Get The App

કૂવાએ પણ 'કૂવો હવાડો' કર્યો જાણે!

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
કૂવાએ પણ 'કૂવો હવાડો' કર્યો જાણે! 1 - image

- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

- કૂવો વ્હેલી સવારે ઊઠે અને મોડા આઠેક વાગે ઊૅંઘે. રાતે કોઈ કૂવે પાણી ના ભરે. કૂવો ખુલ્લા દેવ જેવો. મંદિરના દેવને દરવાજા હોય, કૂવો પણ ઉઘાડું મંદિર!

ત્યારે ગામ કૂવો સ્થળ વિષયક સંજ્ઞાા નહિ, મોભાદાર માણસ જેવું વ્યક્તિત્વ ધરાવતો હતો. ગામની ઓળખ અને ગામની શોભા ગામકૂવો ગણાય. પરોઢિયે મંદિરના મહારાજ ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી એને ઊઠાડતા. ઠંડાપાણીની બે ડોલ શરીર ઉપર નાખી મંદિરની આરતી કરતા. એ આરતી અને મંત્ર ગામનું એલાર્મ ઘડિયાળ. પછી પનિહારણો ગામકૂવો ઉચેલવા બેડાં લઈને પહોંચી જતી.

'છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર રે! મારી સાહેલીનું બેડલું' - આવાં ચિત્રો ગામની સવાર શોભાવતાં. ઊંડા કૂવામાંથી લાંબા દોરડે ડોલ કે ઘડા પાણીમાં ડૂબે એટલે બુડબુડ અવાજ થતો. પાણી ખેંચતાં બાવડાં રહી જતાં. ક્યારેક કૂવામાંથી ઘડો-ડોલ ખેંચતાં રાશ-દોરડું તૂટી જતું અને કૂવામાં ઘડો પડી જાય, ખોવાઈ જાય ત્યારે મંગાખાંટને ત્યાંથી બિલાડી (આંકાવાળા લોખંડી કડાંવાળું સાધન) લવાતી. બિલાડીની મદદથી ઘડો શોધી કાઢી બહાર નીકાળી દેવાતો. કૂવો વ્હેલી સવારે ઊઠે અને મોડા આઠેક વાગે ઊૅંઘે. રાતે કોઈ કૂવે પાણી ના ભરે. કૂવો ખુલ્લા દેવ જેવો. મંદિરના દેવને દરવાજા હોય, કૂવો પણ ઉઘાડું મંદિર!

કૂવાનાં જળ પનિહારીઓ બેડાં ભરીને ઘરે લઈ જતી. કૂવો નારીઓના હાથે ઠલવાતો... કૂવાનાં જળ ઉમંગ થઈને તરસ્યા કંઠને ઠારતાં. વટેમાર્ગુઓ કૂવાના જળને નિમિત્ત બનાવી પોતાના જીવનની હેલ્ય ઉપાડી પણ જતા. કૂવો જેમ બેડલે ઠલવાય એમ બેનોના હૃદયની વાત બીજી બહેનોના દિલમાં ઠલવાય. ગામની તરસ ઠારે કૂવો. અબોલ જીવોને જીવાડે કૂવો. કૂવાને ઊંડાઈ હોય અને પહોળાઈ પણ, એ ઊંડાણોમાં એની ઉદારતાનાં અને એની પહોળાઈમા ંએની વિશાળતાનાં દર્શન થતાં. 

