For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સચ કા સામના : આઝાદીના લડવૈયા સુભાષબાબુ, પણ 'ઘડવૈયા' ગાંધીજી!

Updated: Jan 22nd, 2023

સચ કા સામના : આઝાદીના લડવૈયા સુભાષબાબુ, પણ 'ઘડવૈયા' ગાંધીજી!

- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- નેવલ મ્યુટિની યાને નૌકાદળના બળવાને લીધે બ્રિટિશરોએ ભારતને આઝાદી આપવી પડી ? એમાં યોગદાન આઝાદ હિન્દ ફોજનું હતું ? તલસ્પર્શી તથ્યોની છણાવટ!

સુ ભાષબાબુનો જન્મદિન (૨૩ જાન્યુઆરી) અને ગાંધીજીનો નિર્વાણદિન (૩૦ જાન્યુઆરી) નજીક છે, ત્યારે આજકાલ આવી બહુ ગાજેલી એક ફોરવર્ડેડ ફેકમફેકનું સત્યશોધન કરીએ. જેમની બાબતે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસથી વડાપ્રધાન પણ જાહેરમાં ચિંતા પ્રગટ કરી ચૂક્યા છે, એ સત્યના ઢોલ પીટતા ફેક મેસેજીઝનું તો ઘોડાપૂર આવ્યું છે. કમનસીબી એ છે કે અમુક વિજ્ઞાાન બાબતે ભરોસાપાત્ર વરિષ્ઠો પણ સાયન્ટિફિક રિસર્ચના અભિગમ વિના જ ઉલ્લુઓને ઊઠાં ભણાવતા લેખો મોટી ઉંમરે લખી નાખે છે.

દુર્ભાગ્યે ગાંધી-સુભાષ-સરદાર-ભગતસિંહના ભારત માટેના સપનાથી વિપરીત ભારત દેશમાં સંતુલિત અને ખુલ્લા મનથી અભ્યાસ કરનારા અસલી વિદ્વાનો જ ઝાઝા રહ્યા નથી. બીજી તકલીફ એ પડી છે કે મોટા માણસ ગણાતા લોકો અતિવ્યસ્ત છે. એમની પાસે આંખો તોડીને, જ્ઞાાનતંતુ ખોડીને કોઈ વિષય પર ગળચટ્ટા રેડીમેઈડ ફોરવર્ડ સિવાયના તથ્ય શોધવાનું તાર્કિક તપ કરવાનો સમય નથી. નવી પેઢીના સતત વિડિયો લિંકને જ જ્ઞાાનકોશ માનતા અઢળક યુવકયુવતીઓ હવે તો અપાર ખજાનો મફતમાં ઉપલબ્ધ હોવા છતાં રૂચિના અભાવે વાંચતા જ નથી!

એટલે ઠોકમઠોક કરનારા ગુમનામ ગપ્પીદાસોને ઘીકેળા થઈ ગયા છે. પૂરા ત્રણસોસાઠ ડિગ્રીના સર્વાંગી વિશ્લેષણને બદલે એકાંગી એનાલિસિસ બેશરમ થઈને ઠઠાડી દેવાનું. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.

આ બધી ભૂમિકા એટલે કે હવે જે સિમ્પલ ફેક્ટચેક તમે વાંચવા જઈ રહ્યા છો, એ મેળવવી કંઈ સ્પેશ્યલ નથી. થોડા ખાંખાખોળા કરો, અને ધીરજથી વાંચો, ક્રોસ ચેક યાને તુલનાત્મક અભ્યાસ કરો તો આ બધું ઈન્ટરનેટ પર જ ઉપલબ્ધ છે. પણ વાંચવાની ફુરસદ કોની પાસે છે?

