- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- લેસર વેપનનો ફાયદો એ છે કે તે પ્રકાશના કિરણ જેવી તીવ્ર ગતિથી હુમલો કરે છે. વળી તેમાં કોઈ દારૂગોળા કે બારૂદની જરૂર પડતી નથી. માત્ર વિદ્યુત પુરવઠો કે પર્યાપ્ત બેટરી પાવર મળી રહે એટલે કામ પત્યું
પૃથ્વી અને અગ્નિ જેવા ખતરનાક બેલિસ્ટિક મિસાઈલ્સ અને બ્રહ્મોસ જેવી અદ્યતન મિસાઈલ ભારતીય સંરક્ષણ દળોનાં ભાથામાં ઉમેરાયા પછી દેશના સંરક્ષણ વૈજ્ઞાનિકો હવે ૨૧ મી સદીનાં અતિ આધુનિક પણ વધુ વિનાશક હથિયારો સેનાને ભેટ આપવા કમર કસી રહ્યાં છે. ખાસ કરીને એકથી વધુ વાર અવકાશમાં જઈને જમીન પર મિસાઈલ છોડી પાછું પૃથ્વી પર ઉતરાણ કરે તેવું હાયપર પ્લેન - 'અવતાર' અને તેનાથી ખતરનાક ભારત ઉપર ત્રાટકનારા કોઈ પણ મિસાઈલને અવકાશમાં રહેલી લેસર ગન 'દુર્ગા' અને 'કાલી' જે લેસર બીમ વડે ખાત્મો બોલાવે તેવા હથિયારો ભારતીય વૈજ્ઞાનિકો વિકસાવી રહ્યાં છે.
ઈરાન સાથેનું ખાડી યુધ્ધ શરૂ થયું તેના થોડા જ દિવસ પૂર્વે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલની મૂલાકાત લીધી હતી. કહેવાય છે કે આ વિઝિટમાં ઈઝરાયલના વડા પ્રધાન નેતા ન્યાહુએે ભારતને 'લેસર વેપન'ની ટેકનોલોજી આપવાની તૈયારી દર્શાવી હતી.
અત્રે એ જણાવી દઈએ કે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા ભીષણ સંગ્રામમાં યહુદી દેશ ઇઝરાયલે પહેલીવાર તેના લેસર શસ્ત્રનો ઉપયોગ કર્યો છે.
વાસ્તવમાં યુધ્ધ શરૂ થયાના ત્રીજા જ દિવસે હિઝબુલ્લાહે મોડી રાતે ઇઝરાયેલ પર લેબનોનથી ભીષણ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહનાં રોકેટ અને મિસાઇલ હુમલા રોકવા તે વખતે ઇઝરાયેલે પ્રથમવાર યુદ્ધના પ્રારંભના દિવસોમાં જ લેસર પ્રણાલિ ધરાવતાં આયરન બીમને એક્ટિવ કર્યુ હતું.
આ રીતે આયરન બીમે રોકેટને રોકવાની પોતાની ક્ષમતા યુદ્ધનાં મેદાનમાં પુરવાર કરી દીધી હતી.
હિઝબુલ્લાહ જેવા સંગઠન અત્યાર સુધી સસ્તા રોકેટ અને સસ્તી મિસાઇલનો ઉપયોગ કરતા હતાં. તેમને ઇન્ટરસેપ્ટ કરવામાં ઇઝરાયેલને ખૂબ જ ખર્ચ થતો હતો. કારણ કે વધુ જટિલ ઇન્ટરસેપ્ટર મિસાઇલો બનાવવામાં ખૂબ જ ખર્ચ થાય છે.
જો કે હવે ફક્ત બે ડોલરથી પણ ઓછા ખર્ચમાં લેસર વેપનથી સજ્જ આયરન બીમ શત્રુના રોકેટ અને મિસાઇલને રોકી રહ્યું છે. આની સામે શત્રુના રોકેટને તોડી પાડવા ઈઝરાયલ મિસાઈલનો ઉપયોગ કરે તો પ્રત્યેક મિસાઈલ દીઠ દોઢ લાખ ડોલર ખર્ચ થાય.
અલબત્ત, લેસર કિરણોની આ ઘાતક ટેકનિક ઇઝરાયલને કેટલી ફળી તેનો અંદાજ તો યુધ્ધ સમેટાઈ ગયા પછી આવશે. પરંતુ જગતના ગણ્યાગાંઠયા દેશોમાં ઈઝરાયલે પોતાનું નામ નોંધાવી દીધું છે.
