'ની સૂચનાઓ ગુજરાતી કે હિન્દીમાં લખવી પડે છે.
ન્યુ જર્સી કે કેલિફોર્નિયાના જાહેર બગીચાઓમાં જ્યારે ભારતીય પરિવારો પિકનિક મનાવે છે, ત્યારે ઘણીવાર ત્યાં એંઠવાડો અને કાગળના
પ્લેટના ઢગલા જોવા મળે છે. 'આપણું ઘર ચોખ્ખું હોવું જોઈએ, બહાર ભલે ગમે તે હોય' -આ માનસિકતા ભારતીયો વિદેશમાં પણ સાથે લઈ જાય છે.કેનેડામા પણ દક્ષિણ એશિયન વસે છે તે વિસ્તારમાં પણ હવે ગંદકી અને કચરાના પ્રશ્નો વધી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ભારતીય મુસાફરો ઘણીવાર સીટના ખિસ્સામાં એંઠા પેકેટો ભરી દે છે અથવા શૌચાલય ગંદા રાખે છે. આ આદતોને કારણે આખા દેશની છબી ખરડાય છે. આપણા માટે 'જાહેર મિલકત' એ કોઈની માલિકીની નથી, તેથી તેની સાચવણી આપણી જવાબદારી નથી તેવી માન્યતા છે. ેભારતીય માનસિકતામાં વર્ષોથી એવું ઠસી ગયું છે કે સફાઈ કરવી એ કોઈ ચોક્કસ વર્ગનું કામ છે. જાપાનમાં કલેક્ટર પણ પોતાનો કચરો ઉપાડે છે, જ્યારે ભારતમાં ભણેલા-ગણેલા લોકો પણ કચરો નીચે નાખતા ખચકાતા નથી કારણ કે ધકોઈ સાફ કરવા વાળું આવશે જ. જાપાનમાં જો તમે ગંદકી કરો, તો સમાજ તમને નીચી નજરે જુએ છે. ભારતમાં પણ આપણે ગંદકી કરનારને એવો મેસેજ આપવો જોઈએ કે અમે તમને અસભ્ય તરીકે જોઈએ છીએ. હવે તો સફાઈ માટેના આધુનિક સાધનો પણ એવા આવ્યા છે કે કઈંક અણગમતું કરી રહ્યા છીએ તેવી લાગણી ન અનુભવાય.
ભીંતો પર ગંદકી
ભારતની દરેક સરકારી ઓફિસ અને કોમર્શિયલ બિલ્ડીંગના ખૂણા, ભીંતો પાન- મસાલાની પિચકારીઓથી રંગાયેલા હોય છે. આ માત્ર ગંદકી નથી, પણ રોગચાળાનું મૂળ પણ છે.પોશ કાર ચલાવનાર પણ ચાલુ ગાડીએ અચાનક ડ્રાઇવિંગ સીટનું બારણું ખોલીને રસ્તા પર પાન,ગુટખા, મસાલા ખાવા દરમ્યાન થૂંકે છે.
વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨.૦૧ અબજ ટન મ્યુનિસિપલ કચરો પેદા થાય છે. જેમાંથી ઓછામાં ઓછો ૩૩% કચરો પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી રીતે ખુલ્લામાં ફેંકાય છે.
ભારતની સ્થિતિ : ભારતમાં દરરોજ અંદાજે ૧.૫૦ લાખ ટન કચરો પેદા થાય છે. જેમાંથી માત્ર ૭૦-૮૦% કચરો એકઠો કરવામાં આવે છે અને તેમાંથી પણ માત્ર ૨૦-૨૫% કચરો જ રિસાયકલ પ્રોસેસ થાય છે. બાકીનો કચરો ગટર, નદીઓ અને રસ્તાઓ પર રઝળે છે.
પ્લાસ્ટિકનો પ્રકોપ : દર મિનિટે વિશ્વભરમાં એક ટ્રક ભરીને પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવાય છે. ભારતમાં દર વર્ષે ૯.૪ મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે, જેમાંથી અડધોઅડધ કચરો તો રિસાઇકલ જ નથી થતો.
જાપાનનું આયોજન : તેની સરખામણીમાં જાપાનમાં પેદા થતા કચરાનો ૮૦% થી વધુ હિસ્સો રિસાઇકલ અથવા એનર્જી પ્લાન્ટમાં વાપરવામાં આવે છે. ત્યાં લેન્ડફિલ સાઈટ્સ (કચરાના પહાડો) ખૂબ જ ઓછા છે.
સ્વચ્છતા એ માત્ર દેખાડો કે સરકારી સૂત્ર નથી, એ આપણા વ્યક્તિત્વનો અરીસો છે.
જ્ઞાાન પોસ્ટ : જ્યારે તમે રસ્તા પર કચરો ફેંકો છો ત્યારે યાદ કરજો કે તમે માત્ર કચરો નથી ફેંકી રહ્યા, પણ તમારી સંસ્કાર અને સભ્યતા અને આબરૂનો એક ટુકડો ફેંકી રહ્યા છો. તમારી આસપાસની ગંદકી તમારા મનની અશાંતિનું પ્રતીક છે. સફાઈ એ આધ્યાત્મિક શુદ્ધિનો ભાગ છે.


