Get The App

અર્માન્ડ ડુપ્લાન્ટિસ : પોલ વોલ્ટમાં જિવંત દંતકથા સમાન એથ્લીટની દાસ્તાન

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
અર્માન્ડ ડુપ્લાન્ટિસ : પોલ વોલ્ટમાં જિવંત દંતકથા સમાન એથ્લીટની દાસ્તાન 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- 25 વર્ષનો અમેરિકામાં જન્મેલો સ્વિડિશ પોલ વોલ્ટર અર્માન્ડ ૧૨ વખત વર્લ્ડ રેકોર્ડ તોડવાની સાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતની સ્પર્ધામાં સુવર્ણચંદ્રકોનો ઢગલો ખડકી ચૂક્યો છે 

મ જબુત  ઈરાદા અને સખત મહેનતની સાથે સાથે ધીરજપૂર્વકના પ્રયાસના ત્રિવેણી સંગમ થકી જ સફળતાના શિખર સુધીની સફર ખેડી શકાય છે. સફળતાને હાંસલ કર્યા બાદ તેેને ટકાવી રાખવાની સાથે સાથે પોતાની જ શ્રેષ્ઠતાને પડકાર ફેંકવો આસાન હોતો નથી. નિર્ધારિત લક્ષ્ય પર પહોંચ્યા બાદ પણ નવા સીમાચિહ્નોની ખોજને જારી રાખવામાં આવે તો ઐતિહાસિક સિદ્ધિઓનો એક વિશાળ ખજાનો હાંસલ કરી શકાય છે. જે આવનારી પેઢી માટે સફળતાનો આગવો માપદંડ બની રહે છે. વિશ્વ એથ્લેટિક્સમાં પોલ વોલ્ટની રમતમાં છેલ્લા પાંચ વર્ષથી ખળભળાટ મચાવી રહેલા સ્વિડનના ૨૫ વર્ષના અર્માન્ડ  ડુપ્લાન્ટિસે વિશ્વવિક્રમોની હારમાળા સર્જી દીધી છે. 

અમેરિકામાં જન્મેલા અને સ્વિડનના ખેલાડી તરીકે વિશ્વભરમાં ઓળખ ધરાવતા અર્માન્ડ ડુપ્લાન્ટિસે તેના ઘરઆંગણે એટલે કે સ્વિડનના સ્ટોકહોમમાં યોજાયેલી ડાયમંડ લીગમાં ૬.૨૮ મીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો. આ સાથે તેણે ૧૨મી વખત વિશ્વવિક્રમ રચવાની સીમાચિહ્નરુપ સિદ્ધ હાંસલ કરી છે. ડુપ્લાન્ટિસની મહાનતાનું પ્રમાણ એ છે કે, તેણે વર્ષ ૨૦૨૦માં જ્યારે ૬.૧૭ મીટરનો કૂદકો લગાવ્યો, તેની સાથે તેણે તે સમયે છ વર્ષ પહેલા ફ્રાન્સના એથ્લીટ રેનાઉડ લાવિલેનીનો ૬.૧૬ મીટરનો વિશ્વવિક્રમ તોડયો હતો. આ પછી તો છેલ્લા ૧૦ વખત તો તેણે ખુુદ પોતાના જ વિશ્વવિક્રમોને તોડયા હતા. 

પોલ વોલ્ટ એટલે કે વાંસ કૂદકાની રમત જોખમથી ભરેલી છે, પણ જ્યારે આ રમતમાં એક ખેલાડી આગવી કુશળતા હાંસલ કરી લે છેે, ત્યારે તે તેના સમકાલીન હરિફો કરતાં ક્યાંય આગળ વધી જાય છે. ડુપ્લાન્ટિસની નજર હવે પોલ વોલ્ટમાં સૌથી વધુ વિક્રમો સર્જવાનો કીર્તિમાન ધરાવતા સર્ગેઈ બુબ્કાના નામે છે. બુબ્કાએ તેમની કારકિર્દીમાં ૧૪ વખત વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો અને ડુપ્લાન્ટિસ તેમની બરોબરી કરવાથી બે જ વિશ્વવિક્રમ દૂર છે. તેની યુવા વય તેમજ ફિટનેસનું સ્તર જોતા ડુપ્લાન્ટિસ આગામી દિવસોમાં બુબ્કાના આ વિશ્વવિક્રમોના વિશ્વવિક્રમને પણ તોડી નાંખશે તેમ મનાય છે. 

આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સના તમામ મેજર ટાઈટલ પોતાના નામે કરી ચૂકેલા અર્માન્ડ ડુપ્લાન્ટિસે ક્યારેેય પોતાની સિદ્ધિઓથી સંતોષ માન્યો નથી અને આ જ કારણે તેનામાં હજુ નવા કીર્તિમાન રચવાનો જુસ્સો અકબંધ રહેવા પામ્યો છે. અમેરિકન-સ્વિડીશ એથ્લીટ ડુપ્લાન્ટિસ ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિક અને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક પર પોતાનું નામ અંકિત કરાવી ચૂક્યો છે. તેની સાથે સાથે વર્ષ ૨૦૧૯માં ૧૯ વર્ષની વયે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યા બાદ તેણે સતત બે વખત વિશ્વવિજેતાનો ખિતાબ પણ મેળવી લીધા છે.

છેલ્લા પાંચ વર્ષમાં એથ્લેટિક્સની તમામ મેજર ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો જીતવાનો આગવો સિલસિલો સર્જનારા ડુપ્લાન્ટિસને અનબિટેબલ તરીકેની ઓળખ આપવામાં આવી છે. કોઈ પણ સ્પર્ધામાં તેની હાજરી હોય એટલે સુવર્ણચંદ્રક તેના જ નામે હોય. વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપની સાથે ડાયમંડ લીગ ફાઈનલ્સ અને યુરોપીયન ચેમ્પિયનશિપ જેવી એલિટ સ્પર્ધાઓમાં પણ તેનો કમાલ જોવા મળ્યો છે. વિશ્વભરમાં સતત પ્રવાસ જારી રાખવાની સાથે સાથેે ફિટનેસને જાળવી રાખવાનો તેમજ દરેક વખતે પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવાની કુશળતા જ ડુ્પ્લાન્ટિસને તેના અન્ય હરિફો કરતાં જુદો તારવે છે.

ડુપ્લાન્ટિસની સિદ્ધિઓ હવે તેને એથ્લેટિક્સના ઈતિહાસના મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન અપાવવા માટે પુરતી છે. તેની સફળતાનું રહસ્ય તેેના પરિવારમાં અને તેની મક્કમતામાં છુપાયેલું છે. અર્માન્ડનો જન્મ અમેરિકાના લ્યુસિયાનામાં રહેેલા એક સ્પોર્ટ્સને સમર્પિત પરિવારમાં થયો હતો. એન્ડ્રેસ અને એન્તોનિયો પછી પરિવારના ત્રીજા સંતાન તરીકે નવેમ્બર, ૧૯૯૯માં અર્માન્ડનો જન્મ થયો હતો. તેને એક યોહાન્ના નામની નાની બહેન પણ છેે. અર્માન્ડના પિતા ગ્રેગ અમેરિકન હતા અને તેની માતા હેલેના સ્વિડનની વતની હતી. ગ્રેગ પોતાના જમાનામાં અચ્છા પોલ વોલ્ટર હતા, પણ તેમની કારકિર્દી એક સ્તરથી આગળ વધી શકી નહતી. જોકે પોલ વોલ્ટ સાથેનો તેમનો લગાવ જેમનો તેમ હતો. 