આયર્ન બીમનો અર્થ હિબુ્ર ભાષામાં એઈટન્સ લાઈટ (દૈવી પ્રકાશ)એવો થાય છે. જેમ ટોર્ચનું બટન દબાવતા સીધી લીટીમાં પ્રકાશનો શેરડો નીકળે છે તેમ લેસર કિરણોનું બીમ સીધી લીટીમાં ગતિ કરે છે અને જે ચીજ સાથે અફળાય તેનો નાશ કરે છે.
ઇઝરાયલ હાલમાં તેના આયર્ન બીમ અંતર્ગત વાપરે છે તે દુનિયાનું પહેલું હાઈપાવર લેઝર ઈન્ટરસેપ્શન
પ્લેટફોર્મ છે જે વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
આ ટેક્નોલોજીનો પહેલો ઉપયોગ ૨૦૧૪માં કરવામાં આવ્યો હતો. સિંગાપુર ખાતે એરશો દરમિયાન તેની રજૂઆત કરવામાં આવી હતી.
આયર્ન બીમ ફાઈબર લેઝર ટેક્નોલોજીના આધારે કામ કરે છે. દુશ્મન દેશ દ્વારા કે અન્ય આતંકીઓ દ્વારા રોકેટ, ડ્રોેન કે મોર્ટાર હવામાં છોડવામાં આવે કે તરત જ આ સિસ્ટમનું રડાર તેને ટ્રેક કરી દે છે. ત્યારબાદ સિસ્ટમની અંદર રહેલા નાના નાના લેઝર બીમ ભેગા થઈને એક પોઈન્ટ ઉપર કેન્દ્રીત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન હથિયારમાં જબરદસ્ત ઊર્જા ભેગી થાય છે અને માત્ર ચાર જ સેકન્ડમાં ટાર્ગેટ નષ્ટ થઇ જાય છે. આ સિસ્ટમની રેન્જ ૧૦ કિલોમીટર સુધી છે જે શહેરો, અને મિલિટરી બેઝની સૈન્ય સુરક્ષા માટે સજ્જ કરવામાં આવી છે.
ઇઝરાયલ દ્વારા હાલમાં જે સિસ્ટમ લગાવાઈ છે તેના દ્વારા ગાઝાથી હમાસ, લેબનોનથી હિઝબુલ્લાહ અને યમનથી હૂથી વિદ્રોહીઓ દ્વારા દાગવામાં આવેલા હજારો રોકેટ અને એરિયલ હુમલાને નષ્ટ કરવામાં સફળતા મળી છે.
આપણા માટે ખુશીની વાત એ છે કે ભારતે પણ લેસર વેપન વિકસાવવાની દિશામાં ઘણી પ્રગતિ સાધી છે.
ભારતના સંરક્ષણ વૈજ્ઞાનિકો એક એવું હથિયાર તૈયાર કરી રહ્યા છે. જેનાથી અવકાશમાં જ લેસર કિરણો વડે દુશ્મનના મિસાઈલનો ખાત્મો બોલાવી શકાય. સામાન્ય ભાષામાં કહીએ તો અંતરિક્ષમાં રહેલ આ લેસર ગનને 'દુર્ગા' નામ આપવામાં આવ્યું છે.
આ લેસર ગનથી પણ વધુ આધુનિક હથિયાર પરંતુ લેસર કિરણો આધારિત બીજું એક હથિયાર 'કાલી' પણ વિકસાવાઈ રહ્યું છે.
દરેક ભારતીયને ગર્વ થાય તેવા નામો આપી વૈજ્ઞાનિકો પણ આ હથિયારોની સંહાર શક્તિ વધારતા જાય છે. આપણા મિસાઈલ કાર્યક્રમમાં પણ બધા જ નામો વેદો-પુરાણોમાંથી લેવામાં આવ્યા છે આ જ રીતે આધુનિક હાઈપર પ્લેન 'અવતાર' પણ વારંવાર મિસાઈલ્સ દાગીને નવો અવતાર લેશે જ્યારે અમેરિકાના સ્ટારવોર કાર્યક્રમને અનુરૂપ અવકાશી લેસર ગન દુશ્મન ઉપર ''દુર્ગા'' બનીને ત્રાટકશે જ્યારે અન્ય લેસર ગન ''કાલી' તો સંહારનું અનેરૂ રૂપ ધારણ કરશે. લેસર વેપન વિશે વધુમાં વાત કરીયે તો.......
ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે ભારત હાઈ-પાવર લેસર હથિયારો ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતે આંધ્ર પ્રદેશના કર્નૂલની નેશનલ ઓપન એર રેન્જમાં એમકે-૨(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ સાથે આ સિદ્ધિ મેળવી છે.