અગાઉ આ કટારમાં જ લખાઈ ગયું છે સવિસ્તર એમ હરિપુરા અધિવેશન પછી હિંસા-અહિંસાના મુદ્દે ગાંધીજી અને સુભાષબાબુના રાહ જુદા પડયા. પણ એ ઉંચા ગજાના દેશભક્તો મતભેદ ખાતર મનભેદ કરતા નહોતા. ૧૯૪૪માં ગાંધીજીને 'ફાધર ઓફ ધ નેશન' રંગૂન (મ્યાનમાર)થી સંબોધન કરીને એ બિરૂદ કાયમી બનાવનાર સુભાષબાબુ હતા, એ વાત ગાંધીજીને સતત ભાંડયા કરતા કહેવાતા ઈતિહાસવિદો સિફતથી ગુપચાવી જાય છે. આઝાદ હિન્દ ફોજની એક બ્રિગેડનું નામ જ ગાંધીજી પરથી હતું! સુભાષ બાબુએ જે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી) બનાવી, એમાં બ્રિગેડોના નામ સન્માન આપવા માટે ગાંધી અને નહેરૂના નામ પરથી પણ હતા! હવેની જનરેશન તો એ ય ભૂલી ગઈ છે કે યુરોપમાં રહેતા ત્યારે સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ગાઢ સંપર્કમાં હોઈને - વિઠ્ઠલભાઈનું અમુક ફંડ સુભાષબાબુને મળેલું, અને એ મામલે કોર્ટકેસને લીધે સુભાષબાબુ અને સરદાર વચ્ચે વધુ ખટરાગ થયેલો, ગાંધી અને સુભાષ કરતા!

એટલે એક લેખમાં બધો ઈતિહાસ ન સમાય એ તકાદાને ધ્યાનમાં લઈને અત્યાર પૂરતું ફોક્સ એ દાવા પર આપીએ કે ભારતને અંગ્રેજોએ આઝાદી તો સુભાષબાબુની આઝાદ હિન્દ ફોજને લીધે આપેલી, ગાંધીજીની લડત તો સાવ નિષ્ફળ હતી. મુંબઈના નાવિકો યાને નેવીના સૈનિકોએ બ્રિટિશરાજ સામે બળવો પોકાર્યો એને લીધે ગભરાઈને અંગ્રેજો ભાગ્યા, નહિ કે ગાંધીજીની ક્વિટ ઈન્ડિયાની ચળવળને લીધે.

૧૯૫૫-૫૬માં ભારત યાત્રાએ આવેલા અને ભારતની આઝાદી સમયે બ્રિટિશ વડાપ્રધાન રહેલા ક્લેમેન્ટ એટલીએ કલકત્તા ખાતે બંગાળના રાજ્યપાલ ચક્રવર્તીને કહ્યું કે ભારતની આઝાદી તો નૌકાદળના બળવાને લીધે આપવી પડી, એમાં ગાંધીજીનું યોગદાન તો નગણ્ય (મિનિમલ) છે.

આ બેઉ ફાકોડી ફુગ્ગા એકસાથે ફોડવા માટે ચાલો, હકીકતમાં ડૂબકી મારવા.

આ જૂઠની શરૂઆત ક્યાંથી થઈ એનું ઉત્ખનન કરો તો પેલા ઉગ્ર ભાષામાં ટીવી પર દલીલો કરતાં ગંદી ગાળો પણ બોલવા લાગે છે એવા અલ્ટ્રા એકસ્ટ્રીમ ટાઇપ રિટાયર્ડ કર્નલ જી.ડી. બક્ષીની કિતાબ છે 'બોઝ ઃ એન ઈન્ડિયન સમુરાઈ.' એમાં એવું લખાયું છે કે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગર્વનર જસ્ટીસ પી.બી. ચક્રવર્તી સાથે ખાનગી (અને કેઝ્યુઅલ, કોઈ ઓફિશ્યલ નહિ, જમતા જમતા ચિટચેટ થાય એવી) વાતચીતમાં અર્લ (એટલીને લોર્ડનો ખિતાબ નહોતા મળ્યો, એટલે અર્લ લખાય!) ક્લેમેન્ટ એટલીએ ગાંધીને ક્રેડિટ ન આપી, અને સુભાષચંદ્ર બોઝને આપી.

