Get The App

બીજવર પણ ચાલશે .

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
બીજવર પણ ચાલશે                                   . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'જે છોકરીએ પોતાના સપનાં સળગાવી સળગાવીને ઘરમાં અજવાળા કર્યા તેના માટે આ લોકો હવે સિમ્પથીની મિણબત્તીઓ પ્રગટાવવા નીકળ્યા છે.'

'હે લ્લો... નંદીની કેમ અચાનક આજે મને યાદ કરવો પડયો. હવે તો તમે બધા મોટા થઈ ગયા એટલે મારા જેવાની યાદ નહીં આવે.' - ઉજ્જવલે ફોન ઉપાડીને ટોણો માર્યો.

'બહુ હોંશિયારી ના મારીશ ચાંપલા. નવાઈનો લેખક થઈ ગયો છે તે અમને ખબર છે. તને આ ડોક્ટરી કરવાની વચ્ચે લખવાનો સમય કેવી રીતે મળે છે. તારી ડોક્ટરી ચાલતી નથી લાગતી તે વાર્તાઓ લખવા માંડયો છે.' - નંદીનીએ મજાક કરી.

'તને ખબર છે, ડોક્ટર, શિક્ષક અને વકીલો પાસે સૌથી વધારે લોકો આવતા હોય છે અને તેમને જીવતી વાર્તાઓ મળતી રહેતી હોય છે. મને થયું કે ડોક્ટરી નહીં ચાલે તો કદાચ વાર્તાઓ ચાલી જશે. એ બહાને ઘર તો ચાલશે જ ને.' - ઉજ્જવલે જવાબ આપ્યો અને બંને હસી પડયા.

'સારું. સાંજે હું ને ભઈલુ આવીએ છીએ. થોડું અંગત કામ છે. સમય કાઢજે.' - નંદીની બોલી.

'સાંજે છ પછી આવજે. બપોરે એક કાર્યક્રમમાં જવાનું છે, પાછા આવતા સાડા પાંચ થશે.' - ઉજ્જવલે કહ્યું અને બંને છેડે ફોન મુકાઈ ગયા.

સાંજના સાડા છની આસપાસ નંદીની અને સાગર આવ્યા. ઉજ્જવલ અને અદિતી પણ તેમની રાહ જોતા બેઠા હતા. ઔપચારિક વાતો કરી અને અદિતી ચા-નાસ્તાની તૈયારી કરવા અંદર ગઈ. 

'ઉજ્જવલ કામ એવું છે કે, દીદી માટે લગ્નની જાહેરાત આપવી છે. તારા ફ્રેન્ડને કહીને રવિવારના છાપામાં જાહેરાત અપાવી દેને.' - નંદીનીએ કહ્યું. ઉજ્જવલના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ ઉપસી.

'નંદીની તને ખબર છે તું શું વાત કરે છે. માનસીના લગ્ન... એ પણ આ ઉંમરે.' - ઉજ્જવલનો અવાજ મોટો થઈ ગયો અને અદિતી પણ સાંભળીને રસોડામાંથી દોડી આવી.

'અરે હા, હું માનસીની જ વાત કરું છું. આટલું મોટેથી બોલવાની કે આશ્ચર્ય કરવાની વાત જ નથી.' - નંદીનીએ કહ્યું.

'તમને તો ખબર છે કે, પપ્પાના ગયા પછી હવે ઘરમાં કોઈ જ વધ્યું નથી. દીદીની જોબ અહીંયા ચાલુ છે. હું મુંબઈ રહું છું. નંદીની એના સાસરે હોય છે. દીદી સાવ એકલી કેવી રીતે આખું જીવન પસાર કરશે.' - સાગર પણ બોલ્યો.

'તમે લોકોએ માનસી સાથે ચર્ચા કરી છે, કે તમારી રીતે જ નિર્ણય લઈ લીધો છે.' - ઉજ્જવલે કહ્યું.

'તને ખબર તો છે કે દીદી નહીં માને. અમે થોડું દબાણ કરીશું, થોડું તું કરજે અને મંજુ માસીને પણ કહ્યું છે કે તે પણ સમજાવે.' - નંદીની બોલી.

'તમે બધી તૈયારી સાથે જ આવ્યા છો તો ઠીક છે. કોઈ ડ્રાફ્ટ બનાવ્યો છે કે, મારા ફ્રેન્ડને જ કહી દઉં.' - ઉજ્જવલે કહ્યું.

'અમારે પહેલાં તારી સાથે ચર્ચા  કરવી હતી એટલે ડ્રાફ્ટ બનાવ્યો નથી પણ રાત્રે તને વોટ્સએપ કરું છું.' - નંદીનીએ કહ્યું અને સાગરે પણ હકારમાં માથું ધુણાવ્યું.