આ લેસર હથિયાર ૩૬૦ ડિગ્રી સેન્સરથી સજ્જ છે જે કોઇપણ દિશામાં સચોટ રીતે નિશાન સાધવા માટે સક્ષમ છે. આ વેપનને હવા, ટ્રેન, રોડ કે દરિયાઇ માર્ગે ઝડપથી તહેનાત કરી શકાય છે. આ લેસર ઉપકરણની ડિઝાઇન એટલી સરળ અને યુઝર ફ્રેન્ડલી છે કે લશ્કરની વિવિધ પાંખો તેમની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે શોર્ટ રેન્જ મિસાઇલની માફક આ લેસર વેપન પાંચ કિલોમીટર દૂર હોય તેવા ડ્રોન, હેલિકોપ્ટર કે મિસાઇલ નો નાશ કરી શકે છે. એટલું જ નહીં, શત્રુના સંદેશવ્યવહાર ઉપગ્રહને તેમજ બીજા સિગ્નલોને જામ કરી શકે છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ આ બાબતમાં જણાવ્યું કે, એક ટ્રાયલ દરમિયાન આ વેપન સિસ્ટમે મિસાઈલ, ડ્રોન અને નાના પ્રોજેક્ટાઈલ્સને તોડી પાડયા હતા. એમકે-૨(એ) ડીઈડબલ્યુ (ડાયરેક્ટેડ એનર્જી વેપન) સિસ્ટમે અનેક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા અને દુશ્મનના સર્વેલન્સ સેન્સર અને એન્ટેનાને તોડી પાડયા, તેમાં વીજળી જેવી ઝડપ, ચોક્સાઈ અને ગણતરીની સેકન્ડમાં ટાર્ગેટને તોડી પાડવાની તાકાત છે. આ સફળતાએ ભારતને અમેરિકા, ચીન ઇઝરાયલ અને રશિયા જેવા દેશોની વિશેષ ક્લબમાં મૂકી દીધું છે. આ દેશો હાઈ-પાવર લેસર ટેક્નોલોજી ધરાવે છે. ભારત દુનિયામાં પાંચમો દેશ છે, જેણે લેસર ટેક્નોલોજીથી સજ્જ હથિયાર સિસ્ટમ બનાવી છે. ડીઆરડીઓ એવી અનેક ટેક્નોલોજી પર કામ કરી રહી જે આપણને સ્ટાર વોર્સ જેવી ક્ષમતા આપશે. આ તો હજી શરૂઆત છે. ડી.આર.ડી.ઓ. દ્વારા હાઈ-એનર્જી માઈક્રોવેવ્સ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ જેવી સિસ્ટમ પર પણ કામ થઇ રહ્યું છે.
અત્રે એ ખાસ નોંધ લેવી જોઇએ કે લેસર શસ્ત્ર પ્રણાલી એમ કે ટુએ વાહન માઉન્ટેડ સિસ્ટમ છે જે સ્વાર્મ ડ્રોનને નિશાન બનાવવા સક્ષમ છે. આ સિવાય ભારત પ્રોજેક્ટ સૂર્ય હેઠળ ૨૦ કિ.મી.ની રેન્જથી વધુ અંતરેથી આવતી મિસાઇલને તોડી પાડવાની લેસર સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.
આ એક ઈલેક્ટ્રનિક વોરહેડ પણ છે જે દુશ્મનોના કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઈટ સિગ્નલને પણ જામ કરી શકે છે. આ સિસ્ટમની ખાસિયત એવી છે કે, તેને જમીન ઉપર અને હવામાં બંને જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
ઈઝરાયલની સાથે વિશ્વના બીજા કેટલાંક ગણ્યા ગાંઠયા દેશની લેસર સિસ્ટમ વિશે પણ જાણીએ. વાત ઈઝરાયલથી જ કરીએ તો જાણીતી કંપનીઓ એલ્બિટ સિસ્ટમ અને રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે સંયુક્ત રીતે આ આયર્ન બીમ બનાવ્યું છે.
આ કંપની દ્વારા હવાઈ લેઝર ટેક્નોલોજી ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં સફળતા મળશે તો હવાઈ યુદ્ધ અને એર ડિફેન્સ સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર આવી શકશે.