કોમન સેન્સની વાત તો એ છે કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ભારત નામના એમના 'જ્વેલ ઈન ધ ક્રાઉન' કહેવાતા દેશને આઝાદ કરાવવાની ક્રેડિટ આપે કે ન આપે એનું મહત્વ નથી. કુટિલ અંગ્રેજો આમ પણ ચાલાકીથી કૂકરીઓ ગાંડી કરી ભાગલા પડાવવા વિખ્યાત હોય અને અંદરખાનેથી ગાંધીજીની ગોળમેજી પરિષદ સમયની ઈંગ્લેન્ડની જ લોકપ્રિયતાથી બળી અને છળી મર્યા હોય ત્યારે ખાસ. બીજું એ કે આ વાતનો કોઈ અધિકૃત ઓફિશ્યલ રેકોર્ડ જ નથી. મીન્સ, આ કહેવાયેલી સંભળાયેલી વાત છે. કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. ઓપિનયન તો એટલીના જ નહિ, જગતના બધા માણસોના પર્સનલ હોય. એ કોઈ બ્રિટિશ સરકારનું ફેકચ્યુઅલ સ્ટેટમેન્ટ નથી. ડોનાલ્ડ ટ્રમ્પને સ્વામી વિવેકાનંદ ને સચિન તેડુંલકર સરખું બોલતા ન આવડે એટલે કંઈ અમેરિકન સરકારના ઓફિશ્યલ ઉચ્ચાર ન થઈ જાય!

વેલ, તો જી.ડી. બક્ષીએ આ મમરાને માઈક્રોસ્કોપમાં મુકીને માઉન્ટન કેવી રીતે બનાવ્યો? સોર્સ હતો રંજન બોરાએ ધ જર્નલ ઓફ હિસ્ટોરિકલ રિવ્યૂના અમેરિકન પ્રકાશનના ત્રીજા વોલ્યુમમાં ૧૯૮૨માં લખેલો લેખ ઃ 'ધ - સુભાષ બોઝ, ધ આઈએમએ એન્ડ ધ વોર ઓફ ઈન્ડિયન લિબરેશન.' એમાં આ છેડો વળી લંબાઈને બંગાળના સુખ્યાત ઇતિહાસકાર ને લેખક આર.સી. મજુમદાર સુધી જાય છે. હિસ્ટ્રીના સ્કોલર ગણાતા મજુમદારને આમ પણ ગાંધીજીની અહિંસક ચળવળો વ્યક્તિગત રીતે ગમતી નહિ. હોય એ તો. ઘણાં વિદ્વાનોને બધાનું બધું ન ગમે. પણ આ વાત કંઈ મજુમદારે એમની આદત મુજબ આધારપુરાવા સહિતના ઈતિહાસ તરીકે લખી નથી. તો પછી કેમ આવી?

એકમાંથી બીજી ને બીજામાંથી ત્રીજી એમ લિંક ખુલે એમ આ સસ્પેન્સના સગડ પકડો તો ખ્યાલ આવે કે રંજન બોરાએ સંદર્ભ એ લીધો કે જસ્ટિસ પી.બી. ચક્રવર્તીએ આર.સી. મજુમદારની બુક વાંચી, જેનું નામ હતું 'બાંગ્લા દેશેર ઈતિહાસ' અર્થાત હિસ્ટ્રી ઓફ બંગાળ. એ વાંચી લેખકને નહિ, પ્રકાશકને એમણે પત્ર લખ્યો ને પોતે રાજ્યપાલ હતા ત્યારે એટલીને મળેલા અને પૂછેલું કે હિંદ છોડો આંદોલન ૧૯૪૫માં સમેટાઈ ગયું (અને બીજું વિશ્વયુદ્ધ પણ) તો ઉતાવળે અંગ્રેજોએ ઉચાળા કેમ ભર્યા? તો જવાબમાં એટલીએ સુભાષબાબુની અસર તળે સૈનિકોમાં વિદ્રોહની ભાવનાને પ્રમુખ કારણ બતાવ્યું, અને ગાંધીનો રોલ આઝાદીમાં નગણ્ય બતાવ્યો. ગાંધીજીની અહિંસા બાબતે મજુમદારે પ્રસ્તાવનામાં રિમાર્ક કરેલા એ વાંચી ખુશ થયેલા ચક્રવર્તીએ પૂરક માહિતી લખી. આમે ય બંગાળી પ્રજા (અનલાઇક ગુજરાત) જબ્બર અસ્મિતાવાદી. બંગાળીને ક્રેડિટ મળે, ગુજરાતી કરતા એ ત્યારે ને અત્યારે પણ એમને ગમે. જસ્ટીસ ચક્રવર્તીના પત્રનો સંક્ષિપ્ત ઉલ્લેખ ૧૯૭૮માં આર.સી. મજુમદારની આત્મકથા 'જીબાનેર સ્મૃતિદીપ' (મારા જીવનસ્મરણોનો દીવો)માં છેલ્લે પૂરવણી ઉર્ફે એપેન્ડીક્સ કહેવાય એમાં છે.