અદિતી ચા-નાસ્તો લાવી અને બધાએ ચા-નાસ્તો કર્યો અને થોડી આમતેમ વાતો કરીને કલાકમાં બધા છૂટા પડયા. નંદીની અને સાગર તો જતા રહ્યા પણ ઉજ્જવલનું મગજ હજી પણ નંદીનીના પ્રપોઝલમાં જ અટવાયેલું હતું. અદિતી પામી ગઈ તેથી તેણે ચર્ચા કરવાનું ટાળીને ડિનરની તૈયારીઓ હાથ ધરી લીધી. 

રાત્રે પરવારીને બંને હિંચકે ગોઠવાયા અને અદિતીની ધારણા પ્રમાણે ઉજ્જવલે વાતની શરૂઆત કરી.

'યાર આ લોકો કેટલા વિચિત્ર માણસો છે. આ છોકરીને હવે જતી જિંદગીએ પરણાવવા નિકળ્યા છે.' - ઉજ્જવલ અકળાયેલો જ હતો.

'જૂઓ, તમારા સંબંધ જૂના છે એટલે હું કશું કહી શકું નહીં પણ તેના ભાઈ-બહેને કંઈક નક્કી કર્યું છે તો તેના વિશે વિચાર્યું જ હશે.' - અદિતીએ જવાબ આપ્યો ત્યાં જ ઉજ્જવલનો ફોન રણક્યો.

'બોલ.' - ઉજ્જવલે કહ્યું.

'તને ડ્રાફ્ટ મોકલ્યો છે. બાકીનું એડજસ્ટ કરાવી દેજે. બેસિક ડિટેલ્સ આપી છે.' - નંદીનીએ કહ્યું.

'સારું. જોઈ લઉં છું.' - ઉજ્જવલે કહ્યું અને ફોન કટ કરી દીધો.

'ફાર્મા કંપનીમાં જોબ કરતી યુવતી માટે યુવક જોઈએ છે. ઉં. વ. ૪૫થી ૫૦. બીજવર અને બાળકોની જવાબદારી વગરના યુવકો સંપર્ક કરી શકે. મો. ૯૪૯૫ઠઠઠઠઠઠ' - ઉજ્જવલે જાહેરાત વાંચી અને તેની ચેતના સ્થિર થઈ ગઈ.

'શું થયું, કેમ શું લખ્યું છે...' - અદિતીએ સવાલ કર્યો.

'સાવ યાર આવું... બીજવર...' - ઉજ્જવલનો અવાજ ઢીલો પડી ગયો. તેને બોલવું હતું પણ તેણે હિંચકાને જોરથી પકડયો અને આંખો બંધ કરી લીધી. અદિતીને પણ સમજાઈ ગયું કે, આ ડૂમાને ભાષા અપાય તેમ નથી. તે ચુપ થઈ ગઈ.

'મુકેશ કાકા અને સવિતા કાકી આપણા જૂના પાડોશી. કદાચ એમ કહીએ કે મારા જન્મ પહેલાના પડોશી. આપણા જૂના ફ્લેટમાં મુકેશ કાકા અને પપ્પાએ એક જ દિવસે પઝેશન લીધું હતું. તે વિસ્તારમાં ફ્લેટ નવા બન્યા હતા અને આપણે લોકો સામસામે રહેવા ગયા હતા. મારો જન્મ પણ એ ફ્લેટમાં થયો હતો. તે વખતે સવિતા કાકીને ત્યાં નંદિનીનો જન્મ થયો હતો.'

'માનસી અમારાથી ત્રણ વર્ષ મોટી હતી. હું અને નંદિની સરખા. સાગર અને આપણી અવની સરખા. તે ત્રણ ભાઈબેન અને અમે બે ભાઈબેન એમ અમારી પાંચની ટોળકી જ હતી. લગભગ હું મેડિકલમાં ગયો ત્યાં સુધી એ જ ફ્લેટમાં આપણો અને મુકેશ કાકાનો પરિવાર રહ્યો. માનસી થોડા માટે મેરિટમાં રહી ગઈ અને ડોક્ટર બની શકી નહોતી. તેણે બીફાર્મ કર્યું અને પછી ફાર્મા કંપનીમાં જોબ મેળવી લીધી હતી. મુકેશ કાકાની જોબ તો ઘણા સમયથી જતી રહી હતી. સવિતાકાકી અને માનસી જ ઘરમાં કમાનારા વ્યક્તિ હતા.'

