- એક જ દે ચિનગારી - શશિન્
- વિવેકાનંદ એવો સમુદ્ર છે જેમાં ધર્મ અને રાજનીતિ, રાષ્ટ્રીયતા અને આંતર રાષ્ટ્રીયતા તથા ઉપનિષદ અને વિજ્ઞાાન બધું જ સમાઈ જાય છે...
પશુ આડેધડ જીવી શકે, મનુષ્ય નહી : પોતાની શક્તિઓ અને મર્યાદાઓને ઓળખી સૃજનશીલ શક્તિઓને વિકાસ અને માનસિક નબળાઈઓ પર વિજય મેળવવો એ છે વ્યક્તિત્વ વિકાસની ગુરૂચાવી. ઈશ્વરે માણસને માત્ર ધરતીનો ભાર બનવા પાર્થિવ જીવન નથી આપ્યું, પોતાનામાં દિવ્યત્વ અને દેવત્વ પ્રગટાવીને સત્કાર્યો અને આત્મકલ્યાણની સાથે વિશ્વકલ્યાણની સાધનામાં પોતાનું સક્રિય પ્રદાન કરી શકે એવા શુભાશયથી આપણને દુર્લભ માનવજીવન પ્રાપ્ત થયું છે.
જિંદગીની સર્વોત્તમ અવસ્થા એટલે યૌવન. જોશનાં ઘોડાપૂર વહેતાં હોય, વાસંતી વાયરાની મહેક મનને તરબતર કરવી હોય, રમતાં-ભમતાં ને ગમતાં શમણાં આંખોમાં નાચતાં હોય અને આભને આંબવાની તમન્ના મનમાં સળવળાટ કરતી હોય અને આત્મશ્રદ્ધાને બળે લક્ષ્યસિદ્ધિનાં અરમાન મનને બેચેન બનાવતાં હોય તો જીવન સમુન્નત, શ્રદ્ધાવંત, ચારિત્ર્યશીલ, પરગજુ, સમર્પણશીલ અને રાષ્ટ્રપ્રેમી બને એના અંત:કરણમાં ધબકારા હોય, જેને પગલે ધરતી ધમધમતી હોય અને આકાશ સલામ કરતું હોય એવા યુવાનો જ દેશ-દુનિયાના તારણહાર બની શકે. જાગૃતિનો શંખનાદ ફરી માનવજાતિનો કોઈ ઉદ્ધારક અવતારી બની આવશે એવી પ્રતીજ્ઞાા કરવાને બદલે માણસ પોતાનામાં ઈશ્વરત્વ પ્રગટાવે તો જલ્દી ધરતીનો, વિશ્વનો ઉદ્ધાર થાય. માત્ર વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ સંપન્ન યુવાન બનો એ યુવાન તરીકે તમારી ફરજ જ નહીં ધર્મ છે. એટલે જ 'ઉઠો ને જાગો'નો વરદ મંત્ર સ્વામી વિવેકાનંદે આપ્યો હતો. એ શાસ્ત્રમંત્ર હતો પણ સ્વામીજીએ તેને યૌવનના વિકાસ માટેનો અમોધમંત્ર બનાવી દીધો. શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટે સ્વામી વિવેકાનંદની વાણીને શબ્દ દેહ આપી રુડેરુ કાર્ય કર્યું છે. 'ઉઠો જાગો' અને 'વ્યક્તિત્વ વિકાસ'નો આલેખમાં આધાર લેવામાં આવ્યો છે. 'સંસ્કૃતિ કે ચાર અધ્યાય'માં કવિવર શ્રી રામધારીસિંહ દિનકરે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પતાં લખ્યું છે : ''અભિનવ ભારતે જે કાંઈ કહેવું હતું તે સ્વામી વિવેકાનંદ મુખ દ્વારા આકાર પામ્યું. અભિનવ ભારતે જે દિશા તરફ જવું હતું. તેનો સ્પષ્ટ સંકેત સ્વામી વિવેકાનંદે આપ્યો. વિવેકાનંદ એવો સમુદ્ર છે જેમાં ધર્મ અને રાજનીતિ રાષ્ટ્રીયતા આંતરાષ્ટ્રીયતા તથા ઉપનિષદ અને વિજ્ઞાાન બધું સમાઈ જાય છે.''
યૌવન દેશનો આધાર છે એટલે એ મતલબી અને આત્મકેન્દ્રી બને, શીલ પ્રત્યે સદંતર ઢીલ દાખવે એ ન તો એને પોસાય કે ન તો દેશને. તંદુરસ્ત તન પણ વિકાર મુક્ત ન રહે તો એ વિકાસસાધક બની શકતું નથી.