તો જી.ડી. બક્ષીએ રંજન બોરાનો આધાર લીધો, રંજન બોરાએ મજુમદારની બૂક બાબતે લેખક નહિ, પણ પ્રકાશકને છપાયેલા જસ્ટીસ ચક્રવર્તીના પત્રનો અને એક વ્યક્તિ ચક્રવર્તીએ પબ્લિક નહિ પણ પ્રાઈવેટ વાતચીતના નામે ભારતને ગુલામ રાખનાર બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રાજકારણી એટલીનો. કોઈ નક્કર સાઇટેશન નહિ. કેવળ અભિપ્રાયોની રમત! એ પત્રમાં લોર્ડ એટલી લખાયું, એ પણ આગળ જોયું એમ ખોટું છે. અર્લ જોઈએ. વળી ચક્રવર્તીએ હું રાજ્યપાલ હતો ત્યારે એમ લખ્યું છે પણ એટલીની મુલાકાતનો સમય જોઈએ તો બંગાળના રાજ્યપાલ હરેન્દ્રકુમાર મુખર્જીનું મૃત્યુ ૭ ઓગસ્ટ, ૧૯૫૬માં થયેલું. અને પછીના રાજ્યપાલ પદમજી નાયડુએ કાર્યભાર ૭ ઓગસ્ટ ૧૯૫૬માં સંભાળ્યો. એટલે તત્કાલીન હાઈકોર્ટ ચીફ જસ્ટિસ પી.બી. ચક્રવર્તી રાજ્યપાલ નહિ, પણ હોદ્દાની રૂએ વચગાળાના કાર્યકારી ગર્વનર હશે. એમણે લખ્યું એમ રાજ ભવનમાં તો અઢી-ત્રણ મહિના એ રહેવા જાય નહિ, કે ત્યાં એટલી સાથે વાતો થાય.

એની વે, માનો કે ગયા. પણ એ પત્ર ચક્રવર્તી સાહેબે લખ્યો ૩૦ માર્ચ ૧૯૭૬ના રોજ. એ ઘટનાના ૨૦ વર્ષ બાદ અને ક્લેમેન્ટ એટલીના મૃત્યુના ૯ વર્ષ બાદ. એટલે એ વાતની ખરાઈ કે પુષ્ટિ કરવા એટલી તો જીવંત નહોતા. માત્ર વર્ષો જૂની સાંભળેલી વાતો કોઈ ઐતિહાસિક આધાર ન ગણાય, અવસ્થાને લીધે યાદશક્તિ પણ જાય. સંસ્મરણ સીધું સત્ય ન બને.

તો ઓલરેડી નેટીઝનોમાં જામેલી ચર્ચામાં ય આ મુદ્દા તો ઉઠાવાઈ ચૂક્યા છે કે, વયોવૃદ્ધ એવા આયખાના આઠમા દાયકામાં ગાંધીજીના જાણીતા ટીકાકાર મજુમદારે આ પત્રની વિગતો ઈતિહાસના એમના ગ્રંથમાં નથી લખી. માત્ર આત્મકથામાં છેલ્લે મૂકી છે. પોતાના કોઈ જ જજમેન્ટ કે એનાલિસિસ વિના.