આજે એ કૂવો વિધુર થઈ ગયો છે. એ કૂવાને જ 'કૂવો હવાડો' કરવાના દિવસો પાકી ગયા છે. એ કૂવો ગામની વિધવા બહેનોના દુઃખે દુઃખી થતો. સ્મરણોનો ચોપડો હતો ગામકૂવો! હોળીનો રંગ કૂવો પણ માણતો! કેવા દિવસો હતા એ! કૂવાને ગામના મહારાજ ઊઠાડે.. સાંજે પનિહારીઓ પાણી ખેંચે... કોસ ખેંચનાર મગનભા આવે... હવાડો ભરે... બળદો કોસ ખેંચે... ચામડાનો કોસ... કિચુડ કિચુડ... અવાજ બળદ હાંકતાં 'રામૈયા રામ' ના અવાજો કૂવા ઝીલે. સાંજની આરતી થઈ ગયા પછી કૂવાને સૂઈ જવાની છૂટ. પણ એ ઊંઘે શાનો? કૂવાએ કેટલીક બેનોને, ઘરના કકળાટમાંથી મુક્તિ અપાવવા હિંમત પણ દાખવી છે. કૂવો સંવેદનશીલ ભારે! તાંબા-પિત્તળ-સ્ટીલ-માટીનાં બેડાંનો રણકાર સાંભળી ડોલ્યો પણ છે! ડોલ પાણીમાં ડૂબે ત્યારે તેનાં પાણીમાં જે વલયો રચાય એમાં એનો રાજીપો જોઈ શકાય. ગામમાં કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે બધો શોક કૂવો ધોઈ આપતો... કૂવાની પાસે જ પુરુષો મરનારની પાછળ દાઢી-મૂછનાં સૂતક કઢાવતાં. કૂવો એ બધાનો સાક્ષી રહ્યો છે. કૂવે આવી બેનો પણ સમૂહમાં ન્હાતી... પછી પુરુષો હવાડે જઈ ન્હાય. ચાલ્યા જ કરે ક્રમ! કૂવાએ પ્રથા અને પરંપરાને સહાય કરી છે. પણ! હવાડો એ કૂવાની ઉદારતા છે. કૂવો દયાનાં જળ હવાડે પહોંચાડે. ગામનાં ઢોર ત્યાં આવી તરસ ઠારે. ગોરજ ટાણે ભેંસો-ગાયો-વાછડાં હવાડામાં મોં ઘાલીને જે પાણી ગટગટ ગળે ઊતારે તે ચિત્રો હવે ગામને ગોંદરે જોવા નથી મળતાં.

કૂવાએ કેટલાંય જીવતર ઉજાળ્યાં છે, મેઘાણીએ એની વાર્તાઓ પણ આપી છે. તેથી કૂવો-હવાડો કેવળ પાણી ભરવા-પીવા માટેનાં માત્ર સ્થળ નહોતાં, એ કૂવો-હવાડો ગામની શોભા-આબરૂ પણ હતાં. કૂવે ન્હાતી કન્યાઓ, શરીર ઘસીને ઊજળું કરતા યુવાનો... ભેંસોને નવરાવતા ખેડૂતો... ઇતરડી વીણતા પશુપાલકો... ક્યારેક હવાડે ખૂબ પાણી ઢોળાતાં ત્યારે લપસી પણ પડાય... ગંદકી પણ થાય... કૂવા તો યોગી જેવો પણ વિસ્તાર પ્રમાણે અમુક વર્ગના લોકોએ તેના ઉપર પોતાના વર્ચસ્વનો સિક્કો મારી દીધો. એમ એના ઉપર સ્ટેમ્પ વાગ્યા, પણ કૂવાએ ઉનાળામાં પોતાનું મન સાંકડું કર્યું નથી. એ જ તો એની મહાનતા! ગામને કૂવે મા-દીકરી (પરણાવેલી) સાથે પાણી ભરે છે ત્યારે લોકગીત -

ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

એક જ ગામમાં પરણેલી પાણી ભરવા ગયેલી મા-દીકરી સામાન્ય વાતો કરે છે. તેમાં ઘરની વાતો કરે છે એવો વ્હેમ રાખી નણંદ ચાડી ખાય છે. અને પછી તો પેલી વહુનું મૃત્યુ થાય છે. આ ઘટનાનો ગામકૂવો સાક્ષી છે. ગામકૂવાએ ગામનાં સારાં માઠાં અવસર-ટાણાં ઉલટથી ઊજવ્યાં છે. ગામકૂવાએ ગામની આબરૂ સાચવી છે. ગામકૂવા-હવાડા ખુલ્લી પરબો ગણાતાં.

આજે તો યંત્રયુગીન સંસ્કૃતિએ 'કૂવા-હવાડા'નું નિકંદન કાઢ્યું છે! કૂવા ભલે નથી પણ કૂવા-હવાડાને લગતી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં જીવતા રહ્યા છે. 'કૂવામાં હોય તે હવાડામાં આવે (જેવું હોય તેવું જ બહાર આવે)' 'કૂવા ઊંડા ને દોરડા ટૂંકા (હેતુ ન સરે એવી પરિસ્થિતિ)' કૂવો સુકાય એટલે કબૂતર વંઠે અને વર મૂએ વહુ વંઠે (પોતાનો સ્વાર્થ ન પોષાતાં વ્યક્તિ નિર્લજ્જ કાર્ય પણ કરે) 'કૂવા જેવું પેટ-હૈયું.' એમ કહીએ ત્યારે એની ઉદારતા અને ગંભીરતાનો વિચાર કરીએ છીએ.... 'કૂવો હવાડો કરવો (આપઘાત કરવો)' આજે તો કૂવો જ કૂવે પડયા છે. એટલે કે કૂવા-હવાડા ખોવાઈ ગયા છે ત્યારે આપણે નવી પેઢીને કેવી રીતે એનાથી અવગત કરીશું?