સ્વામી વિવેકાનંદજી (વ્યક્તિત્વ વિકાસ)ના શબ્દોમાં આ જગત તો માત્ર એક વ્યાયામશાળા છે અને બધી કસરતો થઈ રહ્યા પછી આપણે દેવો થઈએ છીએ. એટલે દરેક વસ્તુનું મૂલ્ય કેટલે અંશે ઈશ્વરની અભિવ્યક્તિ છે તેનાથી નક્કી કરવાનું છે. સંસ્કૃતિ એ માણસમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ છે.
આજે સૌથી મોટો પ્રશ્ન માણસની ખોવાતી જતી દિવ્યતાનો છે. માણસનું મન દિવ્ય બને તો જ એનામાં રહેલા શેતાનિયતને ઉચાળા ભરવાની ફરજ પડે. માણસ પોતાના ચારિત્ર્યનું પરિવર્તન કેવી રીતે કરી શકે ? સ્વામીજી કહે છે આપણાં દરેક કાર્ય, દરેક હલચલ, દરેક વિચાર ચિત્ત પર મૂકી જાય છે. ઘણી વાર આવી અસરો દેખાય એવી હોતી નથી તેમ છતાં અજ્ઞાાત રીતે કામ કરે છે. જો શુભ અસરો પ્રબળ નીવડે તો માણસનું ચારિત્ર્ય શુભ થાય છે. જો અશુભ અસરો પ્રબળ નીવડે તો અશુભ થાય છે. આજે જે હરણફાળે ગુનાખોરી વધી રહી છે તેનું કારણ એ ભણ્યો છે પણ એનું મન અભણ રહ્યું છે. આપણા વિચારો આપણને જેવા બનાવે છે તેવા આપણે બનીએ છીએ. ખરાબ ટેવોને જાકારો આપો અને અંત:કરણથી તેનો ત્યાગ કરો.
સ્વામી વિવેકાનંદજીના યુવાપેઢી અને સમગ્ર માનવજાતને પવિત્ર, શુદ્ધ, પ્રેમપૂર્ણ અને શાન્તિઉપાસક બનાવે એવા ૨૧ વિચારો સંક્ષેપમાં દર્શાવવામાં આવ્યા છે.
૧. મનને શિક્ષિત બનાવો : શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી પચ્યા વગર ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં આપણે તો મનુષ્ય ઘડનારા, જીવન ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી નાખી છે તેના કરતાં તમે વધુ કેળવાએલો છે.
૨. સાચો દેશપ્રેમ વિકસાવો :
બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે હું પણ દેશપ્રેમમાં માનું છે. મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યતા છે તેમાં પ્રથમ છે લાગણી. તમને લોકો પ્રત્યે લાગણી છે ? લોકોના દુ:ખો જોઈ તમારી ઊંઘ ઉડી જાય છે ખરી ? તમારામાં પર્વત જેવી મુશ્કેલીઓને પાર પાડવાની ઈચ્છાશક્તિ છે ? તમે જેને સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત અને મક્કમતા છે ? ધૈર્યથી વિચલિત નહીં થવાનું ધૈર્ય તમારામાં છે ? ભલે લોકો નિંદા કરે કે સ્તુતિ કરે, ન્યાયના માર્ગોથી એક ડગલું નહીં ખસવા માટે તમારું મન તૈયાર છે ?
૩. યુવકો, તમે જાણો :
વેદો કહે છે મજબૂત દેહવાળો, તંદુરસ્ત અને બુદ્ધિશાળી યુવક જ પરમાત્માને પામી શકો. યુવકો, કામ કરવા લાગી જાઓ, ખરો સમય ા છે. તાજામાં તાજા, વણસ્પર્શ્યા વણસૂંધ્યા જ પુષ્પો પ્રભુને ચરણે ધરી શકાય.નિર્ભય બનો, કારણ કે તમારો દેશ બલિદાન માગે છે. ત્યાગ વગર કશું થઈ શકે નહીં.
૪. નૂતન ભારતને ઉભું થવા દો : હે યુવાન, તું ભૂલતો નહીં કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન માટે થયો છે. તું ભૂલતો નહીં કે તારી સમાજવ્યવસ્થા અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ છે. ગરીબ ભારતવાસી, ઝાડુ માનનાર, સુદ્ધાં તારા રક્તમાંસના સગાં છે. તારી કમર પર પહેરવા માટે ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે ઘોષણા કરજે કે ''ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે. ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે. મારા યૌવનનું આનંદવન છે. ભારતનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે.''
૫. અંધકારમાંથી કિરણ અવશ્ય આવશે : 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજળા એટલે અંધકારમાંથી પ્રકારનું કિરણ આપશે જ, અને આપણને દોરી જવા એક હાથ લંબાશે. હું તમારે માટે નિત્ય પ્રાર્થના કરું છું. ગરીબી, ધર્મને નામે થતી ચાલબાજ, સામાજિક અત્યાચારો, ભારત વર્ષના લાખ્ખો પદદલિત લોકો માટે આપણે અહર્નિશ પ્રાર્થના કરવી જોઈએ.'