 નેચરલી, આધાર વગર ઈતિહાસકાર ભૂલ ના કરે સાંભળેલી વાતોને સત્તાવાર સ્ટેન્ડ ગણાવવાની. એટલે જી.ડી. બક્ષી અને એમને ઉંધુ ઘાલી વાંચી જનારા માનસિક ઝંડાધારીઓને જે મહાન - વાતચીત લાગી, એનો કોઈ ઓથેન્ટિસિટી જ નથી. અને એટલીનો આવો સ્ટ્રોંગ ઓપિનિયન જો ફેક્ટબેઝડ હતો તો ૧૯૬૭ સુધી એ જીવ્યા, ત્યાં સુધી એક પણ સ્પીચ કે લખાણમાં અછડતું પણ કેમ ન બોલ્યા? એમને ઈંગ્લેન્ડમાં વળી ગાંધીજીની ટીકા કરતા નિવૃત્ત જીવનમાં કોણ રોકે? અર્થાત કાં એટલી આવું માનતા નહોતા, અને કાં સમજતા હતા કે આ વ્યક્તિગત પૂર્વગ્રહ સત્યો સામે ટકી ન શકે, એટલે જાહેરમાં ન મુકાય.

તો આ એટલીએ ગાંધીજીની કરપીણ હત્યા બાબતે સત્તાવાર શું કહેલું એમના વિશે? સારાંશ વાંચો ઃ ''અલૌકિક આત્મા ધરાવતા સંત (ગાંધીજી) ભારતના સર્વોત્તમ નાગરિક હતા. મહાત્માના નામે ઓળખાતા આ મહાપુરૂષ આજે વિશ્વની મહાન વિભૂતિ ગણાય, પણ છતાં ય લાગે છે કે એ કોઈ અલગ જ જગતના ઓલિયા છે. એમની અસર એમના ધર્મના અનુયાયીઓ કે એમના દેશ પૂરતી જ નથી રહી. છેલ્લાં ૨૫ વર્ષમાં ભારતને લગતી કોઈ પણ વાતમાં ગાંધી મહત્વનું પરિબળ હતા. એ ભારતીય પ્રજાની આઝાદીની આકાંક્ષા અને અભિવ્યક્તિના પ્રતીક બની રહ્યા. પણ એ કેવળ રાષ્ટ્રવાદી નહોતા. એમનો સૌથી વિશિષ્ટ અભિગમ તો 'નોન વાયોલન્સ' યાને અહિંસા હતી. શાંત પણ મક્કમ અસહકારથી એ એમને ખોટી લાગતી શક્તિઓ સામે લડતા રહ્યા. એ બાબતે એમની નિષ્ઠા અને સમર્પણનો જોટો જડે એમ નથી. (બિયોન્ડ ઓલ ડાઉટ!) ખૂનીના હાથે શાંતિ અને બંધુત્વના અવાજને મૌન કરી દીધો, પણ હું ચોક્કસ માનું છું કે એમના દેશવાસીઓમાં એમનો આત્મા અમર છે.''

બોલો, એટલીના આ સત્તાવાર વિચારો એ ખુદ બ્રિટિશ વડાપ્રધાન હતા ત્યારે ગુજરી ગયેલા ગાંધીજી વિશે હતા. અને ભારત સરકારે જે લાખેણું કામ કરીને નિઃશુલ્ક ગાંધી હેરિટેજ પોર્ટલ બનાવ્યું છે, એમાં જ આ ઓનલાઇન ઉપલબ્ધ છે અત્યારે પણ! તો પછી પેલા ડોશી ઓટલા જેવી વાતો માનવાની ગાંધીની ભૂમિકા અને મહત્વ બાબતે કે આ નક્કર સત્તાવાર પુરાવા માનવાના?