જ્યારે અર્માન્ડની માતા હેલેના ભૂતપૂર્વ હેપ્ટાથ્લોન એથ્લીટ હતી અને તેણે વોલીબોલમાં પણ સારી સફળતા મેળવેલી. હેપ્ટાથ્લોનની રમતમાં ખેલાડીને ૧૦૦ મીટર વિઘ્ન દોડ, ઉંચી કૂદ, ગોળા ફેંક, ૨૦૦ મીટરની દોડ, લાંબી કૂદ, ભાલા ફેંક અને ૮૦૦ મીટરની દોડ એમ કુલ સાત રમતમાં ભાગ લેવાનો હોય છે અને સાતેય રમતના દેેખાવના આધારે સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર ખેલાડી વિજેતા બને છે. આ સ્પર્ધાની વિજેતાએ સુપર એથ્લીટ તરીકેની ઓળખ મળે છે. આમ, અર્માન્ડને પિતાએ પોલ વોલ્ટનું પાયાનું કોચિંગ આપ્યું, જ્યારે તેની માતાએ તેની ફિટનેસનું ઘડતર કર્યું. આ જ કારણેે અર્માન્ડ ડુપ્લાન્ટીસ સતત આખી દુનિયામાં પ્રવાસ કરતો રહીને પણ પોતાનો શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવામાં સફળ રહે છે. અર્માન્ડની એક ઓળખ 'મોન્ડો' ડુપ્લાન્ટીસ તરીકેની પણ છે. તેનુ આ 'મોન્ડો'નામ તેના પિતા ગ્રેગના એક ઈટાલીયન દોસ્તે આપ્યુ હતુ. ઈટાલીમાં 'મોન્ડો'શબ્દનો અર્થ વિશ્વ થાય છે અને તેઓએ કુદરતી રીતે જ અર્માન્ડની વૈશ્વિક પ્રતિભાની સાથે આ શબ્દને જોડી દીધો, જે આજે તેની ઓળખનો પર્યાય બની ગયો છે. 

ડુપ્લાન્ટિસ પરિવારના ત્રણેય પુત્રો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની જુુનિયર પોલ વોલ્ટની સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. જોકે, અર્માન્ડને જેવી સફળતા મળી, તે તેના ભાઈઓ ન મેળવી શક્યા. અમેરિકાની રાષ્ટ્રીય સ્તરની અને વૈશ્વિક જુનિયર સ્પર્ધાઓમાં સફળતા મેળવનારા અર્માન્ડે ૧૫ વર્ષની વયે સ્વિડનનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. તેની માતા સ્વિડિશ હોવાથી તેને આ તક મળી હતી. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે કારકિર્દીનો આરંભ કરનારા અર્માન્ડ 'મોન્ડો'ડુપ્લાન્ટિસે યુરોપીયન અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ પ્રતિભાના આગમનનો ઉદ્ઘોષ કરી દીધો હતો.

એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે ૧૯ વર્ષની વયે દોહામાં ૨૦૧૯માં રજત સફળતા હાંસલ કરી. આ સફળતા બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું જ નથી. વર્ષ ૨૦૨૦માં તેણે સૌપ્રથમ વખત વિશ્વવિક્રમ તોડવાની સિદ્ધિ મેળવી અને ત્યાર થી લઈને અત્યાર સુધી તમામ મેજર સ્પર્ધાઓમાં સ્વર્ણિમ સફળતા હાંસલ કરી હતી. સ્વિડનમાં વધુુ એક વિશ્વવિક્રમ સર્જ્યા બાદ તેણે કહ્યું કે, મારે હજું પણ મારી ક્ષમતાનો વિસ્તાર આગળ વધારવો છે. મને હંમેશા લાગ્યા કરે છે કે, હું હજુ વધુ સારું કરી શકું છું અને આ વિશ્વાસ જ મને વધુુને વધુ વિશ્વવિક્રમો સર્જવાની પ્રેરણા આપતો રહે છે. જેના કારણે મારી રમતની સર્વોચ્ચ ક્ષમતાના રેકોર્ડને હું નવી ઊંચાઈએ પર પહોંચાડવા માટે કટિબદ્ધ છું.

Tags :