'માનસીએ જોબ શરૂ કરી તેના બીજા વર્ષે જ મુકેશકાકા લોકોએ ટુ-બીએચકેનો ફ્લેટ લીધો. તેઓ કાંકરિયાથી થોડા જ દૂર મણિનગર સ્ટેશન પાસે શિફ્ટ થયા. તેઓ નવા ફ્લેટમાં ગયાના છ મહિના થયા અને સવિતાકાકી એક્સપાયર થઈ ગયા. ત્રણેય છોકરાઓ ઉપર મોટી પસ્તાળ પડી હતી. આ સ્થિતિમાં માનસીએ આખું ઘર સંભાળી લીધું. તેણે જોબ પણ કરી અને બંને ભાઈ બહેનને ભણાવ્યા.'

'અમારી વચ્ચે ઉંમરને તફાવત હતો છતાં અમારું બોન્ડિંગ સારું હતું. તે ઘણી વખત ઘરે આવતી અને મારી સાથે વાતો કરતી. તેને એક છોકરો ગમતો હતો પણ લગ્ન કરી શકે તે સ્થિતિમાં નહોતી. તે લગ્ન કરી લે તો તેણે મુંબઈ શિફ્ટ થવું પડે તેમ હતું. તે છોકરો બીજી કંપનીમાં જોબ લઈને મુંબઈ જતો હતો. માનસી પોતાનું ઘર છોડી શકે તેમ નહોતી. તેણે પોતાનો પ્રેમ જતો કર્યો. નંદીનીને ભણાવી અને તેના ગમતા છોકરા સાથે લગ્ન કરાવ્યા. સાગરને પણ ભણાવ્યો અને મુંબઈ શિફ્ટ કર્યો. હવે ઘરમાં તે અને મુકેશકાકા વધ્યા હતા.'

'છ મહિના પહેલાં મુકેશકાકાનું પણ અવસાન થયું. હવે ઘરમાં માનસી એકલી રહી ગઈ. આ લોકોને એમ લાગે છે કે, તેના જીવનમાં એક વ્યક્તિની જરૂર છે. તે અત્યાર સુધી લગ્ન માટે માનતી નહોતી પણ હવે માની જશે. આખા ઘરમાં એકલી કેવી રીતે જીવન પસાર કરશે. નંદીનીને એમ છે કે, તે અને સાગર બહુ સમય અને ધ્યાન આપી શકે તેમ નથી તેથી તેને પરણાવી દેવી જોઈએ. જતી જિંદગીએ જો તે સાજીમાંદી થાય તો તેનું ધ્યાન રાખવા માટે કોઈ ઘરમાં જોઈએ તો ખરું ને. તેની સેવા-ચાકરી કોણ કરશે. નંદીની ક્યાં દૂર રહે છે. તે પાલડીમાં જ રહે છે. તેના પરિવારમાં ત્રણ લોકો છે. તેમને ક્યાં માનસીનો ભાર પડવાનો છે. માનસી સાજી-માંદી થાય તો નંદિની તેને પોતાના ઘરે ના લઈ જઈ શકે. સાગર થોડા દિવસ માટે માનસીને મુંબઈ લઈ જાય તો વાંધો શું છે. કદાચ માનસીને મુંબઈમાં કોઈ સારી ફાર્મા કંપનીમાં જોબ અપાવી દે અને તેની સાથે ત્યાં રાખી લે તો શું વાંધો.'

'સાલું માણસો કેમ વિચાર કરતા નહીં હોય. એક છોકરી જેણે પોતાની જિંદગી, પોતાની યુવાની, પોતાના સપનાં, પોતાના અભરખાં, પોતાની ઈચ્છાઓ, પોતાનો પ્રેમ બધું જ હોમી દીધું. તેણે ત્યાગ કર્યો કે તે મહાન છે તેવું મારે સાબિત નથી કરવું પણ એક છોકરીના સપનાઓના અવશેષોને તમે આમ વિખેરો તે કેવી રીતે ચાલે. આ લોકોએ ડ્રાફ્ટમાં લખ્યું છે કે, બીજવર હશે તો પણ ચાલશે. છોકરાઓની જવાબદારી ન હોય તેવો બીજવર ચાલશે.'

'જે છોકરીએ પોતાના સપનાં સળગાવી સળગાવીને ઘરમાં અજવાળા કર્યા તેના માટે આ લોકો હવે સિમ્પથીની મિણબત્તીઓ પ્રગટાવવા નીકળ્યા છે.' - ઉજ્જવલ આટલું બોલ્યો અને રડી પડયો. અદિતીની પણ આંખો ભરાઈ આવી.

Tags :