વાત આટલેથી અટકી શકે એમ છે, પણ આપણે ગપ્પેડી અપપ્રચારે કરેલા ખોપરીના ખાડાઓ પર પાક્કો સિમેન્ટ ભરી દઈએ. અગાઉ પણ લખેલું એમ ભારતની આઝાદીની ચર્ચા કે વિચારણા કંઈ નૌકાદળના મુંબઈમાં ફાટી નીકળેલા બળવા પછી શરૂ નથી થઈ. ૧૯૨૯માં મોતીલાલ નહેરૂના ડ્રાફ્ટમાં જ સ્વતંત્ર ભારતનો મુસદ્દો હતો. પછી રાઉન્ડટેબલ કોન્ફરન્સ પણ એ હેતુથી જે પ્રચંડ જનસમર્થન એકલે હાથે મેળવ્યું, એ વખતે શરૂ થયેલી પ્રક્રિયામાં હિટલર કે બીજું વિશ્વયુદ્ધ દૂરસુદૂર ક્યાંય નહોતા.

એકચ્યુઅલી, થોડોક સરખો ઈતિહાસ ભણ્યા હોય ને મોબાઈલમાં બીજાને ટ્રોલ કરવામાં ટાઈમપાસ ન કરતા હોય એને ય ખબર હશે કે બ્રિટનના બે મુખ્ય પક્ષોમાં કર્ન્ઝવેટિવ પાર્ટીના ચર્ચિલ ભારતને સ્વતંત્રતા આપવાની વિરૂદ્ધમાં હતા, અને લેબર પાર્ટીના એટલી આપણી આઝાદીની ફેવરમાં હતા. ૧૯૪૫માં લેબર પાર્ટીના ઈલેકશન મેનિફ્રેસ્ટો (એ ય નેટ પર જોવા મળશે)માં જ લખેલું હતું કે જીતીશું તો ભારતને 'સેલ્ફ ગવર્નમેન્ટ' મળશે. ૨૩ મે ૧૯૪૫ની બ્લેકપુલ કોન્ફરન્સમાં એટલીએ આ બાબતનો જાહેર ભાષણમાં પુનરોચ્ચાર કર્યો, એ વિગતે આર.સી. મજુમદારે જ 'હિસ્ટ્રી ઓફ ફ્રીડમ મૂવમેન્ટ ઈન ઈન્ડિયા, ૧૯૬૩ એડિશનના ત્રીજા ભાગના ૭૪૩ નંબરના પાને લખ્યું છે! એટલીએ પોતે વડાપ્રધાન હતા અને ભારત આઝાદ થયું એને પણ 'ફાઈનેસ્ટ એચિવમેન્ટ' ગણાવી હતી. ૧૯૫૦માં બ્રિટનની ચૂંટણી વખતના ઢંઢેરામાં ત્યાંના વિપક્ષ એવી ચર્ચિલની પાર્ટી પર ચૂટકી લેતા વિશ્વયુદ્ધ બાબતે પ્રહારો કરી ભારતની પ્રજાને આઝાદી આપવામાં કરેલી 'ઢીલ'નો ય ઉલ્લેખ કરેલો.'

લો બોલો, સુભાષબાબુના રહસ્યમય મોત કે આઈએનએથી પ્રેરિત ગણાતા પેલા નૌકાદળના બળવા પહેલા જ તખ્તો તો તૈયાર એટલીએ કરેલો ભારતની આઝાદીનો! આઝાદ હિન્દ ફોજ પર ભારતના લીગલ કેસીઝની તવારીખમાં યાદગાર એવો ખટલો ચાલેલો આઈએનએ ટ્રાયલ્સ નામે. જેનું સરસ ફિલ્માંકન તિગ્માંશુ ધુલિયા (માનસિંહ તોમર)ની ફિલ્મ 'રાગ દેશ'માં હતું. પણ બોયકોટ બોયકોટ રમતા લુખ્ખાઓ પૈસા ખર્ચી જ્ઞાાન ને દેશભક્તિની આવી ફિલ્મો જોવા નહોતા જતા એટલે પ્રેક્ષકોના અભાવે ફિલ્મ લિમિટેડ રિલિઝમાં પણ તરત જ ઉતરી ગયેલી!