૬. ઈન્દ્રિયો પરનું નિયંત્રણ : મનુષ્યનું સ્વાભાવિક વલણ ઈન્દ્રિયો ભણી વળવાનું છે. ઈન્દ્રિયોથી વિમુખ જવું તેને ઈશ્વર ભણી લઈ જાય. એટલે સંસારની મિથ્યા વસ્તુઓથી વિમુખ જવાનો પહેલો પાઠ આપણે શીખવાનો છે. આપણે જ્યોતિના પુત્રો છીએ આપણે સફળ થવું જ છે. જંગમાં સેંકડો ખપી જશે પણ બીજા સેંકડો તૈયાર થઈ જશે.
૭. જીવનમાં આધ્યાત્મિકને અગ્રિમ સ્થાન આપો : કોઈપણ દેશની સંસ્કૃતિમાં બધા ધર્મના, આધ્યાત્મિક વિચારોના મૂળમાં, કેન્દ્રમાં ત્યાગ છે. જેટલા પ્રમાણમાં ત્યાગ ઓછો, ત્યાગ અધૂરો રહે તેટલા પ્રમાણમાં ધર્મમય જીવનમાં વિલાસિતા વધશે. શ્રી રામકૃષ્ણ દેવ જેવી ત્યાગશીલ મહાવિભૂતિની વિશ્વને જરૂર હતી અને આવો જ ત્યાગ આજનો જમાનો ઝંખે છે.
૮. નિર્ભય અને સેવાભાવી યુવકો-સેવાર્થીઓની દેશને જરૂરિયાત : આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા ? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુદ્ધાં જવા તૈયાર હોય અને સમુદ્રને પણ તરી જવાની હિંમત દાખવે. એવાં સેંકડોની, સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની આપણને જરૂર છે. કેવળ એ ધ્યેય માટે બધું જ કરો.
૯. 'કર્મણ્યે વાધિકારસ્તે'ના મંત્રને જીવન પથદર્શક બનાવો : કેવળ કર્મમાં જ મનુષ્યનો અધિકાર છે, ફળમાં નહીં (શ્રીમદ્ ભગવદગીતા) ખડકની જેમ ઉભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવ શક્તિનો સંચાર કરુ, એવી વીજળી જેવી નવી ચેતનાની જરૂર છે. ફળની આસક્તિ રાખ્યા સિવાય કર્મશીલતા અપનાવો. અથાક ઉત્સાહ સહિત કામ કરો.
૧૦. મહાન વીરની જેમ કરો : કામ કરો, કામ કરો, કામ કરો. મોતની ઘડી સુધી કામ કરો. પૈસાની ચિંતા ન કરો. તે તો ઉપરથી વરસશે. ભૂખ્યાં મોંમાં અન્નનો કોળિયો મૂકતાં જો કીર્તિ, સંપત્તિ અને સર્વસ્વ નાશ પામે તો પણ અહોભાગ્યમ. પ્રેમ જ જ્ઞાાન અપાવે છે અને પ્રેમ જ મુક્તિ. ઢોંગ કરવાથી કોઈ મહાન કાર્ય ન થાય. સૌ સાથે મેળ સાધીને રહો.
૧૧. જીવનમાં સંગઠન શક્તિ વિકસાવો :
૧૨. પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં જ વિઘ્નો જીતી લે છે. બધાં જ મહાન કાર્યોની પ્રગતિ જરૂર ધીમી રહેવાની.
૧૩. જીવનમાં શ્રદ્ધા રાખો કે તમારો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે. કુરકુરિયાં ભસવાથી ડરી જશો નહીં. અરે આકાશના વજ્ર પ્રહારથી પણ ડરશો નહી. સહાનુભૂતિ દાખવવાનું ચૂકશો નહીં.
૧૪. અત્યારે આપણે પાંચ-છ સિંહોની જરૂર છે પછી તો સેંકડો શિયાળિયાં પણ ઉત્તમ કામો કરી શકશે.
૧૫. ચિંતા કરવાનું કારણ નથી. નીડર બનો તો તમારી સામેથી બધું નાશી જશે.
૧૬. તમોગુણનો ત્યાગ કરો. તે પતન કરાવે છે.
૧૭. ક્ષમા પણ જો નિર્બળ અને નિષ્ક્રિય હોય તો તે સાચી નથી.
૧૮. અણગણમતા કારણે પણ તમારી બુદ્ધિ અને કોઠાસૂઝથી મનગમતું બનાવો. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે.
૧૯. ગુલામની જેમ નહીં, માલિકની અદાથી કામ કરો.
૨૦. બધી જવાબદારી તમારે માથે લઈ લો. બહાનાં બાજ ન બનો.
૨૧. પ્રથમ 'માણસ' બનો પછી જુઓ કે બીજું બધું તમારી પાછળ આવશે. શૌર્ય, એકાગ્રતા, સમાનતાની ભાવના, શૌર્ય અને મહાન આદર્શોને વળગી રહો.