આર્યન બીમ ૪૫૦ જે સૌથી શક્તિશાળી વર્ઝન છે તેને ગમે ત્યાં સુરક્ષા માટે ગોઠવી શકાય તેમ છે. ત્યારબાદ આર્યનબીમ એમ છે જે મોબાઈલ ટ્રેક માઉન્ટેડ સિસ્ટમ છે. તે ઉપરાતં લાઈટ બીમ છે જે આર્મર્ડ વ્હીકલ્સ ઉપર પણ લગાવી શકાશે. તે ઉપરાંત મેરિટાઈમ વર્ઝન પણ વિકસાવાયું છે જે સમુદ્રમાં જહાજોની સુરક્ષા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
હવે વાત અમેરિકાની કરીયે તો તેમણે હેલિયોસના ટૂંકા નામે ઓળખાતી ઈન્ટિગ્રેટેડ લેસર સિસ્ટમ વિકસાવી છે. હાઈ એનર્જી લેસર વીથ ઈન્ટિગ્રેટેડ ઓપ્ટિકલ ડેઝીયર એન્ડ સર્વિલન્સ જેવું લાંબુલચક નામ ધરાવતી આ વેપન સિસ્ટમ ખાસ કરીને યુ.એસ. નેવી દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. ૬૦ કિ.વૉ. હાઈ એનર્જી લેસર વડે ડ્રોન, મિસાઈલ હુમલાને ખાળી શકાય છે. આ સિસ્ટમ પણ લોકહીડ માર્ટિન કંપનીની દેન છે જે યુદ્ધજહાજ પર ગોઠવી શકાય છે.
બ્રિટનની લેસર સિસ્ટમ ડ્રેગનફાયર તરીકે ઓળખાય છે. રોયલ નેવીના જહાજ પર આ સિસ્ટમ આવતા વર્ષે કાર્યાન્વિત થશે. શોર્ટ રેન્જ સિસ્ટમનો ઓપરેટીંગ ખર્ચ પ્રતિશોટ ૧૦ પાઉન્ડ આવે છે.
રશિયાની મોબાઈલ લેસર સિસ્ટમ પર્સેવેટ તરીકે ઓળખાય છે. મુખ્યત્વે એર ડિફેન્સ માટે વપરાનારી આ લેસર પ્રણાલિ પ્રમુખ પુતિન ઍન્ટી સેટેલાઈટ વેપન તરીકે વાપરવા પણ ઈચ્છે છે.
ચીન પણ ગુપચુપ રીતે વર્ષોથી લેસર વેપન બનાવી રહ્યું છે. તેના હાઈએનર્જી લેસર સિસ્ટમને લી-૧ જેવું નામ આપ્યું છે જે ડ્રોન, ક્રુઝ મિસાઈલ હેલિકોપ્ટર્સને તોડી પાડવા સજ્જ છે. આ સિવાય ચીને એલડબલ્યુ-૩૦ લેસર સિસ્ટમ વિકસાવી છે. જેને અનુરૂપ વાહન પર ગોઠવી શકાય.
જર્મની અને ફ્રાન્સ પણ લેસર વેપન વિકસાવી રહ્યું છે. પરંતુ તેની માહિતી ગોપનીય રાખી છે. જો કે આ બધા દેશોમાં છેલ્લાં બે વર્ષથી ઝડપથી આગળ નીકળી ગયું છે ઈઝરાયલ.
ખેર, આર્યન બીમને બીજા શસ્ત્રોની વાત તો બહુ થઇ, પરંતુ લેસર વેપનનો ફાયદો એ છે કે તે પ્રકાશના કિરણ જેવી તીવ્ર ગતિથી હુમલો કરે છે. વળી તેમાં કોઈ દારૂગોળા કે બારૂદની જરૂર પડતી નથી. માત્ર વિદ્યુત પુરવઠો કે પર્યાપ્ત બેટરી પાવર મળી રહે એટલે કામ પત્યું. આવા લેસર વેપનની ખાસિયત એ છે કે શોર્ટ રેન્જના જે ખતરાને પારંપારિક મિસાઇલ અવરોધવામાં નિષ્ફળ જાય છે તેવા તમામ હુમલાને લેસર બીમ તોડી પાડે છે.
બીજી તરફ લેસર વેપનની એક મર્યાદા એ છે કે મૂશળધાર વરસાદ, ધુમ્મસ, બરફવર્ષામાં એની કામગીરી નબળી પડી જાય છે. વાવાઝોડું, રેતીની આંધી પણ લેસર બીમની અસરકારકતા ઘટાડે છે. તેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે રૂટિન મિસાઇલ સિસ્ટમ અથવા અન્ય એર ડિફેન્સનો સાથ-સહકાર રાખવો જરૂરી છે.
બદલાતી જતી પરિસ્થિતિ આપણને નવા નુસ્ખા શોધી કાઢવાની ફરજ પાડે છે, તે રીતે મોંઘા દાટ ફાઇટર પ્લેનો અને મિસાઈલને બદલે ડ્રોનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તેમ આગળ જતાં હવે રોકેટ અને શોર્ટ રેન્જ મિસાઈલનું સ્થાન લેસર વેપન લઈ લેશે એમાં બેમત નથી.