મૂળ બ્રિટિશ સૈન્ય (જેમાં ય ભારતવાસીઓ જ હતા) સામે સુભાષબાબુની આઝાદ હિન્દ ફોજ હારેલી ને સેંકડો સરફરોશ દેશપ્રેમીઓ કેદ પકડાયેલા. જોશમાં અવ્વલ સુભાષબાબુ પાસે આર્મીની પ્રોપર ટ્રેનિંગનો કોઈ અંગત અનુભવ ને સમય નહોતો. આઈ.એન.એ. (ઇન્ડયન નેશનલ આર્મી) જીતી હોત તો ય ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાત, કારણ કે તો સુભાષબાબુએ ગઠબંધન કર્યું એ જર્મની-જાપાન પણ જીતી જાત. એ વિસ્તારવાદી જાપાન અને હિટલર શું ભારતને હોંશે હોંશે આઝાદ કરત જે ફ્રાન્સ કે રશિયાને ગુલામ બનાવવા નીકળેલા? એ બાબતે હિટલર સાથે ન ભળવાની ને બ્રિટિશરો (મિત્ર રાજ્યો) પડખે રહેવાની ગાંધીજીની દૂરંદેશી સાચી હતી. સાવરકરે પણ એ જ સ્ટેન્ડ વધુ જોરથી લીધું હતું, બ્રિટિશરોની ફેવરમાં.

તો આઈ.એન.એ.ના ત્રણ જવાંમર્દો કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરૂબક્ષસિંહ ધિલ્લો અને મેજર જનરલ શાહનવાઝ ખાન (શાહરૂખખાનની મમ્મીને જેમણે દત્તક લીધેલી એ!) પર લાલ કિલ્લામાં આદત મુજબ અંગ્રેજોએ 'રાષ્ટ્રદ્રોહ'ના નામે ફાંસીનો કેસ ચલાવેલો. એના બચાવમાં જવાહરલાલ નહેરૂના પ્રયત્નોથી ગુજરાતી વકીલ ભૂલાભાઈ દેસાઈ ઉતરેલા અને નવેમ્બર ૧૯૪૫થી મે ૧૯૪૬ સુધી એ ચાલેલું જેમાં ભૂલાભાઈ જીતી ગયા હતા. આ આડવાત એટલે કરી કે નૌકાદળના બળવા વખતે તો આઝાદ હિન્દ ફોજ કે સુભાષબાબુ પ્રેકટિકલી હતા પણ નહિ ટાઇમલાઇનની રીતે.

પણ ભારતની આઝાદીની સ્ક્રિપ્ટ તો આમે ય બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઘડાતી હતી, એટલે જ એને વજન દેવા ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન ૧૯૪૨માં શરૂ કરાવ્યું. ખુદ બ્રિટનના તત્કાલીન રાજા કિંગ જ્યોર્જ છઠ્ઠા (એલિઝાબેથના પિતા)એ જુલાઈ ૧૯૪૨ના એક મંગળવારે તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો એમાં યુદ્ધની સમાપ્તિ પછી ભારતને આઝાદ કરવા અંગેની ચર્ચાનો ઉલ્લેખ છે. (સંદર્ભ ઃ ટ્રાન્સફર ઓફ પાવર ડોક્યુમેન્ટસ ભાગ છઠ્ઠો, પાનું ૧૦૫૫)

અને હવે ક્લાઈમેક્સ ૧૯૪૬માં નૌકાદળનો 'બળવો' (ખરેખર તો આપણી ક્રાંતિનો સંગ્રામ શરૂ થયો, ત્યારે જ ત્યારે ભારતમાં વાઈસરોય રહેલા વિસ્કાઉન્ટ વેવેલે ત્યારે વડાપ્રધાન બનેલા એટલીને ઈંગ્લેન્ડ તાર કરેલો. ૨૪ ફેબુ્રઆરી ૧૯૪૬ની સાંજે ૪.૫૦ના થયેલો તાર ઈંગ્લેન્ડનો સમય વહેલા હોય એમ લંડન ખાતે ડિલિવર થયેલો. જેમાં વાઈસરોય વેવેલે સ્પષ્ટ લખ્યું છે કે પાછલા સપ્ટેમ્બરથી કોંગ્રેસના (સરદાર, મુખ્ય એમાં) નેતાઓના ભાષણોને લીધે નૌકાદળના સૈનિકોએ ભડકીને મુંબઈમાં 'બગાવત' કરી છે! ત્યારના બ્રિટનના હાથમાં રહેલ ગૃહખાતાનો આંતરિક (ને હવે પબ્લિક) રિપોર્ટ, અને પંજાબ સીઆઈડી રિપોર્ટ પણ કોંગ્રેસના નેતાઓના આઝાદી માટેના પ્રવચનો જ નૌકાદળના બળવા માટે કારણભૂત ગણાવે છે! (કશું કલાસિફાઈડ નથી. વાંચવા માટે પબ્લિક ડોમેઈનમાં છે!) ૧૯૪૬માં એટલીએ વળી બ્રિટિશ રાજ સામે ભારતમાં સામ્યવાદીઓએ કરેલા પ્રચારની વાત છે. પણ આઝાદ હિન્દ ફોજ કે સુભાષબાબુનો ઉલ્લેખ ૨૩ ફેબુ્રઆરી ૧૯૪૬ના સાન બર્નાન્ડિનો સન ન્યુઝપેપરમાં નથી.

ઈનફેક્ટ, છેલ્લો ધણનો ધા એ છે કે ૧૮ ફેબુ્રઆરીએ નૌકાદળનો મુક્તિસંગ્રામ શરૂ થયો ભારતમાં અને ૧૯ ફેબુ્રઆરીએ બ્રિટનની સંસદમાં ભારતની આઝાદીની મંત્રણા માટે કેબિનેટ મિશન મોકલવાની દરખાસ્ત મંજૂર થઈ એ તો કેબિનેટમાં ૨૨ જાન્યુઆરી ૧૯૪૬માં જ નક્કી થઈ ગયેલું, તો પછી ફક્ત નૌકાદળના બળવાને લીધે જ અંગ્રેજોએ ગભરાઈને આઝાદી આપી દીધી એ અક્કલના અભણ અધૂરિયાઓ કહી શકે!

ફાઈનલી, ભારતની આઝાદી વખતે આવેલા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનનો અભિપ્રાય જે ભારત સરકારના જ કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીના ૯૪મા ભાગના ૨૦૯માં પેજ પર છે. ''મહાત્મા ગાંધીની અહિંસા જીતી છે. અમે નક્કી કર્યું છે કે અહિંસક અસહકારને લીધે ભારત છોડી જઈશું!''

બોલો, હવે કંઈ? ભારતની આઝાદી માટે અનેક બલિદાનોની મહેનત છે. એકલા ગાંધીજીએ એનો જશ લીધો ય નથી. અને સુભાષબાબુ ને ગાંધીજીને સામસામા ટકરાવવાની વાત જ તદ્દન વાહિયાત છે. બેઉ સાચા ભારતપ્રેમી હતા, બેઉ ઉગ્ર કટ્ટરવાદ અને હિન્દુ મહાસભાની ગોડસેબ્રાન્ડ એટીટયુડના જાહેર વિરોધી એવા વૈશ્વિક નાગરિક હતા. બેઉએ જીવ આપણા ભવિષ્ય માટે આપ્યો અને ઈતિહાસમાં સ્વદેશના સપૂત તરીકે અમર બન્યા. વોટ્સએપ વિશ્વ વિદ્યાલયના ફોરવર્ડિયા ફોલ્ડર્સ, સમજ મેં આયા, યા ઔર સમજાઉં?

ફાસ્ટ ફોરવર્ડ

''ભારત દેશની સેવા માટે મહાત્મા ગાંધીજીનું યોગદાન એટલું તો અદભુત અને અજોડ છે કે દેશના ઇતિહાસમાં હંમેશ માટે એમનું નામ સુવર્ણ અક્ષરે રહેશે.''

(૧૯૪૩માં બર્લિન, જર્મની ખાતેથી આઝાદ હિંદ રેડિયો પર ગાંધીજીના જન્મદિવસે સુભાષબાબુ) ''બોઝ તો દેશભક્તોમાં ય સવાયો દેશભક્ત છે. હું એને મારા દીકરા સમાન માનું છું.''

(પત્રકાર લૂઈ ફિશરને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપેલા ઇન્ટરવ્યુમાં ગાંધીજી)


Gujarat